You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં મંકીપૉક્સનો પ્રથમ કેસ નોંધાયો, કેટલો જોખમી છે આ રોગ અને કેવી રીતે ફેલાય છે?
- મધ્ય અને પશ્ચિમ આફ્રિકન દેશોમાં સૌથી વધુ જોવા મળતો વાઇરસ છે
- આ વાઇરસના બે પ્રકાર છે: પશ્ચિમ આફ્રિકન અને મધ્ય આફ્રિકન
- નિષ્ણાતો પ્રમાણે, આ વાઇરસનો ચેપ લાગવાની શક્યતા ઘણી ઓછી છે
- આ વાઇરસની ઓળખ સૌપ્રથમ વખત એક વાંદરામાં કરવામાં આવી હતી
ભારતમાં ગુરુવારે મંકીપૉક્સના પ્રથમ કેસની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, થોડા દિવસ અગાઉ યુએઈથી કેરળ આવનારા 35 વર્ષીય યુવાનમાં આ રોગ જોવા મળ્યો છે. હાલમાં તે થિરુવનંતપુરમ્ મૅડિકલ કૉલેજમાં સારવાર મેળવી રહ્યા છે.
કેરળના આરોગ્યમંત્રી વીણા જ્યૉર્જે કહ્યું કે આ દર્દી યુએઈમાં મંકીપૉક્સના દર્દીના સંપર્કમાં આવ્યા હતા. આ સિવાય તેઓ તેમનાં માતા-પિતા, ટૅક્સી ડ્રાઇવર અને એક રિક્ષા ડ્રાઇવરના સંપર્કમાં હતા.
સ્વાસ્થ્ય વિભાગે તેઓ જે ફ્લાઇટમાં યુએઈથી કેરળ આવ્યા તે ફ્લાઇટના તમામ મુસાફરો અને કૅબિન ક્રૂની માહિતી એકઠી કરીને કાર્યવાહી હાથ ધરી છે.
થોડા સમય અગાઉ ઘણા દેશોમાં મંકીપૉક્સના હજારો કેસ નોંધાયા હતા. તે સમયે ભારતમાં એક પણ કેસ નોંધાયો ન હતો.
હવે જ્યારે પહેલો કેસ નોંધાયો છે, તો જાણીએ આ રોગને લગતા એવા સાત પ્રશ્નોના જવાબ, જે તમારે જાણવા જરૂરી છે.
મંકીપૉક્સ કેટલો સામાન્ય છે?
મંકીપૉક્સ એ મંકીપૉક્સ વાઇરસને કારણે થાય છે, જે શીતળા જેવા વાઇરસના પરિવારનો જ સભ્ય છે. જોકે તે ઘણો ઓછો ગંભીર છે અને નિષ્ણાતો કહે છે કે ચેપ લાગવાની સંભાવના ઓછી છે.
તે મોટે ભાગે મધ્ય અને પશ્ચિમ આફ્રિકન દેશોના દૂરના ભાગોમાં ઉષ્ણકટિબંધીય વરસાદીવનોની નજીક જોવા મળે છે. આ વાઇરસના બે મુખ્ય પ્રકારો છે - પશ્ચિમ આફ્રિકન અને મધ્ય આફ્રિકન.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુકેમાં ચેપગ્રસ્ત દર્દીઓમાંથી બેએ નાઇજીરિયાથી મુસાફરી કરી હતી, તેથી સંભવ છે કે તેઓ વાઇરસના પશ્ચિમ આફ્રિકન સ્ટ્રેનથી પીડિત છે, જે સામાન્ય રીતે હળવા હોય છે, પરંતુ આની હજુ સુધી કોઈ પુષ્ટિ નથી થઈ.
ત્રીજો કેસ એક આરોગ્યકર્મીનો હતો જેમનામાં એક દર્દીમાંથી આ વાઇરસ સંક્રમિત થયો હતો. ત્રણ યુકેમાં અને એક ઉત્તર-પૂર્વ ઇંગ્લૅન્ડમાં નોંધાયેલા આ ચાર સૌથી તાજા કિસ્સાઓને એકબીજા સાથે સંબંધ હોવાનુ જાણમાં નથી અથવા મુસાફરીનો કોઈ ઇતિહાસ નથી.
એવું લાગે છે કે યુકેમાં તેઓને વાઇરસનો ચેપ લાગ્યો હતો. યુ.કે.એચ.એસ.એ. અનુસાર જે કોઈને પણ ચિંતા હોય કે તેમને ચેપ લાગ્યો હોવાની શક્યતા છે તેમણે ડૉક્ટ્રની સલાહ લેવી જોઈએ અને મુલાકાત પહેલાં ક્લિનિક અથવા સર્જરી સાથે સંપર્ક કરવો જોઈએ.
તેનાં લક્ષણો શું હોય છે?
પ્રારંભિક લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સોજો, પીઠનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને સામાન્ય સૂચિહીનતાનો સમાવેશ થાય છે.
એક વાર તાવ ઊતરે પછી શરીર પર ફોલ્લીઓ દેખાઈ શકે છે, જે ઘણી વાર ચહેરા પર શરૂ થાય છે, પછી શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે, મોટે ભાગે હાથની હથેળીઓ અને પગનાં તળિયાંમાં.
આ ફોલ્લીમાં બહુ ખંજવાળ આવે તેવી શક્યતા છે, તેમાં બદલાવ આવતા રહે છે અને છેવટે ખંજવાળ પહેલાં તે અલગઅલગ તબક્કામાંથી પસાર થાય છે, જે પછીથી ખરી જાય છે.
તેના ઘા ડાઘ પેદા કરી શકે છે. ચેપ સામાન્ય રીતે તેની જાતે જ દૂર થઈ જાય છે અને 14થી 21 દિવસ સુધી રહે છે.
તમે કેવી રીતે સંક્રમિત થઈ શકો?
જ્યારે કોઈ વ્યક્તિ ચેપગ્રસ્ત વ્યક્તિના નજીકના સંપર્કમાં હોય ત્યારે મંકીપૉક્સ ફેલાઈ શકે છે. આ વાઇરસ કપાયેલી ત્વચા, શ્વસનમાર્ગ અથવા આંખો, નાક અથવા મોં દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે.
તે ચેપગ્રસ્ત પ્રાણીઓ જેવાં કે વાંદરા, ઉંદરો અને ખિસકોલીના સંપર્કમાં આવવાથી અથવા પથારી અને કપડાં જેવી વાઇરસગ્રસ્ત વસ્તુઓ દ્વારા પણ ફેલાય છે.
આ વાઇરસ કેટલો જોખમી છે?
આ વાઇરસથી સંક્રમણના મોટા ભાગના કેસ સામાન્ય હોય છે. કેટલીક વાર તે ચિકનપૉક્સ જેવા હોય છે અને થોડાં અઠવાડિયાંમાં જ આપોઆપ સંક્રમણ દૂર થઈ જાય છે.
જોકે, મંકીપૉક્સ ક્યારેક વધુ ગંભીર બની શકે છે અને પશ્ચિમ આફ્રિકામાં તેના કારણે મૃત્યુ થયાં હોવાનું નોંધાયું છે.
રોગચાળો કેટલો સામાન્ય છે?
આ વાઇરસની પ્રથમ ઓળખ બંધ રખાયેલા વાંદરામાં થઈ હતી અને 1970થી 10 આફ્રિકન દેશોમાં છૂટાછવાયા જોવા મળ્યા છે.
2003માં અમેરિકામાં આનો રોગચાળો ફાટી નીકળ્યો હતો અને પ્રથમ વખત આ રોગ આફ્રિકાની બહાર જોવા મળ્યો હતો.
આ રોગ ત્યાં આયાત કરવામાં આવતા વિવિધ પ્રકારનાં નાનાં સસ્તન પ્રાણીઓ દ્વારા સંક્રમિત થયા હોય તેવા પ્રેરી કૂતરાંના નજીકના સંપર્કથી દર્દીઓને લાગ્યો હતો.
કુલ 81 કેસ નોંધાયા હતા, પરંતુ એક પણ કેસમાં કોઈ મૃત્યુ નહોતું થયું. અત્યાર સુધીનો સૌથી મોટો રોગચાળો 2017માં નાઇજીરિયામાં ફેલાયો હતો.
નાઇજીરિયામાં મંકીપૉક્સનાં નોંધાયેલા પહેલા કેસ પછીનાં 40 વર્ષ પછી ત્યાં આટલા મોટા પ્રમાણમાં રોગચાળો ફેલાયો હતો. મંકીપૉક્સના 172 શંકાસ્પદ કેસ હતા અને ભોગ બનેલા 75% પુરુષો 21થી 40 વર્ષની વયના હતા.
તેની સારવાર શું છે?
મંકીપૉક્સની કોઈ સારવાર નથી, પરંતુ સંક્રમણને અટકાવીને રોગચાળાને નિયંત્રિત કરી શકાય છે.
શીતળા સામેનું રસીકરણ મંકીપૉક્સને રોકવામાં 85% અસરકારક સાબિત થયું છે અને હજી પણ કેટલીક વાર તેનો ઉપયોગ થાય છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો