ગોવા વિધાનસભા ચૂંટણી : ગોવામાં ભાજપને ટક્કર આપી શકશે મમતા બેનરજીની ટીએમસી?
- લેેખક, ઝુબેર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા, ગોવા
ગોવા ઍરપૉર્ટથી બહાર નીકળતાં જ તૃણમૂલ કૉંગ્રેસના વિશાળ બિલબોર્ડ્સ તમારું સ્વાગત કરે છે. આ બિલબોર્ડમાં ટીએમસી સુપ્રીમો મમતા બેનરજીની હસતી તસવીર દૂરથી દેખાય છે.
આવા બિલબોર્ડ અને પોસ્ટરો નાનકડા રાજ્ય ગોવાના તમામ વિસ્તારોમાં જોવા મળે છે. તેમાં, "ગોવા માટે નવી સવાર"નાં ચૂંટણીસૂત્રો સાથે રાજ્ય માટે ઉજ્જવળ ભવિષ્યનો વાયદો કરવામાં આવ્યો છે.

વિશ્વપ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય પ્રર્યટનસ્થળ ગોવામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને પંજાબની સાથે રાજ્યમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
આ વખતે શાસક ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષ કૉંગ્રેસ પાર્ટી સિવાય બંગાળની તૃણમૂલ કૉંગ્રેસ પણ મેદાનમાં છે. આ સિવાય ગોવાની સ્થાનિક નવી પાર્ટી 'રિવોલ્યુશનરી ગોઅન્સ' પહેલી વાર ચૂંટણીના મેદાનમાં ઊતરી છે.
ગત વખતે મોટા ભાગની સીટો પર ડિપોઝિટ ગુમાવવા છતાં આ વખતે દિલ્હીની આમ આદમી પાર્ટી પણ અહીં ચૂંટણી લડી રહી છે.

થોડી અલગ ચૂંટણી

ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતે બીબીસી સાથેની વાતચીત દરમિયાન સ્વીકાર્યું કે આ વખતની ગોવાની ચૂંટણી થોડી અલગ છે.
તેઓ કહે છે, "આ વખતે બહારથી વધુ પાર્ટીઓ ગોવામાં આવી રહી છે. ગત વખતે ચૂંટણી ત્રિપાંખિયો જંગ હતો. આ વખતે ચાર પક્ષો વચ્ચે સ્પર્ધા થઈ શકે છે."
ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે 40 સીટ ધરાવતી ગોવા વિધાનસભાનાં ચૂંટણી પરિણામોની અસર રાષ્ટ્રીય રાજનીતિ પર પડી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત વર્ષે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં સળંગ ત્રીજી વાર જીત મેળવ્યા બાદ મુખ્ય મંત્રી મમતા બેનરજીની આગેવાની હેઠળની ટીએમસીએ ત્રિપુરા અને ગોવામાં તેના રાજકીય પગપેસારો કર્યો છે.
નિષ્ણાતોના મતે પાર્ટીનો હેતુ કૉંગ્રેસની જગ્યાએ વૈકલ્પિક તાકાત તરીકે ઉભરવાનો છે. પાર્ટીએ ગોવાની મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (એમજીપી) સાથે હાથ મિલાવ્યા છે અને ગોવા વિધાનસભાની તમામ 40 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવાનો નિર્ણય કર્યો છે.
ગોવાના વરિષ્ઠ પત્રકાર અરુણ સિન્હા કહે છે, "આ સ્પર્ધામાં બે સંભાવનાઓ છે - એક એ કે ટીએમસી કૉંગ્રેસ કરતાં વધુ બેઠકો મેળવી જાય. એમ થાય તો તે તેમના માટે મોટી જીત હશે. બીજું, ટીએમસી માટે ભાજપ સામે જીતવું એટલું પ્રતિષ્ઠાનો મુદ્દો નથી જેટલું કૉંગ્રેસને હરાવવાનું છે, કારણ કે તેમનું (મમતા બેનરજીનું) પ્રથમ લક્ષ્ય રાહુલ ગાંધી છે, મોદી અંતિમ લક્ષ્ય છે."

પરિવર્તનની માગ

કેટલાક પ્રમુખ ચહેરાઓ ટીએમસીમાં જોડાયા છે, જેમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા લુઇઝિન્હો ફલેરો, ભૂતપૂર્વ એમજીપી ધારાસભ્ય લવુ મામલેદાર, કૉંગ્રેસના મહાસચિવ યતીશ નાઈક અને વિજય પોઈ અને ગોવાના એકમાત્ર રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય ચર્ચિલ અલેમાઓનો સમાવેશ થાય છે. ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ પણ ટીએમસીમાં જોડાયા છે.
ગયા મહિને જ્યારે મમતા બેનરજી ગોવાની મુલાકાતે ગયાં ત્યારે 40થી વધુ નેતાઓ પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ મહિનાના અંતે, ભૂતપૂર્વ ધારાસભ્ય લવુ મામલેદાર સહિત પાંચ સભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
ભાજપ સરકાર ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલી છે અને બેરોજગારી અને મોંઘવારીના કારણે ઘણા લોકો પરિવર્તન લાવવા માગે છે.
બીબીસીએ ઘણાં ગામોની મુલાકાત લીધી જ્યાં લોકોએ પરિવર્તન પર ભાર આપ્યો હતો.

આમ આદમી પાર્ટી માટે સંભાવનાઓ

ગોવામાં આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે.
ગોવાની ચૂંટણી રેલીમાં કૌભાંડ અને ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવતા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ દિલ્હીના વિકાસનું મૉડલ ગોવામાં લાવશે.
તેમણે કહ્યું, "મિત્રો, ભાજપે ગોવામાં 15 વર્ષ શાસન કર્યું. 15 વર્ષ એમજીપીએ શાસન કર્યું. હું તમને પૂછવા માગું છું કે શું આ પાર્ટીઓએ તમને ભ્રષ્ટાચાર સિવાય કંઈ આપ્યું?"
ગોવાના લોકો પરિવર્તન ઇચ્છે છે. પરંતુ સાથે જ તેઓ આમ આદમી પાર્ટી અને ટીએમસીને બહારની પાર્ટીઓ માને છે.
ગોવાના યુવાનોમાં એક નવી સ્થાનિક પાર્ટીની લોકપ્રિયતા જોવા મળી રહી છે. ચાર વર્ષ પહેલાં આમ આદમી પાર્ટીની ગોવા શાખામાંથી જન્મેલી રિવોલ્યુશનરી ગોઅન્સ પાર્ટી 'બહારવાળા'ના વિરોધને આધાર બનાવીને ચૂંટણી લડી રહી છે.

નવી પાર્ટી - નવી તક

ઘણા લોકો તેની તરફ આકર્ષિત થઈ રહ્યા છે. તેના સ્થાપક અને યુવા નેતા મનોજ પરબે બીબીસી સાથેની એક મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તેઓ ગોવાને ગોવાના લોકોના હાથમાં સોંપવા માગે છે.
તેઓ કહે છે, "ઘણાં વર્ષો પછી ગોવામાં એક ક્રાંતિ શરૂ થઈ છે જેમાં ગોવાના લોકો, ખાસ કરીને યુવાનો જોડાયા છે અને તેઓ ગોવાને બચાવવા માટે જોડાયા છે. ગોવાની સંસ્કૃતિ, ગોવાની ધરોહર અને ગોવાના વારસાને બચાવવા માટે યુવાઓ બહાર આવી રહ્યા છે."
પરબની ચૂંટણીપ્રચારની શૈલી અલગ છે. તે ઘરેઘરે જઈને લોકોને મળી રહ્યા છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર તેમનો ચૂંટણીપ્રચાર અન્ય પાર્ટીઓ કરતા વધુ ઝડપી દેખાય છે. ગામડાંઓ અને શહેરોના સ્થાનિક લોકોએ અમને કહ્યું કે તેઓ પરિવર્તન ઇચ્છે છે અને તેમાંથી કેટલાકના મત મુજબ તેઓ ક્રાંતિકારી ગોઅન્સને તક આપવા માગે છે.
તેમની દલીલ છે કે તેઓ વર્ષોથી ભાજપ અને કૉંગ્રેસને જીતાડતા આવ્યા છે, પરંતુ તેમના મતે તેમને નિરાશા સાંપડી છે.
પણજીના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં સ્થાનિક ગોવાસીઓએ અમને જણાવ્યું કે તેઓ જેમને મત આપે છે તે લોકો ચૂંટણી પછી પાર્ટીઓ બદલી નાખે છે.
એટલે જ તે હવે 'ગોવાની અપની પાર્ટી'ને એક તક આપીને એ જોવા માગે છે કે આ લોકો શું કરી શકે છે.
કેટલાંક ગામોમાં અમને ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે મનોજ પરબની સભામાં ભારે વરસાદ હોવા છતાં લોકો તેમના સ્થાનેથી ખસ્યા નથી. આ વાત ગામડાંઓમાં ફેલાઈ ગઈ છે.
આ અંગે મનોજ પોતે કહે છે કે, "અચાનક ભારે વરસાદ પડ્યો છતાં અમે સભા ચાલુ રાખી હતી. લોકોએ વરસાદથી બચવા માટે ખુરશીઓ માથે ઓઢી લીધી હતી પરંતુ તેઓ તેમની જગ્યાએથી હલ્યા નહોતા."

સ્પષ્ટ બહુમતી નહી મળવાના સંકેતો

પરંતુ ગોવામાં ઘણા લોકોનું માનવું છે કે એકેય પક્ષને બહુમતી નહીં મળે અને પરિણામો પછી તોડ-જોડની રાજનીતિ થશે.
રાજકીય બાબતોના વિશ્લેષક અરુણ સિન્હા કહે છે, "અંતિમ પરિણામ એવું જ લાગે છે કે ચાર પક્ષો વચ્ચે મતો વહેંચાઈ જશે. કૉંગ્રેસની હાલત વધુ ખરાબ છે. તેની પાસે માત્ર બે ધારાસભ્યો જ બચ્યા છે 2017 (ચૂંટણી) પછી. તેમ છતાં કૉંગ્રેસ પાસે એક આધાર છે. તો તેમના પણ કેટલાક આવશે. ભાજપના કેટલાક આવશે. તો બહુમતી તો કોઈને નહીં મળે."
ઘણા સામાન્ય મતદારોએ અમને કહ્યું કે તેઓને લાગે છે કે ચૂંટણીનાં પરિણામો ગમે તે આવે, સરકાર ફરી એક વાર ભાજપ બનાવશે, એવી રીતે જેવી રીતે 2017ની ચૂંટણી પછી પાર્ટી પાસે બહુમતી ન હોવા છતાં સરકાર બનાવી હતી.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












