બાંગ્લાદેશ: શેખ હસીનાએ હિંદુઓની સુરક્ષા મામલે ભારતને ચેતવણી કેમ આપી?

    • લેેખક, શકીલ અનવર
    • પદ, બીબીસી બાંગ્લા સર્વિસ

બાંગ્લાદેશમાં દુર્ગાપૂજાના અવસરે હિંદુ મંદિરો પર હુમલાના 2 દિવસ પછી બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ દોષીઓને સખત સજા આપવાની વાત કરી અને અને હિંદુઓને રક્ષણ આપવની વાતનું પુનરાવર્તન કર્યું છે. શેખ હસીના સતત સ્થાનિક લઘુમતી હિંદુઓની સુરક્ષાને લઈને બોલતાં રહ્યાં છે, પરંતુ બુધવારે તેમણે રીતે હિંદુઓની સુરક્ષાને ભારતના નેતાઓ સાથે જોડી, તે એક અપવાદ હતો.

શેખ હસીનાએ કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષાને લઈને ભારતે પણ સાવચેત રહેવું જોઈએ, ભારતમાં એવું કંઈ ન થવું જોઈએ, જેની અસર બાંગ્લાદેશના હિંદુઓ પર પડે.

બાંગ્લાદેશના પૂર્વ વિદેશ સચિવ તૌહિદ હુસૈને બીબીસીની બાંગ્લા સેવાને જણાવ્યું હતું કે આવું પહેલી વખત થયું છે, જ્યારે બાંગ્લાદેશના ટોચના નેતૃત્વ તરફથી સીધી રીતે ભારતની આંતરિક ઘટનાઓ પર ચિંતા દર્શાવવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે, "સામાન્ય રીતે અમે ભારતને આ પ્રકારનો સ્પષ્ટ સંદેશો નથી આપતા. ભલે તેને લઈને વાતચીત થઈ રહી હોય. ભારતમાં સત્તાધારી ભાજપના સૌથી શક્તિશાળી વ્યક્તિએ પણ બાંગ્લાદેશને લઈને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો, ત્યારે પણ અમે આટલી સીધી રીતે વાત નહોતી કરી."

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં અમિત શાહે બાંગ્લાદેશથી આવતા ગેરકાયદે પ્રવાસીઓને લઈને કડક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેને લઈને બાંગ્લાદેશમાં ઘણો વિરોધ થયો હતો.

તેમ છતાં સરકાર તરફથી કંઈ પણ ખુલીને કહેવાયું નહોતું. બુધવારે શેખ હસીનાએ જે કંઈ પણ કહ્યું, તેને અપવાદ તરીકે જોવામાં આવી રહ્યું છે.

શેખ હસીના ભારતને કહેવા શું માગે છે?

તૌહિદ હુસૈન જણાવે છે, "સંદેશ સ્પષ્ટ છે. બાંગ્લાદેશે ભારતમાં થતી સાંપ્રદાયિક ઘટનાઓ પર પ્રતિક્રિયા આપી છે. શેખ હસીનાએ સ્પષ્ટ જણાવી દીધું છે કે ભારતે તેના પર ધ્યાન આપવું જોઈએ. તેમનું નિવેદન સંપૂર્ણ રીતે સાચું છે, કારણ કે અમે વર્ષ 1992માં બાબરી વિધ્વંસ પછી શું થયું હતું, તે જોયું છે.

વર્ષ 2014માં ભાજપની સરકાર બની એ પછી ભારતમાં ધર્મનિરપેક્ષતાના ભવિષ્યને લઈને સતત ચર્ચા થઈ રહી છે. ભારતમાં મુસલમાનો સાથે ભેદભાવના સમાચારો સતત આવતા રહે છે. એવા અનેક ઉદાહરણો છે, જ્યારે ધાર્મિક કારણોને લઈ એક ખાસ સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવ્યા હોય.

સરકાર ઉપર પણ કટ્ટર હિંદુવાદી સમર્થકોને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગતો રહ્યો છે.

મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ બાંગ્લાદેશના નિરીક્ષકોમાં એ વાતને લઈને સહમતી છે કે આવામી લીગની સરકાર પડોશી દેશ ભારતમાં કથિત મુસલમાન વિરોધી રાજનીતિથી અસહજ છે અને તેની અસર બાંગ્લાદેશ પર પડી રહી છે.

આવામી લીગ પોતાને ધર્મનિરપેક્ષ પાર્ટી તરીકે રજૂ કરે છે અને તેનો પ્રયત્ન એ રહે છે કે ધાર્મિક અતિવાદ અને ધર્મ આધારિત રાજનીતિના મૂળિયાં મજબૂત ન બને.

ગત વર્ષે ભારતમાં વિવાદિત નાગરિક સુધારા કાયદો બન્યો એ પછી બાંગ્લાદેશના ઓછામાં ઓછા 2 મંત્રીઓનો ભારત પ્રવાસ રદ કરી દેવામાં આવ્યો હતો.

તૌહિદ હુસૈન જણાવે છે કે, "ભારતમાં સાંપ્રદાયિક રાજનીતિના પ્રસારનો માહોલ આવામી લીગની સરકારને અસહજ અનુભવ કરાવે છે. જ્યારે મોટા પડોશી દેશમાં ધાર્મિક અતિવાદ વધે તો તેની અસર બાંગ્લાદેશ પર પણ પડે એવો વિચાર સ્વાભાવિક છે અને એક બિનસાંપ્રદાયિક દેશ તરીકેની ભારતની છબિ નબળી પડી છે."

તૌહિદ રાજદૂતાવાસની કામગીરી માટે 9 વર્ષ સુધી ભારતમાં રહી ચૂક્યા છે.

તૌહિદ જણાવે છે, "હું એમ નથી કહી રહ્યો કે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ આદર્શ છે. અહીં પણ સાંપ્રદાયિક રાજનીતિ છે. અહીં પણ ફિરકાપરસ્ત લોકો છે, પરંતુ મારું માનવું છે કે ભારતની સ્થિતિ વધારે ખરાબ છે. ભાજપ સરકાર દેશમાં કાયદા મારફતે સાંપ્રદાયિક વિભાજનની લાઇન દોરી રહી છે. તેને એમ કરવામાં સફળતા પણ મળી છે. લાંબા સમય પછી ભારતમાં એક પાર્ટી ખુલીને સાંપ્રદાયિક રાજનીતિને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે ભારતના સમાજમાં સાંપ્રદાયિકતા પગપેસારો કરી ચૂકી છે એમ કહેવું ખોટું નથી."

શું ભારત આની પરવા કરશે?

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં દક્ષિણ એશિયાના રાજકારણના વિષયને ભણાવતા પ્રોફેસર સંજય ભારદ્વાજ શેખ હસીનાનાં નિવેદનથી સહમત છે.

તેમનું કહેવું છે કે "ભારતની રાજનીતિની અસર બાંગ્લાદેશ પર સીધી રીતે પડે છે. જોકે તેઓ એ પણ કહે છે કે દક્ષિણ એશિયામાં ધર્મ, જાતિ, ક્ષેત્ર અને વંશિય રાજનીતિ કોઈ નવી વાત નથી."

પરંતુ તેઓ એ વાતથી સહમત છે કે ભારતની સાંપ્રદાયિક રાજનીતિની અસર બાંગ્લાદેશના લઘુમતીઓ પર પડે છે.

ભારદ્વાજ કહે છે, "બાંગ્લાદેશના બંધારણમાં ઇસ્લામ રાજકીય ધર્મ છે પરંતુ શેખ હસીનાએ લઘુમતીઓના અધિકારો માટે કામ કર્યું છે. ભારતમાં બહુમતવાદની રાજનીતિની અસર અહીંના લઘુમતીઓ એટલે કે મુસલમાનો પર પડે છે."

"પરંતુ ભારતનું લોકતંત્ર હજુ પણ મજબૂત છે અને ભારત હજુ પણ સત્તાવાર હિંદુ રાષ્ટ્ર નથી બન્યું. અને મને નથી લાગતું કે નરેન્દ્ર મોદીના સાત વર્ષના શાસનમાં મુસલમાનો માટે કોઈ મોટું જોખમ આવ્યું છે."

સંજય ભારદ્વાજ કહે છે કે "ભારતની સરકારે શેખ હસીનાના સંદેશને સકારાત્મક રીતે લેવો જોઈએ. જો ભારત બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા ઇચ્છે છે, તો ભારતમાં પણ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. મને લાગે છે કે ભાજપના ટોચના નેતૃત્ત્વે આ સમજવું જોઈએ."

બાંગ્લાદેશના પૂર્વ વિદેશ સચિવ તૌહિદ હુસૈનને લાગે છે કે, ભાજપની સરકારે શેખ હસીનાનાં નિવેદને ખાસ મહત્ત્વ નથી આપ્યું.

તેઓ કહે છે, "ભાજપનો એજન્ડા સ્પષ્ટ છે. તેઓ જાણે છે કે સાંપ્રદાયિક રાજનીતિ સત્તા માટે કરે છે. સત્તામાં આવતા પૂર્વે ભાજપે ભારતમાં આર્થિક વિકાસનો વાયદો કર્યો હતો. ગુજરાત મૉડલની વાત કરી હતી. પરંતુ કંઈ થયું નહીં. મને નથી લાગતું કે ભાજપ પાસે આર્થિક મોરચે કરવા માટે કંઈ છે. આથી ધર્મ તેમનો એક માત્ર સહારો છે."

તૌહિદને લાગે છે કે, "શેખ હસીનાએ ભારત પર આંગળી ચીંધીને પોતાનાં દેશમાં રાજકીય માઇલેજ મેળવી લીધું છે. શેખ હસીનાની છબિ એવી હતી કે તેઓ ભારત મામલે ચુપકીદી સેવી લે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો