મહારાષ્ટ્ર સંકટ : ભાજપે શિવસેનાના એકનાથ શિંદેને નાયબ મુખ્ય મંત્રીપદની ઑફર કરી? - પ્રેસ રિવ્યૂ
શિવસેનાના વિદ્રોહી ધારાસભ્ય એકનાથ શિંદેને ભાજપે નાયબ મુખ્ય મંત્રીપદની ઑફર કરી છે. બીબીસીની મરાઠી સેવાના સંવાદદાતા મયંક ભાગવતે સૂત્રોને ટાંકીને આ વાત કરી છે.

ઇમેજ સ્રોત, getty images
આ સૂત્રોનું કહેવું છે કે શિવસેના જો એકનાથ શિંદેની માગોને નહીં સ્વીકારે તો શિંદે ભાજપ સાથે મળીને સરકાર બનાવવા માટે તૈયાર છે. સૂત્રોનું માનવું છે કે ભાજપ બોર્ડ સતત એકનાથ શિંદેના સંપર્કમાં છે.
જોકે, એકનાથ શિંદેએ ટ્વીટ કરીને શિવસેનામાં જ રહેવાની વાત કરી છે.
તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે ગત અઢી વર્ષોમાં મહાવિકાસ અઘાડી સરકારથી માત્ર ઘટક પક્ષોને લાભ થતો હતો અને શિવસૈનિકો અભિભૂત હતા. જ્યારે ઘટક પક્ષો મજબૂત થઈ રહ્યા હતા ત્યારે શિવસૈનિકોનું પતન થઈ રહ્યું હતું.
તેમણે ઉમેર્યું, 'પાર્ટી અને શિવસૈનિકોએ અસ્તિત્વ માટે અસ્વાભાવિક મોરચામાંથી બહાર નીકળવાની જરૂર છે. મહારાષ્ટ્ર માટે હાલ આ નિર્ણય જરૂરી છે'
એકનાથ શિંદેએ બુધવારે સવારે ગૌહાટીથી ઉદ્ધવ ઠાકરેનો સંપર્ક કર્યો હતો. તેમના જૂથે કહ્યું છે, 'હાલ અમે પાર્ટી છોડીશું નહીં. પરંતુ અમે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી સાથે નહીં જઈએ.'
તમામ ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેને મળીને નિર્ણય કરશે. સૂત્રોએ બીબીસીને કહ્યું છે કે તે એકસાથે આવશે અને નક્કી કરશે કે ઉદ્ધવ ઠાકરેને મળવું છે કે નહીં. પરંતુ હાલ સુધી કોઈ નિર્ણય થયો નથી.

ગુજરાતમાં એક જ દિવસમાં કોરોના વાઇરસના કેસ બે ગણા, 407 મામલા

ઇમેજ સ્રોત, getty images
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ સતત ત્રીજા દિવસે બે ગણા નોંધાયા છે. રાજ્યમાં મંગળવારે કોરોના વાઇરસના 226 કેસ નોંધાયા હતા, બુધવારે આ આંક વધીને 407 એ પહોંચ્યો હતો. એક દિવસમાં 80 ટકા કેસ વધ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં મંગળવારે 106 કેસ નોંધાયા હતા, બુધવારે તે સંખ્યા વધીને 207 થઈ હતી.
ગત ચાર મહિનામાં એક દિવસમાં સૌથી વધારે કેસ બુધવારે નોંધાયા હતા.
ગુજરાતના આરોગ્યખાતાના અધિક સચિવ મનોજ અગ્રવાલે કહ્યું હતું કે અમદાવાદ, સુરત અને વડોદરામાં દેખરેખ વધારવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું, 'મોટા ભાગના દરદીઓમાં ફ્લૂ જેવાં લક્ષણો જોવાં મળે છે. માત્ર 5થી 7 ટકા લોકોને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે.'

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી 1000 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં ઓછામાં ઓછા 1000 લોકો માર્યા ગયા છે અને 1500થી વધુ લોકો ઘાયલ થયા છે.
જ્યારે કાટમાળમાં હજુ અસંખ્ય લોકો ફસાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પક્તિકા પ્રાંતમાં મોટી સંખ્યામાં મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયાં છે.
તાલિબાનના નેતા હિબ્તુલ્લાહ અખુંદઝાદાએ જણાવ્યું છે કે અસંખ્ય ઘર બરબાદ થઈ ગયાં છે અને મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.
તાલિબાનના ડિઝાસ્ટર મૅનેજમૅન્ટના ઉપમંત્રી શરફુદ્દીન મુસ્લિમે પત્રકારપરિષદમાં જણાવ્યું છે કે ઓછામાં ઓછા 1000 લોકો માર્યા ગયા છે અને 1500થી વધુ ઘાયલ થયા છે.
ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ-પૂર્વમાં આવેલા ખોસ્ત શહેરથી 44 કિલોમીટર દૂર નોંધાયું છે.
રૉયટર્સ યુરોપિયન મેડિટેરિયન સિસ્મૉલૉજી સેન્ટર અનુસાર ભૂકંપના આંચકા 500 કિલોમીટર દૂર સુધી અફઘાનિસ્તાનનાં વિવિધ શહેરો, પાકિસ્તાન અને છેક ભારત સુધી અનભુવાય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













