પ્રેસિડેન્સિયલ ઇલેકશન: રાષ્ટ્રપતિપદ માટે ભાજપે જેમની પસંદગી કરી છે એ દ્રૌપદી મુર્મૂ કોણ છે?

દ્રૌપદી મુર્મૂએ પોતાની વ્યાવસાયિક કરિયરની શરૂઆત ઓડિશા સરકારમાં ક્લાર્કની નોકરીથી કરી હતી

ઇમેજ સ્રોત, IPRD

ઇમેજ કૅપ્શન, દ્રૌપદી મુર્મૂએ પોતાની વ્યાવસાયિક કરિયરની શરૂઆત ઓડિશા સરકારમાં ક્લાર્કની નોકરીથી કરી હતી
    • લેેખક, રવિપ્રકાશ
    • પદ, બીબીસી, રાંચીથી

ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 29 જૂન સુધીમાં આવેદનપત્ર ભરવાનું છે, 18 જુલાઈએ મતદાન થશે અને 21 જુલાઈએ એના પરિણામની જાહેરાત કરવામાં આવશે.

ગઈ વખતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપે બિહારના તત્કાલીન રાજ્યપાલ રામનાથ કોવિંદને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા અને આ વખતે ઝારખંડનાં પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે.

દ્રૌપદી મુર્મૂ ઝારખંડનાં પ્રથમ મહિલા અને આદિવાસી રાજ્યપાલ હતાં. આ પદ પરથી સેવાનિવૃત્ત થયા બાદ તેઓ પોતાના ગૃહરાજ્ય ઓડિશાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુરમાં રહે છે. તે એમના મૂળ વતન બૈદાપોસીનું ક્ષેત્રીય મુખ્યમથક (બ્લૉક હૅડક્વાર્ટર) છે. તેઓ ઝારખંડમાં સૌથી લાંબા (છ વર્ષ કરતાં વધારે) સમય સુધી રાજ્યપાલ હતાં.

દ્રૌપદી મુર્મૂ ભારતનાં પહેલાં આદિવાસી અને બીજા ક્રમનાં મહિલા રાષ્ટ્રપતિ બને એવી શક્યતા છે. તેઓ એનડીએનાં ઉમેદવાર છે અને મતોની બાબતે એનડીએ જીતની નજીક છે.

વિપક્ષી પાર્ટીઓએ આ પદ માટે યશવંત સિન્હાને ચૂંટણીમેદાનમાં ઉતાર્યા છે. ભારતીય વહીવટી સેવા (આઇએએસ)ના પૂર્વ અધિકારી યશવંત સિન્હા ઝારખંડની હજારીબાગ સીટ પર ભાજપના લોકસભાના સાંસદ હતા અને કેન્દ્ર સરકારના મંત્રી પણ હતા. તેઓ ઘણાં વર્ષો સુધી ભાજપના જ નેતા હતા, પરંતુ તાજેતરનાં વર્ષોમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ સતત મુખર થતા ગયા અને છેવટે ભાજપમાંથી છૂટા થવું પડ્યું.

એ પછી તેઓ તેઓ મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસ સાથે જોડાયા હતા. યશવંત સિન્હાના પુત્ર અને હજારીબાગના હાલના લોકસભા સાંસદ જયંત સિન્હા હજુ પણ ભાજપમાં છે. જયંત સિન્હા માટે અસંમજસભરી સ્થિતિ હશે કે તેઓ પિતાના પક્ષમાં મતદાન કરે કે પાર્ટીના પક્ષમાં.

આ એવો પહેલો જ પ્રસંગ છે જેમાં ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે બંને મુખ્ય ઉમેદવારો ઝારખંડ સાથે સંબંધ ધરાવે છે. આ એક કારણે આ નાનકડું રાજ્ય અચાનક ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.

લાઇન

સંક્ષિપ્તમાં: જાણો દ્રૌપદી મુર્મૂ વિશે, જેમને ભાજપે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઘોષિત કર્યાં

લાઇન
  • દ્રૌપદી મુર્મૂએ પોતાની વ્યાવસાયિક કરિયરની શરૂઆત ઓડિશા સરકારમાં ક્લાર્કની નોકરીથી કરી હતી
  • એમણે રાયરંગપુરના શ્રી અરવિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં માનદ શિક્ષક તરીકે ભણાવ્યું
  • દ્રૌપદી મુર્મૂએ ઈ.સ. 1997માં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત વૉર્ડ કાઉન્સિલર તરીકે કરી હતી.
  • રાયરંગપુર વિધાનસભાની સીટ પરથી ભાજપની ટિકિટ પર બે વાર (ઈ.સ. 2000 અને 2009) ધારાસભ્ય બન્યાં.
  • 2000થી 2004 સુધી નવીન પટનાયકના મંત્રીમંડળમાં સ્વતંત્ર પ્રભારનાં રાજ્યમંત્રી રહ્યાં.
  • એમણે મંત્રી તરીકે લગભગ બે-બે વર્ષ સુધી વાણિજ્ય અને પરિવહન વિભાગ તથા મત્સ્યપાલન ઉપરાંત પશુ સંસાધન વિભાગ સંભાળ્યાં.
  • 18 મે, 2015એ એમણે ઝારખંડનાં પ્રથમ મહિલા અને આદિવાસી રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા
  • તેઓ બે વખત ભાજપ એસટી મોરચાનાં રાષ્ટ્રીય કાર્યકારિણીનાં સભ્ય રહી ચૂક્યાં છે.
  • એમના એક પુત્ર લક્ષ્મણ મુર્મૂનું મૃત્યુ ઑક્ટોબર 2009માં સંદિગ્ધ પરિસ્થિતિઓમાં થયું.
લાઇન
line

શા માટે ખાસ છે દ્રૌપદી મુર્મૂ?

દ્રૌપદી મુર્મૂએ ઈ.સ. 1997માં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત વૉર્ડ કાઉન્સિલર તરીકે કરી હતી

ઇમેજ સ્રોત, IPRD

ઇમેજ કૅપ્શન, દ્રૌપદી મુર્મૂએ ઈ.સ. 1997માં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત વૉર્ડ કાઉન્સિલર તરીકે કરી હતી

21 જૂને મોડી સાંજે ભાજપ અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડાએ જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂનાં નામની જાહેરાત કરી ત્યારે તેઓ (મુર્મૂ) નવી દિલ્હીથી લગભગ 1,600 કિલોમીટર દૂર રાયરંગપુર (ઓડિશા)માં પોતાના ઘરે હતાં.

આ જાહેરાતના બરાબર એક દિવસ પહેલાં 20 જૂને તેમણે પોતાનો 64મો જન્મદિવસ સાદગીથી ઊજવ્યો હતો. ત્યારે તેમને એવો અંદેશો પણ નહીં હોય કે, માત્ર 24 કલાક પછી તેમને દેશના સૌથી મોટા હોદ્દા માટે સત્તાપક્ષ તરફથી ઉમેદવાર બનાવવામાં આવશે. પરંતુ એવું થયું અને હવે બધી અટકળોનો અંત આવી ગયો છે.

પોતાની ઉમેદવારીની જાહેરાત થયા બાદ તેમણે સ્થાનિક મીડિયાને કહ્યું, "હું આશ્ચર્યચકિત છું અને ખુશ પણ. કેમ કે મને રાષ્ટ્રપતિપદની ઉમેદવાર બનાવવામાં આવી છે. ટેલિવિઝન પર જોયું ત્યારે મને એ ખબર પડી. રાષ્ટ્રપતિ એક બંધારણીય પદ છે અને જો આ પદ પર મને ચૂંટી કાઢવામાં આવશે તો રાજનીતિથી પર રહી દેશના લોકો માટે કામ કરીશ. આ પદ માટે જે બંધારણીય જોગવાઈ છે, હું એ અનુસાર કામ કરીશ. આનાથી વધારે હાલ હું બીજું કશું નથી કહી શકતી."

જોકે, રાજકીય વર્તુળોમાં અને મીડિયામાં પહેલાંથી જ એમનાં નામની ચર્ચાઓ થતી હતી. ઈ.સ. 2017માં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ એમનાં નામની જોરશોરથી ચર્ચા થઈ હતી, પરંતુ ત્યારે છેલ્લી ઘડીએ ભાજપે બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદને ઉમેદવાર બનાવી દીધા હતા. તેઓ ચૂંટણી જીત્યા અને રાષ્ટ્રપતિ તરીકે આગામી 24 જુલાઈએ એમનો કાર્યકાળ પણ પૂરો થઈ રહ્યો છે.

line

ક્યારેક ક્લાર્ક પણ હતાં દ્રૌપદી મુર્મૂ

રાયરંગપુર વિધાનસભાની સીટ પરથી ભાજપની ટિકિટ પર બે વાર (ઈ.સ. 2000 અને 2009) ધારાસભ્ય બન્યાં

ઇમેજ સ્રોત, DROUPADI MURMU FAMILY

ઇમેજ કૅપ્શન, રાયરંગપુર વિધાનસભાની સીટ પરથી ભાજપની ટિકિટ પર બે વાર (ઈ.સ. 2000 અને 2009) ધારાસભ્ય બન્યાં

ઈ.સ. 1979માં ભુવનેશ્વરની રમાદેવી મહિલા કૉલેજમાંથી બી.એ. પાસ થનારાં દ્રૌપદી મુર્મૂએ પોતાની વ્યાવસાયિક કરિયરની શરૂઆત ઓડિશા સરકારમાં ક્લાર્કની નોકરીથી કરી હતી. ત્યારે તેઓ સિંચાઈ અને ઊર્જા વિભાગમાં જુનિયર સહાયક હતાં. ત્યાર પછીનાં વરસોમાં તેઓ શિક્ષિકા પણ હતાં.

એમણે રાયરંગપુરના શ્રી અરવિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં માનદ શિક્ષક તરીકે ભણાવ્યું. નોકરીનાં વર્ષોમાં તેમની ઓળખ એક મહેનતુ કર્મચારીની હતી.

line

રાજકીય કારકિર્દી

2000થી 2004 સુધી નવીન પટનાયકના મંત્રીમંડળમાં સ્વતંત્ર પ્રભારનાં રાજ્યમંત્રી રહ્યાં

ઇમેજ સ્રોત, IPRD

ઇમેજ કૅપ્શન, 2000થી 2004 સુધી નવીન પટનાયકના મંત્રીમંડળમાં સ્વતંત્ર પ્રભારનાં રાજ્યમંત્રી રહ્યાં

દ્રૌપદી મુર્મૂએ ઈ.સ. 1997માં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત વૉર્ડ કાઉન્સિલર તરીકે કરી હતી. ત્યારે તેઓ રાયરંગપુર નગરપાલિકાની ચૂંટણીમાં વૉર્ડ કાઉન્સિલર તરીકે ચૂંટાયાં હતાં અને નગરપાલિકાનાં અધ્યક્ષ બનાવાયાં હતાં.

ત્યાર બાદ, રાજકારણમાં તેઓ સતત આગળ વધતાં ગયાં અને રાયરંગપુર વિધાનસભાની સીટ પરથી ભાજપની ટિકિટ પર બે વાર (ઈ.સ. 2000 અને 2009) ધારાસભ્ય પણ બન્યાં. પહેલી વાર ધારાસભ્ય બન્યાં પછી તેઓ 2000થી 2004 સુધી નવીન પટનાયકના મંત્રીમંડળમાં સ્વતંત્ર પ્રભારનાં રાજ્યમંત્રી રહ્યાં.

એમણે મંત્રી તરીકે લગભગ બે-બે વર્ષ સુધી વાણિજ્ય અને પરિવહન વિભાગ તથા મત્સ્યપાલન ઉપરાંત પશુ સંસાધન વિભાગ સંભાળ્યાં. ત્યારે નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતાદળ (બીજેડી) અને ભાજપે ઓડિશામાં ગઠબંધનની સરકાર રચી હતી.

ઈ.સ. 2009માં જ્યારે તેઓ બીજી વખત ધારાસભ્ય બન્યાં ત્યારે એમની પાસે એક પણ ગાડી નહોતી. એમની કુલ મૂડી માત્ર 9 લાખ રૂપિયા હતી અને ત્યારે એમની પર 4 લાખનું દેવું પણ હતું.

એમને ઓડિશામાં સર્વશ્રેષ્ઠ ધારાસભ્યોને મળતો નીલકંઠ પુરસ્કાર પણ મળ્યો છે

ઇમેજ સ્રોત, IPRD

ઇમેજ કૅપ્શન, એમને ઓડિશામાં સર્વશ્રેષ્ઠ ધારાસભ્યોને મળતો નીલકંઠ પુરસ્કાર પણ મળ્યો છે

એમનાં ચૂંટણી સોગંદનામાં અનુસાર, ત્યારે એમનાં પતિ શ્યામચરણ મુર્મૂના નામે એક બજાજ ચેતક સ્કૂટર અને એક સ્કૉર્પિયો ગાડી હતી. આની પહેલાં તેઓ 4 વર્ષ સુધી મંત્રી રહ્યાં હતાં. એમને ઓડિશામાં સર્વશ્રેષ્ઠ ધારાસભ્યોને મળતો નીલકંઠ પુરસ્કાર પણ મળ્યો છે.

ઈ.સ. 2015માં તેમને પહેલી વાર રાજ્યપાલ બનાવવામાં આવ્યાં એની પહેલાં સુધી તેઓ મયુરભંજ જિલ્લા ભાજપનાં અધ્યક્ષ હતાં. તેઓ ઈ.સ. 2006થી 2009 સુધી ભાજપના એસટી (અનુસૂચિત જાતિ) મોરચાનાં ઓડિશા પ્રદેશ અધ્યક્ષ પણ હતાં.

તેઓ બે વખત ભાજપ એસટી મોરચાનાં રાષ્ટ્રીય કાર્યકારિણીનાં સભ્ય રહી ચૂક્યાં છે. ઈ.સ. 2002થી 2009 અને ઈ.સ. 2013થી એપ્રિલ 2015 સુધી આ મોરચાનાં રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય રહ્યાં. ત્યાર બાદ તેમની ઝારખંડનાં રાજ્યપાલ તરીકે પસંદગી કરવામાં આવી અને ભાજપના સક્રિય રાજકારણથી છૂટાં પડી ગયાં.

line

ઝારખંડનાં પ્રથમ મહિલા રાજ્યપાલ

18 મે, 2015એ એમણે ઝારખંડનાં પ્રથમ મહિલા અને આદિવાસી રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા

ઇમેજ સ્રોત, IPRD

ઇમેજ કૅપ્શન, 18 મે, 2015એ એમણે ઝારખંડનાં પ્રથમ મહિલા અને આદિવાસી રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા

18 મે, 2015એ એમણે ઝારખંડનાં પ્રથમ મહિલા અને આદિવાસી રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. તેઓ 6 વર્ષ, 1 મહિનો અને 18 દિવસ સુધી એ પદ પર રહ્યાં. તેઓ ઝારખંડનાં એવાં પ્રથમ રાજ્યપાલ હતાં જેમને પોતાની 5 વર્ષની ટર્મ પૂરી કર્યા પછી પણ પદ પરથી હઠાવાયાં નહીં.

તેઓ અહીંનાં લોકપ્રિય રાજ્યપાલ રહ્યાં, જેમની પ્રતિષ્ઠા સત્તાપક્ષ અને વિપક્ષ, બંને વર્તુળોમાં હતી.

પોતાના કાર્યકાળ દરમિયાન એમણે ઘણાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો કર્યાં. તાજેતરનાં વર્ષોમાં જ્યારે કેટલાક રાજ્યપાલ પર પૉલિટિકલ એજન્ટની જેમ કામ કરવાનો આરોપ થઈ રહ્યો છે, ત્યારે રાજ્યપાલ તરીકે દ્રૌપદી મુર્મૂ આ વિવાદોથી પર રહ્યાં.

આ સમયગાળા દરમિયાન એમણે કરેલાં કેટલાક નિર્ણયોથી ભાજપ ગઠબંધનની અગાઉની રઘુબર દાસ સરકાર અને ઝારખંડ મુક્તિ મોરચા ગઠબંધનની હાલની હેમંત સોરેન સરકારોને એમના અમુક નિર્ણયો અંગે ફેરવિચાર કરવાની સલાહ આપી. એવાં કેટલાંક બિલ એમણે કોઈની તરફેણ કર્યા વિના પરત મોકલ્યાં.

line

સીએનટી-એસપીટી ઍક્ટ સુધારણા બિલ પાછું મોકલ્યું

એમણે ઈ.સ. 2016માં વિશ્વવિદ્યાલયો માટે લોક અદાલત શરૂ કરાવી અને વિરોધ થવા છતાં ચાન્સેલર પૉર્ટલ શરૂ કરાવ્યું

ઇમેજ સ્રોત, DROUPADI MURMU FAMILY

ઇમેજ કૅપ્શન, એમણે ઈ.સ. 2016માં વિશ્વવિદ્યાલયો માટે લોક અદાલત શરૂ કરાવી અને વિરોધ થવા છતાં ચાન્સેલર પૉર્ટલ શરૂ કરાવ્યું

એ 2017ની શરૂઆતના મહિના હતા. ઝારખંડમાં ભાજપના નેતૃત્વવાળી રઘુબર દાસ સરકાર હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથેના તેમના સંબંધ ઘણા મજબૂત માનવામાં આવતા હતા.

એ સરકારે આદિવાસીઓની જમીનોના રક્ષણ માટે બ્રિટિશ હકૂમત સમયે બનેલા છોટા નાગપુર જમીનદાર અને ભાડુઆત અધિનિયમ (સીએનટી ઍક્ટ) અને સંથાલ પરગણા જમીનદાર અને ભાડુઆત અધિનિયમ (એસપીટી ઍક્ટ)ની કેટલીક જોગવાઈઓમાં સુધારાનો પ્રસ્તાવ તૈયાર કરાવ્યો.

વિપક્ષના વિરોધ અને વૉકઆઉટ છતાં રઘુબર દાસ સરકારે એ સુધારા બિલને ઝારખંડ વિધાનસભામાં પાસ કરાવી દીધું. પછી એને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવ્યું. ત્યારનાં રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ મે 2017માં આ બિલ સહી કર્યાં વગર જ સરકારને પાછું મોકલી દીધું અને પૂછ્યું કે એનાથી આદિવાસીઓને શો લાભ થશે? સરકાર એનો જવાબ ના આપી શકી અને આ બિલ કાયદો ના બની શક્યું.

ત્યારે ભાજપના જ નેતા અને લોકસભાના પૂર્વ અધ્યક્ષ કડિયા મુંડા અને પૂર્વ મુખ્ય મંત્રી (હાલના કેન્દ્રીય મંત્રી) અર્જુન મુંડાએ આ બિલનો વિરોધ કર્યો હતો અને રાજ્યપાલને ચિઠ્ઠી લખી હતી. એ દરમિયાન જમશેદપુરમાં પત્રકારો સાથે વાત કરતાં દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે આ સુધારા બિલની વિરુદ્ધમાં રાજભવનને લગભગ 200 વાંધાસૂચનો મળ્યાં હતાં.

એ જોતાં એના પર સહી કરવાનો પ્રશ્ન જ નહોતો. ત્યારે એમણે જણાવ્યું કે મેં સરકારને કેટલીક બાબતો સ્પષ્ટ કરવા કહ્યું છે.

એ દરમિયાન જ તેઓ દિલ્હી ગયાં અને ત્યાં વડા પ્રધાન સહિત કેટલાક મહત્ત્વના મંત્રીઓને પણ મળ્યાં. એની પહેલાં તત્કાલીન મુખ્ય સચિવ રાજબાલા વર્માએ 3 જૂને અને તે સમયના મુખ્ય મંત્રી રઘુબર દાસે 20 જૂને રાજ્યપાલ સાથે મુલાકાત કરી, પરંતુ દ્રૌપદી મુર્મૂ પર એની કશી અસર ના પડી. તેઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યાં.

એ જ સરકારના કાર્યકાળમાં જ્યારે પત્થલગડી વિવાદ થયો ત્યારે દ્રૌપદી મુર્મૂએ આદિવાસી સ્વશાસન વ્યવસ્થા હેઠળ બનેલા ગ્રામપ્રધાનો (સરપંચો), માનકી (પ્રતિષ્ઠિતો) અને મુંડાઓને રાજભવન બોલાવીને એમની સાથે વાતચીત કરી અને આ મામલામાં સમાધાનનાં પ્રયાસો કર્યાં.

ડિસેમ્બર 2019માં રઘુબર દાસ સરકારના પતન પછી જેએમએમ નેતા હેમંત સોરેન ઝારખંડના મુખ્ય મંત્રી બન્યા. થોડા મહિના પછી એમની સરકારે આદિજાતિ સલાહકાર સમિતિ (ટીએસી)ની રચનામાં સુધારા સંબંધિત એક બિલ રાજ્યપાલની મંજૂરી માટે મોકલ્યું, પરંતુ દ્રૌપદી મુર્મૂએ એને પણ સરકારને પાછું મોકલી દીધું. આ બિલ ટીએસીની રચનામાં રાજ્યપાલની ભૂમિકાને ખતમ કરતું હતું.

રાજ્યપાલ રહ્યાં એ દરમિયાન તેઓ સતત સ્કૂલો-કૉલેજોમાં જતાં-આવતાં રહ્યાં. આ કારણે કસ્તૂરબા સ્કૂલોની સ્થિતિ સુધરી. એમણે ઈ.સ. 2016માં વિશ્વવિદ્યાલયો માટે લોક અદાલત શરૂ કરાવી અને વિરોધ થવા છતાં ચાન્સેલર પૉર્ટલ શરૂ કરાવ્યું.

એનાથી વિશ્વવિદ્યાલયોમાં નામાંકન સહિતની બાકીની પ્રક્રિયા ઑનલાઇન કરવાનો માર્ગ ખૂલી ગયો. તેઓ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી પણ જુદા જુદા કુલપતિઓ સાથે વાર્તાલાપ કરતાં રહ્યાં. એમણે આદિવાસી ભાષાઓના અભ્યાસ અંગે સતત નિર્દેશ કર્યાં. એના કારણે યુનિવર્સિટીઓમાં ઘણાં સમયથી અટકી ગયેલી ઝારખંડની આદિવાસી અને પ્રાદેશિક ભાષાઓના શિક્ષકોની નિમણૂક ફરીથી થવા લાગી.

રાજ્યપાલ હતાં તે દરમિયાન દ્રૌપદી મુર્મૂએ બધા ધર્મનાં લોકોને રાજભવનમાં પ્રવેશ આપ્યો. એમને મળવા આવનારાઓમાં હિન્દુ ધર્મમાં માનનારા સામેલ હતા, તો એમણે મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી ધર્મના લોકોને પણ રાજભવનમાં એટલું જ સન્માન આપ્યું.

line

સંઘર્ષોભર્યું જીવન

તેઓ સંથાલ આદિવાસી છે અને એમના પિતા એમની પંચાયતના મુખી હતા

ઇમેજ સ્રોત, DROUPADI MURMU FAMILY

ઇમેજ કૅપ્શન, તેઓ સંથાલ આદિવાસી છે અને એમના પિતા એમની પંચાયતના મુખી હતા

રાયરંગપુર (ઓડિશા)થી રાયસીના હિલ્સ (રાષ્ટ્રપતિ ભવન) સુધીની હોડમાં સામેલ દ્રૌપદી મુર્મૂનું આરંભિક જીવન સંઘર્ષોથી ભરેલું હતું. એમનો જન્મ ભારતની આઝાદીનાં 11 વર્ષ પછી 20 જૂન, 1958એ મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં બિરંચી નારાયણ ટુડૂનાં પુત્રી તરીકે થયો. તેઓ સંથાલ આદિવાસી છે અને એમના પિતા એમની પંચાયતના મુખી હતા. જો તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય તો તેઓ આઝાદી પછી જન્મ લેનારાં પ્રથમ રાષ્ટ્રપતિ બનશે.

એમના વ્યક્તિગત જીવન વિશે ઘણી બધી વાતો સાર્વજનિક નથી. એમનાં લગ્ન શ્યામચરણ મુર્મૂ સાથે થયાં હતાં, પરંતુ ઓછી ઉંમરે જ એમનું અવસાન થઈ ગયું. એમનાં ત્રણ સંતાનો હતાં પરંતુ એમાંથી બંને પુત્રોનાં પણ અકાળ અવસાન થયાં.

એમના એક પુત્ર લક્ષ્મણ મુર્મૂનું મૃત્યુ ઑક્ટોબર 2009માં સંદિગ્ધ પરિસ્થિતિઓમાં થયું. એ વખતે તેઓ માત્ર 25 વર્ષના હતા. ત્યારના મીડિયા રિપોર્ટો અનુસાર એમના મૃત્યુની એક રાત્રિ અગાઉ તેઓ ભુવનેશ્વરમાં પોતાના મિત્રો સાથે એક હોટેલમાં ડીનર માટે ગયા હતા.

ત્યાંથી પાછા ફર્યા બાદ એમની તબિયત બગડી. ત્યારે તેઓ એમના કાકાના ઘરે રહેતા હતા. એમણે ઘરે જઈને સૂઈ જવાની ઇચ્છા પ્રગટ કરી અને એમને સૂવા દેવાયા. સવારે ખૂબ મોડે સુધી એમના રૂમનો દરવાજો ખૂલ્યો નહીં તેથી ઘરના લોકો પહેલાં એમને ખાનગી દવાખાને અને પછીથી ત્યાંની કૅપિટલ હૉસ્પિટલ લઈ ગયા. ત્યાં ડૉક્ટરોએ એમને મૃત જાહેર કર્યા.

એમનું એકમાત્ર હયાત સંતાન એમનાં પુત્રી ઇતિશ્રી મુર્મૂ છે, જે રાંચીમાં રહે છે. એમનાં લગ્ન ગણેશચંદ્ર હેમ્બરમ સાથે થયાં છે. તેઓ પણ રાયરંગપુરના વતની છે અને એમને એક પુત્રી આદ્યાશ્રી છે. રાજ્યપાલ હતાં તે દરમિયાન દ્રૌપદી મુર્મીએ પોતાનાં દીકરી-જમાઈ અને દોહિત્રી સાથે કેટલાક પારિવારિક પ્રસંગોમાં ભાગ લીધો. તેઓ મોટા ભાગે મંદિરે ગયાં, એની તસવીરો ત્યારે મીડિયામાં પણ છપાઈ. આ સિવાય એમના પરિવાર વિશે વધારે કશી માહિતી ઉપલબ્ધ નથી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન