કૉંગ્રેસનું અસલી દર્દ શ્રી રામમંદિર બની રહ્યું છે એ છે - અમિત શાહ - પ્રેસ રિવ્યૂ

કૉંગ્રેસના દિવસભરના વિરોધપ્રદર્શન બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કૉંગ્રેસ ઈડી અને મોંઘવારીની આડમાં રામમંદિરનો વિરોધ કરી રહી છે.

કૉંગ્રેસના નેતાઓ આજે સવારથી કાળાં કપડાં પહેરીને વિરોધ કરી રહ્યા હતા. આ અંગે ટિપ્પણી કરતા અમિત શાહે કહ્યું કે કૉંગ્રેસ દરરોજ પ્રદર્શન કરી રહી હતી, પરંતુ કાળાં કપડાં તેમણે આજે જ પહેર્યાં છે.

વર્ષ 2020માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજના દિવસે અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન કર્યું હતું.

અમિત શાહે કહ્યું, "આજે 5 ઑગસ્ટ છે, આજના દિવસે શ્રી રામમંદિરનો શિલાન્યાસ થયો છે, એ દિવસે કાળાં કપડાં પહેરીને વિરોધ કર્યો છે. આજે મોટાથી લઈને નાના નેતાઓએ એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે રામજન્મ મંદિર શિલાન્યાસ અને જે ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, તેનો અમારો વિરોધ છે."

અમિત શાહે કહ્યું કે તેમનામાં સીધી રીતે વાત કરવાની હિંમત નથી.

મોંઘવારી અને બેરોજગારી મુદ્દે કૉંગ્રેસનું અનેક રાજ્યોમાં વિરોધપ્રદર્શન

કૉંગ્રેસ દ્વારા શુક્રવારે મોંઘવારી, બેરોજગારી અને જીએસટી જેવા મુદ્દા પર દેશવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હતી.

આ સિવાય સંસદથી રાષ્ટ્રપતિભવન સુધી માર્ચ અને વડા પ્રધાનના નિવાસસ્થાનના ઘેરાવની પણ યોજના બનાવી હતી.

જોકે, આ પહેલાં જ દિલ્હીમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી અને બાદમાં વિરોધ કરવા માટે રસ્તા પર ઊતરેલા રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસ નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી.

આ દરમિયાન કૉંગ્રેસના જનરલ સૅક્રેટરી પ્રિયંકા ગાંધી કૉંગ્રેસ મુખ્યાલય બહાર મૂકવામાં આવેલા બૅરિકેડ્સ કૂદીને વિરોધમાં જોડાયાં હતાં. બાદમાં પોલીસે તેમની પણ અટકાયત કરી હતી.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "ભાજપને એમ લાગે છે કે વિપક્ષ મૂંઝાયેલો છે, મોંઘવારી છે જ નહીં. એટલે જ અમે વડા પ્રધાનને તેમના ઘરે જઈને બતાડવા માગીએ છીએ કે બેરોજગારી, મોંઘવારી ખરેખર છે."

તેમણે વધુમાં કહ્યું, "વડા પ્રધાન મોદીએ દેશની મિલકતો તેમના મિત્રોને વહેંચી દીધી છે. તેમની પાસે તો પૂરતા પૈસા છે. તો તેમને મોંઘવારી અને બેરોજગારી કેવી રીતે દેખાય?"

મોદી સરકાર વિરુદ્ધ કૉંગ્રેસનું દેશવ્યાપી પ્રદર્શન

વધતી બેરોજગારી અને મોંઘવારીના મુદ્દા પર કૉંગ્રેસના દેશવ્યાપી પ્રદર્શન દરમિયાન કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અટકાયત લેવામાં આવ્યા છે, તો અહીંયા પ્રિયંકા ગાંધી સડક પર ધરણા પર બેઠાં છે.

કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી કૉંગ્રેસ મુખ્યાલયની પાસે સુરક્ષા ઘેરો તોડીને બૅરિકેડ પરથી કૂદીને આગળ વધ્યાં પરંતુ રોકવામાં આવ્યાં તો રસ્તા પર જ બેસી ગયાં છે.

બીજી તરફ કૉંગ્રેસે રાહુલ ગાંધીને અટકાયતમાં લેવાયા ત્યાર બાદનો વીડિયો શૅર કર્યો છે જેમાં તેમને બસમાં જોઈ શકાય છે.

રાહુલ ગાંધીને અટકાયતમાં લેવાયા ત્યાર પહેલાં તેમણે આરોપ મૂક્યો કે કેટલાક સાંસદોને ઢસળીને લઈ જવામાં આવ્યા અને મારપીટ પણ કરવામાં આવી હતી.

પીએમ આવાસના ઘેરાવનો પ્લાન

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં લોકશાહીની હત્યા થઈ રહી છે અને આ દેશને જે 70 વર્ષમાં બનાવ્યું તે આઠ વર્ષમાં ખતમ કરી નાખવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધીએ શુક્રવારના કૉંગ્રેસ મુખ્યાલયમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. કૉંગ્રેસ પાંચ ઑગસ્ટે મોંઘવારી, બેરોજગારી અને જીએસટી જેવા મુદ્દાઓ પર દેશવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરી છે.

પાર્ટીએ સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ અને વડા પ્રધાનના નિવાસસ્થાનના ઘેરાવની પણ યોજના બનાવી છે.

દિલ્હી પોલીસે કૉંગ્રેસને પ્રદર્શનની પરવાનગી નથી આપી. પોલીસે નવી દિલ્હી ક્ષેત્રમાં જંતર-મંતર વિસ્તારને છોડીને કલમ 144 લાગુ કરી છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિત કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેને ન્યૂ હેરાલ્ડ કેસમાં પ્રવર્તન નિદેશાલય સામે રજૂ થવું પડ્યું છે.

રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, "શું તમે લોકશાહીના મૃત્યુની મજા લઈ રહ્યા છો. એ વિશે તમને કેવું લાગે છે, તમે શું અનુભવી રહ્યા છો. જે આ દેશમાં 70 વર્ષમાં બનાવવામાં આવ્યું, તે આઠ વર્ષમાં ખતમ કરી નાખ્યું."

"આજે ભારતમાં લોકશાહી નથી, આજે ચાર લોકોની તાનાશાહી છે. અમે બેરોજગારી, મોંઘવારીનો મુદ્દો ઉઠાવવા માગીએ છીએ. લોકો વચ્ચે વિભાજન પર વાત કરવા માગીએ છીએ, સંસદમાં પ્રશ્ન કરવા માગીએ છીએ. અમને સંસદમાં બોલવા નથી દેવાતા. જે તેમની વિરુદ્ધ બોલે છે તેમને જેલમાં મોકલી દેવામાં આવે છે. આ સરકાર બે-ચાર મોટા વેપારીઓને ફાયદો પહોંચાડવા માટે ચાલી રહી છે."

"વિપક્ષ લોકશાહીમાં સંસ્થાઓના બળે લડે છે. દેશની કાયદાકીય, ન્યાયિક, ચૂંટણી સંસ્થાઓ અને મીડિયાના બળે વિપક્ષ ઊભું રહે છે."

"આ બધી સંસ્થાઓ સરકારને સંપૂર્ણ સમર્થન આપી રહી છે. સરકારે પોતાના લોકો આ સંસ્થાઓની અંદર બેસાડ્યા છે. કોઈ સંસ્થા સ્વતંત્ર નથી. આ આરએસએસના કંટ્રોલમાં છે. આરએસએસની એક વ્યક્તિ આ સંસ્થાઓમાં બેઠી છે."

કૉંગ્રેસે શુક્રવારે મોંઘવારી અને બેરોજગારી મુદ્દે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. આ દરમિયાન વડા પ્રધાન આવાસને ઘેરવાનું પણ આયોજન કર્યું હતું.

આ વચ્ચે દિલ્હી પોલીસે જંતર-મંતરને બાદ કરતાં સમગ્ર નવી દિલ્હીમાં કલમ 144 લાગુ કરી છે.

કૉંગ્રેસ પાર્ટીએ પોતાના રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન અંતર્ગત સંસદથી રાષ્ટ્રપતિભવન સુધી રેલી અને વડા પ્રધાન આવાસને ઘેરાબંધી કરવાની યોજના બનાવી હતી.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, દિલ્હી પોલીસે ગુરુવારે સવારે જ અકબર રોડસ્થિત કૉંગ્રેસ હૅડક્વૉર્ટર પર મોટી સંખ્યામાં પોલીસકાફલો તહેનાત કર્યો છે. ઠેર-ઠેર બૅરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અને પોલીસ પણ હાજર છે.

પીટીઆઈ અનુસાર, દિલ્હી પોલીસે કૉંગ્રેસને વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી નથી અને જણાવ્યું છે કે દિલ્હીમાં કલમ 144 લાગુ છે.

RBIએ ફરી એક વખત વધાર્યો રૅપો-રેટ, લૉનધારકો પર વધશે બોજ

ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઈ)એ શુક્રવારે મોંઘવારીને કાબૂમાં લાવવા માટે રૅપો-રેટમાં 0.5 ટકાનો વધારો કર્યો છે. આ વધારા બાદ હવે રૅપો-રેટ 5.4 ટકા થઈ ગયો છે. આમ થવાથી લૉનધારકોનો માસિક હપતો વધી જશે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર એમપીસીની ત્રિદિવસીય બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું, "એમપીસીએ સહમતિથી રૅપો-રેટ 0.5 ટકા વધારીને 5.4 ટકા કરવાનો નિર્ણય લીધો છે."

આ સિવાય આરબીઆઈએ હાલના નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને 7.2 ટકા યથાવત રાખ્યો છે. જ્યારે મોંઘવારી દર 6.7 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

આ અગાઉ જૂન મહિનામાં પણ આરબીઆઈએ રૅપો-રેટ અડધો ટકો વધાર્યો હતો.

ગુજરાતમાં મંકીપૉક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ, દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં

ગુજરાતમાં ગુરુવારે મંકીપૉક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે. આ દર્દીના સૅમ્પલને ચકાસણી માટે મોકલીને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, જામનગરના નવાનાગના ગામમાં રહેતા 29 વર્ષીય યુવકમાં શંકાસ્પદ મંકીપૉક્સની હાજરી જોવા મળી છે.

અહેવાલમાં જામનગરસ્થિત જીજી હૉસ્પિટલના તબીબ ડૉ. સૌગતા ચૅટરજીને ટાંકીને જણાવાયું છે કે આ દર્દીને છેલ્લા ત્રણેક દિવસથી ખૂબ તાવ આવતો હતો અને તેના શરીર પર ઘા તેમજ ફોલ્લા પડી ગયા છે.

જોકે, આ દર્દીના નજીકના સંબંધીઓમાં આ પ્રકારના કોઈ લક્ષણો ન હોવાનું તેમણે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું.

આરોગ્યવિભાગના અધિકમુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે દર્દી પાસેથી બે સૅમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક સૅમ્પલ અમદાવાદની બીજે મેડિકલ કૉલેજ અને બીજો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલૉજી, પુણે ખાતે મોકલવામાં આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું, "પ્રોટોકૉલ પ્રમાણે દર્દીના સૅમ્પલ બે લૅબોરેટરીમાં મોકલવામાં આવતા હોય છે. આ જે સૅમ્પલ મોકલવામાં આવ્યા છે. તેનું પરિણામ આઠથી દસ કલાકમાં આવી જશે. એનઆઈવી, પુણેનું પરિક્ષણ પૂરું થયા બાદ જ પરિણામો જાહેર કરાશે."

કૉમનવેલ્થ ગેમ્સમાં વેલ્સને હરાવીને ભારતીય હૉકી ટીમ સેમિફાઇનલમાં પહોંચી

કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ગુરુવારે ભારતીય હૉકી ટીમે વેલ્સને 4-1થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.

મૅચમાં હરમનપ્રીત સિંહે ત્રણ ગોલ ફટકાર્યા અને ગુરજંતે એક.

આ પહેલાં ભારતે પ્રથમ મૅચમાં ઘાનાને 11-0થી હરાવ્યું હતું. આ સિવાય અમિત પંઘલ બૉક્સિંગમાં સેમિફાઇનલમાં પહોંચીને ભારત માટે એક મેડલ નિશ્ચિત કરી લીધો છે.

હિમા દાસ પણ સેમિફાઇનલમાં પહોંચી ગયા છે અને પીવી સિંધુ પણ પોતાની મૅચ જીતવામાં સફળ રહ્યા હતા.

મૅડલ ટેલી પ્રમાણે શુક્રવારે સવારની દૃષ્ટિએ કૉમનવેલ્થ ગેમ્સમાં ભારત કુલ 20 મેડલ સાથે સાતમાં નંબરે છે.

ભારતને છ ગોલ્ડ અને સાત-સાત સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ મળ્યા છે. જ્યારે પ્રથમ નંબર પરની ટીમ ઑસ્ટ્રેલિયાને કુલ 132 મેડલ મળ્યા છે. જેમાં 51 ગોલ્ડ, 42 સિલ્વર અને 39 બ્રૉન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો