You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
5G લૉન્ચ: ભારતનાં આઠ શહેરમાં સેવા શરૂ, 5G સેવાનો શો ફાયદો થશે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશમાં 5જી મોબાઇલ સેવાનું ઔપચારિક લૉન્ચિંગ કર્યું. વડા પ્રધાન મોદી દ્વારા 5G લૉન્ચ કર્યા બાદ શનિવારથી જ દેશનાં આઠ શહેરમાં 5G સેવા શરૂ થઈ ગઈ છે.
આગામી વર્ષ સુધીમાં આ સેવાને સમગ્ર દેશમાં વિસ્તારવાની યોજના છે. નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત 'ઇન્ડિયા મોબાઇલ કૉંગ્રેસ 2022' નામના કાર્યક્રમમાં આ સેવાની શરૂઆત કરી હતી. આ સાથે 5G સેવાથી દેશમાં અલ્ટ્રા-હાઇ-સ્પીડ ઇન્ટરનેટનો માર્ગ ખૂલી જશે.
ઔપચારિક ઉદ્ઘાટન પછી એરટેલના ચૅરમૅન સુનીલ મિત્તલે તેમની કંપનીની 5G સેવા શરૂ કરવાનું એલાન કર્યું. મિત્તલે શનિવાર (1 ઑક્ટોબર)થી આઠ શહેરમાં 5G સેવા શરૂ કરવાની માહિતી આપી હતી.
જે આઠ શહેરમાં 5G સેવા શરૂ થશે તેમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, વારાણસીનો સમાવેશ થાય છે.
કંપનીના અધિકારીઓનું કહેવું છે કે એરટેલ માર્ચ 2024 સુધીમાં દેશના દરેક ખૂણે 5G સેવા પહોંચાડશે.
પોતાની કંપનીની 5G સેવા શરૂ કરતાં સુનીલ મિત્તલે કહ્યું, "એક સમય એવો હતો જ્યારે તેમને બિલકુલ આશા નહોતી કે આ દેશમાં ક્યારેય મૅન્યુફ્રૅક્ચરિંગ થઈ શકશે. પરંતુ મૅક ઇન ઇન્ડિયાએ દેશને મૅન્યુફૅક્ચરિંગ હબ બનાવ્યો છે."
'ભારતે 5G સેવા શરૂ કરવામાં મોડું કર્યું'
બિરલા ગ્રૂપના ચૅરમૅન કુમાર મંગલમ બિરલાએ કહ્યું કે 5G યુગમાં પ્રવેશવાની સાથે આધુનિક ટેકનૉલૉજીના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે.
તેમણે કહ્યું, "આગામી દિવસોમાં અમે ધીમેધીમે 4Gથી 5G સેવામાં આગળ વધીશું અને 5G નેટવર્ક ગ્રામીણ ભારતમાં પણ પહોંચશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિલાયન્સ ગ્રૂપના ચૅરમૅન મુકેશ અંબાણી અને તેમના પુત્ર આકાશ અંબાણી પણ લૉન્ચિંગ સમયે હાજર રહ્યા હતા.
આકાશ અંબાણી રિલાયન્સ જિયોના ચીફ છે. જોકે રિલાયન્સ જિયોએ એ નથી જણાવ્યું કે કંપની તેની 5G સર્વિસ ક્યારે શરૂ કરશે. પરંતુ મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતે 5G સેવા શરૂ કરવામાં મોડું કર્યું છે.
અંબાણીએ કહ્યું કે તેમની કંપની ડિસેમ્બર 2023 સુધીમાં દેશના દરેક ખૂણે 5G સેવા શરૂ કરશે. આનો અર્થ એ થયો કે રિલાયન્સની 5G સેવા એરટેલથી પહેલાં વધુ લોકો સુધી પહોંચી શકે છે.
અંબાણીએ કહ્યું કે જિયોનો 5G પ્લાન વિશ્વનો સૌથી સસ્તો પ્લાન હશે. રિલાયન્સે અગાઉ જાહેરાત કરી હતી કે તે દિવાળી સુધીમાં તેની 5G સેવા શરૂ કરશે. વોડાફોન આઇડિયાએ પણ ટૂંક સમયમાં તેની 5G સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે.
5G સેવાનો શો ફાયદો થશે?
- 5G સેવા શરૂ થયા બાદ દેશમાં ઇન્ટરનેટની સ્પીડ દસ ગણી વધી જશે
- ઑટોમેશનને વેગ મળશે અને ઈ-મેડિસિન, શિક્ષણ, ગ્રામીણ ક્ષેત્ર અને કૃષિને વધુ પ્રોત્સાહન મળશે
- ઈન્ટરનેટ ઑફ થિંગ્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબૉટિક્સ ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે. દેશમાં ઈ-ગવર્નન્સનો વ્યાપ નોંધપાત્ર રીતે વધશે
- 5G ટેકનૉલૉજી હેલ્થકેર, વર્ચ્યુઅલ રિયાલિટી, ક્લાઉડ ગેમિંગ માટે નવા રસ્તાઓ ખોલી શકે છે
- આ સાથે ડ્રાઇવર વિનાની કારનું સપનું પણ સાકાર થઈ શકે છે
- તેમાં 4G કરતાં 10થી 20 ગણી ઝડપી ડેટા ડાઉનલોડ સ્પીડ હશે
5Gની દેશમાં કિંમત શું હશે, આ એ બાબત પર નિર્ભર કરે છે કે સ્પેક્ટ્રમની હરાજીમાં કંપનીઓ કેટલા પૈસા ખર્ચ કરે છે. પરંતુ ભારતમાં ટેલિકૉમ કંપનીઓ વચ્ચે સ્પર્ધા બહુ ઓછી છે.
આથી બની શકે કે જે કંપનીનું વર્ચસ્વ હોય એ પોતાની કિંમત વધુ રાખે.
પરંતુ 5G આવ્યા બાદ 4G અને 3Gની સેવાઓ ખતમ નહીં થાય, એ સમાંતર ચાલતી રહેશે.
દુનિયાના જે વિસ્તારોમાં 5G લૉન્ચ કરાઈ રહી છે ત્યાં એ જોવા મળ્યું છે કે 5G મોબાઇલ નેટવર્કનું ઇન્ફ્રાસ્ટ્રચર અલગ છે. 4G (એલટીઈ) અને 3G નેટવર્કથી અલગ ઉચ્ચે બૅન્ડવિડ્થ અને ઝડપી નવી રેડિયો તકનીક અને એક અલગ નેટવર્કની જરૂર પડશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો