ઉદારીકરણ : મનમોહન સિંહ કે નરસિંહ રાવ, ભારતમાં આર્થિક સુધારાના નાયક કોણ?

નરસિમ્હા

ઇમેજ સ્રોત, ROBERT NICKELSBERG/GETTY IMAGES

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

આ કિસ્સો 2015નો છે. મનમોહન સિંહના મીડિયા સલાહકાર તરીકે કામ કરી ચૂકેલા સંજય બારુ હૈદરાબાદ મૅનેજમૅન્ટ ઍસોસિયેશનની બેઠકને સંબોધન કરી રહ્યા હતા.

તેમણે ત્યાં હાજર લોકોને અચાનક સવાલ કર્યો હતો કે "વર્ષ 1991નો તમારા માટે શું અર્થ છે?" સભાજનોએ તરત જવાબ આપ્યો કે એ વર્ષે કેન્દ્ર સરકારે નવી આર્થિક નીતિના અમલ માટે ભારતીય અર્થતંત્રના દરવાજા ખોલી નાખ્યા હતા. બારુએ બીજો સવાલ કર્યો હતો કે તેની જવાબદારી કોની હતી? સભાજનોએ ખચકાયા વિના કહ્યું હતું કે "મનમોહન સિંહ."

સંજય બારુએ તેમને કહ્યું હતું કે "1991ની 24 જુલાઈએ પોતાનું બજેટ ભાષણ આપ્યા બાદ મનમોહન સિંહ નવી આર્થિક નીતિ અને ઉદારીકરણનો ચહેરો બની ગયા હતા એ સાચું છે, પરંતુ એ દિવસે બીજી પણ એક ઐતિહાસિક ઘટના બની હતી. એ વિશે તમે જાણો છો?"

કેટલાકે જવાબ આપ્યો હતો કે "ડીલાઇસન્સિંગ." નવી ઔદ્યોગિક નીતિ મનમોહન સિંહના બજેટ ભાષણનો ભાગ ન હતી એ સાચું છે. તેમના ભાષણ પહેલાં રાજ્ય કક્ષાના ભૂતપૂર્વ ઉદ્યોગમંત્રી પીજી કુરિયને કુખ્યાત લાઇસન્સ પરમિટરાજ ખતમ કરવા વિશેનું વક્તવ્ય સંસદમાં રજૂ કર્યું હતું.

સંજય બારુનો વધુ એક સવાલ એ હતો કે "ભારતની ઔદ્યોગિક નીતિમાં આમૂલ પરિવર્તન કરનાર ઉદ્યોગમંત્રીનું નામ જણાવી શકશો?"

થોડી વાર માટે શાંતિ છવાયેલી રહી. ત્યારબાદ પાછળ બેઠેલા લોકોમાંથી કોઈકે કહ્યું હતું કે "મનમોહન સિંહ." સંજય બારુએ કહ્યું કે "ખોટું." કેટલાકે ચિદંબરમ કહ્યું, કેટલાકે કમલનાથનું નામ આપ્યું, પણ હૈદરાબાદના એ સમારંભમાં હાજર રહેલા લોકો પૈકીની કોઈ વ્યક્તિ એ જાણતી ન હતી કે તે ઔદ્યોગિક નીતિના જનક બીજા કોણ નહીં, પણ તેમના શહેર હૈદરાબાદમાં જીવનનો મોટો હિસ્સો પસાર કરી ચૂકેલા પીવી નરસિંહ રાવ હતા. એ સમયે તેઓ વડા પ્રધાન હોવા ઉપરાંત ઉદ્યોગ મંત્રાલયનો કારભાર પણ સંભાળતા હતા.

1991ની 24 જુલાઈએ બજેટ રજૂ થવાનું હતું. તેથી અસલી સુધારા પર એકેય સાંસદનું ધ્યાન પડ્યું ન હતું. એ સુધારાએ નેહરુ અને ઇંદિરા ગાંધીની ઔદ્યોગિક નીતિને ધરમૂળથી બદલી નાખી હતી.

line

દાયકાઓ ચાલતો કારભાર બદલાઈ ગયો

મનમોહન સિંહ અને નરસિંહ રાવ

ઇમેજ સ્રોત, PIB

ઇમેજ કૅપ્શન, મનમોહન સિંહે તેમના બજેટભાષણમાં એ ગાંધી પરિવારનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો, જેની નીતિઓને તેઓ સદંતર રદ્દ કરી રહ્યા હતા.

મનમોહન સિંહનાં પત્ની ગુરશરણકૌરે વિખ્યાત અર્થશાસ્ત્રી ઈશર અહલુવાલિયાને કહ્યું હતું કે "મનમોહન સિંહ ઑફિસે જવા તૈયાર થતા હોય ત્યારે તેઓ મોટે ભાગે, શીખોના દસમા ધર્મગુરુના શબ્દ ગણગણતા રહેતા હતા... એ શબ્દ આ હતા.

દેહ શિવા બર મોહે, સુભ કરમન તે કબહૂં ન ટરોં,

ન ડરોં અરિ સોં જબ લાયે લરોં, નિસચૈ કરિ અપની જીત કરૌં."

મોન્ટેકસિંહ અહલુવાલિયાએ તેમની આત્મકથા 'બેકસ્ટેજ ધ સ્ટોરી બિહાઇન્ડ ઇન્ડિયાઝ ગ્રોથ યર્સ'માં લખ્યું છે કે "મનમોહન સિંહનો ધર્મ ભલે એકદમ અંગત બાબત હોય, પણ તેમના પ્રામાણિક વ્યક્તિત્વ પાછળ એક શીખ શખ્સ છે, જે પોતાની તમામ તાકાત ગુરબાનીમાંથી મેળવે છે."

1991ની 24 જુલાઈના દિવસે કમલા નેહરુ જૅકેટ અને આસમાની રંગની પાઘડી પહેરીને સંસદમાં ગયેલા મનમોહન સિંહ તેમની જિંદગીનું સૌપ્રથમ બજેટભાષણ આપવા ઊભા થયા ત્યારે આખા દેશની નજર તેમના પર હતી.

એ વખતે સંસદની પ્રેક્ષક ગૅલરીમાં મોન્ટેકસિંહ અહલુવાલિયા, ઈશેર અહલુવાલિયા, બિમલ ઝાલાન અને દેશના અગ્રણી આર્થિક પત્રકારો બેઠા હતા.

મનમોહન સિંહે તેમના બજેટભાષણની શરૂઆતમાં જ સ્વીકાર્યું હતું કે એ સમયે તેઓ બહુ એકલતા અનુભવી રહ્યા હતા, કારણ કે તેમની સામે રાજીવ ગાંધીનો સુંદર, સ્મિત વેરતો ચહેરો ન હતો. ભાષણમાં એ ગાંધી પરિવારનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેની નીતિઓને તેઓ સદંતર રદ્દ કરી રહ્યા હતા.

line

બજેટનો પહેલો મુસદ્દો નરસિંહ રાવે કર્યો નામંજૂર

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

એ પહેલાં 70ના દાયકામાં કમસે કમ સાત બજેટ તૈયાર કરવામાં મનમોહન સિંહે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1991નું બજેટ એવું સૌપ્રથમ બજેટ હતું, જેને તેમણે અંતિમ સ્વરૂપ આપ્યું હતું એટલું જ નહીં, પરંતુ તેનો બહુ મોટો હિસ્સો જાતે લખ્યો હતો અને એ બજેટ તેઓ રજૂ કરી રહ્યા હતા.

વિખ્યાત લેખક વિનય સીતાપતિએ નરસિંહ રાવની જીવનકથા 'હાફ લાયન'માં લખ્યું છે, "મનમોહન સિંહ જુલાઈના મધ્યમાં તેમના ટૉપ સિક્રેટ બજેટનો મુસદ્દો લઈને નરસિંહ રાવ પાસે ગયા હતા. એ સમયે એક વરિષ્ઠ અધિકારી તથા એક ભારતીય રાજદ્વારી પણ નરસિંહ રાવ પાસે બેઠા હતા. મનમોહન સિંહે એક પાનામાં બજેટનો સારાંશ નરસિંહ રાવ સમક્ષ મૂક્યો ત્યારે તેમણે એ બહુ ધ્યાનપૂર્વક વાંચ્યો હતો. એ દરમિયાન મનમોહન સિંહ સતત ઊભેલા હતા. પછી નરસિંહ રાવે મનમોહન સિંહ ભણી ફરીને કહ્યું હતું કે મારે આવું જ બજેટ જોઈતું હોત તો મેં તમારી જ પસંદગી શા માટે કરી હોત?"

મનમોહન સિંહના બજેટનો પહેલો મુસદ્દો કદાચ એટલો સુધારાવાદી ન હતો, જેટલો એ બાદમાં દેખાયો હતો. આ વાત પુરાવા સાથે કહી શકાય નહીં, પરંતુ એ તો જગજાહેર છે કે તે બજેટ બનાવવામાં મનમોહન સિંહના મદદકર્તા તથા નાણા મંત્રાલયના ટોચના બે અધિકારી એસપી શુક્લ તથા દીપક નૈયર મનમોહન સિંહની વિચારાધારા સાથે સહમત ન હતા.

ઉપર્યુક્ત પ્રસંગ પરથી સ્પષ્ટ થાય છે કે નરસિંહ રાવે મનમોહન સિંહને વધારે બહાદુર થવાનો સંકેત આપ્યો હતો.

line

અંદાજપત્રીય ખાધ અઢી ટકા ઘટાડી નાખી

નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મનમોહન સિંહના બજેટનો પહેલો મુસદ્દો કદાચ એટલો સુધારાવાદી ન હતો, જેટલો એ બાદમાં દેખાયો હતો.

મનમોહન સિંહના 18,000 શબ્દોના બજેટભાષણની ખાસ વાત એ હતી કે તેઓ અંદાજપત્રીય ખાધને કુલ ઘરેલુ ઉત્પાદનના 8.4 ટકાથી ઘટાડીને 5.9 ટકા પર લાવ્યા હતા. અંદાજપત્રીય ખાધમાં લગભગ અઢી ટકા ઘટાડો કરવાનો અર્થ સરકારી ખર્ચાઓમાં અત્યંત મોટો કાપ મૂકવો એવો હતો.

તેમણે તેમના બજેટમાં જીવંત મૂડીબજારનો પાયો નાખ્યો હતો એટલું જ નહીં, ખાતર પર આપવામાં આવતી સબસિડીમાં પણ 40 ટકા ઘટાડો કર્યો હતો. ખાંડ અને રાંધણગૅસના ભાવમાં પણ વધારો થયો હતો. થોડી વાર પહેલાં સંસદમાં રજૂ કરાયેલી ઔદ્યોગિક નીતિની ચર્ચા મનમોહન સિંહે એ તબક્કે કરી હતી. એ વખતે પણ તેઓ વિશાળ અને વૈવિધ્યસભર ઔદ્યોગિક માળખા માટે નેહરુ, ઇંદિરા અને રાજીવ ગાંધીનો આભાર માનવાનું ચૂક્યા ન હતા.

મનમોહન સિંહે તેમના ભાષણના અંતે વિક્ટર હ્યુગોનું એક વિખ્યાત અવતરણ ટાંકતા કહ્યું હતું કે "જેના અમલનો સમય આવી પહોંચ્યો છે એ વિચારના વિશ્વની કોઈ તાકાત રોકી શકતી નથી. વિશ્વમાં ભારતનો એક મોટી આર્થિક શક્તિ તરીકેનો ઉદય આવો જ એક વિચાર છે. સમગ્ર વિશ્વ સાંભળી લે કે ભારત જાગી ગયું છે. આપણે પ્રબળ થઈશું. આપણે સફળ થઈશું."

વિનય સીતાપતિએ લખ્યું છે કે "નરસિંહ રાવ અને મનમોહન સિંહે સાથે મળીને માત્ર એક જ દિવસમાં નેહરુ યુગના ત્રણ સ્તંભો- લાઇસન્સરાજ, જાહેર ક્ષેત્રનો એકાધિકાર અને વિશ્વ બજારથી ભારતના અલગાવ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. મનમોહન સિંહે તેમનું બજેટભાષણ પૂર્ણ કર્યું કે તરત જ સંસદની પ્રેક્ષક ગૅલરીમાં બેઠેલા બિમલ જાલાને જયરામ રમેશની આંખમાં આંખ મેળવીને થમ્સ અપનો ઈશારો કર્યો હતો."

line

આબિદ હુસૈને અમેરિકાથી ફોન કરીને વખાણ કર્યાં

મનમોહન સિંહ

ઇમેજ સ્રોત, PHOTODIVISION.GOV.IN

ઇમેજ કૅપ્શન, મનમોહન સિંહના 18,000 શબ્દોના બજેટભાષણની ખાસ વાત એ હતી કે તેઓ અંદાજપત્રીય ખાધને કુલ ઘરેલુ ઉત્પાદનના 8.4 ટકાથી ઘટાડીને 5.9 ટકા પર લાવ્યા હતા.

મનમોહન સિંહ સાથે આયોજન પંચમાં કામ કરી ચૂકેલા આબિદ હુસૈન એ વખતે અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે કાર્યરત્ હતા.

મોન્ટેકસિંહ અહલુવાલિયાએ લખ્યું છે કે "તેમણે વૉશિંગ્ટનથી ફોન કરીને અમને કહ્યું હતું કે મનમોહન સિંહે ઉત્તમ બજેટ રજૂ કર્યું છે. એ પછી તેમણે મારાં પત્ની ઈશરને કહ્યું હતું કે તમે નાણામંત્રીને મારા વતી ભેટજો અને જાગૃતિ ફિલ્મનું ગીત યાદ કરાવજો. આબિદે ફોન પર જ એ ગીત અમને ગાઈ સંભળાવ્યું હતું- દે દી હમેં આઝાદી, બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ."

એ ગીત મહાત્મા ગાંધીને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું હતું, પરંતુ તત્કાલીન સંદર્ભમાં તે મનમોહન સિંહને સંપૂર્ણ રીતે લાગુ પડતું હતું. આબિદે બીજી એક મહત્ત્વની બાબત પણ ધ્યાનમાં લીધી હતી. મનમોહન સિંહની સાદગી અને કરકસરથી જીવન જીવવાની શૈલીએ તેમને ઉદારવાદની વકીલાત કરવા માટે સામર્થ્યવાન બનાવ્યા હતા. ઉપભોક્તાવાદ અને આલિશાન જીવન પ્રત્યેના મોહને કારણે તેમણે ઉદારવાદનું સમર્થન કર્યાનો આક્ષેપ મનમોહન સિંહ સામે ટકી શક્યો ન હતો.

સોનામાં સુગંધ ત્યારે ભળી હતી જ્યારે જીનિવામાં સાઉથ કમિશનની નોકરી દરમિયાન તેમણે ડૉલરમાં જે કમાણી કરી હતી એ ડૉલરનું મૂલ્ય રૂપિયાના અવમૂલ્યનને કારણે વધી ગયું ત્યારે તેમણે વધારાના બધા પૈસા વડા પ્રધાન સહાય ભંડોળમાં જમા કરાવી દીધા હતા.

line

કૉંગ્રેસ પક્ષની અંદરથી જ જોરદાર વિરોધ

નરસિમ્હા રાવ

ઇમેજ સ્રોત, SONDEEP SHANKAR/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, મનમોહન સિંહની યોજનાને ટેકો આપવાનું કામ નરસિંહા રાવે કર્યું હતું

સામાન્ય લોકોએ તો બજેટનું સ્વાગત કર્યું હતું, પણ મનમોહન સિંહના રાજકીય સાથીઓ અને ડાબેરીઓ એ બજેટથી ખુશ ન હતા. 'ઔદ્યોગિક નિયંત્રણોની ચિતા સળગાવવાની' અને પાછલા એક દાયકામાં યુરિયાના ભાવમાં 40 ટકા વધારાની વાત તેમના ગળે ઊતરતી ન હતી.

જયરામ રમેશે તેમના પુસ્તક 'ટુ ધ બ્રિન્ક ઍન્ડ બૅક ઇન્ડિયાઝ 1991 સ્ટોરી'માં લખ્યું છે કે "મેં નરસિંહ રાવને કૉંગ્રેસી સંસદસભ્યોના મૂડ બાબતે જણાવ્યું ત્યારે તેમણે એટલું જ કહ્યું હતું કે તમને બધાને એક રાજકીય સિસ્ટમ અંતર્ગત કામ કરતાં આવડવું જોઈએ. તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે મનમોહન સિંહે બજેટ બનાવતી વખતે સાવધ રહેવું જોઈતું હતું. તેઓ ભૂલી ગયા હતા કે મનમોહન સિંહને બહાદુરીભર્યા નિર્ણયો લેવાની સલાહ વડા પ્રધાન તરીકે તેમણે જ આપી હતી અને મનમોહન સિંહના બજેટભાષણ પર સ્વીકૃતિનો સિક્કો વડા પ્રધાન તરીકે તેમણે જ માર્યો હતો."

line

સંસદસભ્યોને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય

નરસિમ્હા રાવ

ઇમેજ સ્રોત, SHARAD SAXENA/THE INDIA TODAY GROUP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, નરસિંહ રાવ કૉંગ્રેસની બેઠકથી દૂર રહ્યા હતા અને તેમણે મનમોહન સિંહને કૉંગ્રેસી સંસદસભ્યોના ગુસ્સાનો સામનો કરવા બેસાડી દીધા હતા.

કૉંગ્રેસના અખબાર 'નેશનલ હેરલ્ડ'એ નરસિંહ રાવ સરકારને ટોણો મારતાં લખ્યું હતું કે "આ બજેટે મધ્યમ વર્ગને ફરસાં કોર્ન ફ્લેક્સ અને ફીણવાળાં ડ્રિંક્સ જરૂર ઉપલબ્ધ કરાવ્યાં છે, પણ એ આપણા દેશના સ્થાપકોની અગ્રતા ક્યારેય ન હતાં."

બજેટના મુદ્દે કૉંગ્રેસના સંસદસભ્યોમાં એટલો રોષ હતો કે 1991ની પહેલી ઑગસ્ટે કૉંગ્રેસ સંસદીય પક્ષની એક બેઠક યોજવામાં આવી હતી અને તેમાં નાણામંત્રીને પોતાના બજેટનો બચાવ કરવો પડ્યો હતો.

નરસિંહ રાવ એ બેઠકથી દૂર રહ્યા હતા અને તેમણે મનમોહન સિંહને કૉંગ્રેસી સંસદસભ્યોના ગુસ્સાનો સામનો કરવા બેસાડી દીધા હતા. બીજી અને ત્રીજી ઑગસ્ટે પણ કૉંગ્રેસી સંસદસભ્યોની બેઠક યોજાઈ હતી, પરંતુ તેમાં વડા પ્રધાન નરસિંહ રાવ પોતે હાજર રહ્યા હતા.

જયરામ રમેશે લખ્યું છે કે "કૉંગ્રેસ સંસદીય પક્ષ 1991માં જેટલો સક્રિય હતો એટલો સક્રિય, નેહરુના સમયને બાદ કરતાં ભૂતકાળમાં ક્યારેય ન હતો, એવું કહેવામાં અતિશયોક્તિ નથી. વડા પ્રધાન ઇચ્છતા હતા કે કૉંગ્રેસી સંસદસભ્યોને તેમની વાત કહેવાની આઝાદી તો હોવી જોઈએ, પરંતુ અંતિમ નિર્ણય તો તેમનો (વડા પ્રધાનનો) જ હોય. હવે મને લાગે છે કે તે પરિસ્થિતિના સામનાની ચાલાકીભરી તરકીબ હતી. જોકે, એ સમયે તે તરકીબ મને કે નાણામંત્રીને ગમતી ન હતી, પરંતુ મનમોહન સિંહ પોતે વડા પ્રધાન બન્યા અને હું પહેલાં સંસદસભ્ય તથા પછી કેન્દ્રીયમંત્રી બન્યો ત્યારે સમજાયું હતું કે એવી પરિસ્થિતિના સામના માટે તેનાથી બહેતર કોઈ તરકીબ હોય જ નહીં."

line

પ્રધાનમંડળના સભ્યો પણ નવી આર્થિક નીતિના વિરોધી

કારની જાહેરાત

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 1991માં થયેલા પરિવર્તનનું શ્રેય નરસિંહ રાવને આપવું જોઈએ કે મનમોહન સિંહને?

એ દિવસોમાં યોજાયેલી કૉંગ્રેસ સંસદીય પક્ષની બેઠકમાં મનમોહન સિંહ સદંતર એકલા પડી ગયા હતા. પરિસ્થિતિ એવી હતી કે કૉંગ્રેસના માત્ર બે સંસદસભ્યો - તામિલનાડુમાંથી ચૂંટાયેલા મણિશંકર ઐયર અને રાજસ્થાનના કૉંગ્રેસી નેતા નાથુરામ મિર્ધાએ મનમોહન સિંહને ખુલ્લેઆમ ટેકો આપ્યો હતો.

વિરોધ કરનારાઓમાં કૃષિમંત્રી બલરામ જાખડ, સંચારમંત્રી રાજેશ પાયલટ અને રસાયણ તથા ખાતર ખાતાના રાજ્યકક્ષાના મંત્રી ચિંતામોહનનો સમાવેશ થતો હતો. એ લોકો તેમની જ સરકારની દરખાસ્તોની ખુલ્લેઆમ ટીકા કરતા હતા.

કૉંગ્રેસના 50 સંસદસભ્યોએ કૃષિ સંસદીય મંચના નેજા હેઠળ નાણામંત્રીને એક પત્ર લખ્યો હતો, જેમાં બજેટ દરખાસ્તોની ઝાટકણી કાઢવામાં આવી હતી. રસપ્રદ વાત એ હતી કે એ મંચના અધ્યક્ષ મહારાષ્ટ્રના વરિષ્ઠ સંસદસભ્ય પ્રતાપરાવ ભોંસલે હતા અને તેમને નરસિંહ રાવની નજીકની વ્યક્તિ ગણવામાં આવતી. હદ તો એ હતી કે તે પત્ર પર દક્ષિણ મુંબઈના સંસદસભ્ય મુરલી દેવરાએ સહી કરી હતી અને મુરલી દેવરા ઉદ્યોગપતિઓની નજીકની વ્યક્તિ ગણાતી હતી. તેમ છતાં નરસિંહ રાવ એ રાજકીય દબાણ સામે ઝૂક્યા ન હતા.

એક પખવાડિયા પછી સુદીપ ચક્રવર્તી અને આર જગન્નાથને ઇન્ડિયા ટુડે સામયિકમાં લખ્યું હતું કે "વડા પ્રધાન તરીકે રાજીવ ગાંધી જે કરવાનું ભૂલી ગયા હતા એ નરસિંહ રાવે કરી દેખાડ્યું છે. રાજીવ ગાંધીએ ભારતને એકવીસમી સદીમાં લઈ જવાની વાત જરૂર કરી હતી, પરંતુ તેઓ વર્તમાન સદીની બહાર જ નીકળી શક્યા ન હતા અને મનમોહન સિંહે એક તરફ નેહરુના સમાજવાદને વખાણ્યો હતો અને બીજી તરફ આખા દેશનો કાંઠલો પકડીને કહ્યું હતું કે આગળ વધો નહીંતર આપણે બધા ખતમ થઈ જઈશું."

સવાલ એ છે કે 1991માં થયેલા પરિવર્તનનું શ્રેય નરસિંહ રાવને આપવું જોઈએ કે મનમોહન સિંહને?

સંજય બારુએ લખ્યું છે કે "નરસિંહ રાવના મૃત્યુનાં કેટલાંક વર્ષ પહેલાં એક પત્રકારે પણ તેમને આ જ સવાલ પૂછ્યો હતો. નરસિંહ રાવે મનમોહન સિંહનાં વખાણ કર્યાં હતાં અને આર્થિક સુધારામાં તેમના યોગદાનને સ્વીકાર્યું હતું, પરંતુ સાથે એવું પણ કહ્યું હતું કે ભારતમાં નાણામંત્રીનું સ્થાન એકલા આંકડા જેવું છે. તેની પાછળ કેટલાં શૂન્ય લગાવવામાં આવે છે તેના પર તેમની ક્ષમતાનો આધાર હોય છે. કહેવાનો અર્થ એ છે કે નાણામંત્રીની સફળતાનો આધાર, તેમને વડા પ્રધાનનું કેટલું સમર્થન મળેલું છે તેના પર હોય છે."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો