'ભારતનું અર્થતંત્ર આ વર્ષે 9.5 ટકા, 2022માં 8.5 ટકાના દરે વધવાનું અનુમાન' - Top News
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના (આઈએમએફ) મંગળવારે આપેલા નવાં અનુમાન અનુસાર ભારતીય અર્થતંત્ર 2021માં 9.5 ટકા અને 2022માં 8.5 ટકાના દરથી વધશે.
આઈએમએફ અને વિશ્વ બૅન્કની વાર્ષિક બેઠક પહેલાં વર્લ્ડ ઇકોનૉમિક આઉટલુક અપડેટના અંદાજ અનુસાર 2021માં દુનિયાનું અર્થતંત્ર 5.9 ટકા અને 2022માં 4.9 ટકાના દરથી વધવાની આશા છે.

ઇમેજ સ્રોત, jayk7
ભારતના વિકાસનો અંદાજ જુલાઈના વર્લ્ડ ઇકોનૉમિક આઉટલુક અપડેટ જેટલો જ છે.
અમેરિકાનું અર્થતંત્ર આ વર્ષે છ ટકા અને આવતા વર્ષે 5.2 ટકાના દરથી વધવાનો અંદાજ છે. ત્યારે ચીનનું અર્થતંત્ર 2021માં આઠ ટકા અને 2022માં 5.6 ટકાના દરથી વધવાનો અંદાજ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

ગુરમીત રામ રહીમ: ડેરા સચ્ચા સોદાના પ્રમુખને 18 ઑક્ટોબરે સીબીઆઈ કોર્ટ સજા સંભળાવશે

ઇમેજ સ્રોત, SUNIL SAXENA/ HINDUSTAN TIMES VIA GETTY IMAGES
ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને ડેરા અનુયાયી રંજીત સિંહની હત્યાના કેસમાં સીબીઆઈની વિશેષ અદાલત 18 ઑક્ટોબરે સજા સંભળાવશે.
ગત આઠ ઑક્ટોબરના તેમને હત્યાના આ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા.
મંગળવારના સજા પર દલીલ થઈ અને તેમને 18 ઑક્ટોબરના સજા સંભળાવશે.
પંચકુલાની સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે ગુરમીત રામ રહીમને આ મામલામાં દોષી ઠેરવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રંજીત સિંહ ડેરા પ્રબંધ સમિતિના સભ્યા હતા જેમની હત્યા 2002માં થઈ હતી, હત્યાનો આરોપ ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ પર હતો.
આ મામલામાં 2007માં ચાર્જશીટ દાખલ થઈ હતી. સીબીઆઈના વકીલ એચપીએસ વર્માએ જણાવ્યું કે સીબીઆઈ તરફથી દલીલ પૂરી થઈ ગઈ છે, અમે લોકોએ અદાલતથી આ મામલામાં અધિકતમ સજા આપવાની માગ કરી હતી. કલમ 302 હેઠખ ન્યૂનતમ સજા ઉંમરકેદ છે જ્યારે અધિકતમ સજા મોતની સજા છે."
તેમણે કહ્યું, " બચાવપક્ષના વકીલે તૈયારી માટે વધારે સમય માગ્યો હતો. જો કે તેમણે લોકોને ગુરમીત રામ રહીમના લોકોની સેવા અને કલ્યાણ માટે કરેલા કાર્યો તથા તેમની આરોગ્યસંબંધી સમસ્યાઓની વાત પણ કરી હતી."
રંજીત સિંહની હત્યા 10 જુલાઈ, 2002ના થઈ હતી.

સ્ટૉક માર્કેટના મોટા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની 'આકાશ ઍરલાઇન'ને મંજૂરી

ઇમેજ સ્રોત, Mint
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત નવી ઍરલાઇન આકાશ ઍરને ભારતમાં સંચાલન માટે નો ઑબજેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપ્યું છે.
કંપનીએ એક નિવેદનમાં સોમવારે આ માહિતી આપી હતી.
હોલ્ડિંગ કંપની, એસએનવી એવિએશન પ્રાઇવેટ લિમિટેડે કહ્યું કે નવી ઍરલાઇનનું લક્ષ્ય વર્ષ 2022ના ઉનાળા સુધી સંચાલન શરૂ કરવાનું છે. આકાશ ઍરના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા અને જેટ ઍરવેઝના પૂર્વ સીઈઓ વિનય દુબેનું સમર્થન છે.
એનડીટીવીના અહેવાલ મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ પાંચ ઑક્ટોબરે ભારતીય અર્થતંત્ર વિશે બહુ આશાવાદી દૃષ્ટિકોણ રાખતા રાકેશ ઝુનઝુનવાલા સાથે બેઠક કરી હતી.
નિવેદનમાં આકાશ ઍરના ટોચના અધિકારી-દુબેને ટાંકતા કહેવામાં આવ્યું છે કે અમે નાગરિક ઉડ્ડન મંત્રાલય દ્વારા આપવામાં આવેલા ટેકા અને એનઓસી બદલ ખૂબ ખુશ અને આભારી છીએ.
તેમણે કહ્યું, ''અમે આકાશ ઍરને સફળતાપૂર્વ શરૂ કરવા માટે આવશ્યક બધા નિયમોનાં પાલનને લઈને નિયામકીય પ્રાધિકરણની સાથે કામ કરવાનું ચાલુ રાખશું. ''
આકાશ ઍરના નિર્દેશક મંડલમાં ઇંડિગોના પૂર્વ અધ્યક્ષ આદિત્ય ઘોષ પણ છે.
ઍરલાઇનની આવતાં ચાર વર્ષમાં લગભગ 70 વિમાનોના સંચાલનની યોજના છે.

ગુજરાતમાં બે દલિત મહિલાઓને ગરબા રમતી અટકાવાઈ, ચાર સામે FIR

ઇમેજ સ્રોત, Getty Images
વડોદરાના પીલોલ ગામ ખાતે અનુસૂચિત જાતિની બે મહિલાઓને ગરબા રમતી અટકાવાઈ હતી અને જાતિસૂચક અપમાનજનક શબ્દો કહેવામાં આવ્યા હતા. આ કિસ્સામાં પોલીસે ચાર શખ્સોની સામે એફઆઈઆર કરી છે.
news18.comનો રિપૉર્ટ જણાવે છે કે, આ ઘટના રવિવારે રાત્રે ઘટી હતી. ત્યારે સામાજિક ન્યાયપ્રધાન પ્રદીપ પરમારે વડોદરાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ તથા કલેક્ટરને ઘટનાસ્થળની મુલાકાત લેવાના અને ફરિયાદ દાખલ કરવાના આદેશ આપ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
ડેપ્યુટી એસપી એસ. કે. વાળાને ટાંકતાં વેબસાઇટ નોંધે છે કે પહેલાં ઉચ્ચ જાતિની મહિલાઓ દ્વારા બંને મહિલાઓને પ્રવેશતાં અટકાવવામાં આવી હતી તથા તેમને સ્થળ છોડી જવા માટે જણાવવામાં આવ્યું હતું. બંને મહિલાઓ સામે જાતિસૂચક શબ્દ વાપરવામાં આવ્યા હતા.
આ ઘટના વિશે જાણ થતાં એક મહિલાના પતિ પણ ત્યાં પહોંચ્યા હતા. ત્યારે તેમની સામે પણ જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ગુજરાતના રસીકરણમાં લૈંગિક અસમાનતા

ઇમેજ સ્રોત, Getty Images
યુનેસ્કો દ્વારા પુરુષોની સરખામણીમાં મહિલાઓના રસીકરણની ટકાવારીને આર્થિક-સામાજિક પરિમાણ તરીકે સ્વીકારવામાં આવ્યું છે.
આ પરિમાણના આધારે મૂલ્યાંકન કરવામાં આવે તો ગુજરાતનાં 11 રાજ્યોમાં મહિલાઓ તથા પુરુષોનું સમાન રીતે રસીકરણ થઈ રહ્યું છે, પરંતુ ગુજરાત તેમાં સામેલ નથી.
covidtikaherokuapp.com તથા cowin સહિતની વેબસાઇટ પર ઉપલબ્ધ ડેટાને (તા. 9મી ઑક્ટોબરની સ્થિતિ પ્રમાણે) ટાંકતાં અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા લખે છે કે ભારતના આસામ (1.164), બિહાર (1.089) અને તામિલનાડુમાં (1.042) મહિલાઓનું રસીકરણ વધારે થયું છે.
જો 0.97 અને 1.03ની વચ્ચે રસીકરણ થયું હોય તો મહિલાઓ અને પુરુષોનું સમાનપણે રસીકરણ થઈ રહ્યું હોવાનું માનવામાં આવે છે.
ગુજરાતમાં આ આંકડો 0.857નો છે. જે મહિલાઓની સરખામણીમાં પુરુષોનું વધારે રસીકરણ થઈ રહ્યું હોવાનું સૂચવે છે. ઉત્તર પ્રદેશ (0.962), પંજાબ (0.928), મહારાષ્ટ્રમાં આ ટકાવારી 0.913ની છે, જ્યારે દિલ્હીમાં 0.836 છે.
કર્ણાટક (1.012), પશ્ચિમ બંગાળ (1.008), છત્તીસગઢ (1.004), તેલંગણા (0.983), કેરળ (0.979), ઓડિશા (0.977) રસીકરણ થયું છે.
ભારતમાં મહિલાઓની સરેરાશ વસ્તીમાંથી ચારથી પાંચ ટકા ગર્ભવતી હોય છે, છતાં માત્ર દોઢ લાખ જેટલી મહિલાઓએ જ રસી લીધી છે, જે તેમનો ખચકાટ સૂચવતો હોવાનું અહેવાલ નોંધે છે.

ખાનગી હૉસ્પિટલમાં વૅક્સિન ડેટા નહીં
ભારત સરકારનું કહેવું છે કે ખાનગી હૉસ્પિટલોએ કેટલી વૅક્સિન ખરીદી તથા કેટલી લગાવી તેના વિશે કોઈ ડેટા ઉપલબ્ધ નથી.
'ધ હિંદુ' અખબારના રિપૉર્ટ પ્રમાણે, કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયે એક રાઇટ-ટુ-ઇન્ફર્મેશનની અરજી સંદર્ભે માહિતી આપતાં આ વાત કહી હતી.
ભારતમાં 25 ટકા વૅક્સિન ખાનગીક્ષેત્ર માટે અનામત રાખવામાં આવી હતી, પરંતુ આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તાજેતરમાં કહ્યું હતું કે મે મહિનાથી હાલ સુધીમાં માત્ર છ ટકા લોકોને ખાનગી હૉસ્પિટલોમાં વૅક્સિન અપાઈ છે.
આ પહેલાં ઉદ્યોગસમૂહો પર નિશાન સાધતાં વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીઝે રસીકરણમાં એટલી મદદ નથી કરી, જેટલી જરૂર હતી.

'નોબેલ પુરસ્કારમાં મહિલા અનામત નહીં'

ઇમેજ સ્રોત, EPA
નોબેલ પારિતોષિક આપતી સ્વિડિશ અકાદમીના મુખ્ય વૈજ્ઞાનિક ગોરેન હૅનસનએ કહ્યું છે કે આ પુરસ્કાર જાતિ કે વંશઆધારિત અનામત પર નહીં આપવામાં આવે. તેમણે કહ્યું છે કે, "અમે ઇચ્છીએ છીએ કે આ પુરસ્કાર કોઈને સંશોધનના આધારે મળે લિંગ કે વંશના આધારે નહીં."
ચાલુ વર્ષે માત્ર એક મહિલાને આ પુરસ્કાર મળ્યો છે, પુરસ્કારનાં 120 વર્ષના ઇતિહાસમાં માત્ર 59 મહિલાઓને આ સન્માન મળ્યું છે.
હૅનસને સ્વીકાર્યું હતું કે આટલા ઓછા પ્રમાણમાં મહિલાઓને આ પુરસ્કાર મળવો એ દુખદ પરિસ્થિતિ રજૂ કરે છે, તે સમાજમાં અન્યાયપૂર્ણ પરિસ્થિતિની દ્યોતક છે તથા આ દિશામાં હજુ ઘણું કરવાની જરૂર છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













