નીતિન પટેલમાં ભાજપને એવું તો શું ઘટ્યું કે પાટીદાર મુખ્ય મંત્રીમાં નવો ચહેરો આવ્યો?

ગુજરાતના નવા મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી છે.

વિજય રૂપાણીના રાજીનામા બાદ મુખ્ય મંત્રી પદ માટે ચર્ચાઈ રહેલાં નામોમાં નીતિન પટેલનું નામ પણ હતું.

પરંતુ રવિવારે મળેલી બેઠક બાદ નવા મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવતા નીતિન પટેલ એક વખત ફરીથી મુખ્ય મંત્રી બનવાથી ચૂકી ગયા છે.

મુખ્ય મંત્રીપદની શપથ અગાઉ સોમવારે ભૂપેન્દ્ર પટેલે નીતિન પટેલના નિવાસસ્થાને એમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. નીતિન પટેલે આ તસવીર પોતાના સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

ઇમેજ સ્રોત, Nitin Patel FB

ઇમેજ કૅપ્શન, મુખ્ય મંત્રીપદની શપથ અગાઉ સોમવારે ભૂપેન્દ્ર પટેલે નીતિન પટેલના નિવાસસ્થાને એમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. નીતિન પટેલે આ તસવીર પોતાના સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

અગાઉ આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે પણ ગુજરાતના આગામી મુખ્ય મંત્રી તરીકે નીતિન પટેલનું નામ ચર્ચામાં હતું, પરંતુ તે સમયે વિજય રૂપાણીને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા.

શપથગ્રહણ અગાઉ ભૂપેન્દ્ર પટેલે નીતિન પટેલની અને વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ નીતિન પટેલે કહ્યું કે તેમને ભાજપથી કોઈ નારાજગી નથી.

એમણે કહ્યું, ભૂપેન્દ્ર પટેલ મારા જૂના કૌટુંબિક મિત્ર છે. મેં એમને અભિનંદન આપ્યા છે. એમને મુખ્ય મંત્રીપદે શપથ લેતા જોઈ મને આનંદ થશે. એમણે સમયે સમયે સલાહની ઇચ્છા જાહેર કરી છે.

મીડિયામાં નીતિન પટેલની નારાજગીના સમાચારો છે પણ એમણે કહ્યું કે, હું નારાજ નથી, 18 વર્ષની ઉંમરથી પાર્ટી માટે કામ કરું છું. મને પદ મળે કે ન મળે પાર્ટી માટે કામ કરતો રહીશ.

'જનતાના દિલમાં છું, કોઈ કાઢી નહીં શકે'

ગુજરાતમાં નવા મુખ્ય મંત્રીનું નામ જાહેર થયું ત્યાર બાદ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલનું એક નિવેદન સામે આવ્યું હતું.

તેમણે નિવેદનમાં કહ્યું, "હું લોકોના દિલમાં રહું છું અને મને ત્યાંથી કોઈ નહીં કાઢી શકે."

રવિવારે મહેસાણામાં એક માર્ગ અને સિવિલ હૉસ્પિટલમાં બનેલા ઓક્સિજન પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ લોકોને સંબોધિત કરતી વખતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે એકદમ હળવી શૈલીમાં કહ્યું કે, "હું એકલો નથી જેમની બસ છૂટી ગઈ છે, પરંતુ મારા જેવા બીજા કેટલાય પણ છે."

એવું માનવામાં આવે છે કે, નીતિન પટેલ આ નિર્ણયથી ખુશ નથી. જોકે નીતિન પટેલના કહેવા મુજબ આ દાવાઓમાં કોઈ દમ નથી.

ભૂપેન્દ્ર પટેલ જ્યારે સાંજે વિજય રૂપાણી સાથે સરકાર ગઠનનો દાવો કરવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળવા ગયા હતા ત્યારે પણ નીતિન પટેલ ત્યાં હાજર નહોતા. આથી ચર્ચા વધુ ગરમાઈ હતી.

નીતિન પટેલે કહ્યું હતું કે, "બીજા પણ અનેક એવા લોકો છે, જેમની બસ છૂટી ગઈ છે. હું એકલો નથી માટે એ નજરથી ન જુઓ. પાર્ટી નિર્ણયો લે છે. લોકો ખોટી અટકળો લગાવે છે. મેં ધારાસભ્ય દળની બેઠક બાદ યાદવજીને કહ્યું કે, મને આ કાર્યક્રમમાં સામેલ થવાનું છે. જો આ જરૂરી ન હોત તો હું અહીં ન આવ્યો હોત. પરંતુ આ જરૂરી હતું માટે યાદવજીએ પણ તેની મંજૂરી આપી દીધી."

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર રવિવારે ભાજપ ધારાસભ્ય દળની બેઠક બાદ નીતિન પટેલ ત્યાંથી નીકળી ગયા હતા.

તેમણે જણાવ્યું કે, "હું ભાજપના ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવની મંજૂરી મળ્યા બાદ જ પાર્ટી કાર્યાલયથી નીકળ્યો હતો. હું આ અટકળોથી પરેશાન નથી. ભૂપેન્દ્રભાઈ આપણા પોતાના છે. તેમણે મને એક ધારાભ્ય તરીકે પોતાની ઑફિસના ઉદ્ઘાટનમાં બોલાવ્યો હતો. લોકો શું બોલે છે અને શું વિચારે છે તેનાથી મને ફરક નથી પડતો. હું લોકોનાં, મતદારોના અને પાર્ટી કાર્યકરોના દિલમાં રહું છું. મને ત્યાંથી કોઈ ન કાઢી શકે. મેં 30 વર્ષ સુધી પાર્ટીની સેવા કરી છે."

line

નીતિન પટેલને કેમ મુખ્ય મંત્રી ન બનાવવામાં આવ્યા?

ગુજરાતના નવા મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરાઈ છે

ઇમેજ સ્રોત, Information Department/ Gujarat Government

ઇમેજ કૅપ્શન, ગુજરાતના નવા મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરાઈ છે

હવે વિજય રૂપાણીના રાજીનામા બાદ પણ ફરી એક વખત નીતિન પટેલને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા નથી, ત્યારે હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કેમ નીતિન પટેલને કેમ પસંદ ન કરવામાં આવ્યા?

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના પ્રોફેસર અમિત ધોળકિયાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે ભાજપની નીતિ મુજબ નવા ચહેરાઓને લાવીને જમીની સ્તર પર સંપર્ક ધરાવતા નેતાઓને સત્તાથી દૂર રાખવાની રહી છે. બહુ મહત્ત્વાકાંક્ષા ધરાવતા નેતાઓને ટોચ પર નથી આવવા દેવામાં આવતા. એવું કહી શકાય કે એવા નેતાઓ જે કહ્યામાં રહે તેમને વધુ આગળ લાવવામાં આવે છે.

વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે નીતિન પટેલ એક સૌથી વધારે કામ કરનાર અને ચીવટથી કામ કરનાર નાયબ મુખ્ય મંત્રી રહ્યા. તેમના પિતા કૉંગ્રેસી હતા પરંતુ તેઓ 18 વર્ષના હતા ત્યારથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ સતત પક્ષ પ્રત્યે શિસ્તથી વફાદાર કાર્યકર રહ્યા છે.

તેમણે આગળ કહ્યું કે નીતિન પટેલ સમાજમાં જમીની સ્તર પર તથા વહીવટીતંત્ર પર મજબૂત પકડ રાખતા હતા. હું માનું છું કે નાણામંત્રી તરીકે પણ તેમણે એવી કામગીરી કરી કે પ્રજાનો એક પણ પૈસો વેડફાય નહીં. તેમની વહીવટી તંત્ર પર પણ પકડ મજબૂત હતી. નાયબ મુખ્ય મંત્રી તરીકે અધિકારીઓ પણ તેમના નિયંત્રણમાં હતા.

તેઓ આગળ કહે છે કે સૌથી મોટો રાજકીય અનુભવ અને સૌથી વધારે કામ કરતા નાયબ મુખ્ય મંત્રી હોવા છતાં કોઈ સામાન્ય વ્યક્તિ પણ ફોન કરે તો તેઓ પોતે જ ફોન ઉપાડતા હતા, સિવાય કે તેઓ કોઈ બેઠકમાં હોય.

દેવેન્દ્ર પટેલ કહે છે કે આનંદીબહેન પટેલ પછી નવા મુખ્ય મંત્રી તરીકે તેમનું નામ નક્કી જ હતું, સાંજે ચાર વાગ્યા સુધી તેમનું જ નામ નક્કી હતું પરંતુ સાંજે પાંચ વાગ્યાની આસપાસ જાહેરાત કરવામાં આવી કે વિજય રૂપાણી ગુજરાતના નવા મુખ્ય મંત્રી હશે. દરેક રાજકીય પક્ષોમાં આંતરિક મામલાઓ હોય છે ભલે તે કૉંગ્રેસ હોય, એનસીપી કે શિવસેના હોય કે પછી દેશ અને દુનિયાનો સૌથી મોટો રાજકીય પક્ષ હોય. તેના પ્રમુખ કોઈ પણ હોય પરંતુ તેનો ચહેરો નરેન્દ્ર મોદી જ રહેશે. તેમના પ્રભાવને કારણે પાર્ટીની આંતરિક સમસ્યાઓ સપાટી પર નથી આવતી. નીતિન પટેલ મુખ્ય મંત્રી પદના સાચા દાવેદાર હોવા છતાં, આંતરિક બાબતોને કારણે અને તેમના થોડાંક બોલકા સ્વભાવને કારણે તેમને મુખ્ય મંત્રી પદ ગુમાવવું પડ્યું. પ્રતિસ્પર્ધીઓએ તેમના માટે કોઈ એવી વાતો ફેલાવી હોય જે ખોટી હોઈ શકે પરંતુ તેમણે બે વખત મુખ્ય મંત્રી પદ ગુમાવવું પડ્યું.

એમ. એસ. યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર અમિત ધોળકિયા નીતિન પટેલના રાજકીય ભવિષ્ય અંગે વાત કરતાં કહે છે કે, "તેમને નાયબ મુખ્ય મંત્રીના પદે ચાલુ રાખવા માટે પ્રયત્ન કરવામાં આવશે. નીતિન પટેલ માટે આ બીજી વખત પીછેહઠ થઈ છે. આનંદીબહેનનાં ગયા પછી પણ એમને મહેચ્છા પ્રગટ કરી કે હું સિનિયર મોસ્ટ છું અને સૌથી વધારે સક્ષમ છું. આ વખતે વિજયભાઈના ગયા પછી પણ એ જ મહેચ્છા તેમણે પ્રગટ કરી. પરંતુ આ વખત પણ મુખ્ય મંત્રી તરીકે પસંદગી ન કરાતા તેઓ સરકારની બહાર રહેવાનો વિકલ્પ નહીં સ્વીકારે. કેમ કે અત્યાર સુધી તેમણે સીધો બળવો પોકારવાનું ટાળ્યું છે."

line

'જો નીતિન પટેલ ન હોત તો ભાજપે સત્તા ગુમાવી હોત'

નીતિન પટેલ

ઇમેજ સ્રોત, NITIN PATEL/FB

ઇમેજ કૅપ્શન, નીતિન પટેલના રાજકીય ભવિષ્ય અંગે હવે આશંકાઓ વ્યક્ત કરવાનું શરૂ થઈ ચૂક્યું છે

નીતિન પટેલના સ્થાને ભૂપેન્દ્ર પટેલની પસંદગી અંગે રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય જણાવે છે કે, "આનો અર્થ એ થયો કે હવે નીતિન પટેલનું રાજકારણ પૂરું થઈ ગયું. જો માની લો કે પાટીદાર ધારાસભ્યને જ મુખ્ય મંત્રી બનાવવાના હતા, તો નીતિનભાઈ પટેલથી વધારે યોગ્ય પાત્ર બીજું કોઈ ન હતું. નીતિનભાઈ ગુજરાતના રાજકારણમાં સિનિયર ધારાસભ્ય છે, વહીવટના અનુભવી છે. 2017માં પણ જ્યારે પટેલોએ વિજયભાઈને જાકારો આપ્યો ત્યારે નીતિનભાઈ ઉત્તર ગુજરાતનું ગઢ સાચવી શક્યા છે."

તેઓ આ અંગે વધુ વાત કરતાં જણાવે છે કે, "ઉત્તર ગુજરાતના પટેલોએ જો ભાજપ વિરુદ્ધ મત આપ્યો હોત તો આજે ભાજપની સત્તા પણ ન હોત. એટલે નીતિનભાઈને અન્યાય થયો છે. નીતિનભાઈ પીઢ અને ઠરેલ વ્યક્તિ છે. એટલે અત્યારે તેમની કોઈ પ્રતિક્રિયા આવે કે ન આવે તે નક્કી નહીં. પણ નીતિનભાઈ ભૂલે એવા નથી. એટલે નીતિનભાઈ સમય આવ્યે પોતાની નારાજગી એક યા બીજી રીતે વ્યક્ત કરશે તેવું બની શકે."

line

હવે નીતિન પટેલનું શું?

નીતિન પટેલ

ઇમેજ સ્રોત, NITIN PATEL/FB

ઇમેજ કૅપ્શન, શું હવે નીતિન પટેલને રાજ્યપાલ બનાવી દેવાશે?

શું નીતિન પટેલને કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવે તેવા કોઈ સંકેત જોવા મળી રહ્યા છે કે કેમ તેનો જવાબ આપતાં અમિત ધોળકિયા કહે છે કે કદાચ આવું બની શકે.

વધુમાં તેઓ કહે છે કે, "સરકારમાં અત્યારે સૌથી મોટી નારાજગી નીતિનભાઈની છે. નાયબ મુખ્ય મંત્રીના પદ માટે તેમને સમજાવવાની કોશિશ કરવામાં આવશે. પરંતુ પાટીદાર મુખ્ય મંત્રી અને પાટીદાર નાયબ મુખ્ય મંત્રી એ પણ થોડું રાજકીય ગણિત બેસતું નથી. હવે પાટીદાર મુખ્ય મંત્રી છે તો શક્ય છે કે નાયબ મુખ્ય મંત્રીમાં કોઈ આદિવાસી નેતાને મૂકવામાં આવે કે પછી ઓબીસી સમાજમાંથી કોઈની પસંદગી થાય અથવા કોઈનેય ના બનાવે એવું પણ બને."

જગદીશ આચાર્ય કહે છે કે, "જો નીતિનભાઈને નાયબ મુખ્ય મંત્રીનું પદ આપે તો પણ તે નીતિનભાઈનું અપમાન જ છે. નીતિનભાઈ જેવી સિનિયર વ્યક્તિ એ ભૂપેન્દ્ર પટેલ જેવી જુનિયર વ્યક્તિની નીચે કામ કરે તે તેમનું અપમાન જ છે. એવું બની શકે કે તેઓ ગુજરાતમાં નુકસાન ન કરે તે માટે તેમને કેન્દ્રમાં લઈ જવાય. પણ કેન્દ્રમાં ગયા પછી પણ જે તે નેતાના મૂળ પોતાના વિસ્તારમાં જ હોય છે. એટલે એ ત્યાં બેઠા હોય તો એનો અર્થ એવો નથી કે ગુજરાતમાં તેમનું રાજકારણ પૂરું થઈ જાય છે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો