You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રવિ દહિયા ઑલિમ્પિકમાં ગોલ્ડ ચૂક્યા, 13 વર્ષની મહેનતે ભારતને અપાવ્યો સિલ્વર મેડલ
ભારતીય કુસ્તીબાજ રવિ દહિયા ગુરુવારે ટોક્યો ઑલિમ્પિકની રમતોમાં પુરુષ ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં 57 કિલોગ્રામ વેઇટની કૅટેગરીમાં રશિયન ખેલાડી ઝેવર ઉગુએવ સામે હારી ગયા છે.
આ સાથે જ રવિ દહિયાને સિલ્વર મેડલ મળ્યો છે.
જોકે, આ મુકાબલો એટલો સરળ નહોતો. જ્યારે-જ્યારે બન્ને ખેલાડીઓ સામસામે આવ્યા, ત્યારે-ત્યારે રશિયન ખેલાડી ઝેવર ઉગુએવ દહિયા પર ભારે પડ્યા છે.
26 વર્ષના ઝેવર ઉગુએવે વર્ષ 2018 અને 2019માં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્ષ 2019માં યુરોપિયન રમતોત્સવમાં તેઓ ત્રીજા નંબરે રહ્યા હતા.
દહિયા અને ઉગુએવનો સામનો વર્ષ 2019માં વર્લ્ડ ચૅમ્પિયનશિપ દરમિયાન થઈ ચૂક્યો છે.
એ મૅચમાં ઉગુએવે 6-4થી દહિયાને હરાવી દીધા હતા.
આ પહેલાં સેમિફાઇનલમાં રવિ દહિયાએ કઝાકિસ્તાનના કુસ્તીબાજ નૂરઇસ્લામ સનાયેવને હરાવ્યા હતા.કઝાક કુસ્તીબાજને હરાવ્યા બાદ દહિયા ટોકિયો ઑલિમ્પિકની 57 કિલોગ્રામની ફ્રી સ્ટાઇલ વર્ગની કૅટેગરીમાં ફાઇનલમાં પહોંચી ગયા હતા.
કોણ છે રવિ દહિયા?
હરિયાણાના સોનીપત જિલ્લાના નાહરી ગામમાં જન્મેલા રવિ દહિયા આજે જે મુકામ પર પહોંચ્યા છે, તેના માટે તેમણે 13 વર્ષ સુધી સખત મહેનત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રવિ જે ગામના છે, તેની વસતી લગભગ માંડ 15 હજાર હશે પરંતુ એ ગામ એટલા માટે ખાસ છે કે આ ગામે ત્રણ ઑલિમ્પિયન ખેલાડી આપ્યા છે.
મહાવિરસિંહે 1980ના મૉસ્કો અને 1984ના લૉસ એન્જેલસ ઑલિમ્પિક ગૅમ્સમાં ભાગ લીધો હતો જ્યારે અમિત દહિયાએ લંડન ઑલિમ્પિક્સમાં 2012માં ભાગ લીધો હતો.
આ વિરાસતને રવિ દહિયાએ નવી ઊંચાઈ આપી છે. માત્ર 10 વર્ષની ઉંમરે તેમણે દિલ્હી છત્રસાલ સ્ટેડિયમમાં કૉચ સતપાલના માર્ગદર્શનમાં કુસ્તીના દાવપેચ શીખવાનું શરૂ કરી દીધું હતું.
ખેડૂત પિતાનું યોગદાન
તેમની આ સફરમાં તેમના ખેડૂત પિતા રાકેશ દહિયાનું પણ યોગદાન રહ્યું છે, જેઓ લાંબો સમયથી પોતાના દીકરાને ચૅમ્પિયન બનાવવા માટે હંમેશાં દૂધ, મેવા મોકલતા રહ્યા છે.
રવિના પિતાનો સંઘર્ષ મોટો રહ્યો છે. તેઓ ચાર વાગ્યે સવારે ઉઠીને પાંચ કિલોમિટર ચાલીને નજીકના રેલવે સ્ટેશન પહોંચતા હતા અને ત્યાંથી આઝાદપુર રેલવે સ્ટેશન ઊતરીને બે કિલોમિટર દૂર છત્રસાલ સ્ટેડિયમ પહોંચતા હતા. આ સિલસિલો સતત 10 વર્ષ સુધી ચાલ્યો હતો.
રવિ દહિયાએ સૌપ્રથમ લોકોનું ધ્યાન આકર્ષિત વર્ષ 2015માં કર્યું હતું. તેમણે જુનિયર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ત્યાર બાદ 2018માં અંડર-23 ચૅમ્પિયનશિપમાં તેમણે સિલ્વર મેડલ જીત્યો. વર્ષ 2019માં એશિયાઈ કુસ્તી ચૅમ્પિયનશિપમાં તેઓ પાંચમા સ્થાને રહ્યા હતા પરંતુ વર્ષ 2020ની એશિયાઈ કુસ્તી ચૅમ્પિયનશિપમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પોતાની આ સફળતાને તેમણે વર્ષ 2021માં પણ યથાવત રાખી જ્યારે એશિયાઈ કુસ્તી ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
વર્ષ 2019માં કઝાકિસ્તાનમાં થયેલી વર્લ્ડ ચૅમ્પિયનશીપમાં કાંસ્યપદક વિજેતા રહ્યા બાદ તેમણે ઑલિમ્પિકમાં પ્રવેશ મેળવ્યો હતો, ત્યારથી તેમને પદકના દાવેદાર ગણવામાં આવતા હતા. તેઓ સરકારી યોજના ટાર્ગેટ ઑલિમ્પિક પોડિયમની સ્કિમનો પણ ભાગ રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો