You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડા પ્રધાન મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે સુપ્રીમ કોર્ટને નિર્દેશ કેમ આપવા પડ્યા?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
આ અઠવાડિયે વડા પ્રધાન મોદી પંજાબના ફિરોઝપુરમાં એક રેલીને સંબોધન કરવા ગયા હતા, પણ કેટલાક પ્રદર્શનકારીઓએ રસ્તો જામ કરી દીધો હતો.
વડા પ્રધાનનો કાફલો હુસૈનીવાલાથી 30 કિલોમીટર પહેલાં એક ફ્લાયઓવર પર 15થી 20 મિનિટ ફસાયો હતો.
શુક્રવારે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હીમા કોહલીની બેન્ચે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પીએમની મુલાકાત સંબંધિત રેકર્ડ સુરક્ષિત રાખવા માટે કહ્યું છે.
આ મામલે કોર્ટે પંજાબ પોલીસ, એસપીજી અને અન્ય એજન્સીઓને બધી જરૂરી મદદ કરવાનો નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમે વડા પ્રધાનની સુરક્ષામાં ચૂક મામલે એક અરજી પર સુનાવણીમાં આ નિર્દેશ આપ્યા છે.
અરજીમાં પીએમની સુરક્ષામાં કથિત ચૂક મામલે ન્યાયિક તપાસની માગ કરાઈ છે. ભારતના સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં સુનાવણી દરમિયાન વડા પ્રધાન મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને સીમા પાર આતંકવાદના એંગલ સાથે જોડી હતી.
કેન્દ્ર અને પંજાબ સરકારને શું નિર્દેશ આપ્યા?
કોર્ટે પીએમ મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને બધા પુરાવા એકત્ર કરવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે આ મામલે કેન્દ્ર અને પંજાબ બંનેને તપાસમાં સહયોગ આપવા કહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુપ્રીમ કોર્ટમાં વકીલ મનિન્દરસિંહે કહ્યું કે વડા પ્રધાનની સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે અને આ સંસદીય દાયરામાં આવે છે.
તેમણે કહ્યું કે આ મામલે પ્રોફેશનલ રીતે તપાસ થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર અને પંજાબ સરકાર તરફથી બનાવેલી તપાસસમિતિઓને કહ્યું કે તે સોમવાર પહેલાં પોતાનું કામ શરૂ ના કરે. આ સિવાય કોર્ટે પંજાબ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓને નિર્દેશ આપ્યા છે કે તે પીએમની પંજાબ મુલાકાતમાં સુરક્ષા-વ્યવસ્થાની રેકર્ડ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને સોંપી દે.
ભારતના સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે આ ઘટનાથી વડા પ્રધાનની સુરક્ષાને લઈને એક ગંભીર સ્થિતિ પેદા થઈ છે.
મહેતાએ સુપ્રીમ કોર્ટને આગ્રહ કર્યો કે તે બુધવારે પીએમની સુરક્ષા-વ્યવસ્થાની રેકર્ડ જુએ. મહેતાએ કહ્યું કે પંજાબની સરકાર અને ત્યાંની પોલીસ સુરક્ષામાં ચૂક માટે જવાબદાર છે.
મહેતાએ કહ્યું કે પંજાબના ડીજીની સુરક્ષાની મંજૂરી બાદ જ વડા પ્રધાનનો કાફલો રવાના થયો હતો.
તેમણે કહ્યું કે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ત્યાં સ્થાનિક પોલીસ પહેલેથી હતી, પણ વિરોધપ્રદર્શનની માહિતી નહોતી અપાઈ. મહેતાએ કહ્યું કે કંઈ પણ ઘટી શકે તેમ હતું અને આ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે શરમજનક હોત.
તુષાર મહેતાએ કહ્યું, "આ ઘટનાનો વીડિયો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફૉર જસ્ટિસે અપલોડ કર્યો છે. તેમાં સીમા પર આતંકવાદની પણ ભૂમિકા હોઈ શકે છે. આ મામલાને હળવાશથી ન લઈ શકાય."
કોર્ટમાં પંજાબના વકીલ જનરલ ડીએસ પટવાલિયાએ કહ્યું કે રાજ્ય સરકાર આખા મામલાની નિષ્પક્ષ તપાસ કરવા માગે છે અને તેને હળવાશથી લેતી નથી.
પટવાલિયાએ કહ્યું કે આખા મામલામાં ક્યાંક ને ક્યાંક ચૂક થઈ છે અને રાજ્ય સરકાર તેને લઈને ગંભીર છે.
પટવાલિયાએ કહ્યું કે આ મામલામાં એફઆઈઆર નોંધાઈ છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ તપાસ માટે કોઈને પણ નિયુક્ત કરી શકે છે અને પંજાબ સરકારને તેમાં કોઈ વાંધો નથી.
બુધવારે પંજાબના ફિરોઝપુરમાં પીએમ મોદીની રેલી યોજાવાની હતી, પરંતુ ગૃહ મંત્રાલયે કહ્યું કે સુરક્ષામાં ભારે ખામીને કારણે વડા પ્રધાન રેલીમાં ભાગ લઈ શક્યા નહીં.
પંજાબમાં શું થયું હતું?
બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, "ખરાબ હવામાનને કારણે ઍરપૉર્ટથી પીએમનો કાફલો રોડથી હુસૈનીવાલાસ્થિત રાષ્ટ્રીય શહીદસ્મારક માટે રવાના થયો હતો. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો શહીદસ્મારકથી લગભગ 30 કિલોમીટર દૂર ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું કે કેટલાક પ્રદર્શનકારીઓએ રસ્તો રોકી દીધો હતો. વડા પ્રધાનનો કાફલો 15થી 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટકી પડ્યો હતો. આ પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક હતી."
કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનુસાર, પહેલા વડા પ્રધાન ભટિંડા ઍરપૉર્ટથી હેલિકૉપ્ટરથી હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદસ્મારક જવાના હતા, પણ ખરાબ હવામાનને કારણે પીએમનો કાફલો રોડથી રવાના થયો હતો.
ગૃહ મંત્રાલયે એ પણ કહ્યું કે પંજાબના ડીજીપીએ રોડમાર્ગથી જવા માટે સુરક્ષામંજૂરી આપી હતી.
પંજાબ સરકાર પર અનેક પ્રકારના સવાલ ઉઠાવાઈ રહ્યા છે, પરંતુ પંજાબના મુખ્ય મંત્રી ચરણજિતસિંહ ચન્નીનું કહેવું છે કે વડા પ્રધાનના રસ્તામાં પ્રદર્શનકારીઓ અચાનક પહોંચી ગયા હતા. શુક્રવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. પોતાના ટ્વીટમાં રાહુલ ગાંધીએ કહ્યું, "સરહદ પર જે કંઈ પણ થઈ રહ્યું છે, એ રાષ્ટ્રીય સુરક્ષામાં સૌથી મોટી ચૂક છે. શું વડા પ્રધાન આ અંગે પણ ક્યારેય વાત કરશે?"
પાંચ જાન્યુઆરીએ પંજાબના મુખ્ય મંત્રી ચરણજિતસિંહ ચન્નીએ પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, "રસ્તો જામ હોવાથી વડા પ્રધાનને પરત ફરવું પડ્યું એનું મને દુખ છે. કેટલાક લોકો ત્યાં અચાનક વિરોધપ્રદર્શન કરવા આવી ગયા હતા. તેમાં કોઈ ષડયંત્ર જેવી વાત હશે તો આખા કેસની તપાસ કરાશે. હું તો વડા પ્રધાનનું સ્વાગત કરવા માટે તૈયાર હતો."
કૅપ્ટન અમરિન્દરસિંહે મુખ્ય મંત્રી ચરણજિતસિંહ ચન્ની પર નિશાન સાધ્યું
પંજાબની સરકાર પર પોતાની પાર્ટીના નેતા પણ આ મામલે સવાલ કરવા લાગ્યા છે.
પંજાબ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડે ટ્વીટ કરીને કહ્યું હતું, "આજે જે કંઈ પણ થયું એ સ્વીકાર્ય નથી. આ પંજાબિયતની વિરુદ્ધ છે. ફિરોઝપુરમાં ભારતના વડા પ્રધાન એક રાજકીય રેલીને સંબોધન કરવાના હતા અને તેના માટે સુરક્ષિત રસ્તો નક્કી કરેલો હોવો જોઈતો હતો. લોકતંત્ર આ રીતે કામ કરે છે."
સુનીલ જાખડનું આ વલણ પાર્ટીના સત્તાવાર નિવેદનથી અલગ હતું. પાર્ટીના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું હતું કે વડા પ્રધાન ફિરોઝપુરમાં ભીડ ન હોવાથી રેલીને સંબોધન કરવા ગયા નહોતા.
તો પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિન્દરસિંહે પીએમ મોદીની સુરક્ષાને લઈને મુખ્ય મંત્રી ચરણજિતસિંહ ચન્ની પર નિશાન સાધ્યું હતું.
કૅપ્ટન અમરિન્દરસિંહે પોતાના ટ્વીટમાં લખ્યું કે, "આ પંજાબની કાયદો-વ્યવસ્થાની નિષ્ફળતા છે. ખાસ કરીને મુખ્ય મંત્રી અને પંજાબના ગૃહમંત્રીની નિષ્ફળતા છે. દેશના વડા પ્રધાનને તમે સુરક્ષિત રસ્તો આપી શકતા નથી, એ પણ જ્યારે ત્યાંથી માત્ર 10 કિલોમીટર દૂર પાકિસ્તાનની સીમા છે, એવામાં તમને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. તમારે સત્તા છોડી દેવી જોઈએ."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો