ભારત : સમગ્ર દુનિયામાં સૌથી વધારે ઇન્ટરનેટ શટડાઉન ભારતમાં કેમ થાય છે?

    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતે સતત ચોથા વર્ષે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવાના મામલે ઇતિહાસ રચ્યો છે. વર્ષ 2021માં વિશ્વભરમાં નોંધાયેલા 182 ઇન્ટરનેટ શટડાઉનમાંથી 106 શટડાઉન એકલા ભારતમાં થયાં હતાં.

ઇન્ટરનેટ ટેકનૉલૉજીની બાબતો પર વૈશ્વિક થિંક-ટૅન્ક, ઍક્સેસ નાઉ દ્વારા બહાર પાડવામાં આવેલ નવીનતમ ડેટા એ પણ દર્શાવે છે કે 2016 અને 2021ની વચ્ચે વિશ્વભરમાં નોંધાયેલા ઇન્ટરનેટ શટડાઉનના કુલ 937 કેસ પૈકી 567 કેસ ભારતમાં નોંધાયા હતા.

કોલકાતામાં ઈન્ટરનેટ શટડાઉનની સરકારી સૂચના (2019ની તસવીર)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોલકાતામાં ઈન્ટરનેટ શટડાઉનની સરકારી સૂચના (2019ની તસવીર)

રિપોર્ટ અનુસાર, ઇન્ટરનેટ શટડાઉનનાં કારણોમાં વિરોધને દબાવવાથી લઈને ઑનલાઇન છેતરપિંડી રોકવા સહિતનાં કારણો આપવામાં આવ્યાં છે.

ઇન્ટરનેટ પર ક્યારે અને શા માટે પ્રતિબંધ લાદવો જોઈએ તે અંગે ભારતમાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.

ઉદાહરણ તરીકે, જાન્યુઆરી 2020માં ભારતની સર્વોચ્ચ અદાલતે પણ કહ્યું હતું કે ઇન્ટરનેટ દ્વારા માહિતીની ઍક્સેસ ભારતીય બંધારણ હેઠળ આપવામાં આવેલો મૂળભૂત અધિકાર છે.

line

સુપ્રીમ કોર્ટે ગણાવ્યો મૂળભૂત અધિકાર

શટડાઉન
ઇમેજ કૅપ્શન, સરકારનો દાવો રહ્યો છે કે તમામ ઇન્ટરનેટ નિયંત્રણો લાદવાનું મુખ્ય કારણ ઉગ્રવાદીઓ સામેની કાર્યવાહી, અશાંતિ ફેલાવવાના પ્રયાસો અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને રોકવાની નીતિ રહી છે.

અનુરાધા ભસીન વિ. કેન્દ્ર સરકાર કેસની સુનાવણી વખતે કોર્ટે એ પણ નક્કી કર્યું કે જો સરકાર ઇન્ટરનેટના ઉપયોગ પર પ્રતિબંધ લાદે તો તે અસ્થાયી, ચોક્કસ સમયાવધિ સુધી મર્યાદિત, કાયદેસરના અને આવશ્યક હોવા જોઈએ.

ડિસેમ્બર 2021માં કૉંગ્રેસના નેતા શશિ થરૂરની આગેવાની હેઠળની સંસદીય સમિતિએ લોકસભામાં રજૂ કરેલા અહેવાલમાં ઇન્ટરનેટ પ્રતિબંધો અંગેના સરકારી નિર્ણયો પર પણ સવાલ ઉઠાવતા વધુ પારદર્શિતા અને સચોટ ડેટા પ્રદાન કરવાની માગ કરી હતી.

સંસદીય સમિતિના જણાવ્યા અનુસાર, ભારતીય સેલ્યુલર ઑપરેટરોએ "તેમને એ વાતથી પણ વાકેફ કર્યા હતા કે એક સર્કલ એરિયામાં એક કલાકના ઇન્ટરનેટ પ્રતિબંધથી પ્રતિ કલાક લગભગ 2.5 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે".

બીજી તરફ, કેન્દ્ર સરકાર કહી રહી છે કે, "દેશમાં ઇન્ટરનેટ પ્રતિબંધનાં વાસ્તવિક કારણોમાં કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષાની ચિંતાઓ સૌથી મહત્ત્વનાં છે".

સેન્ટર ફૉર ઇન્ટરનેટ ઍન્ડ સોસાયટીના પૉલિસી ડાયરેક્ટર પ્રણેશ પ્રકાશને લાગે છે કે "ઇન્ટરનેટ બંધ કરવાથી આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતાનું ઉલ્લંઘન થાય છે અને તેને ગેરકાયદેસર જાહેર કરવું જોઈએ."

તેમના મતે, "આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠને તેમની 'અભિવ્યક્તિની સ્વતંત્રતા પરની સંયુક્ત ઘોષણા'માં આવા પ્રતિબંધોને બિનજરૂરી અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘનકર્તા ગણાવતા કહ્યું હતું કે ભારતમાં અથવા અન્ય કોઈ પણ દેશમાં કોઈપણ વ્યક્તિને ટેલિકૉમ્યુનિકેશન અથવા માહિતીના માધ્યમોથી દૂર રાખવી તે સારો ઇરાદો નથી બતાવતું."

line

જમ્મુ-કાશ્મીરમાં સૌથી વધારે શટડાઉન

શટડાઉન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉપલબ્ધ આંકડાઓ અનુસાર, જમ્મુ અને કાશ્મીરમાં સૌથી વધુ ઇન્ટરનેટ શટડાઉન થયાં છે.

જો આપણે રાજ્યોની વાત કરીએ તો છેલ્લાં પાંચ વર્ષમાં ભારતમાં સૌથી વધુ શટડાઉનના કેસ જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળ્યા હતા, ત્યાર બાદ આ યાદીમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આવે છે.

ઉપલબ્ધ આંકડાઓ અનુસાર, જમ્મુ અને કાશ્મીરમાં સૌથી વધુ ઇન્ટરનેટ શટડાઉન થયાં છે.

એટલે કે વર્ષ 2021માં સમગ્ર ભારતમાં 106 શટડાઉનમાંથી 85 આ રાજ્યમાં થયાં હતાં, જેમાં પુલવામા, શ્રીનગર અને કુલગામ સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો હતા.

સરકારનો દાવો રહ્યો છે કે તમામ ઇન્ટરનેટ નિયંત્રણો લાદવાનું મુખ્ય કારણ ઉગ્રવાદીઓ સામેની કાર્યવાહી, અશાંતિ ફેલાવવાના પ્રયાસો અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને રોકવાની નીતિ રહી છે.

પરંતુ ઍક્સેસ નાઉ સંસ્થાના એશિયા પેસિફિક પૉલિસી કાઉન્સિલ નમ્રતા મહેશ્વરીના જણાવ્યા અનુસાર, "ઇન્ટરનેટ શટડાઉનને આ આધાર પર ન્યાયી ઠેરવી શકાતા નથી, કેમ કે તે વ્યક્તિનો મૂળભૂત અધિકાર છીનવી લે છે."

ભારતની સર્વોચ્ચ અદાલતે પણ વર્ષ 2020માં ઇન્ટરનેટ ઍક્સેસને મૂળભૂત અધિકાર ગણાવ્યો હતો.

line

આર્થિક નુકસાન

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ભારતનું વિશ્વમાં ઇન્ટરનેટ શટડાઉનના સંદર્ભમાં ટોચે રહેવા પાછળનું બીજું પરિબળ આર્થિક નુકસાન છે.

એક તરફ સરકારે વધુને વધુ બૅન્કિંગ અને લેવડદેવડ, બિઝનેસ અને શિક્ષણ ઑનલાઇન કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવી છે, તો બીજી તરફ ઇન્ટરનેટ બંધ થવાનાં કારણે તમામ કામકાજ ઠપ્પ થઈ જાય છે.

બ્રિટનના ડિજિટલ પ્રાઇવસી ઍન્ડ સિક્યૉરિટી રિસર્ચ ગ્રૂપના 'ટોપ-10 વીપીએન'ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં કુલ 8,920 કલાક માટે ઇન્ટરનેટ પરના પ્રતિબંધથી લગભગ 1.3 કરોડ ભારતીય ગ્રાહકો પ્રભાવિત થયા હતા, જ્યારે બીજી તરફ તેનાથી લગભગ 200 અબજ રૂપિયાનું નુકસાન થયું હતું.

ભારતમાં ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનના સ્થાપક અને વરિષ્ઠ વકીલ અપાર ગુપ્તા છેલ્લા ઘણા સમયથી 'ઇન્ટરનેટ ફ્રીડમ'ની હિમાયત કરતા રહ્યા છે અને આ જ ક્રમમાં તેઓ અદાલતોના દરવાજા ખખડાવી રહ્યા છે.

તેમના કહેવા પ્રમાણે, "હવે એમાં કોઈ શંકા નથી કે ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવાથી નુકસાન વધુ અને ફાયદો ઓછો થાય છે. કોર્ટ પણ આવા શટડાઉન પર સ્ટે આપી ચૂકી છે. જરૂર વિશ્વાસ વધારવાની છે, ઘટાડવાની નહીં".

ઉલ્લેખનીય છે કે રિપોર્ટર્સ વિધાઉટ બૉર્ડર્સ દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા વાર્ષિક અહેવાલ મુજબ, ભારતમાં પત્રકારોની સ્વતંત્રતા સતત ઘટી રહી છે અને તેમને તેમના કામ દરમિયાન ઘણાં મોટાં જોખમોમાંથી પસાર થવું પડે છે.

આ રિપોર્ટ અનુસાર, ભારત હવે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ - 2022માં 180 દેશોમાંથી આઠ સ્થાન નીચે સરકીને 150મા સ્થાને આવી ગયું છે, જે ગયા વર્ષે 142મા સ્થાને હતું.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો