You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરામાં ગણેશ શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ - પ્રેસ રિવ્યૂ
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં સોમવારે રાત્રે ભગવાન ગણેશની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણની ઘટના બની છે.
આ અથડામણમાં બંને જૂથોએ સામસામે પથ્થરમારો પણ કર્યો હતો. જોકે, આ ઘટનામાં કોઈ જાન કે માલહાનિ નોંધાઈ નથી.
વડોદરાના જોઇન્ટ પોલીસ કમિશનર ચિરાગ કોરડીયાએ જણાવ્યું કે સ્થિતિ હવે કાબૂમાં છે અને પોલીસ તપાસ કરી રહી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે અને 13 લોકોની અટકાયત કરી છે.
પોલીસ અધિકારીઓ પ્રમાણે હાલમાં આ વિસ્તારમાં પોલીસકાફલો ખડકી દેવાયો છે તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે.
દુનિયામાં અદાણી અમીરોની યાદીમાં ત્રીજા સ્થાને
અદાણી ગ્રૂપના ચૅરમૅન ગૌતમ અદાણી હવે દુનિયામાં ત્રીજી સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
બ્લૂમબર્ગ તરફથી જાહેર કરવામાં આવેલી અબજપતિઓની યાદીમાં તેઓ ફ્રાન્સના જાણીતી ફૅશન કંપની લુઈ વિટૉનના ચીફ બર્નાર્દ અર્નાલ્ટને પાછળ મૂકીને આ સ્થાને પહોંચ્યા.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર 137.4 અબજ ડૉલરની કૂલ સંપત્તિ સાથે ગૌતમ અદાણી હવે એલન મસ્ક અને જૅફ બેઝોસથી પાછળ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્લૂમબર્ગની તાજી યાદીમાં રિલાયંસ પ્રમુખ મુકેશ અંબાણી 11મા સ્થાન પર છે. તેમની કૂલ સંપત્તિ 91.9 અબજ ડૉલર આંકવામાં આવી છે.
ગુજરાતમાં સતત બીજા વર્ષે કસ્ટોડિયલ ડેથના સૌથી વધુ કેસ : એનસીઆરબી
નેશનલ ક્રાઇમ રૅકોર્ડ બ્યુરો (એનસીઆરબી) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ સતત બીજા વર્ષે દેશભરમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથના કેસ ગુજરાતમાં નોંધાયાં છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ગુજરાતમાં વર્ષ 2020માં કસ્ટોડિયલ ડેથના 15 કેસ નોંધાયા હતા. વર્ષ 2021ના આંકડા મુજબ તેમાં 53 ટકાના વધારા સાથે કુલ 23 કેસ નોંધાયા છે.
આ 23 કેસો પૈકી 22 કેસમાં મૃત્યુ પોલીસની કસ્ટડી કે લૉક-અપમાં થયાં હતાં.
ગુજરાત બાદ કસ્ટોડિયલ ડેથના કેસોમાં બીજા નંબરે મહારાષ્ટ્ર (21 કેસ) આવે છે.
એનસીઆરબીના આંકડા અનુસાર વર્ષ 2020માં એક પણ પોલીસકર્મીની કસ્ટોડિયલ ડેથ મામલે ધરપકડ કરાઈ ન હતી, પરંતુ 2021માં 12 પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી છે.
દેશભરમાં વર્ષ 2020માં કસ્ટોડિયલ ડેથના 76 કેસ નોંધાયા હતા. જે વર્ષ 2021માં વધીને 88 થઈ ગયા છે.
મમતા બેનરજીનો ભાજપને પડકાર, 'મારી ધરપકડ કરીને બતાવો'
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, પશ્ચિમ બંગાળમાં એક જાહેરસભા દરમિયાન મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ભાજપને પડકાર આપતાં કહ્યું છે કે તેઓ તેમની ધરપકડ કરીને બતાવે.
તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તે કેન્દ્રીય એજન્સીઓ અને કાળાં નાણાંનો ઉપયોગ રાજ્ય સરકારોને પાડવા માટે કરી રહ્યો છે.
મમતા બેનરજી સરકારમાં મંત્રી રહી ચૂકેલા પાર્થ ચેટરજી હાલ પ સ્કૂલ સેવાઆયોગ કૌભાંડ મામલે જેલમાં છે. જોકે, ધરપકડ બાદ મમતા બેનરજીએ તેમને મંત્રીમંડળ અને પાર્ટીના તમામ હોદ્દા પરથી હઠાવી દીધા હતા.
જાહેરસભા દરમયાન મમતા બેનરજીએ કહ્યું કે પાર્થ ચેટરજીનો મામલો હજી કોર્ટમાં વિચારાધીન છે અને અત્યાર સુધી કંઈ સાબિત થયું નથી. આ મામલે ખાલી મીડિયા ટ્રાયલ થઈ રહી છે.
મમતા બેનરજીએ એમ પણ કહ્યું કે ભાજપે તેનો જવાબ આપવો જોઈએ કે તેમની પાસે ચૂંટાઈને આવેલી સરકારો પાડવાના પૈસા ક્યાંથી આવે છે?
નોંધનીય છે કે વિપક્ષી પાર્ટીઓ ભાજપ પર ઘણાં રાજ્યોમાં સરકારો પાડવાના આરોપ લગાવતી આવી છે.
દિલ્હીમાં આબકારી નીતિને લઈને સીબીઆઈ તપાસનો સામનો કરી રહેલા મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલે પણ ભાજપ પર આ પ્રકારના આરોપ લગાવ્યા છે.
પાકિસ્તાનના પૂરપીડિતો પ્રત્યે વડા પ્રધાન મોદીની સહાનુભૂતિ, મદદ મોકલવા વાટાઘાટો શરૂ
પાકિસ્તાનને ધમરોળી નાખનાર પૂર અંગે વડા પ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે અને પૂરપીડિચો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પાકિસ્તાનને માનવતાના ધોરણે સહાય મોકલવા માટે ઉચ્ચ સ્તરે વાટાઘાટો ચાલી રહી છે. જોકે, આ અંગે હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી.
જો આ સહાય મોકલવાની મંજૂરી મળી જશે તો 2014માં ભાજપ સત્તામાં આવ્યા બાદ આ પહેલી વખત હશે જ્યારે ભારત પ્રાકૃતિક આપત્તિના કારણે પાકિસ્તાનને મદદ કરશે.
આ પહેલા યુપીએ સરકાર અંતર્ગત 2010ના પૂર અને 2005ના ભૂકંપ દરમિયાન પાકિસ્તાનને મદદ કરી હતી.
વડા પ્રધાન મોદીએ ટ્વીટ કર્યું, "પાકિસ્તાનમાં પૂરથી સર્જાયેલી તારાજીથી દુ:ખી છું. અમે પીડિતો, ઈજાગ્રસ્તો સહિત તમામ પ્રભાવિત લોકો અને તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ અને જલદી જ પરિસ્થિતિ સામાન્ય થવાની આશા રાખીએ છીએ."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો