Ind vs Wi : ભારતની 1000મી મૅચ સાથે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વધુ એક સિદ્ધિનું સાક્ષી બન્યું
ગુજરાતના અમદાવાદ પાસેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે સિરીઝની પ્રથમ વન-ડે મૅચ રમાઈ રહી છે.
મોટેરાનું આ સ્ટેડિયમ પ્રથમ વાર 1983માં બન્યું અને 2021માં નવા રૂપરંગ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે અસ્તિત્વમાં આવ્યું તે સહિત છેલ્લાં 38 વર્ષના ગાળામાં આ સ્ટેડિયમ અનેક સિદ્ધિઓનું સાક્ષી બન્યું છે.

ઇમેજ સ્રોત, SAGAR PATEL
હવે આ સ્ટેડિયમ ભારતની 1000મી વન-ડેનું સાક્ષી બન્યું છે. 1983માં માત્ર નવ મહિનાના ગાળામાં બંધાયેલા સ્ટેડિયમ પર સુનીલ ગાવસ્કરે એ વખતે સૌથી વધુ ટેસ્ટ રનનો જ્યોફ બોયકોટનો વિક્રમ તોડ્યો હતો, તો આ જ મેદાન પર ગાવસ્કરે કારકિર્દીના 10,000 રન પૂરા કર્યા હતા.
અગાઉ ટેસ્ટ ક્રિકેટમાં કોઈ બૅટ્સમૅને દસ હજાર રન કર્યા ન હતા, તો ભારતના મહાન ઑલરાઉન્ડર કપિલદેવે 1994ના ફેબ્રુઆરીમાં આ જ સ્થળે શ્રીલંકા સામેની ટેસ્ટ દરમિયાન કારકિર્દીની 432મી વિકેટ ઝડપી સર રિચાર્ડ હેડલીનો વિક્રમ તોડીને ટેસ્ટ ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ ખેરવવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
મહાન બૅટ્સમૅન સચીન તેંડુલકરે 1999માં ન્યૂઝીલેન્ડ સામે 217 રન ફટકારીને કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. આવા તો અસંખ્ય વિક્રમ અહીં નોંધાયા છે.
હજી ફેબ્રુઆરી 2021માં આ સ્ટેડિયમ નવેસરથી બંધાયા બાદ ભારતે માત્ર બે જ દિવસમાં ઇંગ્લૅન્ડને હરાવીને ટેસ્ટ જીતી હતી. હવે અહીં જ ભારત તેની 1000મી વન-ડે રમી રહ્યું છે.

નવ મહિનામાં તૈયાર થયું

ઇમેજ સ્રોત, Getty Images
1983ના વર્ષના પ્રારંભે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશને રાજ્ય સરકારે ફાળવેલી જમીન પર નવા સ્ટેડિયમના બાંધકામની વિચારણા કરી અને ફેબ્રુઆરીમાં તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘના હસ્તે ખાતમુહૂર્ત થયું.
બરાબર નવ મહિના બાદ સ્ટેડિયમ બંધાઈ ગયું અને નવેમ્બર 1983માં તો આ મેદાન પર ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટેસ્ટ મૅચ રમાઈ ગઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ મોટેરાનું સ્ટેડિયમ બરાબર નવ મહિનામાં તૈયાર થયું જે અત્યાર સુધીનો એક વિક્રમ છે.
મોટેરાના આ સ્ટેડિયમને એ વખતે ગુજરાત સ્ટેડિયમ નામ અપાયું, ત્યાર બાદ 1993માં તેનું નામ બદલાયું અને સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ થયું અને 2021ના ફેબ્રુઆરીમાં તેનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થયું.
એક જ સ્ટેડિયમના ત્રણ ત્રણ વાર નામ બદલાયાં તે પણ કદાચ એક વિક્રમ હશે પણ મોટેરાના આ સ્ટેડિયમને વિક્રમોના સાક્ષી બનવાની જાણે આદત પડી ગઈ છે.
અહીં જેટલા રેકૉર્ડ નોંધાયા છે કે સિદ્ધિઓ નોંધાઈ છે તેટલી કદાચ કમસે કમ ભારતના અન્ય કોઈ સ્ટેડિયમ પર જોવા મળી નહીં હોય.

સુનીલ ગાવસ્કરનો વિક્રમ

ઇમેજ સ્રોત, Getty Images
સુનીલ ગાવસ્કરે આ મેદાન પર કારકિર્દીના દસ હજાર રન પૂરા કર્યા તે તો સૌને યાદ છે પરંતુ તે અગાઉ ભારતના આ સર્વકાલીન મહાન બૅટ્સમૅને એક એવો રેકૉર્ડ સર્જ્યો હતો જેની ઉપર ઘણા ઓછાની નજર પડી હતી.
1983ના નવેમ્બરમાં અહીં પ્રથમ ટેસ્ટ રમાઈ તે વખતે ઇંગ્લૅન્ડના જ્યોફ બોયકોટના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન (8114)નો રેકૉર્ડ હતો.
વેસ્ટ ઇન્ડીઝ સામેની એ ટેસ્ટના પ્રારંભે ગાવસ્કરના નામે 8032 રન હતા. આમ બોયકોટના આંકને પાર કરવા ગાવસ્કરને 83 રનની જરૂર હતી.
ગાવસ્કરે એ ઇનિંગ્સમાં 90 રન ફટકારીને બોયકોટનો વિક્રમ તોડ્યો હતો. આ સાથે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારવાનો વિક્રમ ગાવસ્કરના નામે થઈ ગયો હતો.
બોયકોટનો વિક્રમ તોડ્યા બાદ 1986-87માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેદાન પર રમાયેલી ટેસ્ટને સુનીલ ગાવસ્કરે વધુ યાદગાર બનાવી દીધી હતી.
માર્ચ 1987માં રમાયેલી ટેસ્ટ અગાઉ ગાવસ્કરને 10,000 રન પૂરા કરનાર વિશ્વના સૌપ્રથમ બૅટ્સમૅન બનવા માટે 58 રનની જરૂર હતી.
ઑફ સ્પિનર ઇઝાઝ ફકીહના બૉલને થર્ડ મૅન પર કટ કરીને ગાવસ્કરે આ આંક વટાવી દીધો હતો. આ સાથે સુનીલ ગાવસ્કર ટેસ્ટ ઇતિહાસમાં દસ હજાર રન ફટકારનારા વિશ્વના પ્રથમ બૅટ્સમૅન બન્યા હતા.

કપિલ દેવ સૌથી વધુ વિકેટ લેનાર બૉલર

ઇમેજ સ્રોત, Getty Images
1994ના ફેબ્રુઆરીમાં પ્રવાસી શ્રીલંકા સામેની ટેસ્ટ મૅચ મોટેરામાં રમાઈ ત્યારે સૌનું ધ્યાન એકમાત્ર કપિલદેવ તરફ હતું.
એ વખતે કપિલદેવે 431 વિકેટ ઝડપી હતી અને વધુ એક વિકેટ ખેરવે તો તેનો આંક 432 ઉપર પહોંચે. ન્યૂઝીલૅન્ડના સર રિચાર્ડ હેડલીએ 431 વિકેટ ખેરવેલી હતી.
આમ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ માટે કપિલદેવને એક વિકેટની જરૂર હતી. મૅચના પ્રથમ દિવસે પહેલા સત્રમાં જ શ્રીલંકાના હસન તિલકરત્નેને આઉટ કરીને કપિલદેવે આ સિદ્ધિ હાંસલ કરી હતી અને મોટેરા વધુ એક સિદ્ધિનું સાક્ષી બની ગયું હતું.

સચીન તેંડુલકરની કારકિર્દીની પ્રથમ બેવડી સદી

ઇમેજ સ્રોત, SAGAR PATEL
ભારતના મહાન બૅટ્સમૅન સચીન તેંડુલકરને સદીઓનો શહેનશાહ ગણવામાં આવે છે પરંતુ પોતાની પ્રથમ બેવડી સદી ફટકારવા માટે સચીન તેંડુલકરે દસ વર્ષ રાહ જોવી પડી હતી.
1989માં કારકિર્દીનો પ્રારંભ કર્યા બાદ સચીન તેંડુલકરે 20 સદી ફટકારી દીધી હતી પરંતુ તેમના ખાતામાં એકેય બેવડી સદી બોલતી ન હતી.
ઑક્ટોબર 1999માં મોટેરા ખાતે રમાયેલી ન્યૂઝીલૅન્ડ સામેની ટેસ્ટમાં સચીને 217 રન ફટકાર્યા અને એ સાથે તેની કારકિર્દીમાં વધુ એક સિદ્ધિ નોંધાઈ ગઈ.
ત્યાર બાદ તો સચીને છ બેવડી સદી ફટકારી પરંતુ 1999ની બેવડી સદી યાદગાર બની રહી.

મોહમ્મદ અઝહરુદ્દીનનો વિશ્વવિક્રમ

ઇમેજ સ્રોત, Getty Images
વર્તમાન ક્રિકેટમાં કોઈ પણ ક્રિકેટર ગમે તે દેશમાં જઈને રમી શકે છે અને ક્રિકેટનો વ્યાપ પણ વધી ગયો છે, જ્યારે આજથી 25 વર્ષ અગાઉ આવું ન હતું ત્યારે અઝહરુદ્દીને એક એવો વિક્રમ નોંધાવ્યો હતો જેના તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું હોય.
1996ના નવેમ્બરમાં મોટેરામાં રમાયેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મૅચમાં અઝહરે પદાર્પણ કર્યું તે સાથે તેઓ વિશ્વના દરેક દેશ સામે ભારતમાં અને એ દેશની ધરતી પર ટેસ્ટ રમનારા પ્રથમ ક્રિકેટર બન્યા હતા.
આ એવી સિદ્ધિ હતી જે હાંસલ કરવા માટે જે તે ક્રિકેટરે લાંબા સમય સુધી ક્રિકેટ રમવું પડતું હોય છે.
આ એવી સિદ્ધિ હતી જેમાં અઝહર ભારત આવનારી તમામ ટીમ સામે ભારતના મેદાન પર તો ટેસ્ટ રમ્યા હતા પરંતુ તે જ દેશના પ્રવાસે જઈને તેમની ધરતી પર પણ રમ્યા હતા.

સાઉથ આફ્રિકા સામે 76 રનમાં આઉટ, લંચ અગાઉ ટીમ આઉટ

ઇમેજ સ્રોત, Getty Images
મોટેરામાં ભારત માટે કેટલીક અગમ્ય સિદ્ધિ પણ નોંધાઈ છે. એપ્રિલ 2008માં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આ મેદાન પર ટેસ્ટનો પ્રારંભ થયો અને તેના બે કલાક બાદ તો ભારતીય ટીમ 76 રનના સ્કોરે પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં આ એવો સૌપ્રથમ પ્રસંગ હતો જ્યારે કોઈ ટીમ મૅચના પહેલા દિવસે જ લંચ અગાઉ ઑલઆઉટ થઈ ગઈ હોય.
અનિલ કુંબલેની આગેવાની હેઠળની એ ટીમમાં વસીમ જાફર, સેહવાગ, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ ઉપરાંત ધોની જેવા બૅટ્સમૅન હતા તેમ છતાં ડેલ સ્ટેઇનના તરખાટ સામે તમામ ખેલાડી 76 રનના કુલ સ્કોરે આઉટ થઈ ગયા હતા.

ઇંગ્લૅન્ડ સામે બે દિવસમાં ટેસ્ટ જીતી
ફેબ્રુઆરી 2021માં મોટેરા સ્ટેડિયમ નવા રૂપરંગ સાથે સજ્જ થઈને નવા નામ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાથે તૈયાર થયું.
24મી ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટનો પ્રારંભ થયો અને 25મીએ તો મૅચ પૂરી થઈ ગઈ. ભારતે બે દિવસમાં તો આ મૅચ દસ વિકેટે જીતી લીધી.
મોટેરા આ સાથે નવી સિદ્ધિનું સાક્ષી બની ગયું કેમ કે 1888 બાદ આ પહેલો પ્રસંગ હતો જ્યારે ઇંગ્લૅન્ડનો માત્ર બે જ દિવસમાં ટેસ્ટ મૅચમાં પરાજય થયો હોય.
અગાઉ 16 અને 17 જુલાઈ 1888માં લોર્ડ્ઝ ખાતે રમાયેલી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા સામે ઇંગ્લૅન્ડની ટીમ 61 રનથી હારી ગઈ હતી.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












