સિદ્ધુ પંજાબમાં 'સુપર સીએમ' કે એમના રહેવા ન રહેવાથી કૉંગ્રેસને કોઈ ફેર ના પડે?
- લેેખક, અરવિંદ છાબડા
- પદ, બીબીસી સંવાદદાતા
પંજાબના નવા વરાયેલા મંત્રીઓ સોમવારે પોત-પોતાના વિભાગોના પદભાર સંભાળી રહ્યા હતા, તે સમયે જ પંજાબ કૉંગ્રેસના વડા નવજોતસિંહ સિદ્ધુએ ટ્વિટર ઉપર પોતાનું રાજીનામું મૂકીને રાજ્યના રાજકારણમાં ઊથલપાથલ મચાવી દીધી.

ઇમેજ સ્રોત, ANI
બે દિવસ પછી તેમણે વીડિયો પોસ્ટ કરીને પોતાના રાજીનામા પાછળનાં કારણો અંગે સ્પષ્ટતા કરી અને કહ્યું કે તેઓ નવા મુખ્ય મંત્રી ચરણજિતસિંહ ચન્નીની સરકારમાં 'દાગી' અધિકારીઓ તથા નેતાઓને સ્થાન મળવાથી નારાજ છે.
પાર્ટીના કેટલાક નેતાઓએ સિદ્ધુને મનાવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે, પરંતુ સવાલ એ છે કે તેમની નારાજગીને દૂર કરવા માટે પાર્ટી કેટલી હદ સુધી નમશે?
સિદ્ધુનું કદ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
જુલાઈ મહિનામાં સિદ્ધુને પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, તત્કાલીન મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિન્દરસિંહ આ નિમણૂકથી નારાજ હતા.
કૅપ્ટન સરકારના નિર્ણય તથા મહત્ત્વપૂર્ણ બાબતોમાં નિર્ણય નહીં લઈ શકવાને કારણે સિદ્ધુ છેલ્લા એક વર્ષથી તેમના ઉપર સતત પ્રહાર કરી રહ્યા હતા. આથી બંને વચ્ચે ટકરાવ અપેક્ષિત હતો.
સિદ્ધુને જોઈને અન્ય કેટલાક નેતા પણ કૅપ્ટન અમરિન્દર વિરુદ્ધ બોલવા લાગ્યા તથા તેમને હઠાવવાની માગ સુદ્ધા કરવા લાગ્યા.
વિધાનસભામાં પાર્ટીના નેતાઓએ કૅપ્ટનને જાણ કર્યા વગર પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી અને છેવટે અમરિન્દરસિંહે રાજીનામું આપવું પડ્યું.
વરિષ્ઠ પત્રકાર જગતારસિંહના કહેવા પ્રમાણે, પંજાબ કૉંગ્રેસમાં સંકટ ઊભું થતાં રાજિંદરસિંહ બાજવાએ ધારાસભ્યોને એકઠા કરવાનું શરૂ કરી દીધું. તેઓ કહે છે :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"નવજોતસિંહ સિદ્ધુઓને આગળ કરવામાં આવ્યા, ત્યારથી જ કદાચ તેમને વહેમ થઈ ગયો હતો કે બધા તેમના કારણે એક થયા છે."
મુખ્ય મંત્રીપદેથી કૅપ્ટન દૂર થવાની સાથે પાર્ટીમાં સિદ્ધુનું કદ તો વધ્યું, પરંતુ તે એટલું વધુ ન હતું કે તેમને મુખ્ય મંત્રી બનાવવામાં આવે.

સિદ્ધુ સુપર સીએમ?

ઇમેજ સ્રોત, ANI
એવી ચર્ચા છે કે ધારાસભ્યોની ઇચ્છા સુખવિંદરસિંહ રંધાવાને મુખ્ય મંત્રી બનાવવાની હતી, પરંતુ સિદ્ધુએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને રંધાવાના નામમાં અવરોધ ઊભો કર્યો. અંતે ચરણજિતસિંહ ચન્ની રાજ્યમાં અનુસૂચિત જાતિના પ્રથમ મુખ્ય મંત્રી બન્યા.
પંજાબમાં લગભગ ત્રીજા ભાગના મતદારો દલિત છે, આથી કૉંગ્રેસનું આ પગલું દલિત મતબૅન્કને આકર્ષવા માટેની શ્રેષ્ઠ રાજકીય ચાલ તરીકે મૂલવવામાં આવ્યું.
બીજી બાજુ, શરૂઆતના દિવસોમાં સિદ્ધુ અને ચન્ની એક સાથે જોવા મળતા.
એવું લાગતું હતું કે સિદ્ધુ 'સુપર સીએમ' છે અને ચન્ની ચહેરોમાત્ર, પરંતુ ચન્નીએ ટૂંક સમયમાં સાબિત કરી આપ્યું કે તેઓ 'રબરસ્ટૅમ્પ નેતા' નથી.
પહેલાં કૅબિનેટ મંત્રીઓનાં નામોની જાહેરાત થઈ, ત્યારે સ્પષ્ટ થઈ ગયું હતું કે સિદ્ધુ ખાસ ફાવ્યા નથી.
આ પછી પોલીસ મહાનિદેશક તથા ઍડ્વોકેટ જનરલ માટે સિદ્ધુની પસંદને કોરાણે મૂકી દેવામાં આવી, એટલે સ્પષ્ટ થઈ ગયું કે સિદ્ધુ જે કંઈ ઇચ્છે તે બિલકુલ નથી થઈ રહ્યું.

એજી તથા ડીજી

ઇમેજ સ્રોત, ANI
વર્તમાન ઍડ્વોકેટ જનરલે પંજાબ સરકાર વિરુદ્ધ પૂર્વ ડીજીપી (ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ) સુમેઘ સૈનીનો કેસ લડ્યો હતો અને તેમને જામીન પણ અપાવ્યા હતા. જે પંજાબ સરકાર માટે આંચકારૂપ હતું.
ડીજીપી ઇકબાલસિંહ સહોતાનું નામ લીધા વગર સિદ્ધુએ કહ્યું હતું કે એવા લોકોને વિશેષ પદ પર બેસાડવામાં આવ્યા છે કે જેમણે બાદલ પરિવારને ક્લિનચીટ આપી હતી. જોકે પંજાબ પોલીસે આ આરોપને નકારી કાઢ્યા
વર્ષ 2015માં બરગાડી ગામના ગુરુદ્વારા બહાર અભદ્ર ભાષામાં પોસ્ટર લગાવવામાં આવ્યાં તથા શીખો માટે પવિત્ર ધર્મગ્રંથ ગુરુ ગ્રંથસાહેબનું પણ અપમાન કરવામાં આવ્યું. આને કારણે શીખોમાં વ્યાપકપણે રોષ ફેલાઈ ગયો તથા અનેક સ્થળોએ વિરોધપ્રદર્શન પણ થયાં.
ધર્મગ્રંથના અપમાન મુદ્દે ઇકબાલપ્રિતસિંહ સહોતાના નેતૃત્વમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)નું ગઠન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં ગામના બે યુવકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને આરોપી બનાવવામાં આવ્યા હતા.
પાછળથી આ કેસની તપાસ સૅન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને સોંપવામાં આવી હતી. બાદમાં આ બંનેને ક્લિનચીટ આપી દેવામાં આવી તથા સાત અન્યોનાં નામ બહાર આવ્યાં તથા બેની ધરપકડ કરવામાં આવી.
બે યુવકોને ખોટી રીતે આરોપી બનાવવા સામે સિદ્ધુ પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.
તેઓ સતત કહેતા રહ્યા છે કે ધર્મગ્રંથના અપમાન મુદ્દે દોષિતોને તેઓ સજા અપાવીને રહેશે. તેમણે કહ્યું હતું કે આવા અધિકારીઓને કામે લગાડવામાં આવ્યા હોય, ત્યારે ન્યાયની આશા કેવી રીતે કરવી?

ઇમેજ સ્રોત, Getty Images
આ સિવાય સિદ્ધુએ 'દાગી' નેતાઓ સામે પણ વાંધો વ્યક્ત કર્યો છે, જોકે તેમણે કોઈનું નામ લીધું ન હતું. જગતારસિંહ કહે છે કે સિદ્ધુની નારાજગી માટે ઉપરોક્ત કારણને પણ જવાબદાર માનવામાં આવે છે. "ત્યારે હવે ખુદ ચન્નીએ નિમણૂકો અંગે સ્પષ્ટતા કરવી જોઈએ."
ચન્નીનું કહેવું છે કે તેમનામાં કોઈ 'અહં' નથી તથા આ નિર્ણયો ઉપર પુનર્વિચાર થઈ શકે છે, પરંતુ શું કૉંગ્રેસ દ્વારા નારાજ સિદ્ધુને મનાવવા માટે પહેલાં અધિકારીઓ અને પછી મંત્રીઓમાં ફેરફાર કરવામાં આવશે?
ચંદીગઢસ્થિત પંજાબ યુનિવર્સિટીના પ્રોફેસર ખાલીદ મહમદ કહે છે કે જો દબાણ હેઠળ સીએમ ચન્ની દ્વારા નિમણૂકોને રદ કરવામાં આવે તો તેમના હોદ્દા ઉપર સવાલ ઊભા થાશે, જે નવા સંકટને જન્મ આપશે. જો તેઓ પોતાના જ નિર્ણયોને બદલે તો શું તેઓ જનતાનો વિશ્વાસ મેળવી શકશે?
તેઓ કહે છે કે જે લોકોએ રાજીનામાં આપી દીધાં છે, તેનો પાર્ટીએ સ્વીકાર કરી લેવો જોઈએ.
તેઓ જણાવે છે, "આગામી અમુક મહિનામાં જ ચૂંટણી યોજાશે ત્યારે સરકારે જનતાના હિતમાં યોગ્ય નિર્ણય લેવા જોઈએ."

સિદ્ધુ કેટલા મહત્ત્વપૂર્ણ ?

ઇમેજ સ્રોત, Getty Images
સિદ્ધુ જ્યારે ભાષણ આપે છે ત્યારે પોતાના ભાવુક, આક્રમક તથા રસપ્રદ અંદાજ દ્વારા લોકોને આકર્ષિત કરે છે, તે વાત નિ:શંક છે. પરંતુ તેમાંથી કેટલા લોકો કૉંગ્રેસને મત આપે છે, તેના વિશે મતમતાંતર હોઈ શકે છે.
વરિષ્ઠ પત્રકાર જગતારસિંહના કહેવા પ્રમાણે, "મને વ્યક્તિગત રીતે લાગે છે કે સિદ્ધુ તાજેતરના સમયના સૌથી પ્રસિદ્ધ નેતા છે, પરંતુ તેમણે ઉતાવળ કરીને પોતાની વિશ્વસનિયતા ગુમાવી દીધી."
પાર્ટી માટે સિદ્ધુના મહત્ત્વ વિશે કેટલાક લોકો કહે છે કે સિદ્ધુ પંજાબ કૉગ્રેસના અધ્યક્ષપદે રહે કે ન રહે, તેઓ પાર્ટીમાં રહે કે ન રહે તેનાથી પાર્ટીને કોઈ મોટું નુકાસન થાય એવું નથી.
આ વખતે કૉંગ્રેસ માટે મુખ્ય સમસ્યા એ છે કે સિદ્ધુ દ્વારા જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે, તેને સમયસર ઉકેલવામાં ન આવ્યા કે તેના ઉપર ધ્યાન આપવામાં ન આવ્યું તો તે કૉંગ્રેસ માટે ભારે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
વિપક્ષ દ્વારા આ મુદ્દાને ઉઠાવવા માટે પૂરતા પ્રયાસ કરવામાં આવશે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












