You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માનને જર્મનીમાં પ્લેનમાંથી 'ઉતારી' દેવાયા?
પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન જર્મનીથી પરત ફરતી જે ફ્લાઇટમાં આવવના હતા તે છેલ્લી ઘડીએ રિશેડ્યૂલ એટલે કે તેના સમયમાં ફેરફાર થતાં વિવાદ થયો છે.
રાજ્યના વિપક્ષના નેતા પ્રતાપસિંહ બાજવાએ કેન્દ્ર સરકારને આ મામલે તપાસ કરવાની માગ કરી છે. જોકે, ઍરલાઈન ઑપરેટિંગ કંપની લુફ્થાન્સાએ કહ્યું છે કે ઍરક્રાફ્ટ બદલવાના કારણે ફ્લાઇટ મોડી પડી હતી.
વિવાદ કેવી રીતે શરૂ થયો?
મુખ્ય મંત્રી ભગવંત માન 11થી 18 સપ્ટેમ્બર સુધી જર્મનીના પ્રવાસે ગયા હતા, જ્યાંથી તેઓ રવિવારે મોડી રાત્રે પરત ફર્યા હતા. પરંતુ તેની વાપસી પહેલાં જ વિવાદ થયો હતો.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્રૅન્કફર્ટથી તેઓ દિલ્હી આવવાના હતા પણ તેમાંથી તેમને ઉતારી દેવામાં આવ્યા. ત્યાર બાદ તેમણે રવિવારે બીજી ફ્લાઇટ પકડી.
જોકે, પંજાબ સરકારના અધિકારીઓએ આ દાવાઓને ફગાવી દીધા છે અને કહ્યું છે કે ભગવંત માનની તબિયત સારી નથી. આથી તેમણે પોતે ફ્લાઇટ ન લીધી અને બાદમાં આવવાનો નિર્ણય કર્યો.
આમ આદમી પાર્ટીના મીડિયા કૉમ્યુનિકેશન વિભાગના વડા ચંદર સુતા ડોગરાએ જણાવ્યું હતું કે, "મુખ્ય મંત્રીની તબિયત સારી ન હતી. આથી તેમણે ભારત પરત ફરવા માટે ફ્રૅન્કફર્ટથી બીજી ફ્લાઇટ લીધી."
જે ફ્લાઇટમાંથી ભગવંત માન દિલ્હી પરત ફરવાના હતા તેની સંચાલક કંપની લુફ્થાન્સાએ પણ ટ્વીટ કર્યું હતું કે ઍરક્રાફ્ટ બદલવાના કારણે ફ્લાઇટ મોડી પડી હતી.
લુફ્થાન્સાએ ટ્વીટ કર્યું, "ફ્રૅન્કફર્ટથી દિલ્હીની અમારી ફ્લાઇટ સમયસર નહીં પણ મોડેથી ઊપડી હતી, આવું ઇનબાઉન્ડ ફ્લાઇટ અને વિમાન પરિવર્તનને લીધે થયું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અકાલી દળે કેન્દ્ર પાસે તપાસની માગ કરી
શિરોમણિ અકાલી દળે ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ પાસે આ મામલે સ્પષ્ટતા માગી છે.
કૉંગ્રેસના નેતા બાજવાએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પત્ર લખીને આ મામલે તપાસની માગ કરી છે.
બાજવાએ લખ્યું, "સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે ભગવંત માનને 17 સપ્ટેમ્બરે ફ્રૅન્કફર્ટ ઍરપૉર્ટ પર લુફ્થાન્સા વિમાનમાંથી ઉતારી દેવાયા હતા. તેઓ સારી સ્થિતિમાં નહોતા અને હવાઈ મુસાફરી માટે અનફિટ હતા. જો આ સાચું હોય તો ભગવંત માન જે પદ પર બેઠા છે તેની ગરિમાની વિરુદ્ધ છે. આથી આ મામલાની તપાસ થવી જોઈએ."
વિપક્ષનો આરોપ
- વિપક્ષનો આરોપ છે કે ભગવંત માનને 17 સપ્ટેમ્બરે ફ્રૅન્કફર્ટ ઍરપૉર્ટ પર લુફ્થાન્સાના વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા
- આરોપ છે કે ભગવંત માન નશામાં હતા, તેથી તેમને નીચે ઉતારી દેવાયા હતા
- લુફ્થાન્સા ઍરલાઇન્સે કહ્યું કે ઍરક્રાફ્ટ બદલવાને કારણે ફ્લાઇટમાં વિલંબ થયો હતો
- આમ આદમી પાર્ટીએ આ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે
- કૉંગ્રેસ નેતા બાજવાએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે તપાસની માગ કરી
સોશિયલ મીડિયામાં ચર્ચા
પંજાબની વિપક્ષી પાર્ટી શિરોમણિ અકાલી દળના પ્રમુખ સુખબીરસિંહ બાદલે ટ્વીટ કર્યું, "પંજાબના મુખ્ય મંત્રી ભગવંતસિંહ માન અંગે એક ચિંતાજનક અહેવાલ સામે આવી રહ્યો છે. તેમના સહયોગી મુસાફરના હવાલાથી કહેવામાં આવ્યું છે કે લુફ્થાન્સાની ફ્લાઇટમાંથી તેમને એટલે નીચે ઉતારી દેવાયા કે તેઓ એટલા નશામાં હતા કે ચાલી પણ શકતા નહોતા. તેઓ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ ન લઈ શક્યા. આ અહેવાલે સમગ્ર વિશ્વમાં પંજાબીઓની બદનામ કર્યા અને શરમમાં મૂક્યા છે."
અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું, "નવાઈની વાત એ છે કે ભગવંત માન વિશે આવી રહેલા આ અહેવાલ પર આમ આદમી પાર્ટીએ મૌન સેવ્યું છે. અરવિંદ કેજરીવાલે આગળ આવીને આ મામલે સ્પષ્ટતા આપવી જોઈએ. ભારત સરકારે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ, કારણ કે તે પંજાબીઓ અને દેશના સન્માનનો મુદ્દો છે."
દિલ્હી કૉંગ્રેસે પણ આ મામલે ટ્વીટ કરીને પંજાબના સીએમ પર આરોપ લગાવ્યો છે કે તેમને નશાના કારણે પ્લેનમાંથી ઉતારી દેવાયા.
આ આરોપોનો જવાબ આપતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા માલવિંદરસિંહ કાંગે એક પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું કે આ આરોપો પાયાવિહોણા અને ખોટા છે.
તેમણે કહ્યું, "મુખ્ય મંત્રી ભગવંત માન પરના આરોપો ખોટા અને પાયાવિહોણા છે. લોકો એ વાત પચાવી શકતા નથી કે મુખ્ય મંત્રી રાજ્યમાં રોકાણ વધારવા કામ કરી રહ્યા છે."
નશામાં હોવાના આ આરોપ પહેલાં પણ ભગવંત માન વિપક્ષના નિશાને રહ્યા છે.
જ્યારે ભગવંત માને દારૂ છોડવાની જાહેરાત કરી
વર્ષ 2016માં આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા હરિન્દરસિંહે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનને તેમની સીટ બદલવાની વિનંતી કરી હતી. તેમણે માન પર દારૂ પીને સંસદ સત્રમાં હાજરી આપવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે સ્પીકરને લખેલા પત્રમાં કહ્યું હતું કે "તેઓ ભગવંત માનની બાજુમાં બેસી શકે નહીં, કારણ કે તેમને દારૂની ગંધ આવે છે."
જાન્યુઆરી 2019માં બરનાલામાં એક રેલી દરમિયાન ભગવંત માને દારૂ છોડવાની જાહેરાત કરી હતી. તેમની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ આ નિર્ણયની પ્રશંસા કરી હતી.
રેલીમાં ભગવંત માને કહ્યું હતું કે, "મારા રાજકીય વિરોધીઓ વારંવાર મારા પર આરોપ લગાવે છે કે ભગવંત માન દિવસ-રાત ખૂબ દારૂ પીવે છે. હું સંમત છું કે હું થોડો દારૂ પીતો હતો, પણ હવે હું જાહેરમાં જાહેરાત કરું છું કે મેં દારૂ છોડી દીધો છે. આથી હવે કોઈ મારા પર આરોપ નહીં લગાવી શકે."
આ જાહેરાત બાદ અરવિંદ કેજરીવાલે ભગવંત માનનાં વખાણ કરતા કહ્યું, "દોસ્ત, ભગવંત માને મારું દિલ જીતી લીધું છે. માત્ર મારું જ નહીં, આખા પંજાબનું દિલ જીતી લીધું છે. દરેક નેતાએ તેમના જેવા થવું જોઈએ અને જનતા માટે કોઈ પણ પ્રકારના ત્યાગ માટે તૈયાર રહેવું જોઈએ."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો