You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
છત્તીસગઢમાં મુસલમાનો વિરુદ્ધ કોણે લોકોને પ્રતિજ્ઞા લેવડાવી?
છત્તીસગઢના સરગુજામાં મુસલમાનો સાથે સામાજિક તથા આર્થિક સંબંધ ના રાખવાની પ્રતિજ્ઞા લેવાના મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.
જિલ્લાના કલેક્ટર સંજીવકુમાર ઝાએ બીબીસીને જણાયું, "સંપૂર્ણ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. બે ગામના આંતરિક ઝઘડામાં કેટલાક લોકોએ સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કર્યો છે. આને કોઈ પણ રીતે સહન કરી લેવામાં નહીં આવે."
સંજીવકુમાર ઝાએ કહ્યું કે આ મામલે કેટલાક શંકાસ્પદોની ઓળખ કરી લેવાઈ છે અને કેટલાક લોકોને અટકાયતમાં પણ લેવાયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે બલરામપુર જિલ્લાની સરહદ પર વસેલા આરા ગામમાં કેટલાક લોકોએ સરગુજા જિલ્લાના કુંદીકલામાં એક વ્યક્તિને એના ઘરમાં ઘૂસીને માર માર્યો હતો.
પીડિતોની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને પકડીને જેલમાં મોકલી દીધા હતા. જોકે, આરોપીઓને સ્થાનિક કોર્ટે જામીન આપી દીધા હતા.
આરોપીઓની મુક્તિ બાદ કેટલાક લોકોએ બુધવારે આસપાસનાં ગામના લોકોની બેઠક બોલાવી. જેમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ નબળી ધારાઓ લગાવી હોવાનો આરોપ લગાવાયો.
આ બેઠક બાદ લાઉડસ્પીકર લગાવીને અનેક લોકોને જાહેરમાં મુસલમાનોના સામાજિક તથા આર્થિક બહિષ્કારના સોગંદ લેવડાવાયા હતા.
આ ઘટનાના બીજા દિવસે મુસલમાનો વિરુદ્ધ સોગંદનો વીડિયો જાહેર થયો, જે બાદ કેસની તપાસ હાથ ધરવામાં આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'મોદી 15 મિનિટમાં દુખી થઈ ગયા, ખેડૂતો એક વર્ષ અટવાયા હતા' : નવજોતસિંહ સિદ્ધુ
પંજાબ કૉંગ્રેસના વડા નવજોતસિંહ સિદ્ધુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સુરક્ષાભંગ અંગે ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું છે કે નરેન્દ્ર મોદી 15 મિનિટમાં 'દુખી' થઈ ગયા, જ્યારે ખેડૂતોએ કૃષિકાયદા રદ કરાવવા માટે એક વર્ષથી વધુ સમય સુધી રાહ જોવી પડી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પંજાબના ફિરોઝપુરમાં ફ્લાયઓવર પર અટવાયા હતા કારણ કે ખેડૂતોએ નજીકના હાઈવેને બ્લૉક કરી દીધો હતો.
ભટિંડામાં રાજકીય રેલીને સંબોધવા જઈ રહેલા પીએમ મોદી રેલી સંબોધ્યા વિના જ પાછા ફર્યા હતા.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે સિદ્ધુએ એક રેલીમાં જણાવ્યુ હતું કે, "હું વડા પ્રધાન સાહેબને પૂછવા માગુ છું, અમારા ખેડૂત ભાઈઓએ એક વર્ષ સુધી દિલ્હીની સરહદો પર પડાવ નાખ્યો હતો.”
“તેઓ દોઢ વર્ષ સુધી ત્યાં રહ્યા અને તમારે 15 મિનિટ રાહ જોવી પડી... આ બેવડાં ધોરણો શા માટે?"
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ થવાને કારણે નેપાળના પીએમ દેઉબાની ભારત મુલાકાત રદ
'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ' મુલતવી રાખવાના કારણે નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબાની ભારત મુલાકાત રદ કરવામાં આવી છે.
ગુરુવારે જાહેરાત કરવામાં આવી હતી કે ભારત અને ગુજરાતમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવામાં આવી છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કરવાના હતા. આ કૉન્ફરન્સમાં ભાગ લેવા નેપાળના વડા પ્રધાન દેઉબા ભારત આવી રહ્યા હતા.
પીએમ દેઉબાની ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થવાની હતી. જે બાદ રાજધાની દિલ્હીમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થવાની હતી.
ઓડિશાના મુખ્ય મંત્રીએ પીએમ મોદીની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી
પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકવાના મામલે ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકનું નિવેદન આવ્યું છે.
નવીન પટનાયકે ટ્વીટ કર્યું, "ભારતના વડા પ્રધાન એક સંસ્થા છે. આ સંસ્થાને સુરક્ષા પ્રદાન કરવી અને આ સંસ્થાની ગરિમાનું રક્ષણ કરવું એ દરેક સરકારની ફરજ છે. આપણી લોકશાહીમાં, તેનાથી વિપરીત કંઈ પણ અસ્વીકાર્ય હોવું જોઈએ."
ઓડિશાના ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવીન પટનાયકના નિવેદનને આવકાર્યું છે.
નવીન પટનાયકનું ટ્વીટ શૅર કરતાં તેમણે લખ્યું, “ભારત જેવી લોકશાહીમાં આ રીતે કામ થવું જોઈએ. આપણા બધાની વિચારધારા, માન્યતાઓ અને મત અલગ-અલગ હોઈ શકે, પરંતુ વડા પ્રધાનની સુરક્ષામાં થયેલી ભૂલને યોગ્ય ઠેરવવાનો તેને આધાર ન બનાવવો જોઈએ.”
“પીએમ મોદીની સુરક્ષા માટે નવીન પટનાયકજીની ચિંતાને હું આવકારું છું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો