પંજાબનાં એ નવાં રાજકીય સમીકરણો, જેના કારણે ચૂંટણીમાં જામી શકે છે રસાકસી
- લેેખક, રાધવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા
પંજાબ વિધાનસભાની ચૂંટણી અત્યારથી જ બહુ રસપ્રદ બની ગઈ છે.
એક તરફ શાસક કૉંગ્રેસે ફરીથી જીતવા માટે ચૂંટણીના થોડા મહિના બાકી હતા ત્યારે નવા મુખ્ય મંત્રી બનાવ્યા, જ્યારે અકાલી દળ આશા રાખીને બેઠું છે કે બહુજન સમાજ પક્ષ સાથે થયેલા ગઠબંધનને કારણે તેના માટે સત્તા પર પરત ફરવાનો નવો માર્ગ તૈયાર થઈ જશે.

ઇમેજ સ્રોત, ANI
ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કર્યો હતો અને મુખ્ય વિપક્ષ બની શકી હતી. વિપક્ષમાંથી હવે શાસક બનવા માટેના ભરપૂર પ્રયાસો આમ આદમી પાર્ટી કરી રહી છે.
આ બધા વચ્ચે કૅપ્ટન અમરિંદર સિંહે નવો રાજકીય પક્ષ બનાવ્યો પંજાબ લોક કૉંગ્રેસ, જેનું ગઠબંધન ભારતીય જનતા પક્ષ સાથે થશે. સાથે જ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુખદેવસિંહ ઢિંઢસાના પક્ષ શિરોમણી અકાલી દળ (સંયુક્ત)નું પણ જોડાણ છે.
આ ઉપરાંત 22 ખેડૂત સંગઠનોએ ભેગા મળીને એક નવો રાજકીય પક્ષ બનાવ્યો છે. ખેડૂત આગેવાન બલબીરસિંહ રાજેવાલની આગેવાનીમાં આ પક્ષ ચૂંટણી લડવાનો છે.
ગત વખતે કેવી સ્થિતિ હતી?

ઇમેજ સ્રોત, ANI
પંજાબ વિધાનસભામાં કુલ 117 બેઠકો છે. 2017માં થયેલી ચૂંટણીમાં અમરિંદર સિંહની આગેવાનીમાં કૉંગ્રેસને 77 બેઠકો સાથે સત્તા મળી હતી.
સતત 10 વર્ષથી સત્તામાં રહેલા અકાલી દળને માત્ર 15 બેઠકો જ મળી હતી. જોકે સત્તા ગુમાવ્યા પછીય અકાલી દળના મતોની ટકાવારી 25.24 ટકા જેટલી રહી હતી.
તેની સામે આમ આદમી પાર્ટીને 23.71 ટકા મત મળ્યા હતા અને સાથે જ 20 બેઠકો પણ મળી હતી. તેના કારણે બીજા નંબરના સૌથી મોટો પક્ષ તરીકે વિપક્ષનું સ્થાન તેને મળ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસ સરકાર સામે પડકારો

ઇમેજ સ્રોત, CHARANJEET SINGH CHANNI/FACEBOOK
મોટી બહુમતી સાથે જીત મળ્યા પછી પણ કૅપ્ટન અમરિન્દરની કૉંગ્રેસ સરકાર પર આક્ષેપો થતા રહ્યા કે તેમણે ચૂંટણીના વાયદાઓ પૂરા કર્યા નથી.
આવા આક્ષેપો પક્ષમાંથી જ લાગ્યા હતા અને સૌથી વધારે બોલકા હતા નવજોતસિંહ સિદ્ધુ, જેઓ કૅપ્ટનની સરકારમાં મંત્રી હતા ખરા, પણ મંત્રી તરીકે રહીને પણ ટીકા કરતા રહ્યા હતા.
કૅપ્ટન અને સિદ્ધુ વચ્ચે ઘણા મહિના સુધી ખેંચતાણ ચાલતી રહી અને તેના કારણે મામલો એ હદે પહોંચ્યો કે ચૂંટણીના થોડા મહિના બાકી હતા ત્યારે પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે સિદ્ધુની વરણી કરવામાં આવી. તેનાંથી નારાજ થયેલા અમરિન્દરસિંહે કૉંગ્રેસ છોડીને પોતાની અલગ ‘પંજાબ લોક કૉંગ્રેસ’ પાર્ટી બનાવી હતી.
આ આંતરિક ખેંચતાણ વચ્ચે ચમકૌર સાહિબથી જીતેલા કૉંગ્રેસના ધારાસભ્ય ચરણજિતસિંહ ચન્નીને નવા મુખ્ય મંત્રી બનાવાયા.

ચન્નીના માથે કાંટાળો તાજ?

ઇમેજ સ્રોત, ANI
ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના પ્રોફેસર આશુતોષ કુમાર પંજાબના રાજકારણના અભ્યાસુ છે.
પ્રોફેસર કુમાર કહે છે, "ચન્ની દલિત સમુદાયમાંથી આવે છે. તેથી પહેલી વાર એવું લાગી રહ્યું છે કે દલિત ચહેરો આગળ આવ્યો છે અને દલિતોનું સશક્તિકરણ થયું છે."
પંજાબની 34 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. ગત ચૂંટણીમાં તેમાંથી 21 બેઠકો કૉંગ્રેસને મળી હતી. આ વખતે દલિતને મુખ્ય મંત્રી બનાવ્યા છે એટલે આ બેઠકો ફરી જીતી જવાની આશા કૉંગ્રેસને છે.
હાલમાં ચરણજિતસિંહ ચન્નીનો ચહેરો સમગ્ર પંજાબમાં મોટા મોટા હોર્ડિંગ્ઝ પર દેખાવા લાગ્યો છે.
જોકે, જાણકારો કહે છે કે ચૂંટણી આડે થોડા જ મહિના બાકી છે. ત્યારે ચન્નીને માથે કાંટાળો તાજ પહેરાવવામાં આવ્યો છે.
ચંડીગઢની ઇન્સ્ટિટ્યૂટ ફૉર ડેલવમેન્ટ ઍન્ડ કૉમ્યુનિકેશનનાં નિદેશક અને પંજાબનાં જાણકાર ડૉ. પ્રમોદ કુમારનું કહેવું છે કે ચન્નીને છેલ્લા થોડા મહિના માટે મુખ્ય મંત્રીપદે બેસાડીને કૉંગ્રેસે એક દાવ ખેલ્યો છે.
આમ છતાં સાડા ચાર વર્ષના શાસન દરમિયાન કૉંગ્રેસ સરકારનું નબળું પ્રદર્શન આગામી ચૂંટણીમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.
તેઓ કહે છે, "એવું જોવા મળતું હોય છે કે રાજકીય પક્ષના મૅનેજરો મોટા-મોટા વાયદા કરી દેતા હોય છે. આ વાયદાના આધારે ચૂંટણીમાં જીત તો મળી જાય, પણ પછી તેનો અમલ કરવો મુશ્કેલ હોય છે."
"પંજાબમાં કૉંગ્રેસનું એવું જ થયું છે. કૉંગ્રેસ સત્તા પર આવશે તેના ચાર જ અઠવાડિયામાં ડ્રગ્ઝની સમસ્યાને ખતમ કરી દેવાનો વાયદો કરાયો હતો, પરંતુ તે વાયદો પૂરો થઈ શક્યો નથી. એવી જ રીતે રોજગારી આપવાની વાત હતી, પરંતુ લોકોને નોકરીઓ મળી નથી."
ચન્ની મુખ્ય મંત્રી બન્યા તેના થોડા મહિનાઓની વાત કરીએ તો તેમની વચ્ચે અને પક્ષના નવા પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુ વચ્ચે પણ તાલમેલ નથી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ડીજીપી અને એડવોકેટ જનરલની નિમણૂંક કરવાના મામલે બંને વચ્ચે ખેંચતાણ થઈ હતી. અધિકારીઓની પસંદગી સામે સિદ્ધુએ નારાજગી દેખાડી હતી અને તેના કારણે આખરે ચન્નીએ આ અધિકારીઓને હઠાવવા પડ્યા હતા.
આવી જ રીતે ચૂંટણીના પહેલાંના દિવસોમાં ચન્ની અને સિદ્ધુ પોતપોતાની રીતે વચનો આપી રહ્યા હોય તેવું લાગે છે.
ચન્ની કહી રહ્યા છે કે, પંજાબના યુવાનો માટે દર વર્ષે એક લાખ નોકરીઓ ઊભી કરવામાં આવશે અને સ્ટાર્ટ અપ કરનારા માટે વ્યાજમુક્ત ધિરાણ આપવામાં આવશે.
તેની સામે સિદ્ધુ ગૃહિણીને મહિને બે હજાર રૂપિયા આપવા અને વર્ષે આઠ ગેસ સિલિન્ડર મફતમાં આપવાનો વાયદો કરી રહ્યા છે. સિદ્ધુએ હાલમાં જ એવું કહ્યું છે કે કૉંગ્રેસની સરકાર ફરીથી સત્તામાં આવશે ત્યારે કૉલેજમાં પ્રવેશ લેનારી યુવતીઓને સ્કૂટર આપવામાં આવશે.
12 પાસ કરે તે કિશોરીને 20,000 રૂપિયા આપવામાં આવશે. 10મું ધોરણ પાસ કરે તે કન્યાઓને 15,000 અને પાંચમું પાસ કરનારી કન્યાને 5,000 રૂપિયા આપવામાં આવશે.
2022ના શરૂઆતની સાથે મોગામાં કૉંગ્રેસ મહાસંમેલન યોજવા માટેની તૈયારીમાં લાગી હતી. આ મંચ પર ચન્ની અને સિદ્ધુ સાથે દેખાશે અને કૉંગ્રેસ માટે સંયુક્ત ચહેરો રજૂ કરશે.
આ મહારેલીમાં રાહુલ ગાંધી પણ હાજર રહેવાના હતા, પરંતુ તેઓ અચાનક વિદેશ જતા રહ્યા એટલે તે રદ કરવામાં આવી છે.
કૉંગ્રેસ ચૂંટણીના વાયદાઓની લહાણી કરી રહી છે, પરંતુ ગત વખતે આપેલા વાયદા પૂરા કરવાની બાબતમાં સરકારની કામગીરી સામે જ સવાલ છે, ત્યારે તેનો જવાબ આપવાનું પક્ષ માટે આસાન નહીં હોય.
કેજરીવાલનો દાવ

ઇમેજ સ્રોત, Getty Images
આમ આદમી પાર્ટી પણ ઢગલાબંધ ચૂંટણી વાયદાઓ સાથે મતદારોને આકર્ષવા માટેના પ્રયાસમાં છે.
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના લોકોને મફત વીજળી અને દરેક પુખ્ત નારીને મહિને 2,000 રૂપિયા આપવાનો વાયદો કરી રહ્યા છે.
પોતાની ચૂંટણી સભાઓમાં કેજરીવાલ દિલ્હીમાં પહેલાં લાખો રૂપિયાના બિલ આવતા હતા તે દેખાડે છે. તેની સામે હવે પોતાની સરકારમાં શૂન્ય બિલ આવી રહ્યા છે તે પણ દેખાડે છે.
ડૉ. પ્રમોદ કુમાર કહે છે, "આજકાલ પંજાબમાં વાયદાનો પ્રવાહ ચાલ્યો છે. દરેક પક્ષ વચનો આપી રહી છે. આમ આદમી પાર્ટી દિલ્હીથી આવી છે. તેમણે પંજાબમાં જે કલ્ચર શરૂ કર્યું છે તેને હું ‘મેન્યૂ-ફેસ્ટો’ કહું છે. તેઓ મેન્યૂ કાર્ડ લાવી રહ્યા છે - ખેડૂતો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે. તમે રેસ્ટોરન્ટમાં જાવ અને મેન્યૂ કાર્ડ મળે તેવી રીતે."
કેજરીવાલે પંજાબમાં ઘણી સભાઓ કરી છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી કે મુખ્ય મંત્રીના દાવેદાર તરીકે કોને આગળ કરવામાં આવશે.
પ્રોફેસર આશુતોષ કુમારનું માનવું છે કે આમ આદમી પાર્ટીએ પંજાબમાં સંગઠનની બાબતમાં ખાસ કોઈ કાર્ય કર્યું નથી. તે દિલ્હી મૉડલની વાત કરીને મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે.
તેઓ કહે છે, "કેજરીવાલ પોતાના નામે ચૂંટણી લડવા માગે છે. પોસ્ટરોમાં બધી જગ્યાએ કેજરીવાલનો જ ચહેરો છે. કેજરીવાલના નામે ચૂંટણી લડાશે, પણ 2017માં તેનો બહુ ફાયદો થયો નહોતો."

અકાલી દળની યોજના

ઇમેજ સ્રોત, Getty Images
પંજાબમાં ફરીથી સરકાર બનાવવાનો દાવો શિરોમણી અકાલી દળ પણ કરે છે. 2007થી 2017 સુધી 10 વર્ષ સત્તામાં રહ્યા બાદ ગત ચૂંટણીમાં અકાલી દળની હાર થઈ હતી.
પક્ષના સર્વોચ્ચ નેતા અને પાંચ વાર મુખ્ય મંત્રી રહેલા પ્રકાશસિંહ બાદલ હવે 94 વર્ષના છે. આ વખતે તેઓ ચૂંટણી લડે છે કે કેમ તે જોવાનું પણ રસપ્રદ રહેશે.
હાલમાં જ અકાલી દળે મોગામાં જંગી સભા કરીને પોતાના શતાબ્દી દિવસની ઉજવણી કરી હતી અને ચૂંટણી ઝુંબેશની શરૂઆત કરી હતી.
કૃષિ કાયદાઓના વિવાદના કારણે અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનું ગઠબંધન 2020માં તૂટી ગયું હતું. આ કાયદાઓ હવે રદ થઈ ગયા છે, પણ જાણકારો કહે છે કે અકાલી દળની ચિંતા તેનાથી દૂર થઈ નથી.
પ્રોફેસર આશુતોષ કુમાર કહે છે કે અકાલી દળે પોતાની છાપ સુધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે, તેમ છતાં આગામી ચૂંટણી જીતવી તેમના માટે સહેલી નથી.
તેઓ કહે છે, "અકાલી દળ પોતાને ખેડૂતોનો પક્ષ કહે છે. તેને લાગે છે કે મોટું નુકસાન થશે, કેમ કે પરંપરાગત રીતે ગ્રામીણ વિસ્તારોમાં જમીનદારોનું સમર્થન તેમને મળતું હતું. પક્ષે પોતાની ધૂંધળી થયેલી છબીને સુધારવા માટે કોશિશ કરી છે, પરંતુ લોકોને યાદ છે કે આ પક્ષ સરકારમાં સાથીદાર હતો અને કૃષિ કાયદા પસાર કરાવવા માટે સમર્થન પણ આપ્યું હતું. આમાંથી બહાર નીકળવાનું અકાલી દળ માટે મુશ્કેલ છે."
આ વખતે બહુજન સમાજ પક્ષ સાથે અકાલીઓનું ગઠબંધન થયું છે. અકાલી દળને એ પણ ચિંતા છે કે ભાજપ સાથેનું જોડાણ તૂટી ગયું તેના કારણે હિન્દુ મતો તેમનાથી નારાજ થઈ શકે છે.
કદાચ તેથી જ પક્ષના પ્રમુખ સુખબીરસિંહ બાદલે જાહેરાત કરી છે કે તેમની સરકાર આવશે તેમાં બે નાયબ મુખ્ય મંત્રી રહેશે, એક દલિત હશે અને એક પંજાબી હિન્દુ હશે.

ભાજપ અને કૅપ્ટન અમરિંદરસિંહની જોડી

ઇમેજ સ્રોત, Getty Images
પંજાબમાં દાયકાથી અકાલી દળના જૂનિયર પાર્ટનર તરીકે રહ્યા પછી ભાજપ હવે કૅપ્ટન અમરિન્દર સિંહના નવા પક્ષ પંજાબ લોક કૉંગ્રેસ સાથે જોડાણ કરીને ચૂંટણી લડશે.
રાજકીય વિશ્લેષકો કહે છે કે, અમરિંદરસિંહનો પક્ષ ભલે વધારે બેઠકો ના જીતે, પરંતુ તેના કારણે બીજા પક્ષોને મુશ્કેલી થઈ શકે છે.
પ્રોફેસર આશુતોષ કુમાર કહે છે, "અમરિંદરસિંહ કોને નુકસાન કરશે અથવા ખરેખર નુકસાન કરશે કે કેમ તે કહેવું મુશકેલ છે. એક વાત સ્પષ્ટ છે કે નેતાઓને ટિકિટ નહીં મળે તે બધાને અમરિંદરસિંહ એકઠા કરવામાં ભૂમિકા ભજવશે."
સાડા ચાર વર્ષ સુધી મુખ્ય મંત્રી રહ્યા પણ તેમણે વાયદા પૂરા ના કર્યા તેવો આક્ષેપ અમરિન્દરસિંહ પર થતો રહ્યો છે. તેમની સરકારનો દેખાવ એટલો સારો પણ નહોતો. જાણકારો કહે છે કે 2017માં તેમનો જેટલો પ્રભાવ હતો એટલો હવે રહ્યો નથી.
જોકે પંજાબમાં ધાર્મિક અપમાનનાં મામલા ચગ્યા છે, તે પછી પંજાબી હિન્દુઓએ કૅપ્ટનને ટેકો આપ્યો હતો.
હવે હિન્દુઓ ભાજપને એવા પક્ષ તરીકે જુએ છે, જે તેમના હિતોની રક્ષા કરી શકે. ભાજપ અને અમરિન્દર એક સાથે આવ્યા તેના કારણે લઘુમતીમાં રહેલા હિન્દુ મતદારોના મિજાજ પ્રમાણે તાલમેલ બેસી શકે છે.

ખેડૂતોનો પક્ષ પણ ચૂંટણીના મેદાનમાં

ઇમેજ સ્રોત, Getty Images
પંજાબમાં હવે ખેડૂતો પણ ચૂંટણી લડવાનાં છે. આંદોલન ચલાવનારા સંયુક્ત ખેડૂત મોરચાના 32માંથી 22 સંગઠનોએ ભેગા થઈને એક નવો રાજકીય પક્ષ બનાવ્યો છે.
ખેડૂત આંદોલનના અગ્રણી બલબીરસિંહ રાજેવાલની અધ્યક્ષતામાં આ પક્ષ ચૂંટણી લડવાનો છે.
ખેડૂત આંદોલનને પંજાબના લોકોનો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં સમર્થન મળ્યું હતું. તેમ છતાં સવાલ એ રહેવાનો કે ખેડૂતોનો જ પક્ષ રાજકીય પક્ષોને ટક્કર આપી શકશે ખરો?
ડૉ. પ્રમોદ કુમાર કહે છે, "ખેડૂતો એક રાજકીય પક્ષ બનાવે અને જીતી જાય તેવું ના બની શકે. ખેડૂતોના પક્ષમાં જો બધા વર્ગના પ્રતિનિધિઓ હોય, વેપારી, ઉદ્યોગપતિ, સર્વિસ સેક્ટર, મહિલાઓ બધાનું પ્રતિનિધિત્વ કરનારો પક્ષ બનાવે તો જ પ્રાદેશિક સ્તરે પડકાર ઊભો કરી શકે."

કયા મુદ્દા મહત્ત્વના?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
પંજાબમાં ચૂંટણીના સમયે સૌથી વધુ ચર્ચા થઈ રહી હોય તેવા મુદ્દાઓમાં બેરોજગારી અને ખેડૂતોનાં દેવા માફીનો મુદ્દો મુખ્ય છે.
આ ઉપરાંત સરકારી કર્મચારીઓ પગારવધારો, કાયમી કરવા તથા બાકી ભથ્થાં ચૂકવવા માટેની માગણી સાથે દેખાવો કરી રહ્યા છે.
હાલના સમયમાં ધાર્મિક કાર્યક્રમોમાં બનેલી અપમાનજનક ઘટનાઓનો મુદ્દો પણ ચૂંટણીમાં ગાજી શકે છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












