You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે કહ્યું, "કનૈયાલાલની હત્યા 'આતંકી' કૃત્ય, આરોપીઓ અન્ય દેશોના સંપર્કમાં હતા" - પ્રેસ રિવ્યૂ
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે જણાવ્યું કે કનૈયાલાલ હત્યાકાંડમાં યુએપીએ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.
તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે "ઉદયપુરની ઘટના પર આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે ઘટના પ્રથમ દૃષ્ટિએ આતંક ફેલાવવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી. બંને આરોપી અન્ય દેશોના સંપર્કમાં હોવાની પણ જાણકારી સામે આવી છે."
તેમણે આગળ લખ્યું છે, "આ ઘટનામાં યુએપીએ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેથી હવે આગળની તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવશે. જેમાં રાજસ્થાન એટીએસ સંપૂર્ણ સહયોગ આપશે."
કોણ છે કનૈયાલાલ?
મૃતક કનૈયાલાલ તેલી ઉદયપુરના ધાનમંડી વિસ્તારમાં દરજીની દુકાન ચલાવતા હતા.
મંગળવારે બપોરે તેમની દુકાન પર કપડા સિવડાવવાના બહાને લોકો પહોંચ્યા અને તેમને દુકાનની બહાર લાવીને તલવારથી તેમની ગરદન કાપી નાખી હતી.
સ્થળ પર જ કનૈયાલાલનું મૃત્યુ થઇ ગયું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
રાજસ્થાન પોલીસ અનુસાર, કન્હૈયાલાલે દાવો કર્યો હતો કે તેમના પુત્રે ભૂલથી એક વિવાદાસ્પદ પોસ્ટ ફેસબુક પર પોસ્ટ કરી હતી. જેના કારણે આ ઘટના બની હતી.
આ મામલે પોલીસ ફરિયાદ થયા બાદ તેમની ધરપકડ પણ થઇ હતી અને બાદમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુરત મેટ્રો પ્રોજેક્ટને ગુજરાત હાઈકોર્ટની લીલીઝંડી
ગુજરાત હાઇકોર્ટે બુધવારે સુરતના રૂદ્રપુરા વિસ્તારમાં મ્યુનિસિપલ માર્કેટના 39 દુકાનધારકો દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવતાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી આગળ વધી શકશે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, સુરત મેટ્રો રેલ ફેઝ-1ના નિર્માણકાર્યમાં રૂદ્રપુરા મ્યુનિસિપલ માર્કેટની દુકાનો અડચણરૂપ આવતી હતી.
દુકાનધારકોને જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવતાં 39 જેટલા દુકાનધારકો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, તેઓ સ્થાનિકસ્વરાજના ભાડૂઆત છે.
જો અહીં સ્ટે આપવામાં આવે તો એક એવો મેગા પ્રોજેક્ટ વિલંબમાં પડી જાય જે આખરે લોકોની સુવિધા માટેનો છે. તેનાંથી આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
મેટ્રો રેલ કૉર્પોરેશન દ્વારા આ દુકાનધારકોને 1.11 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી. વળતરની આ રકમને પણ કોર્ટે સમર્થન આપ્યું હતું.
પરમિટ વગર હજયાત્રા કરનારા લોકોને થશે બે લાખ રૂપિયાથી વધુનો દંડ
પરમિટ વગર હજયાત્રા કરનારાઓને સાઉદી અરેબિયા સરકારે 2,666 ડૉલર એટલે કે લગભગ બે લાખ રૂપિયા દંડની જાહેરાત કરી છે.
આ અંગે સરકારે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.
નિવેદન અનુસાર સાઉદી અરેબિયાના જનસુરક્ષા વિભાગના પ્રવક્તા મહમદ અલ શુવાએરેખ તરફથી કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જો પરમિટ વગર હજ યાત્રા કરવાનો પ્રયત્ન કરતા પકડાશે તો તેને દસ હજાર રિયાલનો જુર્માનો ભરવો પડશે.
હજયાત્રા કરવાની ઇચ્છા ધરાવતા લોકોએ સંબંધિત અધિકારીઓ પાસેથી પરમિટ લેવી જરૂરી છે.
મહમદ અલ શુવાએરેખે તમામ નાગરિકોને કહ્યું છે કે તેઓ હજને લઇને જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશોનું કડકાઇથી પાલન કરે.
તેમણે કહ્યું કોઇ પણ પ્રકારના ઉલ્લંઘનથી બચવા માટે મક્કા અને તમામ ધાર્મિક સ્થળો પર મોટી સંખ્યામાં સુરક્ષાબળો તહેનાત રહેશે.
સાઉદી અરેબિયાએ આ પહેલાં જણાવ્યું હતું કે આ વર્ષે વિશ્વભરમાંથી આવનારા 10 લાખથી વધુ લોકોને હજયાત્રાને મંજૂરી આપવામાં આવી છે. છેલ્લાં બે વર્ષમાં કોરોના સંક્રમણના કારણે માત્ર સાઉદી અરેબિયાના નાગરિકોને હજયાત્રાની મંજૂરી આપવામાં આવી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો