You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના હવામાનમાં અચાનક પલટો કેમ આવ્યો?
ગુજરાતમાં હાલ એક સાથે બે મોસમનો અનુભવ થઈ રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થઈ રહ્યો છે અને સાથે જ ઠંડીમાં પણ વધારો થયો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન પલટાયું છે અને તેની અસર જોવા મળી રહી છે.
ગુજરાતના કયા વિસ્તારોમાં હજી કમોસમી વરસાદ પડશે? કેટલા દિવસ સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે? અને હાલ કેમ વરસાદ પડી રહ્યો છે?
ગુજરાતના કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદ?
રાજ્યના અનેક વિસ્તારોમાં હાલ શિયાળાની ઠંડીની સાથે સોમવાર રાતથી જ વરસાદ વરસવાનો શરૂ થયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બે દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે અને શિયાળામાં સ્વચ્છ આકાશને બદલે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળ્યો હતો.
આ તરફ હવામાન વિભાગે ઉત્તર ભારત સહિત રાજસ્થાન તથા ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.
30 ડિસેમ્બર તારીખ સુધી રાજસ્થાન તથા ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાન પલટાયેલું રહેશે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યના કયા જિલ્લાઓમાં પડશે વરસાદ?
રાજ્યમાં હાલ શિયાળાનો સમય છે અને અનેક વિસ્તારોમાં થોડા દિવસ પહેલાં જ કડકડતી ઠંડી પડી રહી હતી. જે બાદ ફરી થોડા દિવસ ઠંડી ઘટી અને ધુમ્મસ તથા તડકાની શરૂઆત થઈ હતી.
હવે ફરી રાજ્યમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે અને ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
જોકે, આ વરસાદને લઈને ખેડૂતોને નુકસાનની શક્યતા છે, ચણા, ઘઉં, જીરું, રાયડા જેવા પાકમાં તેની અસર થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજી આવનારા બેથી ત્રણ દિવસ સુધી હવામાન પલટાયેલું રહેશે.
કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે તો કેટલાક વિસ્તારોમાં ફરી ઠંડી વધવાની શરૂઆત થઈ જશે.
ગુજરાતમાં ફરી માવઠું કેમ?
શિયાળામાં હાલ ચોમાસા જેવું વાતાવરણ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે, સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસા બાદના બે મહિના અરબી સમૃદ્રમાં ઉત્પન્ન થતી સિસ્ટમને કારણે વરસાદ પડતો હોય છે.
જે બાદ રાજ્યમાં માવઠું થવાની શક્યતા ઓછી હોય છે, કારણ કે અરબી સમૃદ્ર શિયાળામાં સામાન્ય રીતે ખૂબ શાંત હોય છે.
જોકે, હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે ગુજરાતમાં પશ્ચિમ તરફથી જે પવનો આવે છે એ. આ પવનો અફઘાનિસ્તાન, પાકિસ્તાન થઈને ઉત્તર ભારત અને ત્યારબાદ તે ગુજરાત તરફ આવે છે.
આ પવન વધારે મજબૂત હોય ત્યારે તેની સાથે આવતાં વાદળોને કારણે વરસાદ થાય છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો