ભીમા કોરેગાંવ : ફાધર સ્ટેન સ્વામીનું નિધન

ભીમા કોરેગાંવ હિંસક અથડામણમાં આરોપી એવા ફાધર સ્ટેન સ્વામીનું નિધન થયું છે.

84 વર્ષીય ફાધર સ્ટેન સ્વામી પર ભીમા કોરેગાંવમાં હિંસા ભડકાવવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.

બીબીસીના સહયોગી પત્રકાર રવિ પ્રકાશે સાથે ઝારખંડ જનઅધિકાર મહાસભાના સિરાજ દત્તાએ સ્ટેન સ્વામીનું નિધન થયું હોવાની વાતની પુષ્ટિ કરી છે.

સ્ટેન સ્વામીની તબિયત ખરાબ હતી અને તેમને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

બૉમ્બે હાઈકોર્ટમાં એમની જામીન અરજી પર સુનાવણીમાં સ્ટેન સ્વામીનું મૃત્યુ થયું હોવાની વાત સામે આવી હતી.

કોણે શું કહ્યું?

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફાધર સ્ટેન સ્વામીના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ ન્યાય અને માનવતાને લાયક હતા.

ગુજરાતના વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ ભીમા કોરેગાંવમાં હાજરી આપી હતી. એમણે સોશિયલ મીડિયામાં લખ્યું કે ફાધર સ્ટેન સ્વામી કદી નથી મરતા. તેઓ આપણા દિલમાં એક હીરો તરીકે હયાત રહેશે, એક બહાદુર અસહમતીનો અવાજ જેઓ પોતાની જિંદગીનો ભોગ આપી ફાસીવાદી મોદી સરકારની સામે ઊભા રહ્યા. મોદી-શાહના હાથ ફાધર સ્ટેન સ્વામીના લોહીથી રંજિત છે, દેશ એમને માફ નહીં કરે.

કૉંગ્રેસ નેતા શશિ થરૂરે લખ્યું કે ફાધર સ્ટેન સ્વામી માનવતા અને ઇશ્વરની વ્યક્તિ હતા જેમની સામે સરકાર માનવીય વર્તન ન દાખવી શકી. ભારતીય તરીકે ખૂબ દુખી છું.

એમણે 2020માં ધરપકડ વખતની ટ્વિટ પણ યાદ કરી જેમાં એમણે કહ્યું હતું કે, 83 વર્ષના સામાજિક કાર્યકર જેમણે અનેક અસહાય લોકોની સહાય કરી તેમની ધરપકડ એ રાષ્ટ્રીય શરમ છે. એ દુનિયા સમક્ષ ભારતની ઉદાર લોકશાહીનો ધ્વંસ છે.

ભીમા કોરેગાંવ કેસમાં ગત વર્ષે એનઆઈએ દ્વારા એમની રાંચીથી ધરપકડ કરવામાં આવી હતી.

મૃદુભાષી વ્યક્તિ ગણાતા સ્ટેન સ્વામી 1991થી ઝારખંડ બન્યું ત્યારથી આદિવાસીઓના અધિકારો માટે કામ કરતા હતા.

જાન્યુઆરી 2018માં ભીમા કોરેગાંવમાં હિંસક અથડામણો થઈ હતી. આ ઘટનામાં પોલીસે 16 સામાજિક કાર્યકર્તાઓ, કવિઓ અને વકીલોની ધરપકડ કરી હતી જેમાં ફાધર સ્ટેન સ્વામીનો પણ સમાવેશ થાય છે.

પોલીસ અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ આ કેસમાં ધરપકડ કરી હતી તેમાં આનંદ તેલતુંબડે, માનવાધિકાર કાર્યકર્તા ગૌતમ નવલખા, કવિ વરવર રાવ, સુધા ભારદ્વાજ, વર્નોન ગોન્ઝાલ્વિસ સહિત બીજા ઘણા લોકો સામેલ છે.

ભીમા કોરેગાંવ હિંસાની દેશના સામાજિક અને રાજકીય માહોલ પર ગંભીર અસર પડી હતી.

1 જાન્યુઆરી, 2018ના રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને મરાઠાઓ વચ્ચે થયેલા યુદ્ધની 200મી વર્ષગાંઠની ઉજવણી વખતે ભીમા-કોરેગાંવમાં હિંસા ફાટી નીકળી હતી.

તે દિવસે હજારો દલિતો ભીમા કોરેગાંવમાં વિજયસ્થંભ નજીક એકઠા થયા હતા. પરંતુ આ વિસ્તારમાં તણાવ ફેલાયા બાદ ત્યાં આગ ચાંપવાની અને પથ્થરમારાની ઘટનાઓ બની. તેમાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું અને એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

આ ઘટનાથી એક દિવસ અગાઉ 31 ડિસેમ્બર, 2017ના રોજ ઐતિહાસિક શનિવાર વાડા પર એલ્ગાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રકાશ આંબેડકર, જિજ્ઞેશ મેવાણી, ઉમર ખાલિદ, સોની સોરી અને બી.જી. કોલસે પાટિલ જેવી હસ્તીઓએ ભાગ લીધો હતો.

કોણ હતા સ્ટેન સ્વામી?

મૂળ તામિલનાડુમાં જન્મેલા ફાધર સ્ટેન સ્વામીના પિતા ખેડૂત હતા અને માતા ગૃહિણી હતાં.

એમણે દાયકાથી વધારે સમય બેંગલુરુમાં વંચિત સમુદાયના લોકોનું નેતૃત્વ ઊભું કરવા માટે તાલીમ શાળા ચલાવી.

સ્ટેન સ્વામીના દોસ્ત અને કર્મશીલ જેવિયર ડાયસ કહે છે કે, "એમના માટે કોઈ પણ બાબતથી ઉપર લોકો રહેતા. લોકોની સેવા માટે એમણે ચર્ચની માન્યતાઓની પર પરવા નહોતી કરી."

એમને જાણનારા લોકો કહે છે કે 1991માં ઝારખંડની રચના બાદ તેમણે આદિવાસીઓનાં અધિકારો માટે કામ કરવાની શરૂઆત કરી. તેઓ સતત આદિવાસીઓના અધિકારો માટે સંઘર્ષ કરતા રહેતા હતા.

કથિત નકસલી હોવાના આરોપસર જેલમાં બંધ 3000 મહિલાઓ અને પુરુષોની મુક્તિ માટે એમણે હાઈકોર્ટમાં પણ લડત આપી અને અંતરિયાળ ગામોમાં કામ કર્યું.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ સ્ટેન સ્વામીની ઑક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ધરપકડ કરી હતી.

તેમની સામે નક્સલવાદીઓ સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાનો ગંભીર આરોપ મૂકાયો હતો. ભીમા કોરેગાંવ કેસના તમામ આરોપીઓમાં સૌથી વયોવૃદ્ધ આરોપી છે જેમની સામે આતંકવાદને લગતી આકરી કલમો લગાવવામાં આવી હતી. તેમણે પોતાના પર લાગેલા તમામ આરોપોનો ઇનકાર કર્યો હતો.

થોડા દિવસો અગાઉ સ્ટેન સ્વામીને જેલમાં સ્ટ્રો આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેના કારણે જેલના વહીવટીતંત્રની ભારે ટીકા થઈ હતી.

83 વર્ષના ફાધર સ્ટેન સ્વામી પાર્કિન્સન્સ નામની બીમારીથી પીડિત હતા. તેમના વકીલે અદાલતમાં જણાવ્યું કે તેઓ હાથમાં કપ પકડી શકતા નથી, કારણ કે તેમના હાથ સતત ધ્રૂજતા રહે છે.

આ ઘટના પછી સોશિયલ મીડિયા પર એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને લોકોએ ફાધર સ્ટેન સ્વામી માટે તલોજા જેલમાં ઘણી સ્ટ્રો મોકલી હતી. સ્વામીના વકીલો ફરીથી કોર્ટમાં ગયા અને જેલનું વહીવટીતંત્ર તેમને સ્ટ્રો આપવા માટે તૈયાર થઈ ગયું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો