દલિત ભોજનમાતાને હઠાવવાનો વિવાદ : હવે દલિત બાળકોનો સવર્ણ ભોજનમાતાના હાથે બનેલું ખાવાનો ઇન્કાર, શું છે સમગ્ર મામલો?
- લેેખક, રાજેશ ડોબરિયાલ
- પદ, બીબીસી માટે
ઉત્તરાખંડના સ્થાનિક મીડિયામાં ચંપાવતનાં દલિત ભોજનમાતાનો વિવાદ ઉકેલાઈ ગયો હોવાનું એલાન ભલે થઈ ગયું હોય, પરંતુ ભોજનમાતા સુનીતાદેવીએ સ્પષ્ટપણે કહ્યું છે કે મામલો હજુ ખતમ નથી થયો. કારણ કે તેમને હજુ સુધી કામ પર પાછા રાખવામાં આવ્યાં નથી.

ઇમેજ સ્રોત, Rajesh Dobariyal / BBC
તેમણે બીબીસીને જણાવ્યું કે, "એસડીએમ આવ્યા હતા. તેમણે માત્ર એટલું કહ્યું હતું કે મામલો પૂરો કરો. તેમણે મને ન્યાય મળશે, તેવી આશા પણ આપી હતી. પણ ક્યારે? તેની કોઈ ચોખવટ કરી નહોતી. મારું એટલું જ કહેવું છે કે મને તરત નોકરી પર પાછી લેવામાં આવે, ત્યારે મામલો પૂરો થશે."
ચંપાવતના સૂખીઢાંગમાં દલિત ભોજનમાતાના હાથનું જમવાનું નહીં ખાવાનો વિવાદ અટકાવાનું નામ નથી લઈ રહ્યો.
જોકે, ચૂંટણીને અનુલક્ષીને રાજ્ય સરકાર જલદીથી આ મામલો પૂરો કરવા માગે છે. તે જ કારણથી શનિવારે રજા હોવા છતાં અધિકારી સૂખીઢાંગ પહોંચ્યા હતા અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.

‘વિવાદ ઉકેલાઈ ગયો’

ઇમેજ સ્રોત, RAJESH DOBRIYALL/BBC
શનિવારે ટનકપુરના એસડીએમ હિમાંશુ કફલ્ટિયા, સીઈઓ આર.સી. પુરોહિત, એસપી દેવેન્દ્ર પીંચા, સીઓ અશોકકુમાર સહિતના ઉચ્ચ હોદ્દેદારોએ જનપ્રતિનિધિઓ અને સ્થાનિક લોકો સાથે શાળામાં બેઠક યોજી હતી.
આ બેઠક બાદ જ કહેવામાં આવ્યું હતું કે 'વિવાદ ઉકેલાઈ ગયો છે.'
આ બેઠક અંગે સુનીતાદેવીએ જણાવ્યું કે, " સવર્ણો અને દલિતો બધાને બોલાવ્યા તો હતા, પરંતુ મને કોઈએ પૂછ્યું પણ નથી. જે ભોજનમાતા નોકરી પરથી હઠાવવામાં આવી, એનો પક્ષ તો સાંભળી લેવો હતો."
"બધા મને કહી રહ્યા હતા કે મોટા અધિકારીઓ છે, કંઈ ના બોલતી. તેમણે પણ મને કંઈ ન પૂછ્યું, તેમ છતાં હું બોલી કે મને ફરીથી નોકરી પર રાખવામાં આવે ત્યારે જ મારી સહમતિ મળશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુનીતાદેવીએ એમ પણ જણાવ્યું હતું કે લોકો અધિકારીઓની હાજરીમાં કહી રહ્યા હતા કે અમારાં બાળકો ખાવાનું નહીં ખાય.
તેમણે જણાવ્યું કે, "એસડીએમસાહેબ ઊભા હતા ત્યારે પાછળથી મહિલાઓ બોલતી હતી કે અમારાં ઘરમાં દેવતા છે, એટલે નથી ખાઈ રહ્યાં અમારાં છોકરાં. મેં જ્યારે એસડીએમસાહેબનું આ અંગે ધ્યાન દોર્યું તો તેમણે માત્ર એટલું જ કહ્યું કે, થઈ જશે બધુ સૉલ્વ."
સુનીતાદેવી વારંવાર કહી રહ્યાં છે કે તેમને કામ પર પરત લેવામાં નથી આવ્યાં
તેમનું કહેવું છે કે, "હવે તેઓ(સવર્ણો) કહી રહ્યા છે કે બધા સાથે ખાઇશું, કારણ કે તેમને ખબર પડી ગઈ છે કે આવું (મોટો વિવાદ) થઈ ગયું છે. પહેલાં તો તેમણે (સવર્ણોએ) જ બધું કર્યું. તેમણે જ સમાચારપત્રોમાં છપાવ્યું કે આને ગેરકાયદેસર રીતે રાખવામાં આવી છે અને તેઓ મને હઠાવીને રહેશે."
"તેમને ખબર ન હતી કે જીત અમારી જ થશે. હવે ખબર પડી છે પરંતુ ઉકેલ શું આવ્યો? સ્કૂલ ખૂલી રહી છે. મને મારી ફરજ પર મોકલવામાં આવે. જ્યારે બધા જ મારા હાથનું ખાવાનું ખાઈ લેશે, ત્યારે ઉકેલ આવશે."
સુનીતાદેવી આ સમગ્ર મામલાને પોતાનાં માન-સન્માન સાથે જોડીને જોઈ રહ્યાં છે.
તેમના કહેવા પ્રમાણે, "મારું જે અપમાન થયું છે કે આ એક દલિત મહિલા છે, તેના હાથનું ખાવાનું નહીં ખાઈએ. તેનું શું? મને જે જાતિસૂચક શબ્દો બોલવામાં આવ્યા, આખા ગામે મને ઘેરીને ડરાવી. તેનું શું?"
"અધિકારીઓ તો કહી રહ્યા છે કે સૌએ હળીમળીને રહેવું જોઇએ, સુખદુઃખમાં ગામલોકો જ કામ આવે. આ લોકો ત્રણ હજાર રૂપિયાની ભોજનમાતાની નોકરી પરથી મને હઠાવવા માગે છે, આ લોકો મારાં સુખદુઃખ શું સમજી શકવાના?"
શનિવારે યોજાયેલી બેઠક બાદ હજુ સુધી એ નક્કી નથી થયું કે સુનીતાદેવીને કામ પર પાછા લેવામાં આવશે કે નહીં. કારણ કે બેઠકમાં જારી કરવામાં આવેલા પ્રસ્તાવ મુજબ ભોજનમાતાની ભરતીપ્રક્રિયામાં તપાસ માટે ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવશે. જેમાં એક અનુસૂચિત જાતિના અધિકારી, રાજ્ય સરકારના એક અધિકારી અને એક મહિલા અધિકારી હશે. ભરતીપ્રક્રિયા પર નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

શિક્ષણ વિભાગની તપાસ

ઇમેજ સ્રોત, Rajesh Dobariyal / BBC
બેઠકમાં હાજર રહેલા મુખ્ય શિક્ષણઅધિકારી આર.સી. પુરોહિતે બીબીસીને જણાવ્યું કે આ અગાઉની તપાસનો રિપોર્ટ બીઈઓ અંશુલ બિસ્ટને સોંપી દેવામાં આવ્યો છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે 60 વર્ષની ઉંમરના આધારે જે ભોજનમાતા શકુંતલાદેવીને હઠાવવામાં આવ્યાં હતાં, તેમને હઠાવવાનો પ્રસ્તાવ પાસ તો કરાયો હતો, પરંતુ બીઈઓએ પાસેથી તેની મંજૂરી લેવામાં આવી નહોતી. એટલે તેમને હઠાવવાનું પણ નિયમાનુસાર નહોતું.
આ સિવાય પ્રસ્તાવ પર વિદ્યાલય પ્રબંધન કમિટીનાં સચિવ અને પ્રિન્સિપાલ પુષ્પા ભટ્ટે હસ્તાક્ષર જ નહોતા કર્યાં. જેના કારણે પ્રસ્તાવ પાસ જ થયો નહોતો. સુનીતાદેવીનો પ્રસ્તાવ તો પાસ થયો હતો પરંતુ બીઈઓ પાસેથી તેમને પરવાનગી લેવાઈ નહોતી. એથી તેમને કામ પર રાખવાનું પણ નિયમાનુસાર નહોતું.
જોકે, સુનીતાદેવી 13 ડિસેમ્બરથી પ્રિન્સિપાલ પ્રેમસિંહના નિર્દેશ હેઠળ કામ કરે છે. તેમને નિમણૂકપત્ર મળ્યો નહોતો અને તેઓ માત્ર 20 ડિસેમ્બર સુધી જ કામ કરી શક્યાં.
સવર્ણ વિદ્યાર્થી દ્વારા ભોજન ન ખાવાની ઘટના બાદ તેમને કામ પરથી હઠાવી દેવાયાં અને બાદમાં આ વાત પ્રસારણ-માધ્યમોમાં ચગી ગઈ.
જોકે, મુખ્ય શિક્ષણઅધિકારી આર.સી. પુરોહિતે એમ પણ કહ્યું હતું કે હવે નવી રચાનારી કમિટી સીમિત મામલાની નવેસરથી તપાસ કરશે.
બાળકોમાં ન રોપો ભેદભાવનાં બીજ’
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બેઠક બાદ કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ પ્રદીપ ટામ્ટા પણ એ જ સાંજે ચંપાવત પહોંચ્યા હતા. તેમણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખ્યું કે, "કાલે સાંજે ચંપાવત જઈને ભોજનમાતા સહિત તમામ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને મળ્યો અને સમગ્ર મામલો જાણવાની કોશિશ કરી."
"મેં સંલગ્ન અધિકારીઓને કહ્યું કે આ પ્રકારના કિસ્સાઓથી આપણા જિલ્લાની સાથેસાથે સમગ્ર પ્રદેશની બદનામી થઈ રહી છે. મોટી વાત એ છે કે બાળકોનો શું વાંક છે, જેમનાં મનમાં તેમનાં માતાપિતાએ ભેદભાવનું ઝેર ઠાલવ્યું છે."
"જેને પગલે સ્કૂલની આ સ્થિતિ બની ગઈ છે. આવામાં બાળકો શું શીખશે? કઈ રીતે સમાજનું નિર્માણ થશે? જે બાળકો પહેલાં સાથે જમતાં, રમતાં અને ભણતાં હતાં. હવે તેમનાં મગજમાં આ પ્રકારના ભેદભાવનાં બીજ રોપવામાં આવી રહ્યાં છે."
"મેં શિક્ષણ વિભાગના અધિકારીઓને પૂછ્યું કે જો ભોજનમાતાની બીજી નિયુક્તિ તમામ ધારાધોરણો અનુસાર થઈ છે. તો પછી સુનીતાદેવીને હઠાવાયાં કેમ? જો વિભાગ દ્વારા તેમની મંજૂરી માટે વધારે સમય લેવામાં આવ્યો હોય તો તેમાં તેમની શું ભૂલ હતી? આમાં ભૂલ શિક્ષણ વિભાગની હતી અને સજા સુનીતાદેવીને મળી છે."
ચંપાવતની સૂખીઢાંગ ઇંટર કૉલેજમાં હવે સુનીતાદેવી તો કામ કરતાં નજરે નહીં પડે, પરંતુ સ્કૂલનાં બાળકો અન્ય ભોજનમાતા વિમલેશ ઉપ્રેતીના હાથે બનાવેલું ભોજન ખાશે. તેના પર પણ લોકોની નજર રહેશે.
જોકે, આ દરમિયાન શાળામાં અભ્યાસ કરતાં દલિત બાળકોએ સવર્ણ ભોજનમાતાનાં હાથે બનાવેલું ભોજન ન જમવાનો નિર્ણય લીધો છે.
‘દિલ્હીમાં ભોજનમાતા નથી બનવું’

ઇમેજ સ્રોત, RAJESH DOBRIYALL/BBC
સુનીતાદેવી સ્પષ્ટપણે કહે છે કે તેઓ પોતાની નોકરીને આમ જ નહીં જવા દે અને ધરણાં પર બેસી જશે.
તેમને જાણવા મળ્યું છે કે દિલ્હી સરકારે તેમને દિલ્હીમાં સરકારી નોકરી આપવાનું એલાન કર્યું છે. જોકે તેમને હજુ સુધી સત્તાવાર સૂચના આપવામાં આવી નથી.
આ વિશે તેમણે કહ્યું કે, “દિલ્હીમાં સરકારી નોકરી મળશે તો જરૂર કરીશ પરંતુ ભોજનમાતાની નોકરી નહીં કરું. એક પરિવારમાં પાંચ લોકો છે. ત્રણ હજાર રૂપિયાથી પાલન-પોષણ કઈ રીતે થશે. દિલ્હીમાં સાત-આઠ હજાર રૂપિયા તો રહેવા પાછળ જ ખર્ચાઈ જતા હોય છે. અહીં ઘર છોડીને ત્યાં જઈશ, તો એટલા રૂપિયામાં ગુજરાન તો ન ચાલે. દિલ્હી સરકાર જો બીજી કોઈ નોકરી આપશે, તો ચોક્કસ કરીશ.”


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














