PMJAY : કોરોનાની ‘સંભવિત ત્રીજી લહેર’માં ખાનગી હૉસ્પિટલોમાં સારવાર લેવી મુશ્કેલ બનશે?
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
ભારતમાં ઓમિક્રૉન વૅરિયન્ટ આગમન બાદ ફરી એક વાર કોરોનાના કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે.
ઘણા આને 'સંભવિત' ત્રીજી લહેરની શરૂઆત ગણાવી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીજી લહેરની પરિસ્થિતિ એવી હતી કે ખાનગી હૉસ્પિટલોમાં પણ પથારી મેળવવી મુશ્કેલ હતી.
હવે સંભવિત ત્રીજી લહેરમાં મોદી સરકારની પાંચ લાખ રૂપિયા સુધી મફત તબીબી સારવાર આપતી યોજના, આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હેઠળ સારવાર લેવામાં ગરીબ લાભાર્થીઓને સૌથી મોટો અવરોધ જે નડી શકે છે તે છે ખાનગી હૉસ્પિટલો દ્વારા સારવાર આપવાના ઇનકારનો ભય.
બીબીસી ગુજરાતી દ્વારા મેળવાયેલ માહિતી આધારે બીજી લહેર માફક ગરીબ પ્રજાને ખાનગી હૉસ્પિટલોની શરણે જવું પડે તો ત્યાં તેમને મફત સારવાર ન મળે તેનો ભય પ્રબળ છે.

બિલોની મોડી ચુકવણી

ઇમેજ સ્રોત, Getty Images
આ યોજનામાં સરકારી-ખાનગી હૉસ્પિટલોને સમાવી લેવાઈ છે. જેથી લાભાર્થીઓને પથારીની અછતની સ્થિતિમાં ખાનગી હૉસ્પિટલોની સુવિધાઓનો લાભ મળી શકે. પરંતુ આ હૉસ્પિટલોને આ યોજના સાથે જોડાવા અને પોતાની સેવાઓ પૂરી પાડવા માટે પ્રોત્સાહનનો અભાવ હોવાનો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયો છે.
જેમાં સૌથી મોટી સમસ્યા બિલોની મોડી ચુકવણીને લગતી છે.
આના નિવારણ માટે PMJAYને લાગુ કરનાર સરકારી એજન્સી નેશનલ હેલ્થ ઑથૉરિટી (NHA) દ્વારા યોજના સાથે સંલગ્ન હૉસ્પિટલોને લાભાર્થી દર્દી દાખલ થાય ત્યારે જ અંદાજિત બિલનાં 50 ટકા નાણાં ચૂકવી દેવાય તે માટે 'ગ્રીન ચેનલ પહેલ'ની જાહેરાત કરાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ઑથૉરિટીની આ જાહેરાત માત્ર તેના અધિકારીઓના ટ્વિટર હૅન્ડલ અને છાપાંનાં પાનાં સુધી જ મર્યાદિત રહી હોય તેવો નિષ્ણાતોનો મત છે.
બીબીસી ગુજરાતી દ્વારા કરાયેલ એક RTI અરજીના જવાબમાં NHAએ હજુ સુધી 'ગ્રીન ચેનલ પહેલ' અંતર્ગત એક પણ દાવાનો નિકાલ કર્યો નથી. કારણ કે જાહેરાતના અમુક મહિનાઓ પછી પણ આ પહેલ માટે હજુ સુધી IT પ્લૅટફૉર્મ તૈયાર કરાયું નથી.
આ માહિતી પરથી યોજના સાથે ખાનગી હૉસ્પિટલોને જોડી લાભાર્થીઓને કોરોનાની 'સંભવિત' કપરી પરિસ્થિતિથી બચાવવા માટે પૂરતાં આયોજન અને વ્યૂહરચનાના અભાવની સ્થિતિ જેવું ચિત્ર પ્રગટ થતું હોવાનો નિષ્ણાતોનો મત છે.

'ચાર મહિના સુધી બિલ પેન્ડિંગ'

ઇમેજ સ્રોત, Getty Images
'અમદાવાદ હૉસ્પિટલ ઍન્ડ નર્સિંગ હોમ્સ ઍસોસિયેશન'ના પ્રમુખ ડૉ. ભરત ગઢવી જણાવે છે કે જો ભવિષ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં ગરીબોને સારવારના અભાવે મુશ્કેલી વેઠવાનો વારો ન આવે તેવો સરકારનો હેતુ હોય તો સરકારે ખાનગી હૉસ્પિટલોને વિશ્વાસમાં લેવી પડશે.
"જો બીજી લહેર જેવી સ્થિતિ ઊભી થાય તો આપણે બધા જાણીએ છીએ કે ખાનગી હૉસ્પિટલોએ પણ ચિત્રમાં આવવું જ પડશે. તેઓ પોતાની સેવાઓ આપવા માટે પ્રોત્સાહિત થાય તે માટે PMJAY અંતર્ગત બિલની ચુકવણી વધુ ઝડપી બને એ જરૂરી છે."
ડૉ. ગઢવી જણાવે છે કે, "બીજી લહેર વખતે પણ ઘણી હૉસ્પિટલોએ PMJAY અંતર્ગત બિલની ચુકવણીની મર્યાદાઓને લીધે કોરોનાના લાભાર્થીઓને સેવાઓ નહોતી આપી. કારણ કે ગુજરાતમાં આ યોજના સાથે જોડાયેલી 90 કરતાં વધુ ખાનગી હૉસ્પિટલોનાં 150 કરોડ જેટલાં નાણાંની ચુકવણી હજુ બાકી છે."
તેઓ આ યોજના અંતર્ગત 15 દિવસની મર્યાદામાં હૉસ્પિટલને બિલનાં નાણાં ચૂકવાતાં હોવાની વાત વિશે કહે છે કે ચાર-ચાર માસ સુધી હૉસ્પિટલોને બિલની ચુકવણી નથી કરાતી.
"આ પરિસ્થિતિમાં ખાનગી હૉસ્પિટલો પોતાની સેવાઓ ગરીબોને પૂરી પાડી શકે? થોડા દિવસ પછી તો નાણાંની તંગીને કારણે તેમણે પણ યોજના અંતર્ગત સેવા આપવાનો ઇનકાર કરવો જ પડે. તેમાં છૂટકો નથી."

'સારી પહેલ હજુ કેમ લાગુ નથી કરાઈ?'

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન, ભટિંડાના પ્રમુખ ડૉ. વિકાસ છાબરા જણાવે છે કે, "ગ્રીન ચેનલની પહેલ નવેમ્બર માસથી ચાલુ થવાની હતી, પરંતુ હજુ સુધી તે ચાલુ નથી કરાઈ. જો આ પહેલ લાગુ કરી દેવાય તો હૉસ્પિટલોમાં મૂડીના પ્રશ્નનું નિરાકરણ થઈ જશે અને આગામી સમયમાં કોરોનાના દર્દીઓને પણ ખાનગી હૉસ્પિટલો પોતાની સેવાઓ આપી શકશે."
"હાલમાં હૉસ્પિટલોના દાવાનો નિકાલ કરવા માટેનો સમય 15 દિવસ છે. પરંતુ 25-30 દિવસ સુધી પૈસા નથી મળતા. જો આ પહેલ લાગુ થઈ જાય તો ખાનગી હૉસ્પિટલોને જરૂરી પ્રોત્સાહન મળશે."
ઇન્ડિય ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના નિદેશક ડૉ. દિલીપ માવળંકર પણ કહે છે કે જો PMJAY યોજના અને 'ગ્રીન ચેનલ પહેલ' અસરકારક રીતે લાગુ કરવામાં આવે તો આગામી સમયમાં 'સંભવિત' ત્રીજી લહેરમાં યોજનાના લાભાર્થીઓની મુશ્કેલીઓમાં વ્યાપક ઘટાડો થઈ શકે.
"જો માત્ર IT પ્લૅટફૉર્મ ઊભું કરવા માટે આ પહેલ હજુ લાગુ ન કરાઈ હોય તો તે કામ મેન્યુઅલી કરવું જોઈએ. પરંતુ આવી પહેલ લાગુ કરવામાં ઉતાવળ કરવી જોઈએ. સરકારે આગામી મુશ્કેલીઓ માટે પહેલાંથી આયોજન કર્યું હોય તો તે લાભકારી નીવડી શકે. તેથી આ પહેલ જલદી લાગુ થવી જોઈએ."

ઇમેજ સ્રોત, Arjun Parmar
ડૉ. છાબરા જણાવે છે કે, "આ સિવાય આ યોજનાના પૅકેજની મર્યાદિત કિંમતની ફરિયાદને નિવારવા માટે NHA દ્વારા નવાં પૅકેજની જાહેરાત કરાઈ છે પરંતુ તેનો લાભ હજુ સુધી હૉસ્પિટલોને અપાતો નથી. બિલોની ચુકવણી જૂનાં પૅકેજ પ્રમાણે જ કરાય છે."
AB-PMJAY અંતર્ગત પૅકેજની ઓછી કિંમતની સમસ્યા અંગે વાત કરતાં ડૉ. માવળંકર કહે છે કે આ પ્રકારની યોજનાઓના પૅકેજની કિંમત મર્યાદિત હોવાના કારણે ઘણી હૉસ્પિટલો તેનો ભાગ નથી બનતી. તેથી આ મર્યાદા નિવારવા માટે પૅકેજની કિંમતો તર્કબદ્ધ રીતે નક્કી કરવા માટે નિષ્ણોતની સમિતિની રચના કરવી જોઈએ અને તેમની ભલામણ મુજબ પૅકેજ નક્કી કરવાં જોઈએ.
મહામારી-વિશેષજ્ઞ ડૉ. ચંદ્રકાંત લહરિયા પણ એ વાત સાથે સંમત થાય છે કે કોઈ પણ પહેલની જાહેરાત સાથોસાથ લોકો સુધી તેનો લાભ પહોંચાડવા માટે તે યોગ્ય સમયે લાગુ કરાય તે પણ જરૂરી છે.
તેઓ કહે છે કે, "સરકારી સ્વાસ્થ્યતંત્રને વધુ મજબૂત કરવાની સાથોસાથ લોકો સુધી આવી યોજનાઓના લાભો પહોંચાડવા માટે ખાનગી હૉસ્પિટલોને સમાવી લેવાનું વલણ અને તેમને પ્રોત્સાહિત કરવાની વ્યૂહરચના ઉપયોગી સાબિત થઈ શકે છે."

ગ્રીન ચેનલ પહેલ અને PMJAY

ઇમેજ સ્રોત, Getty Images
2 ઑગસ્ટ 2021ના રોજ PMJAYની વેબસાઇટ પર યોજનામાં સામેલ હૉસ્પિટલોને અસરકારક રીતે ચુકવણી કરવા માટે એક કૉન્સેપ્ટ નોટ જારી કરાઈ હતી.
જેમાં ઉલ્લેખ હતો કે જે રાજ્યોમાં આ યોજના લાગુ કરાઈ છે તેમાં દાવાના નિકાલનો સરેરાશ સમય છ દિવસથી 287 દિવસ સુધીનો છે.
આ અભ્યાસને ધ્યાને રાખતાં કૉન્સેપ્ટ નોટમાં લાભાર્થી દર્દી હૉસ્પિટલમાં દાખલ થાય ત્યારે જ જે-તે હૉસ્પિટલને સંભવિત બિલની 50 ટકા રકમ ચૂકવી દેવાય એવો ઉલ્લેખ જોવા મળે છે.
પરંતુ આ માટે હૉસ્પિટલ પર કોઈ પણ પ્રકારની ગેરરીતિની નોંધ ન ધરાવતી હોવી જોઈએ.
18 ઑગસ્ટના દિવસે NHAના CEO ડૉ. આર. એસ. શર્માએ PMJAY અંતર્ગત બે કરોડ લાભાર્થીના ઇલાજ થયા હોવાની વાતનો ઉલ્લેખ કરતાં આ યોજનાનાં ખાસ પાસાં અંગે પોતાના ટ્વીટમાં 'ગ્રીન ચેનલ પેમેન્ટ મિકૅનિઝમ'ની શરૂઆત કરી હોવાની વાત કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
હિંદુસ્તાન ટાઇમ્સના 11 ઑક્ટોબરના રિપોર્ટમાં એક અધિકારીએ જલદી આ પહેલ શરૂ કરવાની વાત કરી હતી.
અહીં નોંધનીય છે કે વર્ષ 2018માં વડા પ્રધાન મોદીએ 10 હજાર રૂપિયા કરતાં ઓછી આવક ધરાવતા ભારતીય પરિવારો માટે આયુષ્માન ભારત PMJAY નામથી સ્વાસ્થ્ય યોજના શરૂ કરી હતી.
જે અંતર્ગત કોરોના સહિત 1,393 પ્રોસિજર માટે પરિવારદીઠ પાંચ લાખ રૂપિયાની મર્યાદામાં મફત ઇલાજ મેળવી શકાય છે.
દેશમાં આ યોજનાના લાભાર્થીઓ લગભગ 50 કરોડ કરતાં પણ વધુ છે.
અત્યાર સુધી આ યોજનામાં 2,61,36,725 હૉસ્પિટલ ઍડમિશન આ યોજના અંતર્ગત થઈ ચૂક્યાં છે.
18 ઑગસ્ટ 2021ની સ્થિતિ અનુસાર 7.07 લાખ લોકોએ આ યોજના અંતર્ગત કોરોનાના ઇલાજનો લાભ લીધો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા PMJAYને 'વિશ્વની સૌથી મોટી હેલ્થ એશ્યોરન્સ સ્કીમ'તરીકે રજૂ કરવામાં આવે છે.
આ સમગ્ર બાબત અંગે NHA દ્વારા લેવાયેલાં પગલાં વિશે જાણવા માટે અમે ઇમેઇલ મારફતે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જેનો તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












