જગન્નાથજી રથયાત્રા અમદાવાદ : નિયમો લાગુ છે પણ જો પાલન નહીં થાય તો? શું કહે છે નિષ્ણાતો?

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP via Getty Images
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ઘાતક બીજી લહેર બાદ હાલ કોરોના કેસમાં ઘટાડો છે, નિષ્ણાતો અને તંત્ર વારંવાર કોરોનાની ત્રીજી લહેર સામે સાવધાન રહેવા જણાવી રહ્યું છે.
કોરોનાના કારણે પરિસ્થિતિ ફરીથી વધુ ગંભીર ન બને તે માટે વારંવાર સરકાર દ્વારા લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. એ સાથે જ્યાં કોરોનાને કારણે અનેક લોકો મૃત્યુ પામ્યાં એ અમદાવાદમાં રથયાત્રા પણ સરકારે લાગુ કરેલી મર્યાદાઓ સાથે યોજાવાની છે.
સુપ્રીમ કોર્ટે અગાઉ જગન્નાથપુરીની પ્રખ્યાત રથયાત્રાને શરતી પરવાનગી આપી હતી. અને એ સાથે જ ઓડિશામાં અન્ય રથયાત્રાઓને કરવા દેવાની અરજી ફગાવી દીધી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઓડિશા કેસમાં ચીફ જસ્ટિસે પોતાને ભગવાન જગન્નાથના ભક્ત ગણાવી કહ્યું હતું કે, ગત વર્ષે અનેક લોકો મૃત્યુ પામ્યાં, આ વર્ષે પણ અનેક લોકો મૃત્યુ પામ્યાં. આશા રાખીએ કે ભગવાન આપણને આવનાર વર્ષે પરંપરા નિભાવી શકવાની પરવાનગી આપશે. ચીફ જસ્ટિસે એમ પણ કહ્યું હતું કે, ઘરેથી પૂજા કરો, મારે પણ દોઢ વર્ષથી પુરી જવું છે પણ નથી જઈ શકતો.
ગુજરાતમાં અમદાવાદની રથયાત્રાનું 144મું વર્ષ છે અને ગુજરાત સરકારે રથયાત્રાના આયોજન માટે પૂરતી સાવચેતી રાખવા માટેનાં પગલાં ભર્યાં હોવાનું કહ્યું છે. જોકે, એવી શંકા પણ સેવાઈ રહી છે કે સરકારની ધારણા અને આયોજન મુજબ રથયાત્રા ન થાય અને ભારે ભીડ ઉમટી પડે તો શું? આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે જો ભીડ ભેગી થાય તો તેવી પરિસ્થિતિમાં કોરોનાનો રોગચાળો શહેરમાં ફરી માથું ઊંચકી શકે છે.
નિષ્ણાતોની વાત અગાઉ જાણીએ કે આ વખત રથયાત્રા યોજવાનો સરકારનો શો પ્લાન છે?

કેવી રીતે યોજાશે રથયાત્રા?

અમદાવાદમાં દર વર્ષે યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તાજેતરમાં પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી.
નોંધનીય છે કે અમદાવાદમાં નીકળનારી આ 144મી રથયાત્રા હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદની રથયાત્રા અંગે ડીજીપી આશિષ ભાટીયાએ ગુજરાત સરકારની કોર કમિટીને આપેલા રિપોર્ટ બાદ ગુજરાતમાં રથયાત્રા કોવિડ પ્રોટોકૉલ મુજબ નીકળશે.
જાડેજાએ આ અંગે કહ્યું હતું કે "આ વખતે અમદાવાદની રથયાત્રામાં કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે અને આ રથયાત્રા પરંપરાગત રથયાત્રાથી અલગ હશે."
પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે "ચારથી પાંચ કલાકના સમયમાં આ રથયાત્રા યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું છે."
તેમણે કહ્યું કે સરસપુરમાં ભોજન સમારંભ નહીં યોજાય. મર્યાદિત લોકોની હાજરીમાં પહિંદવિધિ કરાશે.
ખલાસીઓ માટે પણ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે.
તેમણે કહ્યું કે આ વખતની રથયાત્રામાં શણગારેલા હાથીઓ અને અખાડા વગેરેને મંજૂરી આપવામાં આવી નથી.

ગુજરાતમાં કોરોના કેસોમાં ઘટાડો

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરમાં કોરોના વાઇરસની ખતરનાક બીજી લહેરમાં અમદાવાદ સહિત ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં કોરોનાના કારણે ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
દર્દીઓથી ઉભરાતી હૉસ્પિટલો, હૉસ્પિટલ બહાર ઍમ્બુલન્સની લાંબી કતારો અને કથિતપણે સારવારના અભાવે જીવ ગુમાવતા દર્દીઓના સમાચારોથી અખબારોનાં પાનાં ભરાયેલાં હતાં.
પરંતુ પાછલા અમુક દિવસોથી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.
ગુજરાત સરકારના આરોગ્યવિભાગ દ્વારા અપાયેલ માહિતી અનુસાર સમગ્ર રાજ્યમાં આઠ જુલાઈના રોજ કોરોનાના નવા 56 કેસો નોંધાયા હતા. જે પૈકી અમદાવાદમાં 12 કેસ નોંધાયા હતા.
નોંધનીય છે કે હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કુલ 1,356 ઍક્ટિવ કેસો છે.
તેમ છતાં ઘણા નિષ્ણાતો કોરોનાના ઘટતા કેસોને જોઈને વધુ પડતી છૂટછાટ આપવાના પક્ષમાં નથી.

ગત વર્ષની રથયાત્રા વખતે શું થયું હતું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર ગત વર્ષે રથયાત્રાને પરવાનગી મળી નહોતી. જેને પગલે અમદાવાદમાં જગન્નાથમંદિરના પરિસરમાં જ રથયાત્રા નીકળી હતી.
આ પ્રસંગે મુખ્ય મંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા અને તેમણે વહેલી સવારે પહિંદવિધિ કરી હતી. અને ખલાસીઓએ પરિસરની અંદર જ રથને ફેરવ્યા હતા.
પરિસરમાં હાજર બીબીસી ગુજરાતીના સંવાદદાતા સાગર પટેલના જણાવ્યા અનુસાર ખલાસીઓ રથને મંદિરની બહાર કાઢવા ઇચ્છતા હતા અને આ માટે તેઓ પરિસરમાં જ બેસી ગયા હતા.
જોકે, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને જગન્નાથમંદિરના મુખ્ય મંહત દિલીપદાસ વચ્ચે બેઠક બાદ ખલાસીઓ મંદિરપરિસરમાં જ રથ ખેંચવા માટે તૈયાર થઈ ગયા હતા.
હાઈકોર્ટના આ ચુકાદા બાદ અમદાવાદમાં રથયાત્રા નહીં નીકળે અને જગન્નાથમંદિરના પરિસરની અંદર જ રથને ફેરવવામાં આવશે એવું નક્કી થયું હતું. 142 વર્ષમાં પ્રથમ વખત જગન્નાથનો રથ મંદિરની બહાર નીકળી શક્યો નહોતો. એ વખતે મહંત દિલીપદાસજીએ રથયાત્રા મામલે પોતાની સાથે રમત રમાઈ ગઈ હોવાનું પણ કહ્યું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
હાઈકોર્ટે કહ્યું હતું કે ગુજરાતમાં જગન્નાથપુરી જેવી પરિસ્થિતિ નથી. હાઈકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે શ્રદ્ધા એ અંતરઆત્માનો વિષય છે અને લોકો વગર રથયાત્રા કાઢવાનો કોઈ અર્થ નથી સરતો.
નોંધનીય છે કે રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધે નહીં તે માટે રથયાત્રા પર રોક લગાવવા માટે પત્રકાર હિતેશ ચાવડા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
નોંધનીય છે કે ગત વર્ષે 23 જૂનના રોજ અષાઢી બીજનો દિવસ હતો. તે દિવસે જ રથયાત્રાનું આયોજન કરાતું હોય છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનલૉકની કાર્યવાહી શરૂ થઈ ગયા છતાં ઘણા વિસ્તારોમાં પ્રતિબંધો લાગુ હતા.
કોરોનાના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં તે સમયે દરરોજ 300 કરતાં વધુ કોરોનાના કેસો આવી રહ્યા હતા. રથયાત્રાના રૂટ પર આવતા ઘણા વિસ્તારો તે દરમિયાન કોરોના વાઇરસના સંક્રમણને કારણે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવતા હતા.

'સૂતેલા રાક્ષસને જગાડવા સમાન ભૂલભરેલો નિર્ણય'

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. કીરિટ ગઢવી અમદાવાદમાં રથયાત્રાનું આયોજન કરવાના નિર્ણયને સૂતેલા રાક્ષસને જગાડવા સમાન ભૂલભરેલો ગણાવે છે.
તેઓ કહે છે કે, "આપણે બધાએ કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાંથી શીખ લેવાની જરૂર હતી. જો તમામ બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવ્યા છતાં લોકોને રથયાત્રાના રૂટ પર એકઠા થતાં નહીં રોકી શકાય તો ચોક્કસ આ પરવાનગી ત્રીજી લહેરને જલદી આમંત્રિત કરવાનું નિમિત્ત બનશે."
ડૉ. ગઢવી કહે છે કે આ વખત સરકારે જ નહીં પરંતુ જનતાએ પણ સાવચેતી રાખવાની જરૂર છે. પોતાની અને પોતાના પરિવારની સલામતી માટે આવી કોઈ પણ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું એ તેમના હિતમાં રહેશે તે સમજવાની જરૂર છે.
તેઓ કહે છે કે, "હાલ યોજનાનુસાર બધું થશે તેવી આશા રાખીએ, પરંતુ ભૂતકાળમાં જોવા મળ્યું છે કે બધું યોજનાનુસાર પાર પાડી શકાય એવું દરેક વખતે થતું નથી. જો આવી કોઈ પણ ઘટના આ વખત બનશે તો તે બિલકુલ ઘાતક નીવડી શકે છે."
આવી જ રીતે ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન, ગુજરાત ચૅપ્ટરના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. ચંદ્રેશ જરદોશ પણ ગુજરાત સરકાર દ્વારા સોમવારના દિવસે યોજાનાર રથયાત્રાના નિર્ણયને સલામતીભર્યો નિર્ણય માનતા નથી.
તેઓ કહે છે કે, "તમામ વ્યવસ્થા છતાં જો લોકો એકઠા થશે. તો સરકારનો આ નિર્ણય અગ્નિ પર પેટ્રોલ છાંટ્યા બરોબર ગણાશે."
"સરકારે આ લોકોની ધાર્મિક ભાવનાઓની કદર કરવાની હોય છે. પરંતુ આ સમય તેના માટે યોગ્ય નથી. અહીં પ્રાથમિકતામાં લોકોનું સ્વાસ્થ્ય હોવું જોઈએ. હવે જે નિર્ણય લેવાયો છે તેમ આયોજન પ્રમાણે બધું પાર પડે તેવી પ્રાર્થના કરવા સિવાય આપણી પાસે હવે કોઈ માર્ગ નથી."
જોકે, અહીં નોંધનીય છે કે ગુજરાત ભાજપના ઘણા નેતાઓ અને ગુજરાતના પોલીસ અધિકારીઓ રથયાત્રાના યોજના અનુસારના સફળ આયોજન કરાશે તેવો દાવો કરી ચૂક્યા છે. હવે એ જોવું રહ્યું કે રથયાત્રાનું આયોજન સલામતીપૂર્વક કરવામાં સરકાર અને તંત્રને કેટલી સફળતા સાંપડે છે.

ગુજરાતમાં શું બંધ, શું ચાલુ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
અહીં નોંધનીય છે કે હજુ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ લાદવામાં આવેલાં અમુક નિયંત્રણો ચાલુ રખાયાં છે. જોકે, સમયાંતરે કેસો ઘટતાં અમુક નિયંત્રણોમાં મુક્તિ જરૂર અપાઈ છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાવાળી કોર કમિટીમાં લેવાયેલા નિર્ણયો મુજબ રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ આઠ મહાનગરોમાં જ રાત્રી કર્ફ્યુ અમલમાં છે.
આ રાત્રી કર્ફ્યુ 10 જુલાઈ રાત્રે 10 કલાકથી 20 જુલાઈ સવારે 6 કલાક સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે 10થી સવારે 6 સુધી રહેશે.
એવો પણ નિર્ણય કરાયો છે કે રાત્રી કર્ફ્યુ અમલમાં છે તે શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શૉપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિગ યાર્ડ, અઠવાડિક ગુજરી/બજાર/હાટ, હેર કટિગ સલૂન, બ્યુટી-પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના નવ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓએ 31 જુલાઈ સુધીમાં વૅક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે નહીં તો આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહીં.
ગુજરાત સરકારે આઠ જુલાઈએ બહાર પાડેલી ગાઇડલાઇન અનુસાર, રાજ્યમાં રાત્રિના નવ વાગ્યા સુધી રેસ્ટોરાં ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે. આ સિવાય હોમ ડિલિવરી રાત્રિના 12 વાગ્યા સુધી ચાલુ રાખવાનું ઠરાવવામાં આવ્યું છે.
અહીં નોંધનીય છે કે રેસ્ટોરાં 60 ટકા ક્ષમતાએ જ ચાલુ રાખી શકાશે.
જ્યારે જિમ પણ તમામ જરૂરી નિયમોના પાલન સાથે ચાલુ રાખી શકાશે. તેમજ ધોરણ નવથી અનુસ્નાતક કક્ષાના અને સ્પર્ધાત્મક પરીક્ષાના ટ્યૂશન ક્લાસ પણ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
તેમજ તમામ પરીક્ષા કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાની સાથે લેવાની મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યનાં તમામ પુસ્તકાલયો પણ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
એસ. ટી. અને ખાનગી બસ સેવા 75 ટકા મુસાફરોની ક્ષમતાએ ચાલુ રાખી શકાશે. આ સિવાય સિનેમા થિયેટરો, ઑડિટોરિયમ, ઍસેમ્બલી હૉલ, મનોરંજક સ્થળો પણ 60 ટકા ક્ષમતાએ ચાલુ રાખી શકાશે.
તેમજ લગ્નમાં પણ 150 મહેમાનોની હાજર રહી શકે તેવી છૂટછાટ આપવામાં આવી છે.
આ સિવાય ગુજરાતમાં કોરોના વાઇરસની ગતિ ધીમી પડતાં CM વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ કોર કમિટીની બેઠકમાં તારીખ 15 જુલાઈથી ધોરણ 12, પૉલિટેકનિક સંસ્થાઓ અને કૉલેજો 50 ટકા ક્ષમતા સાથે વાલીઓની સંમતી મેળવીને શરૂ કરવાનો પણ નિર્ણય લેવાયો છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













