Ind vs Wi : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની 1000મી વન-ડેમાં જીત

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે અમદાવાદમાં રમાયેલી વન-ડે મૅચમાં છ વિકેટે જીત મેળવી છે.

નોંધનીય છે આ વન-ડે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી અને તે ભારતની 1000મી વન-ડે હતી.

વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ બેટિંગ કરતાં ભારત સામે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતીય ટીમે માત્ર 28 ઓવરમાં જ મેળવી પૂરો કરી લીધો હતો.

મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ

ઇમેજ સ્રોત, SAGAR PATEL

મૅચમાં શ્રેષ્ઠ પ્રદર્શનની વાત કરીએ તો યુજવેન્દ્ર ચહલની ઘાતક બૉલિંગ બાદ રોહિત શર્માની હાર્ડ હિટિંગ સામે વેસ્ટ ઇન્ડીઝ ટકી શક્યું નહોતું.

રોહિતે આ મૅચમાં પોતાની કારકિર્દીની 44મી અર્ધ સદી નોંધાવી હતી.

તેમણે કૅપ્ટન્સ ઇનિંગ રમતાં માત્ર 51 બૉલમાં 60 રન ફટકાર્યા હતા. ત્યાર બાદ સૂર્યકુમાર યાદવ અને ડેબ્યૂ કરનાર દીપક હુડાએ ચાર વિકેટ બાદ બાજી સંભાળી લીધી હતી.

તેમજ રોહિત શર્માએ પોતાની કપ્તાન તરીકેની કારકિર્દીની શરૂઆત વિજય સાથે કરી હતી.

વેસ્ટ ઇન્ડીઝ તરફથી જેસન હૉલ્ડરે સૌથી વધુ 57 રન કર્યા હતા. જ્યારે ભારત તરફથી યુજવેન્દ્ર ચહલે સૌથી વધુ ચાર વિકેટ ખેરવી હતી, તો વૉશિંગ્ટન સુંદરે 3 વિકેટ લીધી હતી.

આ જીત સાથે આ સિરીઝમાં ભારત 1-0થી આગળ થઈ ગયું છે.

line

વન-ડેમાં ભારતનું પ્રદર્શન

રોહિત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

વન-ડે ક્રિકેટમાં ભારત સુવર્ણ ઇતિહાસ ધરાવે છે. 1983માં જ્યારે ભારતને કોઈ ગણતરીમાં લેતું ન હતું ત્યારે કપિલ દેવની ટીમે ઇંગ્લૅન્ડમાં વર્લ્ડકપ જીત્યો હતો અને એ વખતના સુપરપાવર વેસ્ટ ઇન્ડીઝને ફાઇનલમાં હરાવીને ટાઇટલ જીત્યું હતું.

2011માં મહેન્દ્રસિંહ ધોનીની ટીમે ભારતને બીજી વાર વર્લ્ડકપ અપાવ્યો હતો એ વખતે ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતેની ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું.

આ ઉપરાંત ભારતે 1985માં ઑસ્ટ્રેલિયામાં બેન્સન ઍન્ડ હેજીસ વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ ક્રિકેટ એટલે કે મિની વર્લ્ડકપ જીત્યો હતો. ભારતીય ટીમે શારજાહમાં પણ ઘણી ટુર્નામેન્ટ જીતી છે.

તાજેતરની વાત કરીએ તો મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીની ટીમે વન-ડેમાં ભારતને ઘણી સફળતા અપાવેલી છે. જેમાં આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી ટાઇટલનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત ભારતીય ટીમ આઈસીસી ક્રમાંકમાં પણ મોખરાના સ્થાને રહી ચૂકી છે.

વર્ષ 2011માં મહેન્દ્રસિંહ ધોનીએ ફરી એક વાર ભારતને વન ડે ક્રિકેટની વિશ્વવિજેતા ટીમ બનાવવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2011માં મહેન્દ્રસિંહ ધોનીએ ફરી એક વાર ભારતને વન ડે ક્રિકેટની વિશ્વવિજેતા ટીમ બનાવવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી

અંગત સિદ્ધિની વાત કરીએ તો સચીન તેંડુલકરનું નામ મોખરે આવે. સચીન તેંડુલકર માત્ર ભારત માટે નહીં પરંતુ વન-ડે ઇતિહાસમાં સૌથી વધુ રન અને સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડી છે, તો એક સમયે સૌથી વધુ વિકેટ (એ વખતે 225) વિકેટ ખેરવવાનો વિશ્વવિક્રમ પણ ભારતના કપિલ દેવના નામે હતો.

કપિલદેવે આ આંક 253 સુધી પહોંચાડ્યો હતો. સચીન તેંડુલકર 18426 રન, 49 સદી અને 96 અડધી સદીનો વર્લ્ડ રેકર્ડ ધરાવે છે.

સચીન તેંડુલકર 55 વખત સદીની ભાગીદારી નોંધાવી ચૂક્યા છે, તો તેમના સાથી સૌરવ ગાંગુલીએ 53 વખત સદીની ભાગીદારી નોંધાવી છે અને બંનેએ સાથે મળીને 29 વખત સદીની ભાગીદારી નોંધાવી છે.

line

કપિલ દેવે ફટકારી પ્રથમ વન-ડે સદી

કપિલ દેવ

ઇમેજ સ્રોત, Getty Images

એક સમય હતો જ્યારે ભારત તરફથી વન-ડેમાં કોઈ બૅટ્સમૅન સદી ફટકારી શક્યો ન હતો. 1974માં ભારત તેની પ્રથમ વન-ડે રમ્યું ત્યારથી બાર વર્ષ સુધી કોઈ બૅટ્સમૅન સદી ફટકારી શક્યો ન હતો.

1983ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામેની 175 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમીને કપિલ દેવે ભારત માટે પ્રથમ સદી ફટકારી. એ જ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામે નોટ્ટિંગહામ ખાતે 43 રનમાં પાંચ વિકેટ ખેરવીને કપિલ દેવે જ વન-ડે ઇતિહાસમાં ભારત માટે પહેલી વાર પાંચ વિકેટની સિદ્ધિ હાંસલ કરી હતી.

આજે સ્થિતિ એ છે કે વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ સદી (295), સૌથી વધુ ચોગ્ગા (18604), સૌથી વધુ સિક્સર (2757) ભારતના નામે છે.

વન-ડે ક્રિકેટમાં સૌપ્રથમ બેવડી સદી પણ ભારતના નામે છે. સચીન તેંડુલકરે 2010માં ગ્વાલિયર ખાતે સાઉથ આફ્રિકા સામે અણનમ 200 રન ફટકાર્યા હતા. ત્યાર બાદ વીરેન્દ્ર સેહવાગે પણ બેવડી સદી ફટકારી પરંતુ રોહિત શર્મા આ તમામને પાછળ રાખીને અત્યારે મોખરે છે.

રોહિત શર્મા વન-ડે ઇનિંગ્સમાં 264 રન ફટકારનારા બૅટ્સમૅન છે. નવેમ્બર 2014માં કોલકાતા ખાતેની વન-ડેમાં તેમણે શ્રીલંકા સામે 264 રન ફટકાર્યા હતા. રોહિત આટલેથી અટક્યા નથી, કેમ કે તે વન-ડેમાં ત્રણ બેવડી સદી ફટકારી ચૂક્યા છે.

line

વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારવામાં સચીન મોખરે

સચીન તેંદુલકર

ઇમેજ સ્રોત, Getty Images

આવી જ રીતે ત્રણ કે તેથી વધુ દેશની ટુર્નામેન્ટ જીતવાની વાત આવે તો છેલ્લા ચાર કરતાં વધુ દાયકાથી ત્રિકોણીય વન-ડે સિરીઝ યોજી રહેલા ઑસ્ટ્રેલિયાને બાદ કરતાં ભારતે (શ્રીલંકા સાથે મળીને) સૌથી વધુ વખત મલ્ટિનેશનલ વન-ડે ટુર્નામેન્ટ જીતી છે.

ઑસ્ટ્રેલિયાએ ઘરઆંગણે યોજાતી ત્રિકોણીય સિરીઝ સહિત આવા 45 ટાઇટલ જીત્યાં છે તો ભારત અને શ્રીલંકાએ અનુક્રમે 24 અને 25 ટાઇટલ જીત્યા છે.

એ હકીકતને ધ્યાનમાં રાખીએ તો ભારતનો દેખાવ ચઢિયાતો લેખાશે કે ભારત તેના પ્રારંભિક વર્ષમાં બે દેશ વચ્ચેની દ્વિપક્ષીય સિરીઝ પણ જીતી શકતું ન હતું તેને બદલે અત્યારે તેની પાસે 24 ટાઇટલ છે જેમાં બે વર્લ્ડકપનો સમાવેશ થાય છે.

વન ડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બૅટ્સમૅનોની યાદીમાં સચિન તેંડુલકર પ્રથમ ક્રમે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વન ડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બૅટ્સમૅનોની યાદીમાં સચિન તેંડુલકર પ્રથમ ક્રમે

આ ઉપરાંત ભારતે 1998-99માં આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી પણ જીતી હતી. નબળા પ્રારંભિક કાળ છતાં ભારત અત્યારે તેની 999 વન-ડેમાંથી 51.85 ટકા મૅચો જીતવામાં (518 મેચમાં વિજય) સફળ રહ્યું છે જેની સરખામણીએ માત્ર સાઉથ આફ્રિકા (61.29), ઑસ્ટ્રેલિયા (60.65) અને પાકિસ્તાન (52.35) જ ભારત કરતાં આગળ છે.

વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારવામાં સ્વાભાવિકપણે જ સચીન તેંડુલકર મોખરે છે પરંતુ મોખરાના દસ ખેલાડીમાં ભારતના ચાર ખેલાડી છે જેમાં વિરાટ કોહલી (12285), સૌરવ ગાંગુલી (11363) અને રાહુલ દ્રવિડ (10889)નો સમાવેશ થાય છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો