મહેશ સવાણી : હેડ ક્લાર્ક પરીક્ષા મુદ્દે માગણી ન સ્વીકારાઈ છતાં પારણાં કેમ કર્યાં?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાની વાત સરકારે સ્વીકારી લીધી અને પરીક્ષા ફરી લેવાની જાહેરાત પણ કરી દેવાઈ છે, એમ છતાં પેપર લીકનો મુદ્દો ચર્ચામાં છે.

આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા મહેશ સવાણી આ મામલે ઉપવાસ પર બેઠા હતા.

તેમની માગણી હતી કે વિદ્યાર્થીઓ (ઉમેદવારો)ને વળતર આપવામાં આવે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચૅરમૅન અસિત વોરાનું રાજીનામું લેવામાં આવે.

જોકે આ માગણી પૂરી થઈ નથી અને મહેશ સવાણીએ ઉપવાસ છોડી દીધા છે. મહેશ સવાણીએ આઠ દિવસના ઉપવાસ બાદ પારણાં કરી લીધાં છે.

ગુજરાત આમ આદમી પાર્ટીના ટ્વિટર હૅન્ડલ પરથી પણ મહેશ સવાણીએ પારણાં કર્યાંની પુષ્ટિ કરવામાં આવી હતી.

માગ પૂરી થયા વિના મહેશ સવાણીએ પારણાં કેમ કર્યાં?

ગુજરાતમાં લીક થયેલા હેડ ક્લાર્કના પેપર મુદ્દે મહેશ સવાણી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા અને તેમનું કહેવું હતું કે જ્યાં સુધી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અસિત વોરા રાજીનામું ન આપે, ત્યાં સુધી તેઓ ઉપવાસ કરશે.

ગુજરાતના સ્થાનિક મીડિયાના ફેસબુક લાઇવમાં મહેશ સવાણીએ ઉપવાસ છોડવાનું કારણ જણાવ્યું હતું.

તેમના કહેવા અનુસાર, ડૉક્ટરો-સાધુસંતો સહિત અનેક લોકોના કહેવાથી તેમણે પારણાં કર્યાં છે.

તેમણે કહ્યું હતું કે "અમારી માગણી બે પ્રકારની હતી. અસિત વોરાનું રાજીનામું અને વિદ્યાર્થીઓને વળતર."

"ત્રણ દિવસ પહેલાં મને શુગરની તકલીફ થઈ હતી. હું શુગરનો દર્દી છું. મને તાત્કાલિક એસવીપી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને બધા ડૉક્ટરોએ કહ્યું કે ઉપવાસને લીધે તમારી બૉડીના ઑર્ગન્સ પર અસર થશે."

"બીજું કે વડતાલના નૌતમસ્વામી, જૂનાગઢ ભારતી આશ્રમના મહંત સહિત અનેક સંતોએ કહ્યું કે તમે તમારું શરીર સાચવો. તેમજ પસાચેક દીકરીઓએ આવીને મને પારણાં કરવા માટે સમજાવ્યો હતો."

ઉપવાસથી આંદોલન તરફ

મહેશ સવાણીએ કહ્યું કે અમારા યુવાનેતા યુવરાજસિંહે કહ્યું કે તમારા અનશનને આપણે હવે આંદોલન તરફ લઈ જઈએ.

"આ સરકાર બહેરી અને મૂંગી છે, તે આંદોલનને કોઈ મચક આપતી નથી. પછી તમારું આંદોલન સાચું હોય કે ખોટું. આથી ઉપવાસને આંદોલન તરફ વાળીએ."

મહેશ સવાણીએ કહ્યું કે હવે યુવરાજસિંહના નેતૃત્વમાં આંદોલન ચાલશે.

સવાણીના કહેવા અનુસાર યુવરાજસિંહે દસ લાખ બેરોજગાર યુવાઓને જોડવા માટે હાંકલ કરી છે. અમે હવે આંદોલનથી અમારી માગણીઓ મૂકીશું.

મહેશ સવાણીએ ઉપવાસ કેમ કર્યા હતા?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં હેડ ક્લાર્કની ખાલી પડેલી 186 જગ્યાઓ માટે પરીક્ષા લેવાઈ હતી, જેનું પેપર લીક થયું હતું.

ખાલી પડેલી 186 જગ્યાઓ માટે રાજ્યભરમાંથી બે લાખથી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકી દોઢ લાખથી વધુ ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા.

12 ડિસેમ્બરના રોજ રાજ્યમાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જોકે રવિવારે બપોરે 12 વાગ્યા (12 ડિસેમ્બર)થી યોજાયેલી આ પરીક્ષાનું પેપર શનિવારે રાતે જ લીક થઈ ગયું હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યા હતા.

બાદમાં સમગ્ર ગુજરાતમાં પેપર લીકનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો અને રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી, સાથે જ આગામી માર્ચ મહિનામાં ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરી.

કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ ગૌણ સેવા પસંદગી મંડળ (જીએસએસએસબી)ના ચૅરમૅન અસિત વોરાના રાજીનામાની માગ કરી હતી અને રાજ્ય સરકાર દ્વારા તેમને છાવરવામાં આવતા હોવાનો આરોપ મૂક્યો હતો.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ જગદીશ ઠાકોર તથા ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ પાર્ટીના પ્રતિનિધિમંડળ સાથે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી હતી અને આવેદનપત્ર આપ્યું હતું.

તેમણે માગ કરી હતી કે 'હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા તપાસ કરાવવામાં આવે. આ સિવાય મંડળના ચૅરમૅન અસિત વોરાએ જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ અને જો તેઓ એમ ન કરે તો સરકારે તેમની હકાલપટ્ટી કરવી જોઈએ.'

'આ સિવાય આગામી પરીક્ષા ન લેવાય, ત્યાં સુધી દરેક ઉમેદવારને માસિક પાંચ હજારનું ભથ્થું આપવામાં આવે.'

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો