You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉમનવેલ્થ ગેમ્સમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને ત્રણ વિકેટથી હરાવ્યું - પ્રેસ રિવ્યૂ
બર્મિંઘમમાં થઈ રહેલ કૉમનવેલ્થ ગેમ્સમાં ઑસ્ટ્રેલિયાએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ત્રણ વિકેટ હરાવી છે.
ભારતે પ્રથમ બૅટિંગ કરતાં 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાને 154 રન કર્યા હતા. તેના જવાબમાં ઑસ્ટ્રેલિયન ટીમે 19 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
એશ્લે ગાર્ડનરના અણનમ 52 અને ગ્રેસ હેરિસના 37 રનએ મૅચનું પાસું પલટી દીધું.
જોકે, ભારત તરફથી શેફાલી વર્મા અને હરમનપ્રીતકોરની દમદાર ઇનિંગની મદદથી કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમ આઠ વિકેટના નુકસાને 154 રનનો સ્કોર કરી શકી.
ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઈ રહેલ આ મૅચમાં શેફાલીએ 33 બૉલમાં 48 રન અને હરમનપ્રીતકોરે 34 બૉલમાં 52 રન બનાવ્યા.
જોકે, બંને મહિલા ખેલાડીઓની પ્રશંસાપાત્ર બૅટિંગ છતાં પણ ભારતીય ટીમ મૅચ જીતી ન શકી.
મહિલા ક્રિકેટ ટીમ કૉમન-વેલ્થ ગેમ્સનો ભાગ બની હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.
આ અવસરે મૅચ જોવા પહોંચેલાં એક સ્થાનિક પ્રશંસક પરમજીતે કહ્યું કે, "હું લાઇવ મૅચ જોવા ગઈ હોઉં તેવો આ બીજો બનાવ છે. આ પહેલાં એંટિગુઆમાં મેં પુરુષોની મૅચ જોઈ હતી. હું ચાર દિવસ માટે અહીં છું અને જેટલી વધુ મૅચ જોઈ શકું તે જોઈશ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'રાષ્ટપત્ની'વાળી વિવાદિત ટિપ્પ્ણી મામલે કૉંગ્રેસ સાંસદ અધીર રંજનની માફી
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર કૉંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ શુક્રવારે પોતાની 'રાષ્ટ્રપત્ની'વાળી ટિપ્પણી માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની માફી માગી હતી.
નોંધનીય છે કે ગુરુવારે તેમની આ ટિપ્પણી મામલે ભાજપના નેતાઓએ કૉંગ્રેસ અને અધીર રંજન ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખેલ એક પત્રમાં તેમણે લખ્યું કે, "હું તમારા પદ અને તમારા માટે ભૂલથી કહેવાઈ ગયેલ શબ્દ માટે માફી માગવા આ લખી રહ્યો છું. હું તમને ખાતરી આપું છું કે તે માત્ર એક ભૂલ હતી. હું તે બદલ માફી માગું છું અને તમને એના સ્વીકાર માટે વિનંતી કરું છું."
જ્યારે રાષ્ટ્રપતિ મુર્મૂને 'રાષ્ટ્રપત્ની' તરીકે સંબોધતાં અધીર રંજનનો વીડિયો સામે આવ્યો તે બાદથી ભાજપના મોટા નેતાઓ સહિત સમર્થકોએ પણ તેમની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું.
રાજ્યસભામાં પણ ભાજપના નેતાઓ દ્વારા અધીર રંજન દ્વારા માફી માગવામાં આવે તેવી માગ ઊઠી હતી.
ગુજરાતમાં લઠ્ઠાકાંડ, ડ્રગ્સની હેરફેર મામલે રાહુલ ગાંધીએ શું કહ્યું?
ગત મંગળવારે ગુજરાતના બોટાદ અને અમદાવાદ ગ્રામ્યમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ ઘણા લોકોનાં મૃત્યુ થયાં હતાં.
જેના કારણે રાજ્ય સરકાર અને પોલીસની કામગીરીની વ્યાપક ટીકા થઈ હતી. હવે આ મામલે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ઝંપલાવ્યું છે. સાથે જ તેમણે રાજ્યમાં સતત પકડાઈ રહેલ ગેરકાયદેસર ડ્રગ્સના જથ્થા અંગે પણ સરકારને ઘેરી હતી.
તેમણે ભાજપ પર પ્રહાર કરતાં ટ્વીટમાં લખ્યું હતું કે, "'ડ્રાઈ સ્ટેટ' ગુજરાતમાં ઝેરી દારુ પીવાના કારણે ઘણાં ઘર બરબાદ થઈ ગયાં. ત્યાં સતત અબજોનું ડ્રગ્સ પણ પકડાઈ રહ્યું છે."
"આ અત્યંત ચિંતાજનક વાત છે, બાપુ અને સરદાર પટેલની ધરતી પર, આ લોકો કોણ છે જેઓ નિર્ભયપણે નશાનો કારોબાર કરી રહ્યા છે? આ માફિયાને કઈ સત્તાધારી તાકતો સંરક્ષણ આપી રહી છે?"
સંસદમાં સ્મૃતિ ઇરાની અને સોનિયા ગાંધી વચ્ચે એવું તો શું થયું કે કૉંગ્રેસે દુર્વ્યવહારનો આક્ષેપ લગાવ્યો?
કૉંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને મહાસચિવ જયરામ રમેશે સંસદમાં કૉંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાની વચ્ચે થયેલી વાતચીત પર પોતાનું નિવેદન આપ્યું છે.
આ નિવેદનમાં કૉંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે સ્મૃતિ ઈરાનીએ સંસદમાં સોનિયા ગાંધી સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને અપમાનજનક શબ્દો પણ કહ્યા હતા.
નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, "સોનિયા ગાંધી ભાજપના એક સાંસદ રમા દેવી સાથે વાત કરી રહ્યા હતા. સ્મૃતિ ઇરાનીએ સોનિયા ગાંધીને ઘેરીને ઘણા અપમાનજનક રીતે તેમને અપશબ્દો કહ્યા હતા. જ્યારે સોનિયા ગાંધીએ તેમને શાંતિપૂર્વક કહ્યું કે હું તમારી સાથે વાત કરી રહી નથી. ત્યારે સ્મૃતિ ઇરાનીએ ચીસ પાડીને કહ્યું હતું કે 'તમને ખ્યાલ નથી, હું કોણ છું?' અન્ય ઘણી પાર્ટીઓના સાંસદ અને કૉંગ્રેસના સાંસદો આ ઘટનાના સાક્ષી છે."
કૉંગ્રેસ પાર્ટીએ સ્મૃતિ ઇરાનીના આ વર્તનને અમર્યાદિત ગણાવ્યું હતું.
બીજી બાજુ કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી સહિત કૉંગ્રેસ સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને આ મામલાની વિશેષાધિકાર સમિતિ દ્વારા તપાસ કરાવવાની માગ કરી હતી.
રાજસ્થાનના બાડમેરમાં ભારતીય વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, બંને પાઇલટના મૃત્યુ
ગુરુવારે રાત્રે ભારતીય વાયુસેનાનું એક મિગ-21 ફાઇટર જેટ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ બાડમેરના જિલ્લાધિકારી લોક બંધુને ટાંકીને જણાવ્યું છે કે આ દુર્ઘટના બાયતુ તાલુકાના ભીમડા ગામ પાસે ઘટી છે.
એએનઆઈ અનુસાર, આ મુદ્દે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ભારતીય વાયુસેના અધ્યક્ષ ઍર ચીફ માર્શલ વી. આર. ચૌધરી સાથે વાત કરીને ઘટના વિશે જાણકારી મેળવી હતી.
દુર્ઘટના સમયે વિમાનમાં બે પાઇલટ હતા. પીટીઆઈ અનુસાર, બંને પાઇલટ મૃત્યુ પામ્યા છે. વાયુસેના દ્વારા આ મામલે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
TMCના મંત્રી પાર્થ ચૅટર્જીના ઘરમાંથી 50 કરોડથી વધુ રોકડા મળતા તમામ હોદ્દા પરથી હકાલપટ્ટી
પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ પાર્થ ચૅટર્જીની તમામ હોદ્દા પરથી હકાલપટ્ટી કરી છે.
શિક્ષક ભરતી કૌભાંડમાં નામ આવ્યા બાદ તરત જ પાર્થ ચૅટર્જીને મંત્રીપદ પરથી હઠાવી દેવામાં આવ્યા હતા.
તૃણમૂલ કૉંગ્રેસ નેતા અભિષેક બેનરજીએ મીડિયાને જણાવ્યું કે જ્યાર સુધી તપાસ ચાલી રહી છે. ત્યાર સુધી પાર્થ ચૅટર્જીને પાર્ટીના તમામ હોદ્દા પરથી હઠાવવામાં આવે છે.
તેમણે જણાવ્યું, "પાર્થ ચૅટર્જીને તૃણમૂલ કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સાથે જ તેમના જનરલ સૅક્રેટરી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ત્રણ અન્ય હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે."
અભિષેક બેનરજીએ વધુમાં કહ્યું, "મુખ્ય મંત્રીએ આ નિર્ણય લીધો છે અને તેમને હઠાવી દેવામાં આવ્યા છે. આ મામલે તપાસ ચાલી રહી છે. ટીએમસીમાં કોઈ પણ જો કંઇક ખોટું કરતા પકડાશે તો તેમને કોઈ પણ ભોગે છોડવામાં આવશે નહીં."
જોકે, તેમણે એમ પણ કહ્યું કે તપાસ એક નિશ્ચિત સમયમાં પૂરી થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં સ્કૂલ સેવા આયોગ કૌભાંડમાં ઉદ્યોગમંત્રી પાર્થ ચૅટર્જીની ઈડીએ ધરપકડ કરી હતી. ત્યાર બાદની તપાસમાં તેમના નજીકની સ્ત્રીમિત્ર અર્પિતા મુખર્જીના ઘરમાંથી 50 કરોડથી વધુ રોકડા મળી આવ્યા હતા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો