You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પિરિયડ્સ : યુપીમાં પિરિયડ્સની તારીખોના ચાર્ટ મહિલાઓ દરવાજા પર કેમ લગાવી રહી છે?
- લેેખક, શહબાઝ અનવર
- પદ, બીબીસી ગુજરાતી માટે
- મેરઠમાં અલગ-અલગ સ્થળો પર આશરે 65થી 70 ઘરોમાં આ પિરિયડ્સ ચાર્ટ લાગેલા છે.
- મેરઠમાં પિરિયડ ચાર્ટના અભિયાનની ડિસેમ્બર 2021માં શરૂઆત થઈ હતી. શહેરમાં અલગ અલગ સ્થળો પર આ અભિયાનને લઈને પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.
- પિરિયડ ચાર્ટને લઈને ઉત્તર ભારતનાં ઘણાં રાજ્યોમાં છોકરીઓ અને મહિલાઓને જાગરૂક કરવામાં આવી.
- પિરિયડ ચાર્ટને લઈને કાયદેસર એક શૉર્ટ ફિલ્મ પણ બની ચૂકી છે. જોકે, ફિલ્મનો ખર્ચ ડાયરેક્ટર સુનીલ જાગલાને જ ઉપાડ્યો છે.
મેરઠ, હાશિમપુરાનાં રહેવાસી અલફિશાંએ ઘરની અંદર એક દરવાજા પર પોતાના પિરિયડ્સની તારીખનો ચાર્ટ લટકાવેલો છે. ઘરમાં ભાઈ અને પિતા પણ સાથે રહે છે. તેમની નજર પણ આવતાં-જતાં આ ચાર્ટ પર પડે છે, પરંતુ હવે તે સામાન્ય થઈ ચૂક્યું છે. તેઓ તેને જોઈ લે છે અને આગળ વધી જાય છે.
અલફિશાંએ બીબીસીને કહ્યું, "મહિલાઓમાં પિરિયડ્સ દરમિયાન તમામ સમસ્યાઓ આવે છે, તેઓ ચિડિયલ બની જાય છે, નબળાઈ આવી જાય છે અને તેના જેવી ઘણી સમસ્યાઓ આવે છે. પરંતુ જ્યારથી મેં ઘરની અંદર ચાર્ટ લગાવ્યો છે, બધાને ખબર પડી ગઈ છે કે મારા પિરિયડ્સની તારીખ ક્યારે છે. હું પણ મારું ધ્યાન રાખવા લાગી છું. મને પણ સમયસર ખબર પડી જાય છે કે શું મારા પિરિયડ્સ યોગ્ય સમયે આવી રહ્યા છે કે નહીં."
આવો જ એક ચાર્ટ મેરઠનાં રહેવાસી આલિમાએ પણ પોતાના રૂમના દરવાજા પર લગાવ્યો છે.
આલિમાના ઘરમાં ભાઈ-બહેન અને પિતા સાથે કુલ સાત સભ્યો છે. પરંતુ હવે તેમના બધા પરિવારજનોને ખબર પડી ગઈ છે કે આલિમાનાં પિરિયડ્સની તારીખ કઈ છે.
આલિમા કહે છે, "હું એક શિક્ષિકા છું. હું ઘરમાંથી બહાર નીકળીને નોકરી કરું છું. તેવામાં જાણું છું કે એક મહિલાએ પિરિયડ્સ દરમિયાન કેવી કેવી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. પિરિયડ ચાર્ટ લગાવવાથી ઘરના સભ્યોને તેની તારીખ વિશે માહિતી મળી ગઈ છે અને હવે તેઓ અમારું ધ્યાન રાખે છે, તે ખૂબ સુવિધાજનક અને સુખદ છે."
શું આ અભિયાનથી પરિવર્તન આવી રહ્યું છે?
મેરઠમાં અલગઅલગ સ્થળો પર આશરે 65થી 70 ઘરોમાં આ પિરિયડ્સ ચાર્ટ લાગેલા છે. પરંતુ અચાનક આ શક્ય કેવી રીતે બન્યું અને કેવી રીતે વિવાહિત અને અવિવાહિત મહિલાઓ પણ આ ચાર્ટ પોતાનાં ઘરોમાં લગાવવાનું સાહસ કરી રહી છે, આ સવાલનો જવાબ એનજીઓ 'સૅલ્ફી વિથ ડૉટર' ફાઉન્ડેશનના ડાયરેક્ટર સુનીલ જાગલાન આપે છે.
તેઓ કહે છે, "અમારી એનજીઓની સ્થાપના વર્ષ 2017માં થઈ હતી. મહિલાઓનાં હિતોને લઈને ઘણાં કાર્યોં કર્યાં, પરંતુ પિરિયડ ચાર્ટને લઈને અમે દર વર્ષે 2020થી ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણામાં સક્રિય છીએ."
તેઓ આગળ કહે છે, "અમારી સંસ્થા મહિલા ક્ષેત્રમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, અધિકાર અને આર્થિક રૂપે સ્વતંત્રતા મામલે કામ કરી રહી છે. મહિલાઓનાં પિરિયડ્સ દરમિયાન થનારી મુશ્કેલીઓને લઈને હું ઘણી વખત વિચારતો હતો. ઘરની તમામ મહિલા સભ્યોને ઘણી વખત તકલીફમાં જોતો હતો. તેવામાં મારા મનમાં વિચાર આવ્યો કે આ અંગે કંઈક વિશેષ કરવું જોઈએ. ત્યારે જ કેટલાક સાથી ચિકિત્સકો સાથે વાતચીત કરી અને સલાહ લીધા બાદ પિરિયડ ચાર્ટ અભિયાનની શરૂઆત થઈ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અઢીસોમાંથી 180 ચાર્ટ ફાડ્યા, હવે 70 બચ્યા
મેરઠમાં પિરિયડ ચાર્ટના અભિયાનની ડિસેમ્બર 2021માં શરૂઆત થઈ હતી.
શહેરમાં અલગઅલગ સ્થળો પર આ અભિયાનને લઈને પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં. સ્કૂલો-કૉલેજોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને વિદ્યાર્થિનીઓ સાથે આ વિષય પર વાતચીત થઈ હતી.
સુનીલ જાગલાન કહે છે, "અમે ડિસેમ્બર 2021માં મેરઠમાં આ અભિયાનની શરૂઆત કરી હતી. અમારી સાથે ટીમમાં તમામ રાજ્યોમાં કામ કરી ચૂકેલી 30-35 મહિલા સભ્યો હતી. અમે છોકરીઓની સ્કૂલ-કૉલેજોમાં વિદ્યાર્થિનીઓનો સંપર્ક કર્યો. 'લાડો પંચાયત' નામે પંચાયતમાં છોકરીઓને કેટલીક જગ્યાએ બોલાવવામાં આવી. ઘરે-ઘરે પણ પહોંચ્યા. તેમનાં મોબાઇલ નંબર લીધા અને વૉટ્સઍપ ગ્રૂપ પણ તૈયાર કર્યા. આમાં ઘણી જગ્યાએ અમારી સાથે પુરુષો પણ મદદ માટે આગળ આવ્યા."
"શરૂઆતમાં અમે ઘરોમાં આશરે અઢીસો જેટલા પિરિયડ ચાર્ટ્સ છોકરીઓમાં વહેંચ્યાં. પરંતુ જ્યારે અમારી ટીમની સભ્યોએ ફરી ફરીને ઘરોમાં જોયું તો જાણવા મળ્યું કે 65-70 ઘરોમાં જ આ ચાર્ટ બચ્યા હતા. મોટાં ભાગનાં ઘરોમાં આ ચાર્ટ કાં તો ફાડી નાખવામાં આવ્યા, અથવા તો છોકરીઓને તેમને લગાવવાની પરવાનગી ન મળી. પરંતુ અમને એ વાતનો સંતોષ છે કે કેટલાંક ઘરોમાં તો લોકો મહિલાઓનાં પિરિયડ્સની તારીખો વિશે જાણી રહ્યા છે. આશા છે કે ત્યાં તે મહિલાઓને સહાયતા મળી રહી હશે. જાગરૂકતા વધતાં આ સંખ્યા પણ વધશે."
તેમણે એ પણ જણાવ્યું કે આ પિરિયડ ચાર્ટના સહયોગ અને વિરોધમાં બધા વર્ગના લોકો છે.
શું પિરિયડ ચાર્ટથી દીકરીઓ સ્વસ્થ બનશે?
પિરિયડ ચાર્ટ અભિયાનનો ઉદ્દેશ મહિલાઓનાં સ્વાસ્થ્ય પર નજર રાખવાનો પણ છે.
ડાયરેક્ટર સુનીલ જાગલાન આ વાતનો દાવો કરે છે.
તેઓ કહે છે, "જુઓ, જ્યારે પણ મહિલાઓનાં પિરિયડ્સ હોય છે, તે દરમિયાન તેઓ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થાય છે. ચીડિયાપણું, નબળાઈ, થાક અને શરીરમાં દુખાવા જેવાં કેટલાંક લક્ષણો હોય છે. આ વચ્ચે ઘરના અન્ય સભ્યોની તેમને મદદની જરૂર હોય છે. તેમનાં ખાન-પાન પર ધ્યાન આપવું જરૂરી હોય છે. ઘણી મહિલાઓનાં પિરિયડ્સ અનિયમિત પણ હોય છે તો તેમના વિશે પણ ખબર પડી જાય છે."
સુનીલ જાગલાન આગળ કહે છે, "ચાર્ટ પર પિરિયડની તારીખ નોટ કરનારી મહિલાઓ પાસેથી આખા વર્ષના ચાર્ટ લેવામાં આવશે, તેમાં પિરિયડ્સની તારીખોમાં જો કોઈ અનિયમિતતા જોવા મળે છે તો તેમની યાદી સરકારને મોકલવામાં આવશે. જેમ કે આશાઓ અને આંગણવાદી કાર્યકર્તાઓની મદદથી આવી મહિલાઓનો ઇલાજ થઈ શકે."
પિરિયડ ચાર્ટને લઈને ઉત્તર ભારતનાં ઘણાં રાજ્યોમાં છોકરીઓ અને મહિલાઓને જાગરૂક કરવામાં આવી.
ઑનલાઇન 'લાડો પંચાયત' કરાવવામાં આવી. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણામાં અલગ અલગ દસ ફિઝિકલ પંચાયતો કરવામાં આવી જ્યારે મોટા ભાગની પંચાયતો ઑનલાઇન કરવામાં આવી.
સુનીલ જણાવે છે, "ઘણી જગ્યાએ વિરોધ જોવા મળ્યો. લોકોએ મહિલાઓ, દીકરીઓ પર અભદ્ર ટિપ્પણીઓ કરી પણ એવા લોકોની અવગણના કરવામાં આવી. આ વિશે બધા ધર્મોના ધર્મગુરુઓની મદદ લેવામાં આવી. તેમાંથી કેટલાક લોકોએ સાથ પણ આપ્યો."
'શરૂઆતમાં હિંમત ન થઈ, પણ હવે સહજ છે'
ઘરોની અંદર પરિવાર માટે સાર્વજનિક સ્થળો પર જ્યારે પિરિયડ્સ ચાર્ટ લગાવવામાં આવ્યા તો ઘણી છોકરીઓ અને મહિલાઓએ અસહજતાનો અનુભવ કર્યો હતો.
મેરઠનાં એક પરિણિતા આલિયાએ બીબીસીને કહ્યું, "હું એક ગૃહિણી છું. ઘરમાં મારા પતિ સિવાય દિયર, સસરા અને બીજા ઘણા પુરુષ સંબંધીઓની અવર-જવર રહે છે. તેવામાં શરૂઆતમાં જ્યારે પિરિયડ્સ ચાર્ટ વિશે જાણવા મળ્યું તો લાગ્યું કે આ કેવી રીતે શક્ય થશે. પતિ સાથે આ અંગે ચર્ચા કરી તો તેમણે થોડી હિંમત આપી. ત્યારબાદ મેં આ વિશે મારાં સાસુને જણાવ્યું તો તેઓ પણ તૈયાર થઈ ગયાં."
એ પૂછવા પર કે પિરિયડ ચાર્ટ સાર્વજનિક કર્યા પહેલાં અને પછી ઘરના સભ્યોમાં તમારા પ્રત્યે કોઈ પરિવર્તન જોવા મળ્યું, તો તેના જવાબમાં તેઓ કહે છે, "હા, તેમને આ વિશે ખબર હોતી ન હતી તો તેઓ અમારું એટલું ધ્યાન રાખતા ન હતા જેટલું હવે રાખે છે."
અન્ય એક મહિલા મનીષાએ કહ્યું, "આ વાત અમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. પિરિયડ્સ દરમિયાન તેમની મુશ્કેલીઓ વિશે પરિવારજનોને ખબર હોવી જોઈએ. આ સમય દરમિયાન મહિલાઓ ઝઘડો કરી લે છે. જ્યારે લોકોને ખબર પડશે કે પિરિયડ્સ દરમિયાન મહિલાઓમાં ચીડિયાપણું આવી જાય છે તો તેમનાં પ્રત્યે લોકોની સહાનૂભુતિ વધશે. તેમના કડક વ્યવહાર લોકો અવગણના કરશે."
હાશિમપુરા, મેરઠમાં રહેતા ઝુબૈર અહમદ પિરિયડ્સ ચાર્ટના સમર્થનમાં ખુલીને મહિલાઓના સમર્થનમાં ઊભેલા જોવા મળ્યા. તેઓ સલૂન ચલાવે છે.
તેમણે બીબીસીને કહ્યું, "પિરિયડ્સ દરમિયાન મહિલાઓને તણાવ ન આપવો જોઈએ. મહિલાઓએ એ ન વિચારવું જોઈએ કે કોઈ તેમનાં વિશે શું વિચારશે. કોઈએ તો શરૂઆત કરવી જ પડશે."
તેઓ આગળ કહે છે, "મેં તો મારાં પત્નીને કહી દીધું કે કોઈ સંકોચ વગર તેઓ ઘરમાં કોઈ પણ દરવાજા પર તેઓ પોતાના પિરિયડ્સનો ચાર્ટ લગાવી શકે છે. ઘણાં મિત્રોને પણ આમાં જોડ્યા છે."
પિરિયડ ચાર્ટને લઈને કાયદેસર એક શૉર્ટ ફિલ્મ પણ બની ચૂકી છે. જોકે, ફિલ્મનો ખર્ચ ડાયરેક્ટર સુનીલ જાગલાને જ ઉપાડ્યો છે.
આ ફિલ્મના મુખ્ય કલાકાર તરીકે હિમાચલ પ્રદેશનાં રિશ્દાએ અભિનય કર્યો છે.
રિશ્દાએ બીબીસીને કહ્યું, "એપ્રિલ 2021માં મારી પાસે પિરિયડ ચાર્ટ પર એક શૉર્ટ ફિલ્મમાં કામ કરવાની ઑફર આવી. હું તૈયાર થઈ ગઈ. પરંતુ જ્યારે મેં તેની સ્ક્રિપ્ટ વાંચી તો હું તેનાથી ખૂબ પ્રભાવિત થઈ ગઈ. સંયોગથી સુનીલ જાગલાન સાથે મારી આ વિષય પર ચર્ચા થઈ, તેમણે મને આ અભિયાન સાથે જોડી અને ઍમ્બેસેડર પણ બનાવી. હવે હું ઘણાં રાજ્યોમાં આ મુદ્દાને લઈને મહિલાઓ વચ્ચે પહોંચું છું."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો