You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયાએ બે દેશોનો ગૅસ સપ્લાય અટકાવ્યો તો EU કહ્યું બ્લૅકમેલિંગ
યુરોપિયન કમિશનના વડાં ઉર્સુલા વોન ડર લેને કહ્યું છે કે કેટલાંક યુરોપિયન દેશોનો ગૅસ પુરવઠો રોકવાનો રશિયાનો નિર્ણય બ્લૅકમેલનું હથિયાર છે. તેમણે કહ્યું કે રશિયાનો આ નિર્ણય અયોગ્ય અને અસ્વીકાર્ય છે.
તેમણે કહ્યું કે ગૅસ સપ્લાય કરનાર દેશ તરીકે આ રશિયાની અવિશ્વસનીયતા દર્શાવે છે. રશિયન ઊર્જા કંપની ગૅઝપ્રોમે કહ્યું છે કે તે રુબલમાં ચૂકવણી નહીં કરવાને કારણે પૉલૅન્ડ અને બલ્ગેરિયાનો ગૅસ સપ્લાય બંધ કરી રહ્યું છે.
પૉલૅન્ડ અને બલ્ગેરિયાએ મૉસ્કો પર "બ્લૅકમેલ" કરવાનો આરોપ મૂક્યો છે. બલ્ગેરિયા વડા પ્રધાન કિરીલ પેટકોવે ગૅઝપ્રોમના પગલાંને "વર્તમાન કરારનો ગંભીર ભંગ" ગણાવ્યો હતો.
પેટકોવે ટ્વીટમાં કહ્યું કે તેઓ ગ્રીસ (બલ્ગેરિયાનો સરહદી દેશ)ના વડા પ્રધાન સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યાં છે.
યુરોપિયન કમિશનના વડાંએ જણાવ્યું હતું કે ઇયુનાં સભ્ય દેશો પાસે ઇમર્જન્સી પ્લાન છે. તેમણે કહ્યું કે, સભ્ય દેશો માટે વૈકલ્પિક વ્યવસ્થા અને સંગ્રહનું બહેતર સ્તર ઉપલબ્ધ થાય તેની ખાતરી કરવા યુરોપિયન કમિશન સભ્ય દેશો સાથે સંપર્કમાં છે.
આ દરમિયાન, રશિયાના ટોચના સાંસદે કહ્યું છે કે રશિયન કંપનીએ ગૅસ સપ્લાય બંધ કરવાનો યોગ્ય નિર્ણય લીધો છે. રશિયન સંસદના નીચલા ગૃહના સ્પીકર, વ્યાચેસ્લાવ વોલોદિને તેમની ટેલિગ્રામ ચેનલ પર લખ્યું છે કે રશિયાએ તેમના મિત્ર નથી તેવા અન્ય દેશો સાથે પણ આવું કરવું જોઈએ.
બીજી તરફ પૉલૅન્ડની ગૅસ સપ્લાય કંપની PGNiGનું કહેવું છે કે ગૅઝપ્રોમે ગૅસ સપ્લાય બંધ કરીને કૉન્ટ્રૅક્ટનો ભંગ કર્યો છે. કંપનીનું કહેવું છે કે તે કાયદાકીય રીતે વળતર મેળવવાનો પ્રયાસ કરશે.
રશિયાના આ પગલાં પર બ્રિટને પણ પ્રતિક્રિયા આપી છે. બ્રિટનના નાયબ વડા પ્રધાન ડૉમિનિક રોબે કહ્યું છે કે રશિયા ગૅસ પુરવઠો અટકાવવાના નિર્ણયથી રશિયા પોતાને વધુ એકલવાયું કરી રહ્યું છે. સ્કાય ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે દાવો કર્યો હતો કે રશિયા પર તેની ખરાબ અસર પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇએલએસ ઍનાલિસિસ કન્સલ્ટન્સીના ઊર્જા નિષ્ણાત સેમ્યુઅલ સિઝુકે બીબીસીને જણાવ્યું હતું કે આ શિયાળામાં ઊર્જાની માગને પહોંચી વળવા માટે યુરોપને હવે ગૅસના નવા સ્રોતો શોધવાની જરૂર પડશે.
તામિલનાડુમાં મંદિરની રથયાત્રા દરમિયાન કરંટ લાગતાં અગિયાર લોકોનાં મૃત્યુ
તામિલનાડુના તંજાવુરમાં એક મંદિરની રથયાત્રા દરમિયાન હાઈ વૉલ્ટેજ તારથી કરંટ લાગતાં 11 લોકોનાં મૃત્યુ થયાં છે. મૃતકોનો આંક વધી શકે છે.
તિરુચિરાપલ્લીના સેન્ટ્રલ ઝોન આઈજી વી. બાલાકૃષ્ણને સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે આ અકસ્માતમાં 15 અન્ય પણ ઈજાગ્રસ્ત થયા છે.
તેમણે જણાવ્યું, "વાર્ષિક ઉત્સવ દરમિયાન રથ હાઈવૉલ્ટેજ તારને અડકી જતાં આ અકસ્માત થયો."
બીબીસીની તામિલનો અહેવાલ જણાવે છે કે પરંપરા અનુસાર કલિમેડુ ગામમાં રાતે 12 વાગ્યાથી સવાર સુધી યોજાયો હતો એમાં મધરાતે 3 વાગે આ ઘટના બની.
આ ઘટનામાં મૃત્યુ પામનારાંઓમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
અહેવાલ અનુસાર મુખ્ય મંત્રી સ્ટાલિન ઘટનાસ્થળે પહોંચશે.
આ ઘટનામાં 15 લોકો ઘાયલ છે જેમાં ચાર લોકોની સ્થિતિ ગંભીર ગણાવાઈ રહી છે.
યોગી આદિત્યનાથે સરકારી અધિકારીઓને સંપત્તિ જાહેર કરવા કહ્યું
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે તમામ મંત્રીઓ અને અધિકારીઓને પોતાની અને પોતાના પરિવારની સ્થાવર-જંગમ મિલકતો જાહેર કરવાનો આદેશ કર્યો છે.
આ સાથે જ યોગી આદિત્યનાથે મંત્રીઓ સમક્ષ પણ એવી અપેક્ષા વ્યક્ત કરી છે કે સરકારી કામોમાં તેમના પરિવારજનોનો હસ્તક્ષેપ ન હોય.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, લોકભવન મંત્રીમંડળના સભ્યો સાથે મંગળવારે એક વિશેષ બેઠક દરમિયાન યોગી આદિત્યનાથે આ આદેશ કર્યા.
તેમણે કહ્યું કે, "સ્વસ્થ લોકશાહી માટે જનપ્રતિનિધિઓ દ્વારા આચરણના યોગ્ય માપદંડ જાળવવામાં આવે તે જરૂરી છે. આ ભાવનાને અનુરૂપ તમામ મંત્રી શપથ લીધાના ત્રણ માસની અંદર પોતાની અને પોતાના પરિવારના સભ્યોની તમામ જંગમ અને સ્થાવર મિલકતો અંગેની માહિતી જાહેર કરે. તમામ આઈએએસ અને પીસીએસ અધિકારી પણ પોતાની અને પોતાના પરિવારની સંપત્તિ જાહેર કરે. આ જાણકારી જનતા માટે ઑનલાઇન પૉર્ટલ પર ઉપલબ્ધ હોય તેવું સુનિશ્ચિત કરાય."
મેવાણીની ધરપકડ વિરુદ્ધ એક હજાર ગામોમાં બ્લૅકઆઉટની અપીલ
ડેક્કન હેરાલ્ડના એક અહેવાલ અનુસાર દલિતનેતા અ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને પાંચ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાના આદેશ વિરુદ્ધ ગુજરાતના સ્થાપનાદિને દલિત સમુદાયનાલોકોને એક હજાર ગામોમાં 15 મિનિટનો બ્લૅકઆઉટ રાખવાની અપીલ કરાઈ છે.
નોંધનીય છે કે જિજ્ઞેશ પર આસામ પોલીસના મહિલાકર્મી સાથે ગેરવર્તનનો ગુનો દાખલ કરાયો છે.
જિજ્ઞેશની 20 એપ્રિલ એટલે કે બુધવારે આસામ પોલીસે ભાજપના એક નેતા દ્વારા કરાયેલ ફરિયાદ અંગે ધરપકડ કરાઈ હતી.
આ અપીલ કરનાર દલિત અધિકાર માટે કામ કરનાર ઍક્ટિવિસ્ટ માર્ટિન મેકવાને કહ્યું હતું કે, "અમે રાજ્યનાં એક હજાર ગામોમાં દલિતોને જિજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં 15 મિનિટ સુધી લાઇટ અને ટીવી જેવાં ઉપકરણો બંધ રાખવાના સંદેશ મોકલી રહ્યા છીએ."
મેકવાને કહ્યું કે પોલીસ અને તંત્ર દ્વારા આ કેસમાં કરાઈ રહેલ વ્યવહાર એ વાતનું સૂચક છે કે મેવાણી સાથે આવું એટલા માટે થઈ રહ્યું છે કારણે કે તેઓ દલિત છે.
કેજરીવાલ અને બીટીપીના છોટુ વસાવા આદિવાસી રેલીનું સંબોધન કરશે
આમ આદમી પાર્ટી (આપ)ના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)ના સ્થાપક છોટુ વસાવા 1 મે એટલે કે ગુજરાતના સ્થાપનાદિવસના રોજ ભરૂચના વાલીયા નજીક એક આદિવાસી રેલીને સંબોધન કરશે.
નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના સ્થાપનાદિવસ નિમિત્તે રાજ્યમાં આવશે. તેમની આ યાત્રા દરમિયાન તેઓ વસાવાને મળશે.
આ અંગે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, "કેજરીવાલ અને વસાવા આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધિત કરતાં પહેલાં આદિવાસીઓના મુદ્દાઓ અંગે ચર્ચા કરશે."
નોંધનીય છે કે બીટીપી ગુજરાતના આદિવાસી વિસ્તારમાં થોડાઘણા અંશે પકડ ધરાવે છે અને તેમની પાસે હાલ ગુજરાત વિધાનસભામાં બે બેઠકો પણ છે.
હવે જ્યારે રાજ્યમાં ચૂંટણી નજીક આવતી જઈ રહી છે ત્યારે આ બંને પક્ષો એકબીજા સાથે જોડાણ કરવા આકર્ષાઈ રહ્યા હોવાનું સૂત્રો જણાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો