ઉત્તરાખંડ: નૈનીતાલની શાન સમાન 'નૈની' તળાવ કાળમુખું કેમ બન્યું?
- લેેખક, રોહિત જોશી
- પદ, બીબીસી ગુજરાતી માટે
રેકોર્ડબ્રૅક વરસાદને કારણે ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં ભારે તારાજી ફેલાવા પામી છે. વરસાદની સૌથી વધુ અસર તળાવો માટે વિખ્યાત ટુરિસ્ટ સ્પૉટ નૈનીતાલ ખાતે જોવા મળી રહી છે.
કોસી, ગૌલા, રામગંગા અને મહાકાળી સહિત આ વિસ્તારની તમામ નદીઓમાં જળસ્તર ખતરનાકસ્તરે વહી રહ્યું છે. સંખ્યાબંધ ભૂસ્ખલનોને કારણે અનેક જગ્યાએ મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે તથા અનેક રસ્તા ઉપર અવરોધ ઊભા થયા છે.

ઇમેજ સ્રોત, Bharti Joshi/BBC
કુમાઉના ડીઆઈજી નીલેશ ભરણેએ બીબીસીને જણાવ્યું, "અત્યાર સુધીમાં 50 લોકોનાં મૃત્યુ થયા છે તથા છેવાડાના વિસ્તારમાં બચાવ કામગીરી ચાલી રહી છે."
એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃતકોની સંખ્યા વધે છે.
ભરણેએ જણાવ્યું : "અલગ-અલગ વિસ્તારોમાં ઑપરેશન હાથ ધરવામાં આવ્યા છે. નૈનીતાલ જિલ્લાના મુક્તેશ્વર તથા રામગઢ વિસ્તારોમાં સૌથી વધુ અસર થઈ છે. જે સ્થળોએ ગાડીઓ પહોંચી શકે તેમ નથી ત્યાં બચાવકર્મીઓ પગપાળા પહોંચી રહ્યા છે."
અગાઉ નૈનીતાલ જતા રસ્તાઓ પર કાટમાળને કારણે અવરોધ ઊભો થયો હતો, પરંતુ હવે રસ્તા ખુલી ગયા છે અને ટ્રાફિક સામાન્ય થઈ ગયો છે એમ પણ ભરણેએ ઉમેર્યું હતું.

124 વર્ષનો સૌથી વધુ વરસાદ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઉત્તરાખંડના હવામાન ખાતા દ્વારા નોંધવામાં આવેલા આંકડા પ્રમાણે, કુમાઉ વિસ્તારમાં ગત 124 વર્ષનો સૌથી વધુ વરસાદ પડ્યો છે. ડાયરેક્ટર બિક્રમસિંહના જણાવ્યા પ્રમાણે, "1897માં નૈનીતાલ જિલ્લાના મુક્તેશ્વર ખાતે પ્રથમ વખત હવામાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી."
"ઐતિહાસિક આંકડા ઉપર નજર કરવામાં આવે તો તા. 18મી સપ્ટેમ્બર 1914ના દિવસે સૌથી વધુ 254.5 એમએમ વરસાદ નોંધાયો હતો. જ્યારે ગત 24 કલાક દરમિયાન મુક્તેશ્વર હવામાન કેન્દ્ર ખાતે 340.8 મીમી વરસાદ નોંધાયો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવી જ રીતે કુમાઉના મેદાની વિસ્તારોમાં પણ વરસાદનો રેકોર્ડ તૂટ્યો છે. પંતનગર હવામાન કેન્દ્ર ખાતે 24 કલાક દરમિયાન 403.2 મીમી વરસાદ નોંધાયો હતો. અગાઉ મહત્તમ 228 મીમી (તા. 10 જુલાઈ, 1990) વરસાદ નોંધાયો હતો.
બિક્રમસિંહના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં ઉઠેલા ભેજવાળા પવન પશ્ચિમી વિક્ષોભને કારણે 75 અંશ પૂર્વની તરફ અટકી ગયા હતા, જેના કારણે ભેજવાળી હવાઓ ઉપર ગઈ હતી અને ભારે વરસાદ થયો હતો.
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, દરેક કેન્દ્ર ખાતે ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. જે એક અભૂતપૂર્વ સ્થિતિ છે. હાલમાં સ્થિતિ ટળી ગઈ છે તથા હવામાન સામાન્ય થઈ જશે.

નૈની તળાવ છલકાયું

ઇમેજ સ્રોત, Bharti Joshi/BBC
ભારે વરસાદને કારણે નૈનીતાલનું વિખ્યાત નૈની તળાવ ઓવરફ્લૉ થવાને કારણે મલ્લીતાલમાં નૈનાદેવી મંદિર પરિસર, મૉલ રોડ, તલ્લીતાલમાં નવા બજાર વિસ્તારમાં પાણી ધસી ગયા હતા તથા અનેક દુકાનો તથા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા.
તલ્લીતાલમાં રહેતા રાજીવ શાહ લોચને જણાવ્યું, "અમે ચારેય તરફ પાણીથી ઘેરાઈ ગયા છે, જાણે કે કોઈ ટાપુ ઉપર હોઈએ. આ ખૂબ જ ભયાનક સ્થિતિ છે. અમે આખી રાત ડરી-ડરીને કાઢી છે."
તલ્લીતાલ કૃષ્ણાપુરમાં રહેનારાં પ્રિયંકા બિષ્ટના કહેવા પ્રમાણે, "મેં મારી જિંદગીમાં આ તળવાનાં પાણીને આવી રીતે ઓવરફ્લૉ થતાં ક્યારેય નથી જોયું. તળાવમાંથી નીકળતું પાણી નવા બજાર તથા ભવાલી રોડ પર દુકાનો તથા ઘરોમાં ભરાઈ રહ્યું છે. લોકોને ભારે નુકાસન થયું છે."
નૈનીતાલ શહેરમાં રહેતા પર્યાવરણવિદ્દ તથા ઇતિહાસકાર શેખર પાઠક કહે છે, "નૈનીતાલના ઇતિહાસ ઉપર નજર કરીએ તો 1920- '21માં પણ આવો જ વરસાદ થયો હતો. આ પહેલાં વર્ષ 1880માં તા. 14થી 18 સપ્ટેમ્બર દરમિયાન નૈની તળાવની ઉપરની તરફ પહાડોમાં ભારે ભૂસ્ખલન થયું હતું. જેના કારણે 155 લોકોનાં મૃત્યુ થયા હતા. આ વખતના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિએ અહીં ભયનું વાતાવરણ ઊભું કરી દીધું હતું."
પાઠક ઉમેરે છે, "નૈનીતાલ તળાવ ઇતિહાસમાં આટલું બધું ઓવરફ્લૉ અગાઉ ક્યારેય નથી થયું. એક તરફ ભારે વરસાદ થયો છે. બીજી કારણ લૅકબ્રીજ છે. જેમાં પાણીના વહેણ માટે અણસમજપૂર્વક જગ્યા રાખવામાં આવી છે. વરસાદને કારણે તળાવમાં પાણી ઠાલવતાં નાળામાં એટલું પાણી આવ્યું કે તેની ઝડપ જેટલો પાણીનો નિકાલ ન થયો. જેના કારણે તલ્લીતાલ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું."
નૈનીતાલ જિલ્લાના જ રામગઢ, રામનગર કૈંચી, ઓખલકાંડા તથા અન્ય વિસ્તારો ઉપરાંત ઉધમ સિંહ નગર, અલમોડા, બાગેશ્વર, પિથોરાગઢ તથા ચંપાવત જિલ્લામાં પણ પૂર તથા ભૂસ્ખલનની ઘટનાઓને કારણે લોકોને ભારે અસર પહોંચી છે.
ઉત્તરાખંડ સરકાર દ્વારા પોતાના સાધનો સાથે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ કામમાં કેન્દ્ર સરકાર દ્વારા પણ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. વાયુદળના બે હેલિકૉપ્ટર અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામી એ અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈનિરીક્ષણ કર્યું હતું અને લોકોને ધીરજ અને સંયમ જાળવી રાખવાની અપીલ કરી હતી.

આપદાનું મૂળ

ઇમેજ સ્રોત, Bharti Joshi/BBC
સામાન્ય રીતે ચોમાસું પૂરું થયા બાદ ઑક્ટોબર મહિનામાં આ પ્રકારના વરસાદ અંગે પર્યાવરણવિદ્દો તથા વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓ મૌસમચક્રમાં થઈ રહેલા ફેરફારોના સ્પષ્ટ સંકેત છે.
પીપલ્સ સાયન્સ યુનિવર્સિટી સાથે સંકળાયેલા વરિષ્ઠ વિજ્ઞાની તથા પર્યાવરણવિદ્દ રવિ ચોપડાના કહેવા પ્રમાણે, "એવું સતત જોવાયું છે કે અગાઉ ચોમાસામાં જે વરસાદ થતો હતો, તેનું વલણ બદલાઈ ગયું છે. 1980ના દાયકાથી જ વિજ્ઞાનીઓએ ચેતવવાનું શરૂ કરી દીધું હતું કે વાતાવરણનું તાપમાન વધશે. વરસાદના દિવસો ઘટશે, પરંતુ ભારે વરસાદ પડશે. ચાલુ વર્ષે તથા દરવર્ષે આમ થતું જોઈ શકાય છે."
રવિ ચોપડાનું કહેવું છે કે ઉત્તરાખંડમાં હિમાલયના પહાડ કાચા છે, જેના માટે આ પ્રકારનો વરસાદ ખતરનાક સાબિત થાય છે. "ઉત્તરાખંડના પહાડ નબળા છે. વિશેષ કરીને મેઇન બાઉન્ડ્રી ફૉલ્ટ તથા મેઇન સેન્ટ્રલ થર્સ્ટ પાસે. આ સંજોગોમાં ભારે વરસાદને કારણે મોટાપાયે ભૂસ્ખલન થાય છે, જેના કારણે અનેક વસાહતો તેની ઝપટમાં આવે છે તથા દુર્ઘટનાઓ થાય છે."
હવામાન ખાતા દ્વારા તા. 18મી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે ડબલ રેડ ઍલર્ટ બહાર પાડવામાં આવ્યું હતું. વર્ષ 2013માં પણ આવી જ રીત ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. એ પછી ઉત્તરાખંડના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓને તહેનાત કરી દેવામાં આવ્યા હતા. આ સિવાય ચારધામની જાત્રા પણ અટકાવી દેવામાં આવી હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












