મહારાષ્ટ્રમાં ચૂંટણી જીતનાર સી.આર.પાટીલની દીકરી ધરતી દેઓરે કોણ છે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
'મારા પિતા ભલે ગુજરાતના રાજકારણમાં મોટું નામ ધરાવતા હોય પણ મને મારા સસરા રાજકારણમાં લાવ્યા છે. કારણ કે મારા સસરા રાજકારણી છે પણ મારા પતિ અને જેઠ રાજ્કારણમાં આવવા માંગતા નહોતા એટલે હું રાજકારણમાં આવી છું. રાજકારણના પાઠ નાનપણમાં પિતા જોડે શીખી હતી પણ એમને મને રાજકારણમાં આવવા માટે પ્રોત્સાહિત નથી કરી. હું ધુલીયામાં નગરસેવિકા બની એની પાછળ મારા સસરાનો સહકાર મુખ્ય રહ્યો છે.” એનસીપી-શિવસેના અને કૉંગ્રેસ સામે ઝીંક ઝીલીને ધુલીયામાં નગરસેવિકા બનેલાં ધરતી દેઓરે રાજકારણમાં ઝંપલાવવા વિશે આ વાત કહે છે.

ઇમેજ સ્રોત, Bhargav Parikh
ધરતીતાઈ દેઓરેના નામથી જાણીતાં ધરતી ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલનાં દીકરી છે. ઊટીમાં ભણ્યાં પછી એમણે કૉલેજ સુરતમાં કરી.
અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. થયેલાં ધરતીનાં લગ્ન ધુલીયામાં થયાં છે. એમનાં પતિ નિખિલ દેઓરે અને જેઠ બિઝનેસ કરે છે તથા એમનાં સસરા પહેલાંથી રાજકારણમાં છે.
હાલ ગુજરાતમાં ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ મૂળ મહારાષ્ટ્રના જલગાંવના પીંપરીના છે. સી.આર.પાટીલના પત્નીનું નામ ગંગાબહેન છે અને પરિવારમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે.
33 વર્ષીય ધરતીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “નાનપણમાં હું ઊટીમાં રહીને ભણી છું પછી સુરત આવી અને કૉલેજ શરુ કરી. ઘરમાં નાનપણથી રાજકારણનું વાતાવરણ હતું. મારા પિતા સંસદસભ્ય હતા એ લોકોની તકલીફોને નજીકથી જોતા સાંભળતા અને એનો નિકાલ પણ કરતા.
”અમને કહેવામાં આવ્યું હતું કે રાજકારણમાં નથી આવવાનું પણ અમે જોતા કે મારા પિતા પાસે કોઈ કાગળ લખીને પણ એની તકલીફ મોકલે તો એનો જવાબ આપવામાં આવતો હતો.”
ધરતી કહે છે કે, “આ બધું નાનપણથી જોયું હતું. મેં એમબીએ. અમદાવાદથી કર્યું પણ કૉલેજમાં કોઈ ચૂંટણી લડી નથી કે રાજકારણમાં રહી નથી. મારા લગ્ન થયાં અને હું સાસરે આવી ગઈ. મારા પતિ નિખિલ સાથે ઘણીવાર બિઝનેસના કામમાં પણ મદદ કરતી હતી. મારા સસરા ધુલીયામાં દેઓરે ભાઉ તરીકે જાણીતા છે. એ નગર પંચાયતમાં હતા. માર્કેટ યાર્ડમાં પણ હતા. હું ઘર સંભાળવાની સાથે સાથે એમને રાજકારણમાં મદદ કરતી હતી.”
ધરતી કહે છે કે, “મારા સસરાએ મને આગ્રહ કરી ધુલીયાની નગર પંચાયતની ચૂંટણી લડવાનું કહ્યું. મારા પતિ અને જેઠ રાજકારણમાં આવવા માંગતા નહોતા. મારા પતિ અને સસરાએ મને ચૂંટણી લડવાની મંજૂરી આપી અને નગરસેવિકા તરીકે ચૂંટણી જીતી છું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“અહીં ગુજરાત જેવું નથી. ગરીબ અને વંચિત, વિધવા અને નિરાધાર મહિલાઓ માટેની સરકારી યોજનાઓની મહિલાઓને જાણ નથી. હું એમબીએ થયેલી છું. એટલે અહીંની મહિલાઓને એમનાં હક્ક મળે અને મહિલા શિક્ષણ વધે એના માટે પ્રયાસ કરીશ. પહેલાં હું ગ્રામીણ વિસ્તારમાં કામ કરીશ.”
ધરતી દેઓરેએ આગળ વિધાનસભાની ચૂંટણી લડશે કે નહીં એનો વિચાર હજી કર્યો નથી.

કૉલેજમાં ન કર્યું પૉલિટિક્સ

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
ધરતીની નાનપણની મિત્ર અને કૉલેજમાં સાથે ભણનાર નેહા શર્માએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “અમે કૉલેજમાં ભણતાં હતાં ત્યારે અમને કયારેય ખબર નહોતી કે એ સંસદસભ્ય સી.આર. પાટીલની દીકરી છે.”
તેઓ કહે છે “કૉલેજની તમામ ઇવેન્ટમાં માઈક્રૉ મૅનેજમૅન્ટમાં એની માસ્ટરી હતી પણ તેણે ક્યારેય કૉલેજમાં પૉલિટિક્સ નહોતું કર્યું. અલબત્ત અમારા સમયે ગરીબ વિદ્યાર્થીઓને એમને ખબર ન પડે એ રીતે મદદ કરવાનો એનો સ્વાભાવ હતો.”
કૉલેજના છેલ્લા બે સેમેસ્ટર બાકી હતા અને ખબર પડી કે એ સંસદસભ્ય સી.આર. પાટીલની દીકરી છે, અમે એનાં ઘરે જતાં ત્યારે પણ કયારેય અમને એવું નથી લાગ્યું કે એનાં પિતા મોટા માણસ છે.”
સુરતના ભૂતપૂર્વ મેયર ડૉક્ટર જગદીશ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “ધરતી કૉલેજમાં ભણતી ત્યારે પરિચય ખરો. એ મૅનેજમૅન્ટનું ભણતી ત્યારે સંસદસભ્ય સી.આર. પાટીલને મતદારોના સવાલોનું મૅનેજમૅન્ટ કેમ કરવું એમાં મદદ કરતી. ધુલીયાની ચૂંટણી લડી ત્યારે સી.આર. પાટીલની દીકરી હોવાથી એન.સી.પી, કૉંગ્રેસ અને શિવસેનાએ તેને હરાવવા એડી ચોંટીનું જોર લગાવ્યું હતું, આમ છતાં એ 4500 વોટથી જીતી છે.”

ગુજરાતી-મરાઠીના વિવાદ વચ્ચે હાઈપ્રોફાઇલ બની ચૂંટણી

ઇમેજ સ્રોત, BJP
ધુલીયાની ચૂંટણી કવર કરનારા સ્થાનિક પત્રકાર પ્રદીપ માણેએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “જયારે ધરતી દેઓરે ચૂંટણી લડી રહ્યાં હતાં ત્યારે એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે ભાજપ ગુજરાત થકી મહારાષ્ટ્રના રાજકારણમાં આવવા માંગે છે. ગુજરાતમાં ગુજરાતીને બદલે એક મરાઠીને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવ્યા અને ગુજરાતથી આવેલી મરાઠી છોકરીને અહીંથી ચૂંટણી લડાવી પગપેસારો કરવા માંગે છે.”
“આ પ્રચારને કારણે ચૂંટણી હાઈપ્રોફાઇલ બની ગઈ હતી. પણ વાસ્તવમાં દેઓરે પરિવારને ગુજરાતનું કનેક્શન આ ચૂંટણીમાં જ બહાર આવ્યું. આ પહેલાં ધરતીતાઈ મહિલા ઉત્કર્ષ માટે કામ કરતાં હતાં પણ ગુજરાત કનેક્શન બહાર આવ્યું નહોતું. પણ આ પ્રચારને કારણે નગરપાલિકાની ચૂંટણી હાઈપ્રોફાઇલ બની હતી.”


ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












