ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 394 નવા કેસ, ઓમિક્રૉનના વધુ પાંચ કેસ

ગુજરાતમાં મંગળવારે કોરોના વાઇરસના નવા 394 કેસ વધ્યા છે, જે સોમવારે નોંધાયેલા 202 કેસ કરતાં લગભગ બમણાં છે.

રાજ્યના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ મંગળવારના 394 પૈકી 178 કેસ અમદાવાદ કૉર્પોરેશનમાં નોંધાયા છે. જ્યારે 52 કેસ સાથે સુરત બીજા નંબરે અને 35 કેસ સાથે રાજકોટ ત્રીજા ક્રમાંકે છે.

જ્યારે 11 એવાં શહેરો છે, જેમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.

રાજ્યમાં આજે ઓમિક્રૉન વૅરિયન્ટના પાંચ નવા કેસ નોંધાયા છે. આ પાંચ કેસો પૈકી અમદાવાદમાં બે તેમજ વડોદરા, મહેસાણા અને પોરબંદરમાં એક-એક કેસ નોંધાયા છે.

ચોંકાવનારી બાબત એ છે કે આ પાંચ નવા કેસ પૈકી માત્ર એક જ વ્યક્તિ વિદેશપ્રવાસ કરીને આવેલી છે. જ્યારે બાકીના ચાર કોઈ ટ્રાવેલહિસ્ટ્રી ધરાવતા નથી.

ઓમિક્રૉન વૅરિયન્ટનાં ચાર નવા કેસ બાદ ગુજરાતમાં ઓમિક્રૉનના કેસની કુલ સંખ્યા 78 પર પહોંચી છે, જે પૈકી 24 દર્દીઓને રજા આપી દેવાઈ છે.

ગુજરાતમાં હવે 15-18 વર્ષના યુવાઓને પણ કોરોનાની રસી અપાશે

હેલ્થવર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સોને કોરોના વાઇરસની રસીનો ત્રીજો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે અને 15થી 18 વર્ષના યુવાઓને પણ રસી આપવામાં આવશે. આ અંગે ગુજરાત સરકારના આરોગ્યખાતા દ્વારા મંગળવારે જાહેરાત કરાઈ છે.

ગુજરાત સરકારના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે હવે શાળાઓ શરૂ થઈ છે એટલે 15થી 18 વર્ષના યુવાઓને અમે રસી આપવા જઈ રહ્યા છીએ.

અગ્રવાલે કહ્યું કે "પહેલી જાન્યુઆરીથી તેઓ કોરોનાની રસી માટે રજિસ્ટ્રેશન કરી શકશે અને રસીકરણના મથક પર ઓન-સ્પોટ રજિસ્ટ્રેશન પણ કરી શકશે."

"આ ઉપરાંત શાળાઓમાં રસીકરણના કૅમ્પ કરવાનું પણ રાજ્ય સરકારનું આયોજન છે."

"આ ઉપરાંત ફ્રન્ટલાઇન વર્કર્સ કોરોના રસીનો બીજો ડોઝ લીધાના 39 અઠવાડિયાં બાદ ત્રીજો બૂસ્ટર ડોઝ લઈ શકશે."

અમદાવાદમાં કોરોનાના છેલ્લા 202 દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, સોમવારે અમદાવાદમાં કોરોનાના 98 નવા કેસ નોંધાયા હતા.

અમદાવાદમાં છેલ્લા 202 દિવસમાં નોંધાયેલા દૈનિક કેસોમાં આ સૌથી મોટો આંક છે.

સોમવારે ગુજરાતમાં નોંધાયેલા 204 કેસ પૈકી અડધા અમદાવાદના છે.

આ સાથે ગુજરાતમાં ઍક્ટિવ કેસોની સંખ્યા 1086 થઈ ગઈ છે.

રાજ્યના આરોગ્યવિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે મોટાભાગના કોવિડ-19 કેસ શહેરી વિસ્તારમાં જોવા મળ્યા છે.

જામનગરમાં કોરોના સંક્રમિત એક દર્દીના મૃત્યુને પગલે રાજ્યમાં અધિકારિક મૃત્યુઆંક 10,114 થયો છે.

આરોગ્યની સુવિધા મામલે કેરળ ભારતનું શ્રેષ્ઠ રાજ્ય, ઉત્તર પ્રદેશ સૌથી ખરાબ

નીતિઆયોગ દ્વારા વર્ષ 2019-2020 દરમિયાન કરાયેલા સર્વેના અહેવાલ પ્રમાણે આરોગ્યની સુવિધા મામલે કેરળ દેશમાં પ્રથમ ક્રમે, જ્યારે તામિલનાડુ અને તેલંગણા અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવ્યાં છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે આ અહેવાલમાં દેશનાં 19 મોટાં રાજ્ય, આઠ નાનાં રાજ્ય અને સાત કેન્દ્રશાસિત પ્રદેશોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. અપૂરતા ડેટાના કારણે આ રિપોર્ટમાં પશ્ચિમ બંગાળ અને લદાખને સમાવ્યાં નથી.

33 આરોગ્ય પરિમાણોને ધ્યાને રાખીને બનાવવામાં આવેલા આ રિપોર્ટમાં કેરળ રાજ્ય સતત ચોથી આવૃત્તિમાં પ્રથમ ક્રમે આવ્યું છે.

જ્યારે છેલ્લી આવૃત્તિમાં ઉત્તર પ્રદેશ છેલ્લા એટલે કે 19મા ક્રમે છે.

રાજસ્થાન નીચેથી ત્રીજા ક્રમે એટલે કે દેશમાં 17મા ક્રમે છે.

દિલ્હીમાં ડૉક્ટરો સામે FIR પગલે ડૉક્ટરોની દેશવ્યાપી હડતાળ

સોમવારે દિલ્હીમાં વિરોધ કરી રહેલા ડૉક્ટરોની પોલીસ સાથેની અથડામણ બાદ ડૉક્ટરોની સંસ્થા ફૅડરેશન ઑફ ઓલ ઇન્ડિયા મેડિકલ ઍસોસિયેશન (એફએઆઈએમએ) એ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.

સોમવારે મોડી રાત્રે એક અખબારી યાદી જારી કરીને, ઍસોસિયેશને કહ્યું કે "શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા ડૉકટરો પર દિલ્હી પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો, જેના વિરોધમાં સંગઠન જાહેરાત કરે છે કે 29 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી તમામ પ્રકારની આરોગ્યસેવાઓમાંથી અમે અળગા રહીશું."

નીટ-પીજી 2021 કાઉન્સિલિંગમાં વિલંબને લઈને દિલ્હીમાં મોટી સંખ્યામાં ડૉક્ટર્સ વિરોધ કરી રહ્યા છે.

આ દરમિયાન સોમવારે પોલીસ અને તબીબો વચ્ચે ઘર્ષણ થયું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો