You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાંગ્લાદેશને અડીને આવેલા ત્રિપુરામાં મુસલમાનો પર હુમલા કેમ થાય છે?
- લેેખક, નિયાજ ફારુકી
- પદ, બીબીસી સંવાદદાતા
"મારા ઘરે મારો ચાર વર્ષનો દીકરો અને પત્ની એકલાં જ હતાં. એમણે ઘરના પાછળના રસ્તેથી અંધારામાં ભાગવું પડ્યું."
ભારતના પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરાના નાકોટી જિલ્લાના સરહદી શહેર કૈલમાં રહેતા અબ્દુલ મન્નાન નામના એક વેપારી જણાવે છે કે મંગળવારે રાત્રે સાડા બાર વાગ્યે એક ટોળાએ એમના ઘર પર હુમલો કર્યો અને એમના ઘરમાં તોડફોડ કરી.
એમના પરિવારે ઘર છોડીને ભાગી જવું પડ્યું. હુમલા વખતે તેઓ ઘરે નહોતા. તેઓ ત્રિપુરાના પાટનગર અગરતલામાં હતા.
પૂર્વીય બાંગ્લાદેશની સરહદને અડીને આવેલું ભારતીય રાજ્ય ત્રિપુરા છેલ્લા એક અઠવાડિયાથી હિંસા થઈ રહી છે. અહીં રહેનારા મુસલમાનોનાં ઘર, વ્યવસાયનાં સ્થળ અને મસ્જિદો પર હુમલા અને તોડફોડના ઘણા બનાવ જોવા મળી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછી એક ડઝન મસ્જિદોમાં તોડફોડ કરવામાં આવી છે અથવા આગ લગાડી દેવાઈ છે, અને ઘણી જગ્યાએ મુસલમાનોનાં ઘર અને વ્યાવસાયિક સ્થાનો પર હુમલા કરવામાં આવ્યા છે.
આ રિપોર્ટ લખાય છે ત્યાં સુધીમાં કોઈની ધરપકડ કરાયાના કોઈ સમાચાર પ્રાપ્ત નથી થયા.
ત્રિપુરામાં મુસ્લિમો લઘુમતીમાં છે અને મોટા ભાગની વસ્તી હિન્દુઓની છે. એમાં બાંગ્લાદેશથી આવેલા હિન્દુઓની સંખ્યા ઘણી છે.
ઉલ્લેખનીય છે કે આજકાલ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ઘણા હુમલા થયા છે. ત્રિપુરામાં મુસલમાનો પર થઈ રહેલા હુમલાને લોકો બાંગ્લાદેશના હુમલાની પ્રતિક્રિયારૂપે જુએ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાંગ્લાદેશના કુમિલ્લા જિલ્લામાં એક પૂજા પંડાલમાં કથિત રૂપે મુસલમાનોના પવિત્ર કુરાનના અપમાન પછી હિંસાનો દોર શરૂ થયો હતો, જેમાં દેશભરનાં હિન્દુ ધાર્મિક સ્થળો, ઘરો અને ધંધા-રોજગારને નિશાન બનાવાયાં હતાં.
નોંધવું જોઈએ કે, બાંગ્લાદેશમાં થયેલા હિંસાચારમાં સામેલ તોફાની તત્ત્વો સામે સખત કાર્યવાહી કરવામાં આવી છે. હિંસક તોફાનો શરૂ થયાં કે તરત જ બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ દેશના હિન્દુ સમુદાયોની મુલાકાત લીધી હતી. સરકારે ઘણા લોકોની ધરપકડ કરી અને સરકારના મંત્રી હિંસક તોફાનોના ભોગ બનેલા હિન્દુઓને પણ મળ્યા હતા.
ત્રિપુરાના હિંસક તોફાનનો ભોગ બનેલા અબ્દુલ મન્નાને પોલીસને તપાસ માટે સીસીટીવી ફૂટેજ આપી દીધા છે, પણ તેઓ પોતાની સુરક્ષા બાબતે ચિંતિત છે.
તેઓ જણાવે છે, "હું 44 વર્ષનો છું, પણ મેં અહીં ક્યારેય આવું નથી જોયું. હવે જીવવું મુશ્કેલ બની ગયું છે."
મામલો શો છે?
હુમલાની આગલી રાત્રે, વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના સભ્યોએ કથિત રીતે એમના ઘર પર ભગવો ઝંડો લહેરાવ્યો હતો.
અબ્દુલ મન્નાન જાણીતા વેપારી છે અને રાજ્ય વિધાનસભાના એક સદસ્યના નજીકના સગા છે. તેમ છતાં, પોતાના ઘર પર થયેલા હુમલાને અટકાવી ન શક્યા.
તેઓ જણાવે છે, "અમે જ્યાં રહીએ છીએ ત્યાં મુસ્લિમોનાં માત્ર 5-10 ઘર જ છે. જો હુમલા થતાં નહીં અટકે તો અમારે એવી જગ્યાએ જઈને રહેવું પડશે જ્યાં મુસલમાનોની વસ્તી વધારે હોય."
ત્રિપુરામાં મુસલમાનોની જનસંખ્યા 10 ટકાથી ઓછી છે. અહીં મુસલમાનો કોઈ એક જગ્યાએ નથી રહેતાં, બલકે આખા રાજ્યમાં ફેલાયેલા છે.
છેલ્લાં ઘણાં વરસોથી ત્રિપુરા શાંતિપૂર્ણ રહ્યું છે પણ અહીંના સ્થાનિક હિન્દુઓ અને બાંગ્લાદેશી શરણાર્થીઓ વચ્ચે થતી હિંસાનો પણ એક ઇતિહાસ છે.
છેલ્લાં કેટલાંક વર્ષોની શાંતિ અને કાયદા-વ્યવસ્થાને લીધે રાજ્યને પોતાની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ મળી છે. ભારતની 'ઍક્ટ ઈસ્ટ પૉલિસી'માં ત્રિપુરાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે કેમ કે એનાથી બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો મજબૂત થયા છે.
જમાત-એ-ઉલેમા (હિન્દ) તરફથી ત્રિપુરાના મુખ્ય મંત્રીને અપાયેલી એક અરજી અનુસાર છેલ્લા કેટલાક દિવસથી વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ જાગરણ મંચ જેવાં રૂઢિવાદી સંગઠનોએ રાજધાની ત્રિપુરા અને રાજ્યનાં અન્ય શહેરો તથા કસબામાં વિરોધ-પ્રદર્શન કર્યાં છે, જે કથિત રીતે સ્થાનિક મુસલમાનો વિરુદ્ધના આક્રોશમાં બદલાઈ ગયાં.
જમાતે પ્રદર્શનકારીઓ પર મસ્જિદો અને મુસલમાનોનાં ઘરને નિશાન બનાવ્યાંનો આરોપ પણ મૂક્યો છે.
આ બાબતે વીએચપીના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલ એમ કહે છે કે હુમલા એમના કાર્યકર્તાઓ દ્વારા નથી થયા, બલકે એનાથી ઊંધું થયું છે. પાસેની મસ્જિદ અને ઘરોમાંથી એમના (પ્રદર્શનકારીઓ) પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
તેમનો દાવો છે કે કેટલાક લોકો તો તલવારો લઈને પણ પ્રદર્શનકારીઓ તરફ દોડ્યા હતા અને નજીકની દુકાનોને આગ લગાડી દીધી હતી.
તેમણે જણાવ્યું કે, "વીએચપી-બજરંગદળ સ્થાનિક લોકોના વિરોધમાં નથી પણ એમનું પ્રદર્શન બાંગ્લાદેશમાં હિન્દુઓની આસ્થા પર જે રીતના પ્રહાર થયા એની વિરુદ્ધ હતું. પ્રશાસને આખી ઘટનામાં જેહાદીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ."
એમણે એમ પણ જણાવ્યું કે છેલ્લા એક અઠવાડિયાથી વીએચપી એકલા ત્રિપુરામાં જ નહીં પણ આખા દેશમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાનો વિરોધ પ્રદર્શિત કરવા રેલીઓ યોજી રહ્યું છે. આવી રેલીઓ કાઢવી એ એમનો અધિકાર છે.
ત્રિપુરામાં થયેલા તોફાનમાં જાનહાનિ થયાના હજુ સુધી કોઈ સમાચાર મળ્યા નથી, પણ ઘણી જગ્યાએ તણાવપૂર્ણ વાતાવરણ છે. રાજ્યના ઉત્તર ભાગનાં તોફાનો વિશે પોલીસે દાવો કર્યો છે કે સ્થિતિ 'નિયંત્રણમાં' છે.
મ્યુનિસિપલ ચૂંટણીઓ
તોફાનગ્રસ્ત ઘણા વિસ્તારોમાં પોલસે ભારતીય દંડસંહિતાની 144ની કલમ અમલમાં મૂકી છે, જેના અંતર્ગત કોઈ પણ સ્થળે ચાર કરતાં વધુ લોકો ભેગા ન થઈ શકે.
ત્રિપુરા સ્ટુડન્ટ્સ ઑર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયા (એસઆઇઓ)ના અધ્યક્ષ શફીકુલ રહમાન માને છે કે ત્રિપુરામાં ચાલતાં તોફાનો અને તણાવનું એકમાત્ર કારણ બાંગ્લાદેશમાં થયેલાં હિંસક તોફાનો નથી પરંતુ આવતા મહિને થનારી નગરપાલિકાની ચૂંટણી પણ છે.
રહમાન જણાવે છે કે, "નગરપાલિકાની ચૂંટણી એવા સમયે થવાની હતી જ્યારે કોરોના મહામારી ટોચ પર હતી, પણ સરકાર મહામારી ફેલાયાની તરત બાદ ચૂંટણી કરાવવા નહોતી ઇચ્છતી. પણ જેવાં તોફાનો શરૂ થયાં કે તરત જ સરકારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે."
એમનો દાવો છે કે હાલના ઘટનાક્રમો પછી બધા હિન્દુઓ એવા એકજૂથ બની ગયા છે કે કોઈ પણ પાર્ટી હિંસા વિશે બોલવા તૈયાર નથી. એમાં વિપક્ષો પણ આવી જાય છે.
મુસલમાનોને બીક
મસ્જિદો અને મુસ્લિમ ઘરોની તોડફોડની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. એક વીડિયોમાં એક મહિલા પોલીસ અધિકારી વિરોધ ન કરવા અને શાંતિ જાળવી રાખવામાં મદદ કરવાની મુસલમાનોને વિનંતી કરી રહ્યાં છે. સ્થાનિક લાકોએ બીબીસીને આ વીડિયો અંગે પુષ્ટિ આપી છે.
મહિલા અધિકારી કહી રહ્યાં છે કે પોલીસ બધાનું રક્ષણ કરશે. પણ વીડિયોમાં દેખાય છે કે સ્થાનિક મુસલમાનો પોલીસ પર વિશ્વ હિન્દુ પરિષદની રેલીઓ ન રોક્યાનો આરોપ મૂકી રહ્યા છે.
ત્રિપુરા સ્ટુડન્ટ્સ ઑર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ શફીકુલ રહમાન જણાવે છે કે, "કેટલીક મસ્જિદોની મુલાકાત લીધી પણ તંગ વાતાવરણને લીધે હિન્દુઓની બહુમતીવાળા વિસ્તારોની મસ્જિદોમાં નથી જઈ શકાયું."
રહમાન જણાવે છે કે, "આખા ત્રિપુરાના મુસ્લિમો ડરી ગયા છે. એમણે બધા હિન્દુ યુવાનોને 'કટ્ટરપંથી' બનાવી દીધા છે."
ઉત્તર ત્રિપુરામાં રહેતાં તાનિયા ખાનમ એમ કહે છે કે આખા રાજ્યમાં હિન્દુ રૂઢિવાદી પાર્ટીઓ રેલીઓ યોજી રહી છે અને મુસ્લિમવિરોધી સૂત્રો પોકારી રહી છે.
ખાનમ જણાવે છે કે, "મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આવું થશે. ત્રિપુરામાં પહેલાં ક્યારેય આવું નથી થયું."
પ્રશાસનનાં તોફાનો સામેનાં પગલાં અંગે પણ સ્થાનિક લોકોમાં નારાજી જોવા મળે છે. તાનિયા ખાનમ જણાવે છે કે, "તોફાનો કેટલાય દિવસથી થઈ રહ્યાં હતાં, પણ જેવો મુસલમાનોએ તોફાનોનો વિરોધ કર્યો કે તરત જ પોલીસે 144ની કલમ જાહેર કરી દીધી."
એમની આ વાત સાથે શફીકુલ-ઉર-રહમાન સંમત છે અને કહ્યું કે, "એ લોકો જ્યારે મસ્જિદોને આગ ચાંપીને જતા રહે છે ત્યારે પ્રશાસન 144ની કલમ લગાડે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો