NEET પ્રવેશમાં EWS અનામતનો વિવાદ શું છે?
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ને પરિભાષિત કરવાની કેન્દ્ર સરકારની પદ્ધતિ પર સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યા છે અને પૂછ્યું છે કે 'વાર્ષિક રૂપિયા આઠ લાખની આવક'નો માપદંડ કેવી રીતે નક્કી કરવમાં આવ્યો હતો?
આને પગલે ફરી એક વખત ઇડબલ્યૂએસનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, GETTY IMAGES
આ પહેલાં જુલાઈ મહિનામાં જ્યારે કેન્દ્ર સરકારે નેશનલ ઍલિજિબિલિટી ઍન્ટ્રસ ટેસ્ટ (NEET)માં પ્રવેશ માટે જાહેરાત બહાર પાડી હતી, ત્યારે પણ આ મુદ્દો ચર્ચાયો હતો.
કેન્દ્ર સરકારે એ જાહેરાતમાં તમામ મેડિકલ તથા ડેન્ટલ કૉલેજોમાં અંડર-ગ્રૅજ્યુએટ તથા પોસ્ટ-ગ્રૅજ્યુએટ જગ્યાઓ માટે ભારતીય ક્વૉટા યોજના હેઠળ OBC (અન્ય પછાત વર્ગ) તથા EWSને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી.

વિવાદનું કારણ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
1986માં સુપ્રીમ કોર્ટે દેશનાં તમામ રાજ્યોની મેડિકલ કૉલેજોમાં 'ઑલ ઇન્ડિયા ક્વૉટા' લાગુ કર્યો હતો, જેના હેઠળ આવતી બેઠકો રાજ્યો દ્વારા કેન્દ્ર સરકારને આપવામાં આવે છે.
વર્ષ 2007 સુધી તેમાં અનામતની જોગવાઈ નહોતી.
સુપ્રીમ કોર્ટે પોતાના નવા નિર્દેશોમાં કહ્યું હતું કે દરેક રાજ્યોની મેડિકલ કૉલેજોએ અંડર-ગ્રૅજ્યુએટની કુલ બેઠકોમાંથી 15 ટકા તથા પોસ્ટ ગ્રૅજ્યુએટની કુલ પૈકી 50 ટકા બેઠકો કેન્દ્ર સરકારને આપવી.
આ પહેલાં એસસી (શિડ્યુલ્ડ કાસ્ટ) તથા એસટી (શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ) માટે અનામત લાગુ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પછી ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ)ની અનામત માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 2021માં કેન્દ્ર સરકારે તેનો સ્વીકાર કર્યો અને ઓબીસીની સાથે 10 ટકા ઇડબલ્યૂએસ અનામત પણ જાહેર કરી દીધી.
કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી જોગવાઈ મુજબ જે વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક રૂપિયા આઠ લાખથી ઓછી હોય, તેઓ જ EWS હેઠળ અનામતનો લાભ લઈ શકે છે.
કેન્દ્ર સરકારનું કહેવું છે કે નીટમાં અનામતને કારણે દર વર્ષે એમબીબીએસના 1500 તથા પોસ્ટ ગ્રૅજ્યુએશનના 2500 જેટલા વિદ્યાર્થીઓને લાભ મળશે, જેમાં ઇડબલ્યૂએસ વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે 550 તથા એક હજાર રહેશે.
આ નિર્ણય બાદ મેડિકલમાં અનુસ્નાતકના અભ્યાસની તૈયારી કરી રહેલા લગભગ 45 વિદ્યાર્થી તથા બે જૂથે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા તથા પીજીની પરીક્ષામાં તેને લાગુ થતી અટકાવવાની માગ કરી.
સર્વોચ્ચ અદાલતમાં તમામ અરજીઓ પર સામૂહિક રીતે સુનાવણી ચાલી રહી છે.
અરજદાર વિદ્યાર્થીઓનાં સમૂહનાં વકીલ તન્વી દુબેના કહેવા પ્રમાણે, આ અનામતને પડકારવા માટે અનેક આધાર છે.
દુબે કહે છે, "તાજેતરના ઓબીસી તથા ઇડબલ્યૂએસ અનામતને પગલે કુલ અનામતની ટકાવારી 50 ટકા કરતાં વધી જશે, જે સુપ્રીમ કોર્ટના જ એક ચુકાદાની વિરુદ્ધ છે."
"ઇડબલ્યૂએસની પાત્રતા કયા આધારે નક્કી કરવામાં આવી, તેના વિશે કોઈ માહિતી સાર્વજનિક નથી કરવામાં આવી. પોસ્ટ ગ્રૅજ્યુએશમાં કેટલી બેઠકો વધારવામાં આવી છે, એના વિશે પણ વિદ્યાર્થીઓને કોઈ માહિતી આપવામાં નથી આવી."
"સાથે જ ઇડબલ્યૂએસ અનામત માટે કરવામાં આવેલા બંધારણીય સુધારાને પણ સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો છે."
ગત સુનાવણી દરમિયાન (7 ઑક્ટોબર)ના સુપ્રીમ કોર્ટે અનામતના આધાર પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જવાબ દાખલ કરવામાં આવ્યો ન હોવાથી જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ, જસ્ટિસ વિક્રમનાથ તથા જસ્ટિસ બી. વી. નાગરત્નાની ખંડપીઠે કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા કહ્યું છે.
ચાલુ વર્ષની નીટ પરીક્ષાનાં પરિણામો જાહેર થઈ ગયાં છે, પરંતુ આ અંગે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હોવાથી પોસ્ટ ગ્રૅજ્યુએશનની બેઠકો માટે કાઉન્સેલિંગ શરૂ નથી કરાયું.

સુપ્રીમના સવાલ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ગરુવારે સુનાવણી દરમિયાન ત્રણ જજોની ખંડપીઠે પૂછ્યું, "ઇડબલ્યૂએસ માટે માપદંડ નક્કી કરતા પહેલાં કોઈ અભ્યાસ હાથ ધરવમાં આવ્યો હતો? જો તેનો જવાબ 'હા' હોય તો તેનો અહેવાલ રેકૉર્ડ પર મૂકવો."
"આ માપદંડોને નક્કી કરતી વેળાએ શહેરી તથા ગ્રામીણ વિસ્તાર વચ્ચેના તફાવતને ધ્યાને લેવામાં આવ્યો હતો?"
જોકે સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચુડે એ પણ કહ્યું કે ઇડબલ્યૂએસ માપદંડ નક્કી કરવાનું કામ કેન્દ્ર સરકારનું છે, આ નીતિગત નિર્ણય છે પરંતુ તેની બંધારણીયતા નિર્ધારિત કરવા માટે તેની પાછળનાં કારણો જાણવાનો કોર્ટને અધિકાર છે.
સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા ઍડિશનલ સૉલિસિટર જનરલ કે. એમ. નટરાજે કોર્ટને ખાતરી આપી હતી કે આગામી બે-ત્રણ દિવસમાં જવાબ દાખલ કરી દેવાશે.

EWSની પાત્રતા

ઇમેજ સ્રોત, Getty Images
બંધારણમાં 103મો સુધારો કરીને જાન્યુઆરી-2019માં કેન્દ્ર સરકારે સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા અનામતની જોગવાઈ કરી હતી.
આ બંધારણીય સુધારાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે તથા બંધારણીય બેન્ચ દ્વારા તેની સુનાવણી કરવામાં આવી રહી છે, પરંતુ તેનો ચુકાદો નથી આવ્યો.
પરિવારની વાર્ષિક રૂપિયા આઠ લાખની આવકમર્યાદા નિર્ધારિત કરવા માટે પરિવારની વ્યાખ્યામાં માતાપિતા, 18 વર્ષથી ઓછી ઉંમરનાં ભાઈ-બહેન તથા 18 વર્ષથી ઓછી ઉંમરનાં સંતાનોને સામેલ કરવામાં આવ્યાં હતાં.
આ સાથે કેટલાક અપવાદ પણ ઉમેરવામાં આવ્યા હતા, જેમ કે :
- પાંચ એકર કે એના કરતાં વધુ ખેતીલાયક જમીન હોય.
- એક હજાર સ્ક્વેર ફૂટ કે એથી વધારે મોટો ફ્લૅટ હોય.
- નગરપાલિકાના વિસ્તારમાં 100 સ્ક્વેર યાર્ડ કે એથી મોટો પ્લૉટ હોય.
- નગરપાલિકા સિવાયના વિસ્તારમાં 200 સ્ક્વેર યાર્ડ કે એથી વધુ વિસ્તારનો પ્લૉટ હોય તો તેને આ અનામતનો લાભ ન મળી શકે.

અનામતનો આધાર અને સીટોની સંખ્યા અંગે 'અ'સ્પષ્ટતા

ઇમેજ સ્રોત, Getty Images
ભલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ ન કર્યો હોય, પરંતુ સામાજિક ન્યાયમંત્રીએ ચાલુ વર્ષે ઑગસ્ટ મહિનામાં તેનો જવાબ આપ્યો હતો.
ડૉ. મનમોહનસિંહના નેતૃત્વવાળી યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ ઍલાયન્સ) સરકારે વર્ષ 2006માં આર્થિક રીતે પછાત લોકો માટે એક કમિશનનું ગઠન કર્યું હતું. જેના અધ્યક્ષ નિવૃત્ત મેજર જનરલ એસ. આર. સિન્હો હતા.
2010માં પંચે પોતાનો રિપૉર્ટ સોંપ્યો હતો, જેને આધારરૂપ ગણીને ચર્ચા-મસલત કર્યા બાદ ઇડબલ્યૂએસની વ્યાખ્યા તથા તેના માપદંડ નક્કી કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.
નીટમાં ઓબીસી તથા ઇડબલ્યૂએસ અનામતની જાહેરાત કરતી વેળાએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દાવો કર્યો હતો કે ગત સાત વર્ષ (2014-2020) દરમિયાન એમબીબીએસ (બૅચલર ઑફ મૅડિસિન ઍન્ડ બૅચલર ઑફ સર્જરી)ની બેઠકમાં 56 ટકા વધારો થયો છે, જ્યારે અનુસ્નાતક કક્ષાની બેઠકોમાં 80 ટકા વૃદ્ધિ થઈ છે.
કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ અરસામાં નવી લગભગ 179 મેડિકલ કૉલેજ ઊભી કરવામાં આવી છે. આજે દેશમાં 289 સરકારી તથા 269 ખાનગી એમ કુલ 558 મેડિકલ કૉલેજ છે.
અરજદાર વિદ્યાર્થી ડૉ. નીલના કહેવા પ્રમાણે, "અમે અનામતના વિરોધમાં નથી, પરંતુ સરકારે પ્રેસવિજ્ઞપ્તી મારફતે મેડિકલની બેઠકોની સંખ્યા વધવાની વાત કરી છે, પરંતુ કઈ કૉલેજમાં કેટલી બેઠક વધારવામાં આવી છે, તેના વિશે કોઈ માહિતી આપવામાં નથી આવી."
"પરીક્ષાપ્રક્રિયાની શરૂઆતમાં આ વાતની જાહેરાત કરવામાં નહોતી આવી. આથી જે વિદ્યાર્થીઓ અનામતને પાત્ર નથી તેમને ભારે નુકસાન થશે."
"જો કોરોનાની મહામારી ન આવી હોત, તો આ વખતે નીટની પરીક્ષા અંગે નિર્ણય અગાઉથી લેવાઈ ગયો હોત. આ વખતે અનામત લાગુ ન કરવી જોઈએ."
આ મુદ્દે વધુ સુનાવણી આવતા ગુરુવારે (28મી ઑક્ટોબર) થશે. આ વર્ષે હજુ સુધી પીજીનું કાઉન્સેલિંગ શરૂ નથી થયું તેમને આશા છે કે આગામી તારીખે કોર્ટ આના વિશે કોઈ નિર્ણય લેશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












