કેરળમાં શાળાના યુનિફોર્મનો કેટલાંક મુસ્લિમ જૂથો કેમ વિરોધ કરી રહ્યાં છે?
- લેેખક, દિલ્હીથી ગીતા પાંડેય અને કેરળથી અશરફ પદન્ના
- પદ, બીબીસી
કેરળમાં એક સરકારી શાળાએ કિશોરવયની વિદ્યાર્થિનીઓને ટ્રાઉઝર પહેરવાની મંજૂરી આપ્યા બાદ વિવાદ સર્જાયો છે.

ઇમેજ સ્રોત, BINURAJ TP
બુધવારે સવારે વિદ્યાર્થિની શૃંગી સીકે એકદમ નવો યુનિફોર્મ પહેરીને સ્કૂલે જવા માટે બસ પકડવા માટે બસસ્ટૉપ પર રાહ જોઈ રહી હતી, ત્યારે એક અજાણી મહિલાએ નવા યુનિફોર્મનાં વખાણ કરતાં શૃંગી ગર્વ અનુભવવા લાગી હતી.
"એ મહિલાએ મને કહ્યું કે હું આ યુનિફોર્મમાં બહુ જ સ્માર્ટ દેખાતી હતી અને એ સાંભળીને મને ઘણો ગર્વ થયો." એમ બાલુસેરી શહેરમાં આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક કન્યાશાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતી 17 વર્ષની કિશોરીએ બીબીસીને કહ્યું.
પરંતુ શૃંગી શાળાએ પહોંચી તો વિપરીત દૃશ્યો જોવાં મળ્યાં.
શાળામાં છોકરીઓ હવે છોકરાઓની જેમ ટ્રાઉઝર અને શર્ટ પહેરવા લાગી એ જોઈને વિરોધ કરનારાઓનું ટોળું જમા થયું અને ડઝન જેટલા પોલીસકર્મીઓને મામલો થાળે પાડવો પડ્યો.
યુનિફોર્મ બદલાયો તે પહેલાં વિદ્યાર્થીઓના યુનિફોર્મમાં પરંપરાગત લાંબાં ટ્યુનિક, ઢીલાં ટ્રાઉઝર અને કમરકોટ હતાં.
શું કહે છે શાળાના આચાર્ય?

ઇમેજ સ્રોત, BINURAJ TP
શાળાનાં આચાર્ય ઇંદુ આર.એ બીબીસીને જણાવ્યું હતું કે હાલમાં 12મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીઓએ તેમને છોકરાઓની જેમ પૅન્ટ અને શર્ટને યુનિફોર્મ તરીકે પહેરવાની છૂટ આપવામાં આવે એવું સૂચન કર્યું હતું.
આચાર્યે કહ્યું કે તેમને રજૂઆત યોગ્ય લાગી, કારણ કે "આપણી મોટા ભાગની વિદ્યાર્થિનીઓ વિશ્વભરની વિદ્યાર્થિઓની જેમ જીન્સ અને ટૉપ પહેરે છે" અને કેરળના ભેજવાળા હવામાનને કારણે કમરકોટ યોગ્ય પણ નથી જણાતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આચાર્યએ ઉમેર્યુ, "તેથી અમે સ્ટાફ સાથે આ અંગે ચર્ચા કરી અને પછી પૅરેન્ટ ટીચર ઍસોસિયેશન (પીટીએ)ની બેઠક બોલાવી અને બહુમતીથી યુનિફોર્મ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો."
"માત્ર એક-બે ગણ્યાગાંઠ્યા વાલીઓએ છોકરા-છોકરીના સરખા યુનિફોર્મ સામે નારાજગી બતાવી હતી અને અમે તેમને કહ્યું હતું કે છોકરીઓ આખી બાંયનાં શર્ટ પહેરી શકે છે અને તેમને ઇચ્છા પડે તો હેડસ્કાર્ફ અને કમરકોટ પહેરવાની પણ છૂટ છે. પરંતુ બહુ ઓછી કન્યાઓએ લાંબી બાંયનાં શર્ટ અને કમરકોટને પસંદ કર્યાં."
આચાર્યે બીબીસીને તેમના નવા ગણવેશમાં વિદ્યાર્થિઓના જૂથની તસવીરો મોકલી. એમાં સૅલ્ફી લેતી, હવામાં મુઠ્ઠીઓ ઉછાળતી, હસતી અને આનંદમાં કૂદતી છોકરીઓની તસવીરો હતી.
શૃંગી સીકેના કહેવા પ્રમાણે અન્ય વિદ્યાર્થિનીઓની જેમ તેમને પણ તેનો નવો યુનિફોર્મ પસંદ છે, કારણ કે તે "ખૂબ આરામદાયક" છે અને આ યુનિફોર્મના કારણે તે "બહુ ફ્લૅક્સિબલ" રહી શકે છે.
શૃંગી ઉમેરે છે કે "અમારી પ્રથમ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા છે જેણે યુનિસેક્સ યુનિફોર્મ અપનાવ્યો છે. મને એવી લાગણી થાય છે કે જાણે હું એક ક્રાંતિનો હિસ્સો છું."
શું કહે છે સરકાર?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કેરળના શિક્ષણમંત્રી વી. શિવનકુટ્ટીએ બીબીસીને જણાવ્યું હતું, "ડ્રેસકૉડ અને શાળાકીય શિક્ષણની સમગ્ર વ્યવસ્થા સમય સાથે બદલાવી જોઈએ અને અમે આશા રાખીએ છીએ કે બીજી શાળાઓ પણ કિશોર વિદ્યાર્થીઓમાં લિંગભેદ સામે જાગૃતિ લાવવાની પહેલમાં વહેલી તકે જોડાશે."
પરંતુ નવા યુનિફોર્મને લઈને રૂઢિચુસ્ત મુસ્લિમ જૂથો નારાજ છે અને તેમનું કહેવું છે કે તેમનાં બાળકોને નવો યુનિફોર્મ પહેરવા માટે "બળજબરી" કરવામાં આવી રહી છે.
યુનિસેક્સ યુનિફોર્મ અંગે મુસ્લિમ સંકલન સમિતિના સભ્ય મુજાહિદ બાલુસેરીએ જણાવ્યું હતું, "પૅરેન્ટ ટીચર ઍસોસિયેશનની બેઠક બોલાવ્યા વિના આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને હવે અમારી દીકરીઓને છોકરાઓ જેવાં પૅન્ટ અને શર્ટ પહેરવાની ફરજ પાડવામાં આવી રહી છે. આનાથી ગરીબ પરિવારો પર પણ આર્થિક બોજો પડે છે."
જોકે, મુજાહિદ બાલુસેરી માટે મોટી ચિંતા તેમની ધાર્મિક માન્યતાને લઈને છે.
તેમને લાગે છે કે આ બદલાવ રાજ્યની સામ્યવાદી સરકારનો "બાળકો પર તેમની નાસ્તિક વિચારધારા થોપવાના ઍજન્ડા"નો એક ભાગ છે અને તે પતન તરફ દોરી જશે.
તેઓ ઉમેરે છે, "અમે અમારી ધાર્મિક માન્યતાઓ સાથે બાંધછોડ કરી શકતા નથી. છોકરીઓ અને છોકરાઓએ તેમની અલગ ઓળખને જાળવી રાખવી જોઈએ."
"છોકરીઓને છોકરાઓની જેમ પોશાક પહેરવાની મંજૂરી આપવી એ તેમને મુક્ત સેક્સ માટે પ્રેરિત કરવા જેવું છે. આનાથી લિંગભેદ ખતમ થશે અને સમાજ જાતીય સ્વેચ્છાચાર તરફ ફંટાશે."
સૌથી સાક્ષર કહેવાતા રાજ્યમાં આ વિવાદ કેમ?
ગત અઠવાડિયે અન્ય મુસ્લિમ ધાર્મિક જૂથોની આવી જ હરકતોને કારણે તેમને કેરળ અને ભારતના અન્ય ભાગોમાં ભારે ટીકાનો સામનો કરવો પડ્યો.
ટીકાકારોએ કહ્યું કે વાસ્તવમાં રૂઢિવાદી જૂથો દ્વારા દીકરીઓ પર નિયંત્રણો લાદવાનો આ પ્રયાસ છે.
અવારનવાર કેરળની ભારતના સૌથી સાક્ષર અને પ્રગતિશીલ રાજ્ય તરીકે ગણના કરવામાં આવે છે. ઘણી વાર કેરળનો સંદર્ભ 100% સાક્ષરતા પ્રાપ્ત કરી હોય એવા દેશના એકમાત્ર રાજ્ય તરીકે ટાંકવામાં આવે છે.
શાળાઓમાં વિદ્યાર્થીઓની કુલ નોંધણીમાં કન્યાઓની સંખ્યા 48.96% છે અને મોટા ભાગની કન્યાઓ યુનિવર્સિટીની ડિગ્રી મેળવે છે.
પરંતુ ટીકાકારો કહે છે કે ઊંડે ઘર કરી ગયેલી રીતભાતો કેરળને બાકીના ભારતની જેમ પિતૃસત્તાક બનાવે છે.
આચાર્ય ઇન્દુ કહે છે કે નવા ગણવેશ અંગેનો હોબાળો વધુ નવાઈ પમાડે છે, કારણ કે કેરળની ઘણી ખાનગી શાળાઓમાં કન્યાઓ પહેલાંથી પૅન્ટ પહેરે છે અને એક સરકારી જુનિયર શાળાએ 2018માં નાનાં બાળકો માટે યુનિસેક્સ યુનિફોર્મ અપનાવ્યો હતો.
આચાર્ય કહે છે કે નવો યુનિફોર્મ રજૂ કરવા પાછળનો વિચાર માત્ર "લૈગિંક સમાનતા"નો જ છે.
"બાળકનો જન્મ થાય ત્યારથી આપણે છોકરા અને છોકરી વચ્ચે ભેદ પાડીએ છીએ - આપણે તેમના માટે અલગઅલગ રમકડાં ખરીદીએ છીએ. છોકરાને રમકડાંમાં બંદૂક અને કાર મળે છે, જ્યારે છોકરીઓને ઢીંગલી મળે છે."
છોકરા વાદળી વસ્ત્રો પહેરે છે, જ્યારે છોકરીઓ ગુલાબી પહેરે છે. જેમજેમ બાળકો મોટાં થાય છે, તેમતેમ તેમનાં પગરખાં અને કપડાં પણ બદલાઈ જાય છે.
"પરંતુ મને લાગે છે કે જો છોકરીઓ પૅન્ટ અને શર્ટમાં વધુ આરામદાયક અને આત્મવિશ્વાસનો અનુભવ કરતી હોય તો તેમને તે પહેરવાની છૂટ આપવી જોઈએ. મને લાગે છે કે આપણે બધાં બાળકોને સમાન સ્વતંત્રતા અને સમાન તકો આપવી જોઈએ."

ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














