You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગ્રીષ્મા હત્યાકાંડ : "સંમતિ વગર મહિલાના જીવનમાં હસ્તક્ષેપ ન થવો જોઈએ - એ પુરુષો અને મહિલાઓએ શીખવું પડશે"
- લેેખક, બાદલ દરજી
- પદ, બીબીસી ગુજરાતી
ગ્રીષ્મા હત્યાકાંડ એ ગુજરાતમાં 2022ની ચોંકાવનારી ઘટનાઓમાંની એક બનીને રહેશે. ગ્રીષ્માની હત્યાનો જે વીડિયો વાઇરલ થયો છે. તેમાં તેની ચીસો અને તેનું દુઃખ હંમેશાં લોકોને યાદ રહેશે.
જોકે, ગ્રીષ્માની હત્યાએ કેટલાક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
શા માટે અત્યાચાર કે શોષણના કિસ્સામાં સ્ત્રી પોલીસ સુધી જતાં ખચકાટ અનુભવે છે?
એવું તો શું છે કે સ્ત્રી મુક્તપણે પોતાના પરિવાર સાથે પણ ખુદ પર વીતી રહેલી કે વીતી ગયેલી યાતનાઓ અંગે વાત નથી કરી શકતી?
સુરતમાં બનેલી આ ઘટનાએ રાજ્યમાં મહિલાસુરક્ષા પર સવાલો ઉઠાવ્યા છે.
આ ઘટનાના અહેવાલો વાંચીને ઘરોમાં પરિવાર પોતાની દીકરીઓની સુરક્ષાને લઈને ચર્ચા કરી રહ્યા છે. ત્યારે જે શહેરમાં આ ઘટના બની, ત્યાંની યુવતીઓનાં મનમાં પોતાની સુરક્ષાને લઈને કેવા સવાલ ઊભા થઈ રહ્યા છે?
"વીડિયો જોઈને કંપારી છૂટી ગઈ"
સુરતમાં રહેતાં સ્મિતા શાહ આ વીડિયોને લઈને કહે છે, "આ વીડિયો જોયો તો મારી કંપારી છૂટી ગઈ હતી. મને પહેલેથી આ પ્રકારના વીડિયો જોવાની આદત નથી, પણ મેં જ્યારે આ બધું જોયું તો મારું શરીર ઠંડુ પડી ગયું હતું."
પોતાની સલામતીને લઈને સ્મિતા કહે છે કે, "આ ઘટના બાદ હું ખુદ વિચારમાં પડી ગઈ છું. હવે હું પાર્ટનર શોધતી વખતે પણ વધારે સાવચેત રહીશ. વધારે પડતા આશંકા કરતા પાર્ટનરને કારણે શું થઈ શકે છે હવે તેનો વિચાર આવે છે, જેથી પાર્ટનરની પસંદગી વખતે તે વધારે આશંકા કરતા ન હોય તેનું ખાસ ધ્યાન રાખીશ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુરતનાં રહેવાસી બીજલ પટેલ આ ઘટનાનો વીડિયો જોયા બાદ ખૂબ ગુસ્સે થયાં હતાં. તેઓ કહે છે કે, "ગુસ્સો એ વાતનો તો હતો જ કે છોકરો આ રીતે છોકરીના ઘર સુધી પહોંચી ગયો અને ઘર પાસે જ તેના ગળા પર ચપ્પુ ફેરવી દીધું. આ સાથે આસપાસમાં ઊભા રહીને વીડિયો ઉતારી રહેલા લોકો પર પણ હતો."
બીજલ આગળ જણાવે છે કે, "પોતાના પરિવારજનો પર ફેનીલે હુમલો કરતાં તેમને છોડાવવા વચ્ચે પડેલી છોકરીએ તો પોતાનો જીવ ગુમાવવો પડ્યો, પણ જો આસપાસમાં ઊભેલા લોકોએ વીડિયો ઉતારવાની જગ્યાએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હોત તો કદાચ તેનો જીવ બચી ગયો હોત."
તેઓ પોતાની સુરક્ષાને લઈને હાલ મનમાં ચાલી રહેલા વિચારો અંગે વાત કરતાં કહે છે કે, "વિચલિત કરી દે તેવી આ ઘટના પરથી એ જાણવા મળ્યું કે, ક્યારેય આ પ્રકારના વ્યક્તિ સાથે રહી શકાય નહીં. જો કોઈ માણસ પ્રેમમાં આટલી નીચી હદ સુધી જઈ શકતો હોય, તો એના કરતા પ્રેમમાં જ ન પડવું જોઈએ. "
સુરતમાં રહેતાં અને મહિલાઅધિકારો માટે કામ કરતાં કર્મશીલ કાજલ ત્રિવેદી આ ઘટના સમાજની માનસિકતાને પ્રતિબિંબિત કરતી હોવાનું જણાવે છે.
તેઓ કહે છે કે, "સમાજમાં માત્ર પોતાના ઘરની જ નહીં, પરંતુ દરેક સ્ત્રીનું સન્માન થવું જોઈએ. જોકે, હાલમાં તેવું થઈ નથી રહ્યું."
વીડિયો જોયા બાદ તેઓ પણ બીજલની જેમ વીડિયો ઉતારનારા લોકો પર ગુસ્સે થયાં હતાં.
તેઓ કહે છે કે, "જો લોકોએ વીડિયો ઉતારવાની જગ્યાએ પથ્થર ઊઠાવ્યા હોત તો કદાચ તે (ગ્રીષ્મા) આજે જીવિત હોત, પરંતુ લોકોની માનસિકતા હોય છે કે જ્યાં સુધી કોઈ ઘટનાથી ખુદને કે ખુદના પરિવારને નુક્સાન ન પહોંચે ત્યાં સુધી તેઓ વચ્ચે પડતા નથી અને આ જ કારણથી અત્યારે એક દીકરી આપણી વચ્ચે નથી."
સુરત જિલ્લાનાં પોલીસ અધીક્ષક ઉષા રાડાના જણાવ્યા પ્રમાણે, તેમને આ વીડિયો જોઈને અતિશય દુઃખ થયું હતું. તેઓ કહે છે કે, "સમાજમાં આ પ્રકારની ઘટના ક્યારેય ન બનવી જોઈએ. આવા સમયે લોકોએ પણ મદદ માટે આગળ આવવું જોઈએ. લોકોમાં પણ જાગૃતિ હોવી જોઈએ."
શા માટે સ્ત્રીઓ પોલીસ સુધી જતાં ખચકાય છે?
ગ્રીષ્માનો મામલો કંઈ એક દિવસમાં બન્યો ન હતો. લગભગ એક વર્ષથી ચાલી રહેલી તકરારના અંતે ઘટના મર્ડર સુધી પહોંચી હતી. તો લગભગ એક વર્ષ દરમિયાન એવું તો શું થયું હશે કે મામલો પોલીસ સુધી ન પહોંચ્યો?
આ પ્રશ્નના જવાબમાં કર્મશીલ કાજલ ત્રિવેદી જણાવે છે કે, 'અવગણનાની વૃત્તિ' એ આ ઘટના પાછળનાં જવાબદાર કારણોમાં મુખ્ય છે. તેઓ કહે છે, "જ્યારે પરિવારનો છોકરો કહે છે કે તેને કોઈએ માર્યો કે તેની સાથે ગેરવર્તણૂક કરી, તો તેઓ તરત પગલાં લેવા દોડશે. પણ જ્યારે દીકરી કહેશે કે કોઈ મારી છેડતી કરી રહ્યું છે કે મારી સામે ખરાબ નજરે જુએ છે, તો તરત જ તેને રસ્તો બદલી દેવાનું અથવા તો નજર નીચી રાખીને ચાલવાનું કહી દેવામાં આવશે."
તેઓ વધુમાં કહે છે, "જ્યારે પરિવાર જ વાત સમજવા તૈયાર ન થાય તો સ્ત્રી પોલીસ સુધી કઈ રીતે જાય? સ્ત્રીઓમાં આ ડર જોવા મળે છે કે 'જો હું કહીશ તો આ લોકો માનશે ખરા?' આ સિવાય વિશ્વાસનો અભાવ પણ તેના માટે કારણભૂત છે."
ઉષા રાડા આ વિશે કહે છે કે, "પારિવારિક કે સામાજિક દબાણ અને પોલીસ ફરિયાદ કરવાથી સમાજમાં આબરૂ જવાના ડરથી પીડિતા પોલીસ સુધી આવતાં ખચકાય છે."
આ સિવાયના સંજોગો અંગે તેઓ કહે છે, "પોલીસનો ડર અને દીકરીઓના સગપણની ચાલી રહેલી વાતોના કારણે પણ તેઓ ડરતા હોય છે પરંતુ આ માન્યતા ખોટી છે. એવા ઘણાય કિસ્સા છે. જેમાં પોલીસે નામ જાહેર કર્યા વગર દીકરીઓને ન્યાય અપાવ્યો હોય."
આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરતી સ્ત્રીઓએ શું કરવું?
કોઈપણ સ્થળે અત્યાચાર કે શોષણનો ભોગ બની રહેલી સ્ત્રીઓને ઉષા રાડા કહે છે કે, "કોઈપણ ચિંતા કર્યા વગર પોલીસને જાણ કરો. તમામ જિલ્લામાં પોલીસ અધિકારીઓના મોબાઇલ નંબર વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. જો પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરતાં ખચકાટ અનુભવતા હો તો તેમનો સંપર્ક કરો. તેઓ જરૂરથી તમારી મદદ કરશે."
કાજલ ત્રિવેદી અત્યાચાર કે શોષણનો ભોગ બની રહેલી સ્ત્રીઓને માત્ર એક સલાહ આપે છે, "અવાજ ઉઠાવો."
તેઓ કહે છે કે, "આ ઘટના કંઈક સંતાડવા માટેની નથી. તમે અવાજ ઉઠાવો, આ અંગે પરિવારમાં વાત કરો, જરૂર પડે તો પોલીસને જાણ કરો. દરેક સ્ત્રીએ પરિવારમાં એક એવો સભ્ય રાખવો જોઈએ. જેની સાથે મુક્તપણે કોઈ પણ વાત કરી શકાય. પરિવાર કે લોકો શું કહેશે, તે વિશે વિચારવાની જરૂર નથી."
જો સ્ત્રીઓ અવાજ નહીં ઉઠાવે તો અત્યાચાર ગુજારનાર કે શોષણ કરનારનું મનોબળ વધશે, એમ કાજલ ત્રિવેદીનું માનવું છે.
તેઓ કહે છે, "જો કોઈ એકધારું તાકીને જોઈ રહ્યો હોય અને તેની સામેથી નજર નીચી રાખીને ચાલ્યા જઈશું તો તેને એમ લાગશે કે આને તો કોઈ ફરક ન પડ્યો. તેથી તે ફરી વખત એમ કરશે. એક જ સ્ત્રી સાથે નહીં, અનેક સ્ત્રીઓ સાથે તે આ પ્રકારનું વર્તન કરશે. તો આવા સમયે તેની આંખમાં આંખ નાખીને જોવામાં આવે તો તેને ખબર પડી જશે કે તે ખોટું કરી રહ્યો છે. મૂળ વાત એક જ છે, પ્રતિકાર કરો અને અવાજ ઉઠાવો."
આ મુદ્દો સીધો મહિલાસુરક્ષા સાથે સંકળાયેલો છે. ત્યારે ગ્રીષ્મા જેવી પરિસ્થિતિમાં સ્ત્રીઓ પોતાની સુરક્ષા કરી શકે તે માટે તેમને સ્કૂલમાં જ સેલ્ફ ડિેફેન્સ શિખવાડવામાં આવે તેવું બીજલ પટેલનું માનવું છે.
તેમના જણાવ્યા પ્રમાણે, "અભ્યાસમાં અન્ય પ્રવૃત્તિમાં ભરતનાટ્યમ, કથ્થક જેવી વસ્તુઓ શિખવાડવામાં આવે છે. જેની જગ્યાએ કરાટે શિખવાડવામાં આવે તો તેઓ જાતે જ પોતાની સુરક્ષા કરી શકે."
આવું જ કંઈક પોલિસ અધિકારી ઉષા રાડા પણ કહે છે. તેઓ જણાવે છે કે, "પોલિસ સેલ્ફ ડિફેન્સ, કરાટે, ગુડ ટચ-બેડ ટચ , ઍન્ટી સ્યુસાઇડ હેલ્પલાઇન વગેરે કાર્યક્રમો ચલાવે જ છે."
યુવકોએ 'કન્સેન્ટ' વિશે શું જાણવાની જરૂર છે?
કન્સેન્ટ એટલે કે સંમતિ અંગે કર્મશીલ કાજલ ત્રિવેદી જણાવે છે કે, "આ માત્ર યુવકોએ શીખવાની કે જાણવાની જરૂર નથી. સ્ત્રી અને પુરુષ બન્ને માટે તે એટલું જ મહત્ત્વનું છે. પુરુષોએ સંમતિ માગતા, જ્યારે સ્ત્રીઓએ પોતાની ઇચ્છા મુજબ સંમતિ આપવી કે કેમ? તે શીખવું પડશે."
કાજલ સ્ત્રીઓને કહેવા માગે છે કે, "તમારે દૃઢતાપૂર્વક ના પાડતા શીખવું પડશે."
જ્યારે યુવકોને તેઓ "સંમતિ વગર સ્ત્રીના જીવનમાં હસ્તક્ષેપ ન કરવાની સલાહ આપે છે."
તેઓ સમાજને ટાંકીને કહે છે, "આપણે ત્યાં જ્યારે કોઈ સ્ત્રી ના નથી કહેતી તો લોકો તેનો અર્થ હા સમજવામાં આવે છે અને આ કારણથી મોટાભાગના અત્યાચાર કે શોષણના કિસ્સા બનતા હોય છે અને ચોંકાવનારી બાબત એ છે કે 80 ટકા કિસ્સામાં શોષણ કરનાર સ્ત્રીની નજીકની જ કોઈ વ્યક્તિ આવું કરે છે."
કન્સેન્ટ અંગે ઉષા રાડા જણાવે છે કે, "કોઈ પણ દીકરી કે સ્ત્રીની ઇચ્છા વિરુદ્ધ તેમની સાથે બોલવું કે કોઈપણ જાતના સંબંધો રાખવા માટે બળજબરી કરવી એ અપરાધ છે. આપણે ત્યાં સ્ત્રીને શક્તિ માનવામાં આવે છે. તો એ શક્તિનો આદર કરવો જોઈએ. ભારતીય સમાજમાં નારીનું સન્માન કરવાનું કહ્યું છે, અપમાન નહીં. તો તમામ નારીશક્તિનું સન્માન કરવું જોઈએ."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો