You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હિંદુ રાષ્ટ્ર નહીં બને તો હું સમાધિ લઈશ', સોશિયલ મીડિયા પર હિંદુત્વને લઈને વિવાદ કેમ થયો?
ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની માગ હિંદુત્વવાદી સંગઠનો અવારનવાર કરતાં હોય છે અને એ બાદ આ માગની ચર્ચા સોશિયલ મીડિયા પર થવા લાગતી હોય છે.
આ વખતે પણ આવી જ રીતે સોશિયલ મીડિયા પર હિંદુ રાષ્ટ્ર અંગેની ચર્ચા શરૂ થઈ છે. અયોધ્યામાં જગદગુરુ પરમહંસ આચાર્ય મહારાજ નામના એક સાધુએ હિંદુ રાષ્ટ્રની માગ ઉઠાવી છે.
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ જગદગુરુ પરમહંસ આચાર્ય મહારાજે કહ્યું કે "તારીખ બીજી ઑક્ટોબર સુધી ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે નહીં તો હું સરયુ નદીમાં જળસમાધિ લઈ લઈશ."
તેમણે કહ્યું કે "કેન્દ્ર સરકારે મુસ્લિમ અને ખ્રિસ્તી લોકોની રાષ્ટ્રીયતા ખતમ કરવી જોઈએ."
તેમના આ નિવેદન પર સોશિયલ મીડિયા વેબસાઇટ ટ્વિટર પર ચર્ચા થઈ રહી છે. ટ્વિટર પર લોકો #HinduRashtra અને #JalSamadhi સાથે પોતાના મત વ્યક્ત કરી રહ્યા છે
કેટલાક લોકો આચાર્યના નિવેદનને ઉશ્કેરણીજનક ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો હિંદુ રાષ્ટ્રની માગને ટેકો આપી રહ્યા છે.
અન્ય ધર્મના લોકોના નાગરિકત્વ અંગે આપેલા તેમના નિવેદનની પણ સોશિયલ મીડિયામાં ટીકા થઈ રહી છે.
'અન્ય કોઈએ આવું નિવેદન આપ્યું હોત તો જેલમાં પૂરી દેવાત'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્વિટર યૂઝર સુમેધે લખ્યું કે "જો કોઈ બીજા તરફથી અન્ય ધર્મના લોકોનું "નાગરિકત્વ નાબૂદ" કરવાની વાત કરવામાં આવી હોત, તો સરકાર તેને જાહેરમાં ઉશ્કેરણીજનક નિવેદન આપવા અને શાંતિભંગ કરવા બદલ જેલમાં પૂરી દેત. આ વ્યક્તિ આઝાદ ફરી રહી છે તેનાથી ઘણું બધું સમજી શકાય એમ છે."
કેટલાક લોકો આ નિવેદનને ઉત્તર પ્રદેશમાં આવનારી ચૂંટણી સાથે સાંકળીને જોઈ રહ્યા છે.
અહમદ નામના ટ્વિટર યૂઝરે લખ્યું છે કે "ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલાં આ પ્રકારની વાતો માટે તૈયાર રહો. ભાજપ પાસે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી માટે કોઈ ઍજેન્ડા નથી. આટલી હદ સુધીની હતાશા બતાવે છે કે બાબાજીએ ઝોળી બાંધવાનું શરૂ કરી દેવું જોઈએ."
આ દરમિયાન જાણીતા લેખક દેવદત્ત પટ્ટનાયકે પણ ચર્ચામાં ઝંપલાવ્યું.
તેમણે ટ્વિટર પર લખ્યું કે "જળસમાધિ એટલે જ્યારે સાંસારિક કાર્યો પૂરાં કરી લીધાં હોય અને સાંસારિક ઇચ્છાઓથી બહાર આવી ગયા હોય ત્યારે દેહનો ત્યાગ કરવો. હિંદુત્વમાં જળસમાધિ = ક્ષેત્ર માટેની રણનીતિ."
દિલ્હી ભાજપના પ્રવક્તા ગૌરવ ગોયલ પણ પોતાને આ ચર્ચામાં અલિપ્ત ન રાખી શક્યા.
ભાજપના નેતાએ ટ્વિટર પર લખ્યું, "હિંદુ રાષ્ટ્રમાં બધા ધર્મોના લોકો ખુશીથી અહીં રહેશે પરંતુ દેશ હિંદુ રાષ્ટ્ર હશે."
ફરહાના નામનાં યૂઝરે લખ્યું કે, "શું તમે સમજી શકો છો કે આ પ્રકારની નફરત અને કટ્ટરવાદનો રોજ સામનો કરવો કેટલું મુશ્કેલ છે?"
"એટલે જે લોકો એમ કહે છે કે તેઓ મુખ્ય પ્રવાહના અગ્રણી નથી અને તેમને કવરેજ ન મળવું જોઈએ તો એમના માટે એવું કહેવું સહેલું છે કારણ કે આનાથી એમના પર પ્રભાવ નથી પડતો. બહુમતી લોકો હિંદુ રાષ્ટ્ર ચાહે છે પરંતુ અમુક જ લોકો જાહેરમાં કહે છે."
નિહારિકા સિંહ નામનાં ટ્વિટર યૂઝરે લખ્યું કે "હિંદુ કાયદો નથી. હિંદુ રાષ્ટ્રનો અર્થ હિંદુ કાયદો લાગુ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે ભારત હિંદુ બહુમતીવાળો દેશ છે."
ટ્વિટર યૂઝર હિમાંશે લખ્યું કે "હું ચોક્કસથી ઇચ્છીશ કે હિંદુ રાષ્ટ્ર બને પણ ભારતમાં રહેતા મુસ્લિમોની રાષ્ટ્રીયતાને પડકારી ન શકાય. મુસ્લિમ શરણાર્થીઓને બંધ કરો. આઈડી કાર્ડ સાથે ભારતમાં રહેતા મુસ્લિમોનો પણ ભારત પર એટલો જ અધિકાર છે જેટલો આ બાબાનો છે."
ટ્વિટર યૂઝર વિનય વિશ્વકર્માએ લખ્યું કે "હિંદુ + શીખ + જૈન + બૌદ્ધ = સનાતન સભ્યતા. સનાતન સભ્યતા માટે 'હિંદુ રાષ્ટ્ર' સ્વીકાર્ય નથી."
સમીર નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે "કેટલાક સંઘી લોકોને હિંદુ રાષ્ટ્ર જોઈએ છે. પંજાબી લોકો ખાલીસ્તાનની માગ ન કરી શકે? તામિલ લોકો દ્રવિડનાડુની માગ ન કરી શકે? કેરળના લોકો કૉમ્યુનિસ્ટ શાસનની માગ ન કરી શકે? ભારતનાં રાજ્યો પર હિંદુત્વ ન થોપો નહીં તો ભારતમાં યુપી અને બિહાર જેવાં રાજ્યો જ બચશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો