લખીમપુર ખીરીને 'હિન્દુ વિરુદ્ધ શીખ'નો મામલો બનાવવાની કોશિશ થઈ રહી છે : વરુણ ગાંધી

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસાના મામલે ભાજપમાં વિવાદ વધતો જોવા મળ્યો છે અને સંસદસભ્ય વરુણ ગાંધી તેમની પાર્ટીને આ મામલે ઘેરી રહ્યા છે.

રવિવારે વરુણ ગાંધીએ આ મામલે વધુ એક ટ્વીટ કર્યું છે.

તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, "લખીમપુર ખીરીની ઘટનાને હિંદુ વિરુદ્ધ શીખની લડાઈમાં ફેરવવાના પ્રયાસ થઈ રહ્યા છે."

"આ અનૈતિક જ નહીં પણ જૂઠું પણ છે. આવું કરવું ખતરનાક છે અને એ ઘાના પોપડા ઉખાડવા જેવું છે, જેને રુઝાતાં પેઢીઓ વીતી ગઈ. તુચ્છ રાજનીતિને રાષ્ટ્રીય એકતાથી ઉપર ન રાખવી જોઈએ."

કેન્દ્રીય મંત્રીના દીકરા આશિષ મિશ્રની અડધી રાત્રે ધરપકડ

લખીમપુર ખીરીના તિકુનિયામાં ખેડૂતોને ગાડીથી કચડી નાખવાના મામલામાં ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્ર ટેનીના દીકરા આશિષ મિશ્રની લખીમપુર ખીરી પોલીસે ધરપકડ કરી છે.

લખીમપુર ખીરીથી બીબીસીના સહયોગી અનંત ઝણાણે જણાવે છે કે શનિવારે 12 કલાક સુધી ચાલેલી પૂછતાછ બાદ તેમની ધરપકડ કરાઈ છે.

ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલે મીડિયાને માહિતી આપતાં કહ્યું કે આશિષ મિશ્ર કલાકો સુધી ચાલેલી પૂછતાછમાં પ્રશ્નોના જવાબ આપવાનું ટાળી રહ્યા હતા અને તપાસમાં સહયોગ નહોતા કરી રહ્યા, એટલે એમની ધરપકડ કરાઈ છે અને મૅજિસ્ટ્રેટ સમક્ષ કસ્ટડી માટે રજૂ કરવામાં આવશે.

આશિષ મિશ્ર લખીમપુર ખીરીમા તિકુનિયામાં થયેલી ખેડૂતોની હત્યાના મામલે મુખ્ય આરોપી છે અને તેમની પર હત્યા, હત્યાનું ષડયંત્ર જેવા આરોપો સબબ મુકદ્દમો દાખલ કરાયો છે.

આશિષ મિશ્ર શનિવારે સવારે પોલીસ સમક્ષ હાજર થયા

કેન્દ્રીય મંત્રી અજય મિશ્રના પુત્ર આશિષ મિશ્રને પોલીસે ક્રાઇમ બ્રાન્ચમાં શનિવારે સવારે 11 વાગ્યા સુધી હાજર થવાનો સમય આપ્યો હતો, એની 20 મિનિટ પહેલાં તેઓ હાજર થઈ ગયા હતા.

ધારાસભ્ય યોગેશ વર્મા અને કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્ર ટેનીના સંસદીય પ્રતિનિધિ અરવિંદસિંહ અને વકીલોની સાથે આશિષ મિશ્ર પોલીસ લાઇન્સ પહોંચ્યા હતા.

આશિષ મિશ્ર પોલીસ લાઇન્સમાં મુખ્ય દરવાજાના બદલે પાછલા દરવાજેથી પહોંચ્યા હતા.

મંત્રી અજય મિશ્ર શુક્રવારે સાંજે જ લખીમપુર ખીરીમાં પોતાના નિવાસસ્થાન પર પહોંચી ગયા હતા અને શનિવાર સવારે પોતાના સંસદીય કાર્યાલય પર પહોંચીને ભાજપ કાર્યકરોને મળ્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો