You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશની ચૂંટણી : નિષાદ સમુદાય નિર્ણાયક વોટબૅન્ક, પણ સરકારો તરફથી શું મળ્યું - ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા, વારાણસીથી
વારાણસીના સુજાબાદમાં ગંગાકિનારે 65 વર્ષના ગોપાલ નિષાદ માછલી પકડવા માટે ફેંકાયેલી જાળને ખેંચવાની કોશિશ કરી રહ્યા છે.
ઘણી બધી માછલીઓ પકડી શકાય એ માટે તેમણે કલાકોથી જાળને પાણીમાં નાખી છે, પરંતુ દરેક દિવસની જેમ આ દિવસ પણ એમના માટે 'લકી' સાબિત ના થયો.
એમની જાળમાં અપેક્ષા કરતાં પણ ઓછી માછલીઓ પકડાઈ છે. એમના જણાવ્યા અનુસાર, એનું કારણ નદીમાંનું પ્રદૂષણ છે.
વારાણસીના સુજાબાદ કિનારાની સામે એક ઐતિહાસિક ઘાટ છે. આ ઘાટોની કલ્પના ઉત્તર પ્રદેશના નિષાદ સમુદાયના માછીમારો અને મલ્લાહોને બાદ કરીને ના કરી શકાય.
એ લોકોનું માનવું છે કે નદી અને નિષાદ સમુદાય એકબીજા પર નિર્ભર છે. નિષાદ સમુદાયના લોકોનો દાવો છે કે એમના સમુદાયનું અસ્તિત્વ ગંગાનદીના અસ્તિત્વ સાથે જોડાયેલું છે.
પરંતુ નિષાદ સમુદાયની સામાજિક અને આર્થિક સ્થિતિમાં ખાસ કંઈ પરિવર્તન નથી થયું. છેલ્લાં દસ વરસોમાં પહેલાં સમાજવાદી પાર્ટીની સરકાર અને પછીની ભારતીય જનતા પક્ષની સરકારે આ સમુદાયને ઘણા વાયદા આપ્યા પરંતુ એ વાયદાને પૂરા કરવામાં નથી આવ્યા.
નિષાદ સમુદાયના ઘણા લોકોએ કહ્યું કે દરેક ચૂંટણી પહેલાં એમને માત્ર વાયદા મળે છે અને એમની સમસ્યાઓ જેમની તેમ રહે છે.
આવી સ્થિતિ ત્યારે જોવા મળે છે જ્યારે ઉત્તર પ્રદેશમાં નિષાદ સમુદાયની ઘણી મોટી વસ્તી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તર પ્રદેશની કુલ ઓબીસી વસ્તીમાંથી 17થી 18 ટકા વસ્તી નિષાદોની છે. એ હિસાબે મોટા પ્રમાણમાં એવું આકલન કરવામાં આવે છે કે એમની વસ્તી યુપીની લગભગ 140 વિધાનસભા સીટોનાં પરિણામને બદલવામાં ભૂમિકા ભજવે છે.
આ જ કારણ છે કે નિષાદ સમુદાયના વિકાસના નામે ઘણાં રાજકીય દળો બની ગયાં છે. એ સૌમાં મહત્ત્વનું દળ છે, નિષાદ પાર્ટી, જે આ ચૂંટણીમાં ભાજપની સાથે ચૂંટણીમેદાનમાં છે.
જોકે, નિષાદ સમુદાયના લોકોનું માનીએ તો, હજુ પણ એમના સમુદાય માટે ઘણું બધું કરવાનું બાકી છે. એ જોતાં સૌથી મોટો સવાલ એ છે કે એમની સમસ્યાઓ શી છે?
આધુનિકીકરણ અને ખાનગીકરણ
નિષાદ સમુદાયના લોકોની આજીવિકા મુખ્યરૂપે ગંગાનદી પર આધારિત છે. વારાણસીમાં નિષાદોની આવકનો મુખ્ય સ્રોત અહીંના ઘાટો પર આવતાં પર્યટકો છે, જે વરુણા ને અસ્સી ઘાટની વચ્ચે એમની હોડીઓમાં સહેલ કરે છે.
આ નિષાદોની આવક પર ગયા વર્ષે સરકારે અહીંના ઘાટો પર ક્રૂઝ ફેરી કરવાની મંજૂરી આપી ત્યારથી અસર પડી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યા અનુસાર, એ લક્ઝરી સેવા એક ક્રૂઝથી શરૂ થઈ હતી અને એક વર્ષ પૂરું થતાં સુધીમાં ચાર ક્રૂઝ સુધી પહોંચી ગઈ. સંભવ છે કે આગામી દિવસોમાં એની સંખ્યા સતત વધતી જશે.
એટલે કે નિષાદ માછીમારોએ હવે પોતાની આવક ક્રૂઝ ચલાવનારાઓ સાથે વહેંચવી પડે છે. આવી સ્થિતિ એક વર્ષ પહેલાં સુધી નહોતી.
વારાણસીના સ્થાનિક નિષાદ નેતા હરિચંદે બીબીસીને જણાવ્યું કે, "જ્યારે પહેલી ક્રૂઝ શરૂ થઈ હતી ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે અહીં એક જ ક્રૂઝ રહેશે અને નિષાદ માછીમારોની આજીવિકા પર કશી અસર નહીં થાય. પરંતુ ક્રૂઝની સંખ્યા વધતી જાય છે અને અમારી આવક પર અસર પડી રહી છે."
હરિચંદ અને એમનો નિષાદ સમુદાય હજુ પણ આ મુદ્દે સરકાર સાથે વાટાઘાટ કરી રહ્યા છે જેથી વિકાસની અસર એમની આવક પર ન પડે.
માછલી પકડવાની મંજૂરી નહીં
નિષાદ સમુદાયની બીજી સમસ્યા એવા નિષાદો સામે છે જેઓ મત્સ્યપાલન પર નિર્ભર હતા.
નદી પ્રહરીના સ્વયંસેવક દર્શન નિષાદે જણાવ્યું કે, "છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગંગામાં માછલીની પ્રજાતિઓમાં ભારે ઘટ જોવા મળી રહી છે. નદીમાં વધતું જતું પ્રદૂષણ અને વધતા જતા બંધોના કારણે આ બધું થઈ રહ્યું છે."
દર્શન નિષાદે જણાવ્યું કે માછલીની સંખ્યામાં ભારે ઘટ થવાના લીધે નિષાદ સમુદાયના લોકો દિલ્હી, લખનૌ, મુંબઈમાં જઈને મજૂરી કરવા લાગ્યા છે અને તેઓ નદીથી કપાઈ ગયા છે.
દર્શને જણાવ્યા અનુસાર જે લોકો અહીં રહી ગયા છે એમની પાસે હોડીનું સમારકામ કરાવવા માટે અને નવી જાળ ખરીદવા માટે પૈસા નથી. આ સમસ્યાઓની સાથે તેઓ સરકાર સાથે પણ સતત સંઘર્ષ કરી રહ્યા છે.
નદીના પ્રહરી બીજા એક સ્વયંસેવક રાજેશ નિષાદે જણાવ્યું કે નદી પોલીસ એમને માછલી પકડવા નથી દેતી અને માછલી પકડવાના પ્રયાસોમાં તેઓ ઘણી વાર પોલીસ સ્ટેશને પહોંચી જાય છે.
એમણે જણાવ્યું કે, "આ ક્ષેત્ર એક સમયે કાચબાની સેન્ચુરી જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ હવે અહીં એક પણ કાચબો નથી. સેન્ચુરી પણ પ્રયાગરાજ તરફ ખસી ગઈ છે. તેમ છતાં અમને લોકોને માછલી પકડવાની મંજૂરી નથી."
ખેતીની મંજૂરી નહીં
નિષાદ સમુદાયના ઘણા લોકો પાસે જે જમીન છે એ ગંગાનદીમાં છે, જ્યાં પાણી ઊતર્યા પછી એ લોકો શાકભાજી ઉગાડતા હતા.
રાજેન્દ્ર સાહનીએ જણાવ્યું કે સરકારી અધિકારીઓની હેરાનગતિ પછી એમણે ખેતી છોડી દીધી છે. એમણે દાવો કર્યો કે કોઈ પણ ખોટું કામ કર્યા વગર એમણે દંડ ભરવો પડ્યો છે.
નિષાદ સમુદાયના અન્ય એક નેતા પ્રમોદ નિષાદે જણાવ્યું કે, "રાજેન્દ્ર જેવા ઘણા ખેડૂતો છે જેઓ નદીકિનારે ખેતી નથી કરી શકતા. એમને એમની વારસાગત જમીનો પરથી બેદખલ (અનધિકૃત) થવું પડ્યું છે."
અપરાધી સમુદાય હોવાનું 'કલંક'
પ્રમોદ નિષાદે જણાવ્યું કે, બ્રિટિશરોએ નિષાદ સમુદાયને અપરાધી સમુદાય તરીકે જાહેર કર્યો હતો, કેમ કે આ સમુદાયે ક્યારેય અંગ્રેજોની સામે સમર્પણ નહોતું કર્યું.
પ્રમોદ નિષાદે કહ્યું કે, "અમારા સમુદાય પર આરોપ હતો કે અમે લોકોએ ગંગાનદીમાં બ્રિટિશ સૈનિકોની હત્યા કરી હતી. એક રીતે અમારા પૂર્વજો સ્વતંત્રતાની લડાઈ લડ્યા પરંતુ સરકારોએ અમારી ઉપેક્ષા કરી. અમને લોકોને મૂળભૂત અધિકારો સુધ્ધાં નથી મળ્યા, અને એવું કેમ થયું, એ હું સમજી નથી શક્યો."
ચૂંટણીવચનો શાં છે?
હરિચંદે જણાવ્યું કે, "અમારી માગ છે કે નિષાદ સમુદાયને અનુસૂચિત જાતિની યાદીમાં સમાવી લેવામાં આવે. પરંતુ હજુ સુધી અમને માત્ર વાયદા મળ્યા છે, કશું કામ નથી થયું."
તેમણે જણાવ્યું કે સમાજવાદી પાર્ટી અને યોગી આદિત્યનાથની સરકારે અમને અનુસૂચિત જાતિની સૂચિમાં સામેલ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ એ દિશામાં કોઈ પહેલ નથી થઈ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો