જયદેવ શાહ : શ્રીલંકા સામેની ટી-20 સિરીઝ જીત્યા બાદ રોહિત શર્માએ જેમને ટ્રોફી આપી, તે ગુજરાતી કોણ છે?

સામાન્ય રીતે ટુર્નામેન્ટ જીત્યા બાદ ટીમ ફોટો દરમિયાન ટીમના સૌથી યુવા અથવા તો નવા સદસ્યને ટ્રોફી આપવામાં આવે છે.

જોકે, રવિવારે શ્રીલંકા સામેની સિરીઝ જીત્યા બાદ રોહિત શર્માએ ટીમના કોઈ સદસ્યને નહીં, પરંતુ એક ગુજરાતી યુવાનને આપી હતી.

આ ઘટનાના ફોટો તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા લોકો આ યુવાન છે કોણ? તે જાણવા ઉત્સુક થયા હતા.

આ યુવાનનું નામ છે જયદેવ શાહ અને તેઓ ગુજરાતના રાજકોટના વતની છે.

જયદેવ શાહ સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના વડા છે અને બીસીસીઆઈના પૂર્વ સૅક્રેટરી નિરંજન શાહના પુત્ર છે.

જયદેવ શાહને ભારત-શ્રીલંકા વચ્ચેની ત્રણ ટી-20 મૅચની સીરિઝ માટે બીસીસીઆઈ દ્વારા પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવ્યા હતા.

કોણ છે જયદેવ શાહ?

38 વર્ષીય જયદેવ શાહનો જન્મ રાજકોટમાં થયો હતો. તેઓ બીસીસીઆઈના પૂર્વ સૅક્રેટરી નિરંજન શાહના પુત્ર છે અને તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂક્યા છે.

ઈએસપીએન ક્રિકઇન્ફો પ્રમાણે, તેમણે લૅફ્ટ હૅન્ડેડ બૅટર તરીકે વર્ષ 2002-03માં સૌરાષ્ટ્રની રણજી ટીમમાંથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને પ્રથમ ટી-20 મૅચ એપ્રિલ 2007માં રમ્યા હતા.

સૌરાષ્ટ્રની ટીમ જ્યારે 2007માં પોતાની એકમાત્ર ટ્રોફી ટાઇટલ જીતી ત્યારે તેઓ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા.

2015માં તેમણે કૅપ્ટન કરીકે સૌથી વધુ રણજી મૅચ રમવાનો રેકૉર્ડ તોડ્યો હતો. આ રેકૉર્ડ અગાઉ હરિયાણાના કૅપ્ટન રવિન્દર ચઢ્ઢા (83 મૅચ) પાસે હતો. જયદેવ કુલ 111 મૅચ કૅપ્ટન તરીકે રમ્યા હતા.

પોતાની કારકિર્દી દરમિયાન જયદેવે કુલ 221 મૅચ રમી છે. જેમાં તેમણે અંદાજે સાત હજાર રન ફટકાર્યા છે અને બૉલિંગમાં કુલ 21 વિકેટો લીધી છે. અત્યાર સુધી જયદેવે દસ શતક અને 20 અર્ધશતક ફટકાર્યા છે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ સિવાય આઈપીએલમાં પણ તેમને વિવિધ ટીમો દ્વારા ખરીદવામાં આવ્યા હતા. આઈપીએલમાં તેમને રાજસ્થાન રૉયલ્સ, ડૅક્કન ચાર્જર્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને 2016માં ગુજરાત લાયન્સે 20 લાખ રૂપિયા આપીને ખરીદ્યા હતાં.

જોકે, આ તમામ ટીમો માટે તેઓ એક પણ મૅચ રમ્યા ન હતા.

વર્ષ 2018માં તેમણે તમામ ફૉર્મેટના ક્રિકેટમાં સન્યાસ જાહેર કર્યા બાદ તેમને સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના વડા બનાવવામાં આવ્યા છે.

સીરિઝની ત્રણેય મૅચમાં શ્રેયસ અય્યરનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

ભારતીય ટીમ માટે ત્રીજા નંબરે બૅટિંગ પર આવતા શ્રેયસ અય્યરે શ્રીલંકા સામેની ત્રણેય મૅચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ્યું હતું.

પહેલી બે મૅચમાં 57 અને 74 રન મારીને અણનમ રહ્યા બાદ ત્રીજી અને અંતિમ મૅચમાં શ્રેયસ અય્યર 73 રન બનાવીને અણનમ રહ્યા હતા.

અંતિમ મૅચમાં શ્રીલંકાએ પ્રથમ બૅટિંગ કરીને ભારતને 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે બૅટિંગના નબળી શરૂઆત કરી હતી.

રોહિત શર્મા શરૂઆતમાં જ આઉટ થતાં શ્રેયસ અય્યર મેદાને ઊતર્યા હતા અને રવિન્દ્ર જાડેજા સાથે મળીને પોતાનું અર્ધશતક પૂર્ણ કર્યું હતું.

રવિવારની અંતિમ મૅચ સાથે ભારત સતત 12મી ટી-20 મૅચ જીત્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો