You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-પાકિસ્તાન વચ્ચે સીમા દોરનાર રેડક્લિફે કેમ ભારત છોડતાં પહેલાં નકશા-નોટબુક બાળી નાખ્યાં હતાં?
- 17મી ઑગસ્ટ 1947ના રોજ જ અગાઉના અખંડ ભારતને ભારત અને પાકિસ્તાન એમ બે દેશોમાં વિભાજિત કરતી સીમા જાહેર કરાઈ હતી
- ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા દોરવાનું કામ સિરીલ રેડક્લિફને સોંપવામાં આવ્યું હતું.
- તેમણે દોરેલી આ રેખાથી કરોડો લોકોનાં ભાવિ નક્કી થવાનાં હતાં.
- આ કામના કારણે એટલી ગ્લાનિ અનુભવી રહ્યા હતા કે તેમની દોરેલી રેખા બાદ થયેલ ભાગલા બાદ કરોડો લોકોએ સીમાની એક તરફથી બીજી તરફ જવું પડ્યું પરંતુ તેઓ ક્યારેય ભારત પાછા ફરીને ન આવી શક્યા.
15 ઑગસ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના 76મા સ્વાતંત્ર્યદિનની ઉજવણીની સાથોસાથ વિભાજનની વેદનાને પણ યાદ કરી હતી.
17મી ઑગસ્ટ 1947ના રોજ જ અગાઉના અખંડ ભારતને ભારત અને પાકિસ્તાન એમ બે દેશોમાં વિભાજિત કરતી સીમા જાહેર કરાઈ હતી. મુસ્લિમ બહુમતીવાળા કેટલાક વિસ્તારોને ભારતથી અલગ રાષ્ટ્ર જાહેર કરી પશ્ચિમ અને પૂર્વ પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યાં હતાં.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની એ સીમાને આજે આપણે રેડક્લિફ લાઇન તરીકે ઓળખીએ છીએ.
પરંતુ શું આપ જાણો છો કે સ્વાતંત્ર્ય સમયે એક ભૂખંડને બે ભાગમાં વહેંચતી આ રેખા દોરવાનું કામ કેવી રીતે પાર પડાયું હતું.
અને જેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી અને જેમના નામ પરથી આ સીમાનું નામ પડ્યું છે તે સીરિલ રેડક્લિફ કોણ હતા તેમજ કેમ તેઓ નહોતા આ કામ કર્યા બાદ કેમ ગ્લાનિ અનુભવી રહ્યા હતા?
કેવી રીતે થયું ભારતનું વિભાજન?
75 વર્ષ પહેલાં એક દેશને બે ભાગમાં વહેંચવા માટે ભૂભાગ નિશ્ચિત કરવા સીમા દોરવાની જવાબદારી સર સીરિલ રેડક્લિફને અપાઈ હતી.
તેઓ એક બ્રિટિશ વકીલ હતા. ન તેઓ ક્યારેય આ પહેલાં ભારત આવ્યા હતા કે ના તેમણે અહીંની સંસ્કૃતિ સમજી હતી.
તેમને બ્રિટિશ ભારતને બે ભાગમાં વહેંચવાની જવાબદારી અપાઈ હતી. પરંતુ આ જટિલ કાર્ય માટે તેમને માત્ર પાંચ અઠવાડિયાં અપાયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સમયે આ સમગ્ર ભૂભાગમાં લગભગ 40 કરોડ લોકો રહેતા હતા.
બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટને ભારતને ખૂબ જ ઉતાવળમાં સ્વરાજ આપવાનો નિર્ણય કરી લીધો હતો.
આ સાથે જ તેમણે સમગ્ર બ્રિટિશ ભારતમાં વસતા મુસ્લિમો માટે અલગ દેશ બનાવી આપવાની પણ માગ સ્વીકારી લીધી.
ઑગસ્ટ, 1947માં હિંદુઓની બહુમતીવાળું ભારત અને મુસ્લિમોની બહુમતીવાળું પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું.
પરંતુ બ્રિટિશ ભારતની બંને તરફ બે મોટા પ્રાંત હતા, જેમાં મુસ્લિમો અને બિનમુસ્લિમોની વસતિ લગભગ એકસમાન જ હતી. આ બે પ્રાંત હતા, પૂર્વમાં બંગાળ અને પશ્ચિમમાં પંજાબ.
રેડક્લિફને આ બંને પ્રાંતને છૂટા પાડવા માટે સીમા નક્કી કરવાનું કામ સોંપાયું હતું.
આ ખૂબ જ જટિલ કામ હતું. આ સમગ્ર કામમાં અમુક રાજ્યોનું ભાગ્ય અસ્પષ્ટ જ રહ્યું.
તેમની સામે જડ મતવાળા સલાહકારો, વર્ષો જૂના નકશા અને અચોક્કસ વસતિગણતરીના ડેટા જેવી મસમોટી મુશ્કેલીઓ હતી.
બધાને ખબર હતી કે સદીઓથી એકબીજાની સાથે રહેતા લોકો, સમાજોને વિભાજિત કરવા માટે કોઈ સીધી રેખા દોરીને છૂટી જવા જેવું સરળ આ કામ નહોતું.
સમગ્ર ભૂખંડમાં દરેકેદરેક વ્યક્તિ તણાવનો અનુભવ કરી શકતી હતી. અને રેડક્લિફને પણ એ વાત ખબર હતી કે ઘણું બધું દાવ પર છે.
તેમણે લીધેલ નિર્ણય સ્વતંત્રતાના અમુક દિવસ બાદ જાહેર કરાયો.
દરમિયાન ઘણા લોકોએ સ્વતંત્રતાની ઉજવણી કરી પરંતુ તેમને ખબર નહોતી કે તેઓ કયા દેશનો ભાગ બનવા જઈ રહ્યા છે.
રેડક્લિફના નિર્ણય બાદ ઘણા લોકો મુસીબતમાં ફસાઈ ગયા.
અંદાજે એક કરોડ 20 લાખ લોકોએ એ સમયે નવા ઘરની તલાશમાં રેડક્લિફ લાઇન ક્રોસ કરવી પડી.
પરંતુ આ પ્રક્રિયામાં હુલ્લડો ફાટી નીકળ્યાં અને સીમા પાર કરતા પાંચથી દસ લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ એક અત્યંત દુ:ખદ ઘટના હતી, જેના કારણે હજુ સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે વેરઝેર જોવા મળે છે.
કહેવાય છે કે રેડક્લિફને આ સમગ્ર ઘટનાથી એટલી ગ્લાનિ અનુભવાઈ કે તેમણે પોતાના કામ માટે ઉપયોગમાં લેવાયેલાં નકશા અને નોટબુકો સળગાવી દીધાં હતાં.
ઇંગ્લૅન્ડ પાછા ફર્યા બાદ તેમને નાઇટ ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઑર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર અપાયો.
પરંતુ તેમને ખબર હતી કે પંજાબી અને બંગાળી લોકો તેમના વિશે શું વિચારતા હતા.
તેમણે આ અંગે કહ્યું હતું કે, "આઠ કરોડ દુ:ખગ્રસ્ત લોકો મારી શોધમાં હશે. તેઓ મને શોધી લે તેવું હું નથી ઇચ્છતો."
તેઓ વિભાજન માટે સીમા દોર્યા બાદ ક્યારેય ભારત કે પાકિસ્તાન નહોતા આવ્યા.
ભારતના દિવંગત વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયર આ સમગ્ર પ્રક્રિયા બાદ મળ્યા હતા. તેમણે કુલદીપ નૈયરને કહ્યું હતું કે, "મને સીમા દોરવા માટે 10-11 દિવસ મળ્યા હતા. તે સમયે મેં એક જ વખત હવાઈજહાજ મારફતે હવાઈ સર્વેક્ષણ કર્યું. મારી પાસે જિલ્લાના નકશા પણ નહોતા. મેં જોયું કે લાહોરમાં હિંદુઓની સંપત્તિ વધુ છે. પરંતુ મેં જોયું કે પાકિસ્તાન પાસે કોઈ મોટું શહેર નહોતું. અને મેં લાહોર ભારતમાંથી કાઢીને પાકિસ્તાનને આપી દીધું. હવે તેને યોગ્ય કહો કે અયોગ્ય, આવું કરવું મારી મજબૂરી હતી. પાકિસ્તાનના લોકો મારાથી નારાજ છે પરંતુ તેમણે ખુશ થવું જોઈએ કારણ કે મેં તેમને લાહોર આપ્યું."
'રેડક્લિફ આ કામ બાદ સંપૂર્ણપણે ભાંગી પડ્યા'
રેડક્લિફને સોંપાયેલ કામના અવ્યવહારુપણા અને જટીલતાને વ્યક્ત કરવા માટે લંડનમાં 'ડ્રૉઇંગ ધ લાઇન' વર્ષ 2013માં ભજવાયું હતું, જેની તે સમયે ખૂબ જ ચર્ચા થઈ હતી.
નાટકમાં દર્શાવાયું છે કે કેવી રીતે ઝાઝું દૂરનું વિચાર્યા વગર સીમા દોરવામાં આવી. સીમા દોરતી વખતે તે બાદ જેવી પરિસ્થિતિ સર્જાશે તે અંગે વધુ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. આ વાતને મજાકના અંદાજ તેમજ વ્યંગ્ય સાથે નાટકમાં રજૂ કરાઈ હતી.
નાટક 'ડ્રૉઇંગ ધ લાઇન'માં રેડક્લિફનું પાત્ર ભજવનાર બ્રિટિશ અભિનેતા ટૉમ બિયર્ડનું પણ માનવું હતું કે રેડક્લિફ એક શાલીન અને પક્ષપાતરહિત વ્યક્તિ હતા પરંતુ અંતે તેઓ કદાચ પોતાના કામને સારી રીતે પાર ન પાડી શક્યા.
તેઓ આગળ જણાવે છે કે, "મારા મતાનુસાર રેડક્લિફ સમગ્ર કામ યોગ્ય રીતે કરવા માગતા હતા. પરંતુ તેમને અત્યંત જટિલ કામની જવાબદારી સોંપાઈ હતી, અને સામે સમય ઘણો ઓછો હતો. રેડક્લિફ ન્યાયપૂર્ણ કામ કરવા માગતા હતા. પરંતુ તેઓ તે ન કરી શક્યા. આ વાતના કારણે તેઓ તૂટી જાય છે, વિખેરાઈ જાય છે. ખરેખર શરૂઆતમાં તેમને અંદાજો જ નહોતો કે આ કેટલું મોટું કામ છે અને તેની કેટલી મોટી અને દૂરગામી માનવીય અને રાજકીય અસરો હોઈ શકે છે."
તેઓ આ કામના કારણે એટલી ગ્લાનિ અનુભવી રહ્યા હતા કે તેમની દોરેલી રેખા બાદ થયેલ ભાગલા બાદ કરોડો લોકોએ સીમાની એક તરફથી બીજી તરફ જવું પડ્યું પરંતુ તેઓ ક્યારેય ભારત પાછા ફરીને ન આવી શક્યા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો