You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેન્દ્ર સરકારે કહ્યું, 'ઓક્સિજનની કમીથી નથી થયું એક પણ મોત', રાજકારણ ગરમાયું
ભારત ઘાતક કોરોનાની બીજી લહેરમાંથી બહાર નીકળી રહ્યો છે અને ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે સંસદમાં કહ્યું કે 'દેશમાં કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતને કારણે એક પણ મૃત્યુ નથી નોંધવામાં આવ્યું.'
સરકારના આ નિવેદનનો ભારે વિરોધ થયો અને એ પછી કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ આ આંકડા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અહેવાલને આધારે આપવામાં આવ્યા હોવાનું કહ્યું.
સ્વાસ્થ્યમંત્રીને પૂછવામાં આવ્યું હતું કે શું ઓક્સિજનની અછતને કારણે કોવિડ-19ના દરદીઓ મોટી સંખ્યામાં રસ્તાઓ પર અને હૉસ્પિટલોમાં મૃત્યુ પામ્યાં હતાં?
આ સવાલના જવાબમાં રાજ્યસભામાં કેન્દ્ર સરકારે કહ્યું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કોરોનાથી થનાર મૃત્યુની જાણકારી કેન્દ્ર સરકારને આપે છે પરંતુ કોઈ પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશે ઓક્સિજનની કમીને કારણે મૃત્યુનો કોઈ અહેવાલ આપ્યો નથી.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેરમાં ઓક્સિજનની માગ ખૂબ વધી ગઈ હતી. પહેલી લહેરમાં 3095 મેટ્રિક ટન ઓક્સિજનની માગ હતી તો બીજી લહેરમાં 9000 મેટ્રિક ટન ઓક્સિજનની માગ હતી.
વિપક્ષનો વિરોધ
સરકારના આ જવાબ પર કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ફક્ત ઓક્સિજનની જ નહીં, સંવેદનશીલતા અને સત્યની કમી ત્યારે પણ હતી અને અત્યારે પણ છે.
કૉંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે તેઓ સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા સામે વિશેષાધિકાર હનન પ્રસ્તાવ લાવશે.
એમણે કહ્યું, હું આશ્ચર્યચકિત છું કે સરકાર કહી રહી છે કે ઓક્સિજનની કમીથી કોઈનું મોત નથી થયું. ખોટી જાણકારી આપીને એમણે ગૃહને ગુમરાહ કર્યું છે, અમે એમની સામે વિશેષાધિકાર હનન પ્રસ્તાવ લાવીશું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યું કે, જો આ સરકારની વાત માનીએ તો જે લોકો ઓક્સિજનની કમીને કારણે માર્યા ગયા એ સિવાય ઓક્સિજનની કમીને કારણે કોઈનું મોત થયું નથી.
તહેસીન પુનાવાલાએ ટ્વિટર પર લખ્યું, રાતોની રાતો હું અકારણ જાગતો રહ્યો... ડૉક્ટરો અને હૉસ્પિટલો અમને અકારણ જ ફોન કરતાં હતા.. લોકો કારણ વગર ઓકિસજનની લાઇનોમાં ઊભા હતા..
અસદુદ્દીન ઔવેસીએ લખ્યું કે, જો ઓક્સિજનની કમીને કારણે કોઈનું મૃત્યુ નથી થયું તો ભારતના વડા પ્રધાન કોણ છે, એ અમને ખબર નથી.
અનેક લોકોએ સરકારના નિવેદનને સ્વજનો ગુમાવનાર લોકોના ગાલ પર તમાચા સમાન ગણાવ્યું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો