You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : વિધાનસભાની ચૂંટણી પહેલાં યુવા કૉંગ્રેસના પૂર્વ વડા ભાજપમાં જોડાયા - પ્રેસ રિવ્યૂ
રાહુલ ગાંધીની ગુજરાતયાત્રાના બીજા દિવસે ગુજરાત યુવા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા છે.
ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ પ્રમાણે, વાઘેલાની સાથે યુવા કૉંગ્રેસના અનેક કાર્યકર્તા તથા નેતા પણ જોડાયા હતા.
પાર્ટીના મુખ્યાલય 'શ્રી કમલમ્' ખાતે ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા તથા ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટની હાજરીમાં વાઘેલા ઉપરાંત વિનય તોમર, નિકુલ મિસ્ત્રી તથા પાર્થ દેસાઈ સહિતના નેતા પાર્ટીમાં જોડાયા હતા.
વાઘેલાએ દાવો કર્યો હતો કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ તથા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા છે.
રવિવારે કૉંગ્રેસ છોડતી વેળાએ તેમણે કૉંગ્રેસ ઉપર કેટલાક આરોપ મૂક્યા હતા અને કહ્યું હતું કે યુવા કૉંગ્રેસના વડા તરીકે તેમણે પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વરિષ્ઠ નેતાઓએ તેમને પૂરતું પ્રોત્સાહન નહોતું આપ્યું.
આ સિવાય કૉંગ્રેસમાં જૂથવાદ પ્રવર્તમાન હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો હતો.
ગુજરાતમાં વરસાદની આગાહી
ભાદરવાની ગરમીથી પીડાતા ગુજરાતીઓને સપ્તાહના અંતભાગમાં આંશિક રાહત મળી શકે છે.
હવામાન ખાતાની આગાહીને ટાંકતા 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'નો અહેવાલ લખે છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમનું સર્જન થયું છે, જે પશ્ચિમ ભારતના રાજ્યો તરફ આગળ વધી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શુક્રવાર પછીથી વલસાડ, ડાંગ, નવસારી સહિત દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને અમદાવાદમાં વરસાદ પડી શકે છે.
સાયરસ અકસ્માત અંગે મર્સિડિઝની પ્રતિક્રિયા
કારનિર્માતા કંપની મર્સિડિઝે માર્ગઅકસ્માતમાં તાતા સન્સના પૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રીના નિધન ઉપર પોતાનું સત્તાવાર નિવેદન આપ્યું છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, મર્સિડિઝે પોતાના નિવેદનમાં કહ્યું છે :
"ગ્રાહકની પ્રાઇવસીનું સન્માન કરનાર જવાબદાર બ્રાન્ડ તરીકે અમારી ટીમ તપાસનીશ અધિકારીઓને મદદ કરી રહી છે અને જરૂર પડ્યે અમે પૂરતી માહિતી પૂરી પાડીશું."
કંપનીએ ઉમેર્યું હતું કે માર્ગઅકસ્માતમાં સાયરસ મિસ્ત્રી તથા જહાંગીર પંડોલેના અસમયના નિધન વિશે જાણીને તે દુખી છે.
કંપનીએ અનાહિતા પંડોલે તથા ડેરિયસ પંડોલેની તબિયતમાં સુધારાની પણ કામના કરી છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે જ્યારે અકસ્માત થયો ત્યારે સાઇરસ મિસ્ત્રી મર્સિડિઝની એસયુવી GLC 220D 4MATIC માં મુસાફરી કરી રહ્યા હતા.
ચીન : ભૂકંપ બાદ જનાક્રોશ
સોમવારે ચીનના ચેંગડુ પ્રાંતમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે નાગરિકોએ ઇમારતોના પરિસરમાંથી બહાર નીકળવા માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમને અટકાવવામાં આવ્યા હતા અને પરિસરના દરવાજે તાળાં હોવાનું પણ બહાર આવ્યું હતું.
આવા કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયા છે. જેની ઉપર ચર્ચા થઈ રહી છે.
એક વીડિયોમાં વ્યક્તિ ગાર્ડને એમ કહેતી સાંભળી શકાય છે કે 'ખોલો, જલદી ખોલો, આ ભૂકંપ છે.' જેના જવાબમાં ગાર્ડ કહે છે, 'ભૂકંપ જતો રહ્યો.'
ચીન દ્વારા 'ઝીરો કોવિડ પોલિસી' અપનાવવામાં આવી છે, જેના કારણે લૉકડાઉનના નિયમોનો કડકાઈ પૂર્વક અમલ કરાવવામાં આવે છે.
21 લાખ લોકોની વસતિ ધરાવતા ચેંગડુમાં ભૂકંપને કારણે 65 લોકોનાં મૃત્યુ થયા છે. જોકે પરિસરોમાં લૉકડાઉનના કડકાઈપૂર્વક અમલને કારણે મૃત્યુ થયા હોવાના કોઈ કિસ્સા બહાર નથી આવ્યા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો