You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્ષ 2022-23ના એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતની GDPમાં 13.5 ટકા વધારો નોંધાયો - પ્રેસ રિવ્યૂ
બુધવારે કેન્દ્ર સરકારે જાહેર કરેલ આંકડા અનુસાર 30 જૂનના રોજ પૂરા થતાં ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતની ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના દરમાં 13.5 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
નોંધનીય છે કે આ સમયગાળો વૈશ્વિક અર્થતંત્ર માટે ખૂબ આશાસ્પદ ન હતું, કારણ કે ઘણા દેશોનાં અર્થતંત્ર રશિયા-યુક્રેન યુદ્ધના કારણે અસર પામ્યાં હતાં.
જોકે, ગત વર્ષે ભારતનો આ જ સમયગાળા દરમિયાનનો જીડીપી વૃદ્ધિ દર 20.1 ટકા રહેવા પામ્યો હતો.
સમાચાર સંસ્થા ANIના એક અહેવાલ અનુસાર વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનું અર્થતંત્ર 36.85 લાખ કરોડ રૂપિયા રહેવા પામ્યું હતું. જ્યારે વર્ષ 2021-22માં આ જ સમયગાળા દરમિયાન અર્થતંત્ર 32.46 લાખ કરોડ રૂપિયા રહેવા પામ્યું હતું.
નોંધનીય છે કે આ પહેલાંના ત્રિમાસિક ગાળામાં જીડીપી 4.1 ટકાના દરે વધી હતી.
સોનિયા ગાંધીનાં માતા પાઓલો માઇનોનું નિધન, ઇટાલીમાં લીધા અંતિમ શ્વાસ
કૉંગ્રેસ નેતા જયરામ રમેશે બુધવાર સાંજે ટ્વીટ કરીને માહિતી આપી કે કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીનાં માતા પાઓલો માઇનોનું ગત શનિવારે ઇટાલીમાં નિધન થયું છે.
તેની સાથે જ કાલે એટલે કે મંગળવારે, 30 ઑગસ્ટે તેમની અંતિમક્રિયા કરવામાં આવી છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 23 ઑગસ્ટના પોતાનાં 90 વર્ષનાં માતાને જોવા ભારતથી ગયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આની સાથે જ કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પણ ઇટાલી પહોંચ્યાં હતાં.
ઝારખંડમાં સોરેન સરકારને તૂટવાનો ભય, ધારાસભ્યો કૉંગ્રેસશાસિત રાજ્યમાં મોકલાયા
ઝારખંડમા સત્તાધારી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ના ધારાસભ્ય છત્તીસગઢની રાજધાની રાયપુર પહોંચ્યા છે. જાણકારી અનુસાર તમામ ધારાસભ્યો ત્યાં 'મેફૅયર રિસોર્ટ'માં રોકાશે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, યુપીએના 32 ધારાસભ્યો રાયપુર પહોંચ્યા છે.
ઝારખંડની 81 બેઠકો ધરાવતી વિધાનસભામાં યુપીએ ગઠબંધન પાસે 49 ધારાસભ્યો છે. આ ગઠબંધનમાં જેએમએમ, કૉંગ્રેસ અને આરજેડી સામેલ છે.
રિસોર્ટ બહાર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. ઇન્ડિગોની વિશેષ ફ્લાઇટ સાંજે 4:30 વાગ્યે ધારાસભ્યોને રાંચીથી લઈને રાયપુર પહોંચી હતી. આ ધારાસભ્યો સાથે ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેન હાજર નહોતા.
ધારાસભ્યોને રિસોર્ટમાં મોકલવાની આ કવાયત ભાજપ દ્વારા યુપીએના ધારાસભ્યોના સંભવિત હોર્સટ્રેડિંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
આ વિશેષ ફ્લાઇટમાં ગઠબંધનના ત્રણેય પક્ષના ધારાસભ્યો હતા. ઍરપૉર્ટ જતા પહેલાં આ તમામ ધારાસભ્યો મુખ્ય મંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાંથી તેમને સીધા ઍરપોર્ટ મોકલવામાં આવ્યા હતા.
મોડી રાત્રે છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ ધારાસભ્યોને મળવા માટે રિસોર્ટ પર પહોંચ્યા હતા.
ઝારખંડમાં 25 ઑગસ્ટથી શરૂ થયેલી રાજકીય અસ્થિરતા હજી પણ યથાવત્ છે. રાજ્યપાલે ચૂંટણીઆયોગની એ કથિત ચિઠ્ઠી પર શું નિર્ણય લીધો છે, તે અંગે કોઈ સાર્વજનિક જાણકારી આપી નથી.
સત્તાવાર રીતે એ પણ ખબર નથી કે ચૂંટણીઆયોગે રાજ્યપાલને કોઈ પત્ર મોકલ્યો હતો કે કેમ?
નિર્ણય સમયસર ન આપવાને લઈને ઝારખંડના મુખ્ય મંત્રીએ રાજ્યપાલ પણ સરકાર પાડવાના ષડ્યંત્રમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.
બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે પરિસ્થિતિ કાબૂમાં છે અને અમે તેને પહોંચી વળવા તૈયાર છે.
પાકિસ્તાનના વડા પ્રધાનની ભારત સાથે 'દ્વિપક્ષીય વેપાર' પાછો શરૂ કરવાની ઇચ્છા
હાલમાં પાકિસ્તાનમાં અત્યાર સુધીનું સૌથી ખતરનાક પૂર આવ્યું છે. જેને લઈને પાકિસ્તાનને જરૂર પડે તો ખાવાપીવાની સામગ્રી, દવાઓ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ મોકલવાની તૈયારી ભારતે દર્શાવી છે.
ધ પ્રિન્ટના અહેવાલ પ્રમાણે, પાકિસ્તાનના વડા પ્રધાને બે દિવસ પહેલાં ઇચ્છા વ્યક્ત કરી હતી કે ભારત સાથે દ્વિપક્ષીય વેપાર પાછો શરૂ થાય.
જોકે, ભારત સરકારનાં સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર હાલમાં ભયાવહ પૂરનો સામનો કરી રહેલા પાકિસ્તાનને માનવતાવાદી સહાય મોકલવા તૈયાર છે પરંતુ 'દ્વિપક્ષીય વેપાર' કોઈ પણ ભોગે પાછો શરૂ થાય તેની કોઈ શક્યતા નથી.
2019 પહેલાં ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય વેપાર થતો હતો પરંતુ પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન ઇમરાન ખાને ભારત સાથેના વેપાર પર પ્રતિબંધ લાદ્યો હતો.એ બાદથી બન્ને દેશો વચ્ચે વેપારી સંબંધોનો અંત આવ્યો હતો.
હાલમાં ભારત સરકાર પાકિસ્તાનને પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા જે સહાય જોઈતી હોય તે આપવા તૈયાર છે પણ લાંબા ગાળે પાકિસ્તાન સાથે વ્યાપારિક સંબંધો રાખવા જરાય તૈયાર નથી.
શ્રીલંકા અને બાંગ્લાદેશને હરાવીને અફઘાનિસ્તાન ફાઇનલ-4માં પહોંચ્યું
પહેલાં શ્રીલંકા અને મંગળવારે બાંગ્લાદેશને હરાવીને અફઘાનિસ્તાને એશિયા કપના ફાઇનલ-4માં સ્થાન મેળવી લીધું છે.
શારજાહમાં મંગળવારે રમાયેલી ટૂર્નામેન્ટની ત્રીજી મૅચમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું હતું.
ગૃપ-બીની આ મેચમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશે સાત વિકેટના નુકસાને 127 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મોસાદ્દિક હુસૈને સૌથી વધુ 48 રન બનાવ્યા હતા.
અફઘાનિસ્તાન તરફથી બૉલિંગમાં મુજિબુર રહમાન અને સ્ટાર સ્પિનર રાશિદ ખાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
અફઘાનિસ્તાન પણ શરૂઆતી બેટિંગમાં નબળું પુરવાર થયું હતું. જોકે, મિડલ ઑર્ડરે શાનદાન પ્રદર્શન દર્શાવતાં અફઘાનિસ્તાનનો વિજય થયો હતો.
19મી ઓવરના ત્રીજા બૉલ પર નજીબુલ્લાહે સિક્સર ફટકારીને વિજય અપાવ્યો હતો.
એશિયા કપની પ્રથમ મૅચમાં અફઘાનિસ્તાને શનિવારે શ્રીલંકાને આઠ વિકેટથી હરાવીને ધમાકેદાર શરૂઆત કરી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો