દ્રૌપદી મુર્મૂ જીત્યાં ભારતના 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી, કેવી રહી તેમની રાજકીય સફર?

ભારતનાં 15મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો વિજય થયો છે. આ સાથે તેઓ પ્રતિભા પાટીલ બાદ દેશનાં બીજાં મહિલા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચાલી રહેલ મતગણનાનાં પરિણામ આવી ગયાં છે. તેમાં એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ વિપક્ષનાં દળોના ઉમેદવાર યશવંત સિંહાની સરખામણીમાં નિર્ણાયક સરસાઈ મેળવી છે.

ભારતના રાષ્ટ્રપતિને ચૂંટનાર ઇલેક્ટોરલ કૉલેજમાં મતોનું કુલ મૂલ્ય 10,86,431 થાય છે.

આ ચૂંટણીમાં બે ઉમેદવાર છે તેથી વધુ વોટ મેળવનાર કોઈ પણ ઉમેદવારનો વિજય થાય છે. આવી પરિસ્થિતિમાં દ્રૌપદી મુર્મૂને જીતવા માટે 5,43,216 મત મૂલ્યની જરૂર હતી.

સમાચાર એજન્સી એએનઆઈએ રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીના હવાલાથી જણાવ્યું છે કે ત્રીજો રાઉન્ડ ખતમ થયા બાદ દ્રૌપદી મુર્મૂને 5,77,777 મૂલ્યના મત મળી ચૂક્યા છે. તેમજ તેમના પ્રતિસ્પર્ધી યશવંત સિંહાને હજુ સુધી માત્ર 2,61,062 મતમૂલ્ય મળ્યાં છે.

મુર્મૂ રાષ્ટ્રપતિ બનનાર ભારતનાં પ્રથમ આદિવાસી અને બીજાં મહિલા છે.

તેઓ 25 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ સ્વરૂપે પદ અને ગુપ્તતાના શપથ લેશે. રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ દ્રૌપદી મુર્મૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત ઘણી રાજકીય હસ્તીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

દ્રૌપદી મુર્મૂનો જન્મ 10 જૂન 1958ના રોજ ઓડિશાના મયૂરભંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં થયો હતો.

તેઓ સંથાલ આદિવાસી છે અને તેમના પિતા બિરંચી નારાયણ ટુડૂ પોતાની પંચાયતના મુખી છે.

દ્રૌપદી મુર્મૂ ઝારખંડનાં પ્રથમ મહિલા અને આદિવાસી રાજ્યપાલ હતાં.

તેઓ ઝારખંડમાં સૌથી લાંબા સમય (છ વર્ષ કરતાં વધુ સમય) સુધી રાજ્યપાલ રહ્યાં હતાં.

ત્યાંથી સેવાનિવૃત્તિ બાદ તેઓ પોતાના ગૃહ રાજ્ય ઓડિશાના મયૂરભંજ જિલ્લાના રાયરંગપુરમાં રહે છે. આ તેમના પૈતૃક ગામ બૈદાપોસીનું પ્રખંડ મુખ્યાલય છે.

શિક્ષણથી રાજકારણ સુધી

વર્ષ 1979માં ભુવનેશ્વરની રમાદેવી મહિલા કૉલેજથી બીએ પાસ કરનાર દ્રૌપદી મુર્મૂએ પોતાની કારકિર્દીની શરૂઆત ઓડિશા સરકાર માટે ક્લાર્કની નોકરીથી કરી.

આ દરમિયાન મુર્મૂ સિંચાઈ અને ઊર્જાવિભાગમાં જુનિયર સહાયક હતાં. બાદનાં વર્ષોમાં તેઓ શિક્ષિકા પણ રહ્યાં.

મુર્મૂએ રાયરંગપુરના શ્રી અરવિંદો ઇંટિગ્રલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં માનદ શિક્ષક તરીકે શિક્ષણકાર્ય આરંભ્યું.

દ્રૌપદી મુર્મૂએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત વૉર્ડ કાઉન્સિલર તરીકે વર્ષ 1997માં કરી હતી.

રાયરંગપુર વિધાનસભા બેઠકથી ભાજપની ટિકિટ પર બે વખત (વર્ષ 2000 અને 2009)માં તેઓ ધારાસભ્ય બન્યાં હતાં.

અત્યાર સુધીમાં ભારતના રાષ્ટ્રપતિઓ

  • ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (1884-1963)
  • ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન (1888-1975)
  • ડૉ. ઝાકીર હુસૈન (1897-1969)
  • વરાહગિરી વેંકટગિરી (1894-1980)
  • ડૉ. ફખરુદ્દીન અલી અહમદ (1905-1977)
  • નીલમ સંજીવ રેડ્ડી (1913-1996)
  • જ્ઞાની ઝૈલસિંહ (1916-1994)
  • આર વૈંકટરમન (1910-2009)
  • ડૉ. શંકરદયાલ શર્મા (1918-1999)
  • કે. આર. નારાયણન (1920 - 2005)
  • ડૉ. એપીજે અબ્દુલ કલામ (1931-2015)
  • પ્રતિભાદેવીસિંહ પાટિલ (જન્મ - 1934)
  • પ્રણવ મુખરજી (1935-2020)
  • રામનાથ કોવિંદ (જન્મ - 1945)

સક્રિય રાજકારણથી દૂર

પ્રથમ વખત ધારાસભ્ય બન્યા બાદ તેઓ વર્ષ 2000થી 2004 સુધી નવીન પટનાયકના મંત્રિમંડળમાં સ્વતંત્ર પ્રભારનાં રાજ્યમંત્રી રહ્યાં.

વર્ષ 2015માં તેમને પહેલીવાર રાજ્યપાલ બનાવાયાં, ત્યારે ઠીક એના પહેલાં સુધી તેઓ મયૂરભંજ જિલ્લાનાં ભાજપ અધ્યક્ષ હતાં.

વર્ષ 2002થી 2009 અને વર્ષ 2013થી એપ્રિલ 2015 સુધી આ મોરચાનાં રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય રહ્યાં.

તે બાદ તેઓ ઝારખંડનાં રાજ્યપાલ બન્યાં અને ભાજપના સક્રિય રાજકારણથી અલગ થઈ ગયાં.

દ્રૌપદી મુર્મૂનાં લગ્ન શ્યામચરણ મુર્મૂ સાથે થયાં પરંતુ ઓછી ઉંમરમાં જ તેમનું નિધન થઈ ગયું. તેમનાં ત્રણ સંતાનો હતાં પરંતુ તેમાં બંને દીકરાનાં મૃત્યુ પણ અસમય થયાં.

મુર્મૂનાં દીકરી ઇતિશ્રી મુર્મૂ છે, જેઓ રાંચીમાં રહે છે. તેમનાં લગ્ન ગણેશંચદ્ર હેમ્બરમ સાથે થયાં છે.

કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી?

રાષ્ટ્રપતિની ચૂંટણી વોટિંગ બૅલેટ મારફતે યોજાય છે. આ વખતે રાષ્ટ્રપતિ મતદાતામંડળમાં 4,807 મતદારો હતા. જેમાંથી રાજ્યસભાના 233, લોકસભાના 543 અને વિધાનસભાઓના 4,033 સભ્યો સામેલ છે.

વોટિંગ દરમિયાન દરેક સભ્યની વોટ વૅલ્યૂ હોય છે.

આ વખતે દરેક સાંસદોના વોટની વૅલ્યૂ 700 નક્કી કરવામાં આવી હતી. જ્યારે દરેક રાજ્યના ધારાસભ્યોની વોટ વેલ્યૂ જે તે રાજ્યની વસતીઆધારિત હોય છે.જેમ કે, ઉત્તર પ્રદેશમાં દરેક ધારાસભ્યની વોટ વૅલ્યૂ 208 છે. જ્યારે મિઝોરમમાં આઠ અને તમિલનાડુમાં 176.

ધારાસભ્યોના વોટોનું કુલ વેઇટેજ 5,43,231 અને સંસદસભ્યોના વોટનું વેઇટેજ 5,43,200 છે. આમ, ઇલૅક્ટોરલ કૉલેજમાં સામેલ તમામ સભ્યોના વોટનું કુલ વેઇટેજ 10,86,431 થાય છે.

કોઈ પણ ઉમેદવારને જીતવા માટે કુલ વેઇટેજના 50 ટકાથી વધુની જરૂર પડે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો