કોરોના મહામારીમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસ વધતાં હાલ આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે?
કોવિડનો પહેલો કેસ નોંધાયો તેના એક વર્ષ પછી 10 કરોડમો કોવિડ કેસ નોંધાયો હતો.
યુએસ, ભારત અને બ્રાઝિલમાં સૌથી વધુ કોવિડના કેસ જોવા મળ્યા છે, તે પછીના ક્રમે યુકે, રશિયા અને તુર્કી આવે છે. કોવિડ ના ફેલાયો હોય એવાં દુનિયાનાં જૂજ સ્થળો બચ્યાં છે.
વર્તમાન કોરોના મહામારીમાં નવો ઑમિક્રોન વૅરિયન્ટ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વ આરોગ્ય સંસ્થાના યુરોપીયન ક્ષેત્રના 53માંથી 38 જેટલા દેશોમાં ઑમિક્રોન મળી આવ્યો છે - જેમાં રશિયા અને તુર્કીનો સમાવેશ થાય છે.
ઘણા યુરોપિયન દેશોમાં ઑમિક્રોન પ્રભાવશાળી વૅરિયન્ટ સાબિત થઈ રહ્યો છે. જર્મની અને પોર્ટુગલ જેવા દેશો નાતાલ પછી વધુ આકરાં નિયંત્રણો લાદી રહ્યા છે.
કોરોના મહામારીના પ્રારંભથી સ્પેનમાં સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા છે અને ફ્રાન્સે ચેતવણી આપી છે કે ત્યાં દૈનિક કેસો ટૂંક સમયમાં 1,00,000ને પાર જઈ શકે છે.
ફ્રાન્સના આરોગ્ય પ્રધાન ઓલિવિયર વેરાને જણાવ્યું હતું કે ઑમિક્રોન વૅરિયન્ટને પગલે દેશમાં દૈનિક સંક્રમણની સંખ્યા હાલમાં લગભગ 70,000 છે, જેમાં જાન્યુઆરીની શરૂઆતમાં વધારો થવાની સંભાવના છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના ટોચના અધિકારીએ ચેતવણી આપી છે કે સમગ્ર યુરોપ ખંડમાં કેસોમાં વધારો આરોગ્યતંત્રને ધ્વસ્ત કરી શકે છે. આવનારા "ભારે તોફાન"ને લઈને સરકારોએ કેસોમાં નોંધપાત્ર વધારા માટે તૈયારી રહેવું પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફ્રાન્સે બુધવારે પાંચથી 11 વર્ષની વયનાં બાળકોને રસી આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ જણાવ્યું હતું કે હાલમાં 12થી 15 વર્ષની વયનાં બાળકોને બૂસ્ટર આપવામાં નહીં આવે.
જર્મનીએ જાહેરાત કરી છે કે 28 ડિસેમ્બરથી ફરી નિયંત્રણો લાદવામાં આવશે. ખાનગી મેળાવડાને 10 લોકો સુધી મર્યાદિત કરાશે અને નાઈટક્લબ બંધ કરવામાં આવશે. ફૂટબૉલ મૅચો પણ ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે.
દરમિયાન, પોર્ટુગલે બાર અને નાઈટક્લબોને 26 ડિસેમ્બરથી બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને 9 જાન્યુઆરી સુધી ઘરેથી કામ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. આઉટડોર મેળાવડા 10 લોકો સુધી મર્યાદિત રહેશે.
ફિનલૅન્ડમાં બાર અને રેસ્ટોરાં 24 ડિસેમ્બરે 10 વાગ્યાથી બંધ થઈ જશે, કારણ કે અહીં કોરોનાની સંક્રમણ સંખ્યા રેકૉર્ડ સ્તરે છે.
ફિનલૅન્ડમાં 28 ડિસેમ્બરથી ત્રણ અઠવાડિયાં માટે રેસ્ટોરાં મર્યાદિત સંખ્યા સાથે અને 6 વાગ્યે બંધ કરવાની રહેશે.

યુકેમાં બે દિવસમાં કોરોનાના સવા બે લાખ નવા કેસ

ઇમેજ સ્રોત, Getty Images
યુકેમાં બુધવારે રેકૉર્ડબ્રૅક 1,06,122 કેસ નોંધાયા હતા. બાદમાં ગુરુવારે પણ દૈનિક કેસનો આંકડો એક લાખને પાર પહોંચ્યો હતો.
ગુરુવારે યુકેમાં કોરોના વાઇરસના નવા 1,19,789 કેસ નોંધાયા હતા, જ્યારે 147 દર્દીઓનાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં હતાં.
આ સાથે જ યુકેમાં ગુરુવારે 8,40,038 લોકોએ રસીનો બૂસ્ટર ડોઝ લીધો હતો.
યુકેમાં કોરોના વાઇરસના વૅરિયન્ટ ઓમિક્રૉનથી એક વ્યક્તિનું મોત થયું છે.
યુકેમાં, આરોગ્ય સચિવ સાજિદ જાવિદે જાહેરાત કરી છે કે ઇંગ્લૅન્ડમાં કોવિડથી સંક્રમિત લોકોનું છ અને સાત દિવસે નૅગેટિવ પરીક્ષણ થશે તો 10ને બદલે સાત દિવસ પછી ક્વૉરેન્ટીન સમાપ્ત કરી શકશે.
વડા પ્રધાન બોરિસ જૉન્સને અગાઉ નાતાલ પહેલાં ઇંગ્લૅન્ડ માટે કોઈ પણ નવા પ્રતિબંધોને નકારી કાઢ્યા હતા, પરંતુ સ્કોટલૅન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લૅન્ડે સામાજિક મેળાવડાઓ પર નિયંત્રણોની જાહેરાત કરી છે.
ઓમિક્રૉનના કેસમાં ભારે ઉછાળાને પગલે બ્રિટનના મહારાણીએ નૉરફૉકના સેન્ડ્રિંગહામમાં પરંપરાગત રીતે નાતાલની ઉજવણીને રદ કરી છે. સતત બીજા વર્ષે મહારાણીએ સેન્ડ્રિંગહામમાં આ ઉજવણી રદ કરી છે.
સ્વિડનમાં બાર, કાફે અને રેસ્ટોરાં બુધવારથી ફક્ત બેઠેલા મહેમાનોને જ સેવા આપી શકશે અને જો શક્ય હોય તો લોકોને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવે છે.
સોમવારે કડક લોકડાઉનની જાહેરાત કરીને નેધરલૅન્ડ્સ પહેલેથી જ કડક નિયંત્રણો લાદી ચૂક્યું છે.
મંગળવારે સ્પેનમાં 49,823 નવા દૈનિક સંક્રમણનો રેકોર્ડ નોંધાયો હતો. અગાઉનો રેકૉર્ડ 44,357 હતો, જે જાન્યુઆરી 2021માં નોંધાયો હતો. વડા પ્રધાન પેડ્રો સાંચેઝ નવાં પ્રતિબંધો લાગુ કરવા અંગે ચર્ચા કરવા પ્રાદેશિક નેતાઓને મળી રહ્યા છે.
તાજેતરના યુરોપિયન યુનિયનના આંકડાઓ અનુસાર, યુરોપમાં કોવિડના 8.9 કરોડથી વધુ કેસ અને 15 લાખ મૃત્યુ થયાં છે.
ઇઝરાયલના આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં ઓમિક્રૉનના 341 કેસની પુષ્ટિ કરી છે અને 60 વર્ષથી વધુ વયના નાગરિકો માટે અને આરોગ્યકર્મીઓને ચોથા ડોઝની ભલામણ કરી છે.

અમેરિકામાં 50 કરોડ ટેસ્ટ કીટનો ઑર્ડર

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં બંદરો પર ખાલી શિપિંગ કન્ટેનરનો જમાવડો છે અને અનલોડ થવાની રાહ જોઈ રહેલા કન્ટેનરની લગભગ 90 જહાજોની લાંબી કતાર લાગેલી છે.
બિઝનેસ કન્સલ્ટન્સી ટીએમએક્સના સપ્લાય ચેઇન નિષ્ણાત મેગન બેન્ગરે બીબીસીને જણાવ્યું હતું કે "વિશ્વભરમાં ફેલાતા કોવિડ-19ના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનની પણ આગામી વર્ષમાં વૈશ્વિક સપ્લાય ચેઇન પર અસર થશે. ઓમિક્રૉન વૅરિયન્ટ વૈશ્વિક નિયંત્રણો વધારવા તરફ દોરી રહ્યો છે. 2022 સુધી સપ્લાય ચેઇનમાં વિક્ષેપો ચાલુ રહેશે."
અમેરિકન સરકારે જૂનમાં મહામારીને કારણે વધતી કિંમતો અને માલની અછતને પહોંચી વળવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી હતી.
ઑક્ટોબરમાં બાઇડન સરકારે લા પોર્ટ સહિતનાં બંદરોને ચોવીસ કલાક કામગીરીના આદેશો આપ્યા હતા અને માલસામાનના ભારે બૅકલોગને પહોંચી વળવા માટે વૉલમાર્ટ અને ટાર્ગેટ સહિત દેશના કેટલાક મોટા રિટેલરોની મદદ માટે હાકલ કરી હતી.
આ પગલાં પછી શિપિંગ કન્ટેનર માટે રાહ જોવાનો સમય અડધો થઈ ગયો છે.
અમેરિકાએ 50 કરોડ ટેસ્ટ કીટનો આર્ડર આપ્યો છે અને ઘર બેઠા કોરોના પરીક્ષણ કરવાની યોજના બહાર પાડી છે.
ઓમિક્રૉનને લઈને બાઇડન સરકાર પર પરીક્ષણ માટેની અપૂરતી તૈયારીઓના લાગેલા આક્ષેપો બાદ અમેરિકન પ્રમુખે એક ટેલિવિઝન નેટવર્ક એબીસીને કહ્યું હતું કે કોઈએ પણ નવા વૅરિયન્ટની આગાહી કરી નહોતી. જ્યારે તેમના ટોચના સલાહકાર ડૉ. એન્થોની ફાઉચીએ કહ્યું હતું કે નિષ્ણાતોએ વૅરિયન્ટની આગાહી કરી હતી. એવી આગાહી કરી હોય તો 50 કરોડ ટેસ્ટ કીટનો બે મહિના પહેલાં ઑર્ડર આપી દેવાયો હોત.
ઓમિક્રૉનને પગલે જર્સીમાં પુખ્ત વયના લોકો માટેની સંપૂર્ણ રસીકરણની વ્યાખ્યાને બદલીને તેમાં બૂસ્ટર ડોઝને ઉમેરવામાં આવ્યો છે.

ભારતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસ 400ને પાર

ઇમેજ સ્રોત, Getty Images
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રૉન વૅરિયન્ટના 415 કેસ નોંધાયા છે.
ગુરુવારની વાત કરીએ તો ગુરુવારે ઓમિક્રૉન વૅરિયન્ટના નવા સૌથી વધુ કેસ તામિલનાડુમાં 33 નોંધાયા હતા.
23 કેસ સાથે ગુજરાતનું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર બીજા ક્રમે હતું.
કર્ણાટકમાં 12, દિલ્હી તેમજ ગુજરાતમાં સાત-સાત અને ઓડિશામાં બે નવા ઓમિક્રૉનના કેસ નોંધાયા હતા.
ઉલ્લેખનીય છે કે આગામી માર્ચ મહિનામાં દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.
ઓમિક્રૉન વૅરિયન્ટના વધતા જતા કેસોને લઈને ગુરુવારે અલાહાબાદ હાઈકોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચૂંટણીપંચને રાજકીય રેલીઓ તેમજ મેળાવડા પર પ્રતિબંધ મૂકવા અને શક્ય હોય તો ચૂંટણીને એકાદ-બે મહિના પાછી ઠેલવા વિનંતી કરી હતી.
ઑમિક્રોન હળવો છે? બૂસ્ટર ડોઝની જરૂર છે? દુનિયામાં વધુ આકરાં નિયંત્રણો લાદવામાં આવશે? આ પ્રશ્નોના જવાબ માટે થોડાં અઠવાડિયાં રાહ જોવી પડશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












