ભારતના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ, 21 જુલાઈએ પરિણામ - પ્રેસ રિવ્યૂ

ભારતના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે પત્રકારપરિષદ યોજીને સંબંધિત જાણકારી આપી છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ યોજાશે. જ્યારે મતગણતરી 21 જુલાઈએ હાથ ધરવામાં આવશે.

આ અંગેની અધિસૂચના 15 જૂને જાહેર કરવામાં આવશે. જ્યારે 29 જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકાશે.

અહીં મહત્ત્વપૂર્ણ છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂર્ણ થઈ રહ્યો છે. એ પહેલાં દેશના આગામી અને 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે.

રાષ્ટ્રપતિને ચૂંટવા માટે સામાન્ય લોકો મતદાન નથી કરતા. આ માટે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સસંદના ઉપલા ગૃહના પ્રતિનિધિઓ મતદાન કરે છે.

ભારતમાં ફરીથી વધ્યું કોરોનાનું સંક્રમણ, ગુજરાતમાં એક જ દિવસમાં 111 કેસ

ભારતમાં કોરોના વાઇરસના કેસ ફરીથી વધી રહ્યા છે. ગત 24 કલાકમાં દેશમાં 7,240 નવા કેસ નોંધાયા છે, જેને પગલે દેશમાં ઍક્ટિવ કેસની સંખ્યા વધીને 32 હજાર 498 થઈ ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલયે આ અંગેની જાણકારી આપી છે. મહત્ત્વપૂર્ણ છે કે દેશમાં કોરોના વાઇરસના સંક્રમણને લીધે અત્યાર સુધી 5,24,723 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

બીજી તરફ 4 કરોડ 26 લાખ 40 હજાર 301 લોકો સારવાર બાદ આ વાઇરસના સંક્રમણથી સાજા પણ થઈ ગયા છે.

બીજી તરફ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી કોરોના કેસની યાદી પ્રમાણે ગુજરાતમાં બુધવારે સાંજ સુધીમાં 111 નવા કોરોના કેસ નોંધાયા છે.

આ પૈકી સૌથી વધારે 48 કેસ અમદાવાદ શહેરમાં અને 25 કેસ વડોદરા શહેરમાં નોંધાયા છે.

આ સાથે રાજ્યમાં હાલ 445 દર્દીઓ સારવાર હેઠળ છે. આ તમામ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.

ભારત મુલાકાતે આવેલા અમેરિકન જનરલે કહ્યું, 'લદ્દાખમાં LAC પાર ચીનની ગતિવિધિઓ ચોંકાવનારી'

ભારત મુલાકાતે આવેલા અમેરિકન જનરલે બુધવારે કહ્યું કે લદ્દાખમાં એલએસીની બીજી બાજુ ચીનની ગતિવિધિઓ ચોંકાવનારી છે. તેમણે કહ્યું કે 'પીપલ્સ લિબરેશન આર્મી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર' ઊભું કરી રહ્યું છે, તે ચિંતાજનક છે.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી પૅસિફિકના કમાન્ડિંગ જનરલ ચાર્લ્સ એ. ફ્લિન હાલ ભારતની મુલાકાતે છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં લદ્દાખ થિએટર મુદ્દે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આ વાત કહી હતી.

તેમણે કહ્યું, "તેઓ ખૂબ ઝડપથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છે. પીએલએના વેસ્ટર્ન થિએટર કમાન્ડમાં તૈયાર કરવામાં આવેલું ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર ચિંતાજનક છે. કોઈ સવાલ પૂછો કે તેઓ આવું કેમ કરી રહ્યા છે અને તેમનો ઉદ્દેશ શું છે."

ચાર્લ્સ એ. ફ્લિન ચાર દિવસ માટે ભારતની મુલાકાતે છે.

મંગળવારે તેમણે ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા કરી હતી.

આ સિવાય તેમણે કહ્યું હતું કે ભારત અને અમેરિકાની સેના મળીને ઑક્ટોબરમાં હિમાલયમાં નવથી દસ હજાર ફૂટની ઊંચાઈએ સંયુક્ત યુદ્ધ અભ્યાસ કરશે.

યુવરાજસિંહ જાડેજાએ વધુ પાંચ સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિના કર્યા આક્ષેપ

વિદ્યાર્થીનેતા તરીકે છેલ્લા ઘણા સમયથી સરકારી ભરતીપરીક્ષાઓમાં થતી કથિત ગેરરીતિને ઉજાગર કરવાનું કામ કરતાં યુવરાજસિંહ જાડેજાએ વર્ષ 2018થી અત્યાર સુધીમાં પાંચ પરીક્ષાઓમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કર્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે,યુવરાજસિંહે બુધવારે યોજેલી પત્રકારપરિષદમાં કહ્યું હતું કે, 'ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ' દ્વારા લેવામાં આવેલી મદદનીશ આદિવાસી વિકાસ અધિકારી (વર્ગ 3), જામનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં મલ્ટીપર્પઝ હૅલ્થવર્કર, સબ-ઑડિટર જેવી કુલ પાંચ સરકારી ભરતીઓની પરીક્ષામાં ગેરરીતિ થઈ છે.

યુવરાજસિંહે પત્રકારોને જણાવ્યું હતું કે આ વિશે તેમણે પોલીસ અને રાજ્ય સરકારને પુરાવા સોંપ્યા છે. આ પાંચેય પરીક્ષામાં કુલ 55 જેટલા વિદ્યાર્થીઓ ગેરરીતિ સાથે સંકળાયેલા હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે દાવો કર્યો હતો કે કેટલાક ઉમેદવારોએ ઓએમઆર શિટમાં સાચા અને ખોટા બંને જવાબો ભર્યા હતા. તો કેટલાક ઉમેદવારોને અગાઉથી પ્રશ્નપત્રો આપી દેવાયા હતા.

તેમણે એમ પણ કહ્યું હતું કે જૂજ વિદ્યાર્થીઓ એવા હતા કે તેમના પ્રશ્નપત્રો પરીક્ષા કેન્દ્ર બહાર જ ભરાવવામાં આવ્યા હતા.

મહુવા પાસે એકસાથે છ ગીધ મૃત હાલતમાં મળી આવ્યાં

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ભારતમાં ગીધ એ નાશપ્રાય પક્ષીઓની યાદીમાં આવે છે. ત્યારે છેલ્લાં પાંચ દિવસમાં ભાવનગરના મહુવા તાલુકામાં છ ગીધ મૃત હાલતમાં મળી આવ્યાં છે.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક તપાસમાં આ ગીધોનું મૃત્યુ પૉઇઝનિંગના કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, વનવિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરાઈ રહી છે.

વનવિભાગ દ્વારા જુદીજુદી ટીમ બનાવીને આસપાસના વિસ્તારોમાં અન્ય કોઈ ગીધનાં મૃત્યુ થયાં છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ગીધની વસતી ખૂબ જ ઓછી થઈ ગઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો