‘અમિત શાહ આવવાના હોવાથી ફ્લૅટોનાં બારીબારણાં બંધ રાખવા વિનંતી’

અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમિત શાહ શનિવારથી ત્રણ દિવસ સુધી ગુજરાતની મુલાકાતે આવવાના છે

અમદાવાદમાં અમિત શાહની મુલાકાતને પગલે વેજલપુર પોલીસ દ્વારા કૉમ્યુનિટી હૉલની આસપાસ આવેલી બહુમાળી ઇમારતોમાં આવેલ ફ્લૅટમાં રહેતા લોકોને પોતાના ફ્લૅટનાં બારીબારણાં બંધ રાખવા કહ્યું છે.

નોંધનીય છે કે ભારતના ગૃહમંત્રી અમિત શાહ શનિવારથી રાજ્યના ત્રણ દિવસના પ્રવાસે આવનાર છે.

પોતાની મુલાકાત દરમિયાન તેઓ અનેક પ્રોજેક્ટોના ઉદ્ઘાટનકાર્યક્રમોમાં સામેલ થવાના છે. આ પૈકી એક પ્રોજેક્ટ વેજલપુર કૉમ્યુનિટી હૉલનો પણ છે.

પોલીસ દ્વારા આસપાસની ઇમારતોમાં આવેલા ફ્લૅટોના ચૅરમૅનો માટે જારી કરવામાં આવેલ પત્રમાં ગૃહમંત્રી અમિત શાહની આગામી મુલાકાતને પગલે રવિવારે તારીખ 11/07/2021ના રોજ સવારના દસ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી રહીશોને પોતાના ફ્લૅટનાં બારીબારણાં બંધ રાખવા વિનંતી કરવામાં આવી છે.

જોકે, સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ અગાઉ તેમના ઘરે આવીને બારીબારણાં બંધ રાખવા માટે સૂચના આપી રહી હતી. અને જો તેનું પાલન નહીં કરાય તો દંડાત્મક કાર્યવાહી કરવાની વાત પણ કરી રહી હતી.

જોકે, પોલીસ અધિકારી દ્વારા સ્થાનિકોને માત્ર વિનંતી કરાઈ હોવાનું જણાવાયું છે.

નોંધનીય છે કે અમિત શાહ ઝેડ પ્લસ સિક્યૉરિટી ધરાવે છે. અને તેમની સુરક્ષાનું કારણ આગળ ધરીને પોલીસે આ પગલું ભર્યું છે.

ઉલ્લેખનીય છે કે ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા દેશની સૌથી મોટી સુરક્ષા વ્યવસ્થા છે. જેને વીવીઆઈપી શ્રેણીની સુરક્ષા માનવામાં આવે છે.

આ શ્રેણીની સુરક્ષામાં 36 સુરક્ષાકર્મીઓનું કવચ હોય છે. એમાં એનએસજી અને એસપીજીના કમાન્ડો વ્યક્તિની આસપાસ સુરક્ષાનો ઘેરો બનાવે છે.

આ સુરક્ષા કવચમાં પહેલા ઘેરાની જવાબદારી એનએસજીની હોય છે. જ્યારે કે બીજો ઘેરો એસપીજી કમાન્ડોનો હોય છે.

આ સિવાય આઈટીબીપી અને સીઆરપીએફના જવાન પણ ઝેડ પ્લસ સુરક્ષામાં ફરજ પર હોય છે.

line

'કોઈ દંડાત્મક કાર્યવાહી કરાશે નહીં'

કૉમ્યુનિટી હૉલની આસપાસની ઇમારતોમાં આવેલ ફ્લૅટોનાં બારીબારણાં બંધ રાખવાની વિનંતી કરાઈ છે

ઇમેજ સ્રોત, Social media

ઇમેજ કૅપ્શન, કૉમ્યુનિટી હૉલની આસપાસની ઇમારતોમાં આવેલ ફ્લૅટોનાં બારીબારણાં બંધ રાખવાની વિનંતી કરાઈ છે

વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ. ડી. ઓડેદરાએ આ પત્રને સૂચના નહીં પરંતુ નમ્ર વિનંતી ગણાવી હતી.

તેમણે કહ્યું હતું કે, "આવતી કાલે ગૃહમંત્રી વિસ્તારમાં વેજલપુર કૉમ્યુનિટી હૉલના ઉદ્ગાટન માટે આવવાના છે. તેને ધ્યાને લઈને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે સ્થાનિકોને આ વિનંતી જારી કરી છે."

આ સિવાય તેમણે જણાવ્યું હતું કે માત્ર કૉમ્યુનિટી હૉલની આસપાસની ઇમારતોમાં આવેલ ફ્લૅટોનાં બારીબારણાં બંધ રાખવાની વિનંતી કરાઈ છે.

પી.આઈ.ઓડેદરાએ કહ્યું હતું કે, "સુરક્ષાના કારણોસર આવું કરાયું છે. કારણ કે જ્યારે વિસ્તારમાં ઘણી બધી ઊંચી ઇમારતો હોય છે, ત્યારે પોલીસ માટે આસપાસની ઇમારતો પર અને તેનાં દરેક બારીબારણાં પર નજર રાખવાનું મુશ્કેલ બની જાય છે. અને જો લોકો સહકાર આપી જાતે બારીબારણાં બંધ રાખશે તો જે ફ્લૅટની બારી કે બારણું ખુલ્લું દેખાય કે બંધ હોય પાછળથી ખોલવામાં આવે તો તરત તેના પર સુરક્ષા માટે હાજર રહેલ પોલીસકર્મીની નજર પડી શકે છે. આવું કરવાથી પોલીસની ઘણી મદદ થશે."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો સ્થાનિકો દ્વારા આ વિનંતી નહીં માનવામાં આવે તો તેવી પરિસ્થિતિમાં પોલીસ દ્વારા કોઈ દંડાત્મક પગલાં લેવાશે ખરાં?

આ પ્રશ્નના જવામાં તેમણે જણાવ્યું હતું કે વિનંતી ન માનનાર રહીશો સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. આ માત્ર વિનંતી છે.

line

શું પોલીસને શાહની સુરક્ષા મુદ્દે કોઈ ચિંતાજનક સૂચના મળી છે?

વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ. ડી. ઓડેદરાએ આ પત્રને સૂચના નહીં પરંતુ નમ્ર વિનંતી ગણાવી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ. ડી. ઓડેદરાએ આ પત્રને સૂચના નહીં પરંતુ નમ્ર વિનંતી ગણાવી હતી

શું અમિત શાહની સુરક્ષા પર ખતરા અંગેની કોઈ સૂચના પોલીસને મળી છે કે કેમ?

આ પ્રશ્નના જવાબમાં પોલીસ ઇન્સ્પેક્ટર એલ. ડી. ઓડેદરાએ જણાવ્યું હતું કે, આ એક રૂટિન કાર્યવાહી છે.

"પોલીસને આવી કોઈ પણ પ્રકારની સૂચના મળી નથી. પરંતુ મુલાકાતી દેશના ગૃહમંત્રી હોવાના કારણે પોલીસે તેમને પૂરતી સુરક્ષા મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે પોતાની ફરજના ભાગરૂપે આ વિનંતી નાગરિકોને કરી છે."

line

'પોલીસ દાદાગીરી કરીને ફરજ પાડી રહી હતી'

શું ખરેખર પોલીસે સ્થાનિકોને ધમકી આપી હતી?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શું ખરેખર પોલીસે સ્થાનિકોને ધમકી આપી હતી?

વેજલપુરના સ્વામીનારાયણ ફ્લૅટના રહીશો પૈકી એક પંક્તિબહેન જોગ જણાવે છે કે ગઈ કાલ સુધી પોલીસ ફ્લૅટોમાં જઈને લોકોને ડરાવી રહી હતી. અને જો બારીબારણાં બંધ નહીં રાખવામાં આવે તો કાર્યવાહી કરવાની ચીમકી આપી રહી હતી.

તેઓ કહે છે કે, "જ્યારે અમે કહ્યું કે અમને આ બધી સૂચના લેખિતમાં આપો. તો તેમણે ઘણી રકઝક બાદ મારી સોસાયટીના ચૅરમૅનને વિનંતીપત્ર મોકલી આપ્યો. જેમાં પોલીસની ભાષા સાવ બદલાયેલી હતી. પહેલાંની જેમ કાર્યવાહીની વાત તેમાં નહોતી."

પંક્તિબહેનનો આરોપ છે કે, "સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મીઓ દ્વારા આસપાસની ઇમારતોમાં રહેતા લોકોને ઘરે-ઘરે જઈને શનિવારે બારીબારણાં બંધ રાખવા ડરાવવામાં આવ્યા છે. અને જો તેઓ આવું નહીં કરે તો શૂટ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે. પરંતુ પોલીસના પત્રમાં આવો કોઈ ઉલ્લેખ નથી."

પંક્તિબહેનનો આરોપ છે કે અમદાવાદમાં ઘણી વાર વીવીઆઇપી બંદોબસ્તના નામે પોલીસ આવી દાદાગીરી કરતી હોય છે.

તેઓ કહે છે કે, "માંડ કોરોના બાદ પોતાની રોજગારી ફરીથી શરૂ કરનારા લારી-ગલ્લાવાળાને પણ વિસ્તારના રસ્તાઓ પરથી હઠાવી દેવાયા છે. આ તમામ રોજિંદું કામ કરી કમાનારા લોકો છે. પોલીસની આ કાર્યવાહીથી આવા લોકોને ઘણી તકલીફ પડી છે. પરંતુ તેમની વાત કોઈ કરતું નથી."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છે