ગુજરાતમાં હવે લોકો પસંદગીનો વાહન-નંબર પાછો કેવી રીતે મેળવી શકશે? BBC TOP NEWS
ગુજરાતના વાહન વ્યવહારમંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે કે, ગુજરાતના નાગરિકોને તેમની પસંદગીનો નંબર હવે પાછો મળી શકે એ માટે રાજય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.
નવી પૉલિસી પ્રમાણે, ભંગારમાં ગયેલા કે વેચેલા વાહનનો પોતાની પસંદગીનો નંબર વાહનચાલકો પોતાના નવા વાહન માટે પોતાની પાસે રાખી શકશે.

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR/AFP VIA GETTY IMAGES
વાહનમાલિકો વિભિન્ન વ્યક્તિગત, ધાર્મિક, સામાજિક કે આંકડાકીય માન્યતાના આધારે તેઓના વાહન માટે ચોક્ક્સ નોંધણી નંબર મેળવવાનો આગ્રહ રાખતા હોય છે.
તો વાહનમાલિકો જૂનાં વાહનોના નંબર રીટેન રાખવાનો આગ્રહ રાખતા હોય છે એને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે.
મંત્રીના જણાવ્યા પ્રમાણે, દિલ્હી, ઉત્તરપ્રદેશ તથા પશ્ચિમ બંગાળમાં આ પૉલિસી અમલમાં છે અને હવે ગુજરાતમાં પણ વ્હિકલ નંબર રીટેન્શનની પૉલિસીને અમલમાં મૂકવા આ નિર્ણય કરાયો છે.
જોકે વાહન-નંબર રીટેન્શન માટે અગાઉ જેમ ચોઇસ નંબર માટે નિયત કરેલ ફીની જોગવાઈ મુજબની ફી ચૂકવવાની રહેશે.
તેમણે ઉમેર્યુ કે, વાહનમાલિક જ્યારે વાહનની તબદિલીની અરજી કરે તે સમયે તે વાહનનો નંબર રીટેન કરી વાહનમાલિક દ્વારા ખરીદાયેલા નવા વાહનોને જે તે રીટેન કરેલ નંબર ફાળવવામાં આવશે.
અને માલિકી તબદીલ થયેલા વાહનને અન્ય નવો નંબર ફાળવવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવી પૉલિસી અનુસાર, તબદિલ થયેલ વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 હજારથી વધુ કેસ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં સોમવારે કોવિડ-19ના 6,097 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ, સુરત અને વડોદરામાં અનુક્રમે 1893, 1778 અને 410 કેસ નોંધાયા હતા.
ગુજરાતના પરિવાર અને કલ્યાણ વિભાગની અખબારી યાદી પ્રમાણે, સોમવારે ઓમિક્રૉનના 28 નવા કેસ નોંધાયા હતા.
કોરોનાના 1,539 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, તેમજ ઓમિક્રૉનના 37 દર્દીઓને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સોમવારે રાજ્યમાં કોવિડ-19થી 2 દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં.
રાજ્યમાં સોમવારે આગલા દિવસ કરતાં કોવિડ-19ના નવા કેસમાં ઘટાડો થયો છે.
રવિવારે કોવિડ-19ના 6,275 નવા કેસ નોંધાયા હતા અને ઓમિક્રૉનનો એક પણ નવો કેસ નોંધાયો નહોતો.

આંગ સાન સૂ ચીને મ્યાનમારની સૈન્યકોર્ટે ચાર વર્ષની સજા સંભળાવી

ઇમેજ સ્રોત, Reuters
મ્યાનમારની લશ્કરી અદાલતે અટકાયતમાં લેવામાં આવેલાં પદભ્રષ્ટ નેતા આંગ સાન સૂ ચીને અનેક કેસોમાં ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. સુ ચી પર લાઇસન્સ વગરની વૉકી-ટૉકી રાખવાનો આરોપ છે.
ફેબ્રુઆરીમાં લશ્કરે બળવો કરીને સુ ચીને સત્તા પરથી પદભ્રષ્ટ કર્યાં હતાં.
સુ ચીને ડિસેમ્બરમાં કોરોના વાઇરસ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા બદલ ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. બાદમાં આ સજા ઘટાડીને અઢી વર્ષની નજરકેદમાં બદલવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, સત્તા પરિવર્તન બાદ હિંસક પ્રદર્શનોમાં 14,00થી વધુ લોકોનાં મોત થયાં છે.
ડિસેમ્બરમાં સુ ચીને સજાની આંતરરાષ્ટ્રીય નિંદા થઈ હતી. મ્યાનમારના લોકોએ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા વિરોધની જૂની પદ્ધતિ અપનાવીને વાસણો ખખડાવ્યાં હતાં.
આ નિર્ણય પર હ્યુમન રાઈટ્સ વોચના શોધકર્તા મેની મોંગે કહ્યું છે કે વધુ એક સજા રાષ્ટ્રીય સ્તરે અસંતોષને વધુ ઘેરો બનાવશે.
તેમણે ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું કે, "સુ ચીને છેલ્લે સજા સંભળાવવામાં આવી ત્યારે મ્યાનમારમાં સોશિયલ મીડિયા પર આ મુદ્દાની સૌથી વધુ ચર્ચા થઈ હતી અને લોકો ગુસ્સો ભરાયા હતા."
"સેનાનું આકલન છે કે આનાથી લોકોમાં ભય પેદા થશે પરંતુ તેનાથી લોકોમાં ભય નહીં પણ ગુસ્સો વધી રહ્યો છે."
પત્રકારોને સુનાવણીમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી ન હતી, જ્યારે સુ ચીના વકીલોને મીડિયા સમક્ષ બોલવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આજથી કોરોના રસીનો પ્રિકૉશન ડોઝ મળવાની શરૂઆત થઈ

ઇમેજ સ્રોત, CMO Gujarat
સોમવારથી ભારતમાં કોરોના વાઇરસની સામે રક્ષણ આપતી રસીનો ત્રીજો એટલે કે બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરાઈ છે.
જોકે ભારત પહેલાં અન્ય અનેક દેશોએ રસીના બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરી દીધી છે.
કોરોના વાઇરસના નવા ઓમિક્રૉન વૅરિયન્ટથી સર્જાયેલી પરિસ્થિતિને જોતાં બૂસ્ટર ડોઝની જરૂર ઊભી થઈ છે.
ભારતમાં કોરોના રસીનો બૂસ્ટર ડોઝ ફ્રન્ટલાઇન વર્કર્સ, 60 વર્ષથી વધુ વયના નાગરિકો તથા કોમૉર્બિડિટી ધરાવતા નાગરિકોને આપવામાં આવી રહ્યા છે.
સરકાર દ્વારા કોરોના રસીના બૂસ્ટર ડોઝ ને ‘પ્રિકૉશન ડોઝ’ નામ આપવામાં આવ્યું છે.
સરકારની ગાઇડલાઇન અનુસાર કોરોના રસીના બીજા અને બૂસ્ટર ડોઝ વચ્ચે 39 અઠવાડિયાં એટલે કે નવ મહિના જેટલું અંતર હોવું જોઈએ.
આ ઉપરાંત પ્રથમ અને બીજો ડોઝ જે કોરોના રસીનો આપવામાં આવ્યો છે, તેનો જ ત્રીજો ડોઝ આપવામાં આવશે.
જે લોકો તાજેતરમાં જ કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે, તેમણે રસીનો બૂસ્ટર ડોઝ લેવા માટે ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી રાહ જોવાની રહેશે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












